અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથેની વર્ચ્યુઅલ મિટિંગમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખાધ્યાન્નનું સંકટ વેઠતા વિશ્વ માટે ભારતના અનાજના ભર્યા ભંડાર આપવાની ઓફર કરી છે. એ સર્વવિદિત છે કે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે દુનિયાના ઘણા દેશોમાં અનાજની તંગી ઊભી થઈ છે. કહેવાય છે કે ખાધ્યાન્નમાં આત્મનિર્ભર ભારત પાસે એટલું બધું વધારાનું અનાજ છે કે તે દુનિયાના ઘણા દેશોની ભૂખ ભાંગી શકે તેમ છે. પરંતુ તેમાં વિશ્વ વ્યાપાર સંગઠનની શરત આડે આવે છે. વલ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનની શરત છે કે દુનિયાના જે દેશોની સરકારોએ તેના નાગરિકો માટે ખાધ્યાન્ન ખરીધ્યું હોય તેની નિકાસ કરી શકાય નહીં. એટલે ભારતીય વડા પ્રધાન જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિને દુનિયાને ખાધ્ય સંકટમાંથી ઉગારવા ભારત આતુર હોવાનું જણાવી તેમાં મદદરૂપ થવાની અપીલ કરે છે ત્યારે વાસ્તવમાં તો તે ભારતીય નાગરિકોની જરૂરિયાત માટે ખરીદાયેલા અનાજના વિશ્વ વ્યાપારનો પરવાનો માંગે છે !
સરકારો થોડા ગૌરવ અને ઝાઝા ગર્વ સાથે છેક સિત્તેરના દાયકાથી ખાધ્યાન્નમાં દેશ આત્મનિર્ભર હોવાની ઘોષણાઓ કરે છે. વિશ્વમાં ખાધ્યાન્ન અને દૂધ ઉત્પાદનમાં ભારત પ્રથમ, ફળો તથા શાકભાજીમાં દ્વિતીય અને ચોખાના ઉત્પાદનમાં તૃતીય ક્રમે છે. ૨૦૧૩ના વર્ષમાં વિશ્વના કુલ દાળ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ૨૫ ટકા, ચોખામાં ૨૨ ટકા અને ઘઉંમાં ૧૩ ટકા હતો. ૧૯૫૦-૫૧માં દેશમાં માત્ર ૫૧ મિલિયન ટન અનાજનું ઉત્પાદન થતું હતું. જે વાર્ષિક બે ટકાના દરે વધીને ૨૦૧૬-૧૭માં ૨૭૨ મિલિયન ટન થયું હતું. દેશની વાર્ષિક ૩૦૦ મિલિયન ટન ખાધ્યાન્નની જરૂરિયાત સામે ૨૦૨૦-૨૧માં ૩૧.૦૭ કરોડ ટન અને ૨૦૨૧-૨૨માં ૩૧.૬૦ કરોડ ટન ખાધ્યાન્ન પેદા થવાનો સરકારી અંદાજ છે. સરકારનો એવો પણ દાવો છે કે પ્રતિ વર્ષ દેશમાં ૫૦ મિલિયન ટન વધારાનું અનાજ પેદા થાય છે.
ખાધ્યાન્નમાં આત્મનિર્ભર ભારત ખરેખર તો ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં આત્મનિર્ભર છે. ૨૦૧૫-૧૬માં દેશના કુલ અનાજ ઉત્પાદનમાં ૭૮ ટકા તો ઘઉં-ચોખા જ હતા. ચોખા, ખાંડ, કપાસ, માંસ અને મસાલાની જ ભારતમાંથી નિકાસ થાય છે. જ્યારે દાળ, ખાધ્યતેલ અને ફળોની આયાત કરવી પડે છે. તેનો મતલબ એ થયો કે દેશની આવશ્યકતા પ્રમાણેનું તમામ અન્ન દેશમાં પેદા થતું નથી. કૃષિ આયાત વધે છે અને નિકાસ ઘટે છે તે બાબત પણ તમામ ખાધ્યાન્નમાં દેશના આત્મનિર્ભર હોવાની પોલ ખોલે છે. ૧૯૯૦-૯૧માં દેશની ૨.૮ ટકા કૃષિ આયાતો ૨૦૧૪-૧૫માં વધીને ૪.૨ ટકા થઈ હતી. પરંતુ એ જ વર્ષોની કૃષિ નિકાસ ૧૮.૫ ટકાથી ઘટીને ૧૨.૭ ટકા થઈ હતી.વળી ૨૦૧૫-૧૬માં દેશની કુલ આયાતોમાં લગભગ ૮૦ ટકા તો ખાધ્યાન હતું.
ઘડીભર માની લઈએ કે દેશ અનાજના ઉત્પાદનમાં આત્મનિર્ભર છે પણ શું દેશમાં જેટલું અન્ન છે તે તમામ સુધી પહોંચ્યું છે ? શું દેશમાં કોઈ ભૂખ્યું નથી ? ભૂખમરાએ દેશવટો લઈ લીધો છે ? આ સવાલના જવાબમાં વિશ્વ ભૂખમરા સૂચકાંકની હકીકતો આપણી સામે છે. ૨૦૨૦ના ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં ૧૦૭ દેશોમાં ભારત ૯૪મા ક્રમે હતો, પણ ૨૦૨૧માં તે વધુ નીચે ગયો છે. ૨૦૨૧માં ૧૧૬ દેશોમાં વિશ્વગુરુ ભારત ૧૦૧મા ક્રમે હતો. બાળકોની ઉંમરના હિસાબે ઓછી ઊંચાઈ, ઊંચાઈના હિસાબે ઓછું વજન, પાંચ વરસના બાળકોનું મૃત્યુ પ્રમાણ અને અલ્પપોષણના ચાર માપદંડોના આધારે તૈયાર થયેલ ભૂખમરા આંકમાં ભારતના ભૂખમરાનું વિકરાળ ચિત્ર ઉપસે છે. પાડોશી દેશો નેપાળ, મ્યાંમાર, ભૂતાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ કરતાં ભૂખમરા સૂચકાંકમાં ભારત નીચે છે. વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતા ચીનમાં ભૂખમરો બહુ ઓછો છે અને તે ટોચના ૧૬ દેશોની યાદીમાં છે પરંતુ ભારત તળિયાના ૧૬ દેશોમાં સામેલ છે !
રાષ્ટ્રીય ખાધ્ય સુરક્ષા અધિનિયમ, ૨૦૧૩ની જોગવાઈઓ મુજબ સસ્તા અનાજની દુકાનોથી ઠરાવેલા ભાવ કરતાં પણ ઓછા ભાવે ઘઉં, ચોખા અને બીજી થોડી જીવન જરૂરી ચીજો મેળવવા હકદાર લોકોની સંખ્યા ૮૧ કરોડ છે. કોરોના મહામારી દરમિયાન માર્ચ ૨૦૨૦થી પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશના ૮૦ કરોડ લોકોને મફત અનાજ આપવાનો સરકારનો દાવો છે. દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશની આશરે ૨૫ કરોડની વસ્તીમાંથી ૧૫ કરોડ લોકોને મફત અનાજ મળે છે. આ રીતે ખુદ સરકાર દેશની ૫૭ ટકા વસ્તી ખરીદશક્તિવિહોણી અને ગરીબ હોવાનું સ્વીકારતી હોય ત્યારે અન્ન સ્વાવલંબનની શેખી શા કામની?
પેટ પૂરતું ખાવા ન પામતા લોકોની સંખ્યા દેશમાં ૨૦૧૪-૧૬માં ૪૨.૬૫ કરોડ હતી. ૨૦૧૭-૧૯માં તેમાં વૃદ્ધિ થઈ છે અને હવે તે ૪૮.૮૬ કરોડ છે. ૧૫થી ૪૯ વર્ષની ઉંમરની કુલ મહિલાઓમાંથી રક્ત અલ્પતા કે લોહીની કમી ધરાવતી મહિલાઓ ૨૦૧૯-૨૦માં ૫૭ ટકા છે. પાંચ વર્ષથી ઓછી ઉંમરના દર ત્રણમાંથી બે બાળકો કુપોષિત છે તેમાંથી ૪૦ ટકા તો બિહાર અને ઝારખંડના છે. દેશના વિકસિત કે સમૃદ્ધ ગણાતા ગુજરાત, મહારાષ્ટૃ, કેરળ, પશ્ચિમ બંગાળ અને અસમ જેવા રાજ્યોમાં કુપોષણની સમસ્યા છે. ગરીબી અને બેરોજગારીને કારણે પેટ પૂરતું ધાન ખરીદવાનાં નાણાંના અભાવે લોકો કુપોષણ, અલ્પપોષણ અને રક્ત અલ્પતામાં સબડે છે. રાજનેતાઓ અનાજના ભર્યા ભંડારના ઓડકાર ખાધે રાખે છે અને દેશની વસ્તીનો મોટોભાગ ભૂખ્યા પેટે જીવે છે.
અંગ્રેજ શાસનકાળના પરતંત્ર ભારતમાં ૧૯૦૩માં દર વરસે વ્યક્તિદીઠ ૧૭૭.૩ કિલોગ્રામ અનાજની ઉપલબ્ધતા હતી. આઝાદીના લગભગ સિત્તેર વરસો પછી ૨૦૧૬માં પ્રતિવ્યક્તિ પ્રતિવર્ષ ખાધ્યાન્ન ઉપલબ્ધતા ૧૭૭.૭ કિલો ગ્રામ થઈ છે. એટલે સ્વતંત્ર ભારતમાં માંડ ૦.૪ કિલો ગ્રામનો નજીવો વધારો થયો છે. એટલે ખાધ્યાન્નમાં આત્મ નિર્ભરતા ગરીબોનું પેટ ભરી શકી નથી.
સંપત્તિની અસમાનતા પણ આત્મનિર્ભરતાને બોદી બનાવે છે. ૨૦૨૦માં દેશમાં ૧૦૨ અબજોપતિઓ હતા ૨૦૨૧માં બીજા ૪૦ ઉમેરાયા અને ૧૪૨ થયા. દેશના ૫૫.૨ કરોડ લોકોની કુલ સંપત્તિ જેટલી સંપત્તિ તો દેશના સૌથી વધુ અમીર ૯૮ લોકો પાસે છે. અમેરિકા અને ચીન પછી અબજોપતિઓની સંખ્યામાં ભારતનું નામ છે. ખાધ્યાન્નમાં સ્વાવલંબી હોવાનો ખોટો ગર્વ કરવો કે વિકરાળ આર્થિક અસમાનતાની શરમ અનુભવવી તે જેટલું ઝટ સમજાય તેટલું સારું છે. બહુમતી વસ્તીને પેટ પૂરતું ધાન મળતું નથી અને મુઠ્ઠીભર અમીરો પાસે બેસુમાર સંપત્તિ છે. એ સંજોગોમાં દુનિયાના સૌથી મોટા લોકતાંત્રિક દેશ તરીકે ખાધ્યાન્નમાં આત્મનિર્ભરતાના સંતોષ કરતાં દેશમાં પ્રવર્તતી સામાજિક-આર્થિક અસમાનતાને ઓળખવાની અને ઉકેલવાની જરૂર છે.
e.mail : maheriyachandu@gmail.com