
ચંદુ મહેરિયા
ગુજરાતમાં ગયા મહિને જ પાલિકા-પંચાયતની ચૂંટણીઓ થઈ હતી. પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકાની ચૂંટણી પછીની પહેલી સામાન્ય સભામાં સોળમાંથી આઠ મહિલા નગરસેવિકાઓના પતિદેવો કે અન્ય પુરુષ સભ્યો ઉપસ્થિત હતા. નિયમ પ્રમાણે સામાન્ય સભામાં સભ્યો સિવાયના કોઈ હાજર રહી શકે નહીં, એટલે હારીજ નગરપાલિકાના ચીફ ઓફિસરે મહિલા સભ્યો સાથેના પુરુષ પ્રતિનિધિઓને બહાર જવા જણાવ્યું. સરપંચ પતિપ્રથાના જમાનામાં ચીફ ઓફિસરનું આ વર્તન બરદાસ્ત શેને થાય? એટલે તેમણે આવી ગુસ્તાખી કરનાર અધિકારીને અપમાનિત કરી પાઠ ભણાવ્યો હતો.
ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પછી ચૂંટાયેલા સભ્યોએ આખા રાજ્યમાં એક જ દિવસે એક સાથે ચાર્જ લેવાનો છત્તીસગઢ સરકારનો આદેશ હતો. પરંતુ કબીરધામ જિલ્લાના પરસવારા ગામનાં નવનિર્વાચિત મહિલા પંચાયત સભ્યોના બદલે તેમના પતિ કે કુટુંબના મર્દોએ ચાર્જ લીધો. આવું તો સહજ ગણાય એટલે તેમણે ઘટનાનો વીડિયો પણ જારી કર્યો. તેથી ઘણો ઊહાપોહ થયો. વિવાદ બાદ મહિલા સભ્યોને બદલે તેમના પુરુષ પ્રતિનિધિને સભ્ય પદના ગેરકાયદે શપથ લેવડાવવાના આરોપસર ગામના તલાટીને સરકારે ફરજમોકૂફ કર્યા છે.
મધ્ય પ્રદેશના દેવાસ જિલ્લાના લાખનાખેત ગ્રામ પંચાયતના મહિલા સરપંચ પતિ કહે ત્યાં માત્ર સહીઓ જ કરે છે. સરપંચ તરીકેની સઘળી સત્તા અને જવાબદારીઓ તેમના પતિ પરમેશ્વર જ ભોગવે છે. જો કે રાજસ્થાનના અજમેર જિલ્લાની કાસીર ગ્રામ પંચાયતાના મહિલા સરપંચનો કિસ્સો તો તેનાથી અનેક ગણો આગળનો છે. તેમનો પુત્ર સરપંચની કામગીરી તો કરે જ છે, બેન્કના ચેક્સ પર સરપંચમાતેયની સહીઓ સુધ્ધાં કરે છે. ઓડિસાના કાલાહાંડી જિલ્લાના તુરેછડા ગામના મહિલા સરપંચના પતિએ મનરેગા કારકૂનને ત્રીસ મજૂરોની ખોટી હાજરી પૂરવા આદેશ કર્યો. પણ તેણે તે ના માન્યો એટલે તેને કામ પરથી તગેડી મૂકવામાં આવ્યો.
દેશની અર્ધી આલમ એવી મહિલાઓને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામત દ્વારા રાજકીય પ્રતિનિધિત્વ આપતો તોંતેરમો અને ચુંમોતેરમો બંધારણ સુધારો ૧૯૯૨માં થયો હતો. પંચાયત-પાલિકામાં મહિલા અનામતના અમલને સવા ત્રણ દાયકા વીત્યા બાદની સ્થિતિ ઉપરના કેટલાક કિસ્સાઓમાં છે. વળી તે અપવાદરૂપ નથી પણ સાર્વત્રિક છે. ચૂંટાયેલાં મહિલાને બદલે પતિ, પિતા, પુત્ર, ભાઈ કે જમાઈ વાસ્તવમાં કામ કરતાં હોય તેવી બહુ વગોવાયેલી સરપંચ પતિ પ્રથા માત્ર ગામડાંના પંચાયત સભ્ય કે સરપંચ સુધી જ મર્યાદિત નથી, તે મહિલા ધારાસભ્ય, સાંસદ અને મંત્રી સુધી વિસ્તરેલી છે. લોકતંત્રમાં મહિલાઓની ભાગીદારી કે પ્રતિનિધિત્વ નિશ્ચિત કરીને તેમની સામાજિક-આર્થિક સ્થિતિમાં સુધારો લાવવાના ઉમદા આશયથી જે મહિલા અનામત લાગુ પાડવામાં આવી છે તેને દેશની પિતૃસત્તાત્મક વિચારધારાએ બેમતલબ કરી દીધી છે.
આ પ્રશ્ન કેટલો વ્યાપક અને ચિંતાજનક છે તેનો ખ્યાલ એ હકીકત પરથી આવે છે કે દેશની સર્વોચ્ચ અદાલતે તેના પર નિર્દેશો આપ્યા છે. ભારત સરકારે તેના આધારે પૂર્વ ખાણ અને ખનિજ સચિવ સુશીલ કુમારના નેતૃત્વમાં સમિતિ બનાવી હતી. સમિતિએ તાજેતરમાં તેનો અહેવાલ સરકારને આપ્યો છે. આ અહેવાલમાં સરપંચ પતિપ્રથાની નાબૂદી માટે કઠોર દંડથી માંડીને જાગ્રતીકરણ માટેની ભલામણો કરવામાં આવી છે.
ભારતમાં કુલ ૨.૬૩ લાખ ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયતો છે. તેના કુલ ૩૨.૨૯ લાખ ચૂંટાયેલા સભ્યોમાં ૪૬.૬ ટકા કે ૧૫.૦૩ લાખ મહિલાઓ છે. પહેલી નજરે મહિલાઓને પંચાયતી રાજમાં લગભગ અડધોઅડધ રાજકીય પ્રતિનિધિત્વ મળ્યું છે તેમ આંકડા દર્શાવે છે. પરંતુ આંકડાકીય માહિતી અને જમીની સચ્ચાઈ વચ્ચે આભ જમીનનું અંતર છે. ત્રણ દાયકે પરિસ્થિતિમાં સુધારો જરૂર થયો છે અને કેટલાંક મહિલા પ્રતિનિધિઓએ અનેક અંતરાયો વચ્ચે સારું કામ કર્યું છે. પરંતુ હજુ ય મોટાપાયે વાસ્તવિક સત્તા પુરુષો જ ભોગવે છે.
મહિલાઓને ઉતરતી કે નીચી માનવાની વૃત્તિ, પુરુષકેન્દ્રી માનસિકતા, મહિલા ક્ષમતા અને નેતૃત્વ માટે અડચણ ઊભી કરતા સામાજિક-સાંસ્કૃતિક માપદંડો, ગરીબી, શિક્ષણનો અભાવ કે ઓછું શિક્ષણ, સામાજિક રૂઢિઓ, આર્થિક પરાધીનતા, મહિલા જાગ્રતિનો અભાવ, રાજકીય-સામાજિક-આર્થિક સંપર્કોનો અભાવ જેવાં કારણોથી પ્રોક્સી નેતૃત્વ કે પુરુષોની છદ્મ રાજનીતિ પંચાયતથી પાર્લામેન્ટ સુધી જોવા મળે છે. માત્ર સભ્ય પદ માટે જ નહીં સરપંચ, પાલિકા પ્રમુખ, તાલુકા-જિલ્લા પંચાયત પ્રમુખ કે મહાનગરપાલિકાના મેયર પદ માટે પણ મહિલા અનામત મુકરર કરી છે. એટલે પુરુષોના વર્ચસ હેઠળની સત્તાઓ મહિલાઓના હિસ્સે આવી છે. તે પુરુષોને પાલવે તેમ નથી. એટલે મહિલાઓ ભલે ચૂંટાય પણ રાજ તો પુરુષો જ ભોગવે છે.
મહિલાઓની રાજકીય ભાગીદારી નહિવત છે કે તેમાં વ્યાપક અસંતુલન છે. તેનો ઉકેલ મહિલા અનામત છે. આજે ભારત સહિત વિશ્વના લગભગ ૮૫ દેશોએ રાજકીય મહિલા અનામત થકી મહિલાઓનું પ્રતિનિધિત્વ વધારતા કાયદા ઘડ્યા છે. અમલમાં અખાડા છતાં તેના સારાં પરિણામો જોવાં મળ્યા છે. કેટલાક અભ્યાસ અને સંશોધનો મુજબ ગ્રામીણ રાજનીતિમાં મહિલાઓની સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. મહિલા સાક્ષરતા દર વધ્યો છે. ભ્રષ્ટાચાર, પ્રજનન દર અને બાળ લગ્નોમાં ઘટાડો થયો છે. જાહેર વિતરણ વ્યવસ્થામાં સુધારો થયો છે. વહીવટમાં સંવેદનશીલતા આવી શકી છે. શિક્ષણ, આરોગ્ય, મહિલા કલ્યાણ અંગેની સરકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચતો થયો છે. સૌથી મોટો લાભ તો મહિલાની યોગ્યતા, નેતૃત્વની ક્ષમતા અંગેના રૂઢિવાદી ખ્યાલોમાં બદલાવ આવ્યો છે. મહિલાઓના જાગ્રતીકરણ સાથે તેમનું રાજકીય સશક્તીકરણ થયું છે.
લોકતંત્રના પાયાની પંચાયતી રાજ વ્યવસ્થામાં મહિલા અનામતને લીધે સારા ફેરફાર થયા છે. આ દાયકાના અંત સુધીમાં ધારાસભા અને લોકસભામાં પણ મહિલા અનામત લાગુ થશે. એટલે મહિલા નેતૃત્વને વધુ મજબૂત બનાવવા આજથી જ જાગ્રત થવાની જરૂર છે. તે માટે મહિલાઓના નેતૃત્વ નિર્માણ, નેતૃત્વ વિકાસ અને ક્ષમતાવર્ધનના કાર્યક્રમો કરવાની જરૂર છે. મહિલાઓનાં નામે જ્યાં પુરુષો રાજકીય સત્તા ભોગવતા હોય ત્યાં આકરો દંડ કરવો જોઈએ. સરપંચ પતિવાદને ઊગતો જ ડામી દેવા ગ્રામ સભાઓમાં જ મહિલા સરપંચ અને સભ્યોની ઓળખ અને ભૂમિકા જાહેર કરવી જોઈએ. મહિલાઓને વિકાસ કામો અંગે પર્યાપ્ત નાણાંકીય ભંડોળ આપવું જોઈએ અને વહીવટી સહાયતા કરવી જોઈએ. કેરળની જેમ સરપંચ પતિપ્રથાના વિરોધીઓને પુરસ્કારવા જોઈએ. દેશના લગભગ તમામ રાજ્યોમાં પંચાયત સ્તરે પચાસ ટકા જેટલી રાજકીય મહિલા અનામત નીતિ વિદ્યમાન છે. તેને વધુ મજબૂતી બક્ષવાની જરૂર છે.
મહિલાઓના હાથમાં રહેલી રાજકીય નિર્ણય શક્તિ પુરુષોના હાથમાંથી લઈ લેવા માટે સામાજિક, સાંસ્કૃતિક વિચાર વલણો પણ બદલાવ માંગે છે. પંચાયતોમાં મહિલાઓના રાજકીય અધિકારોનું હનન થતું રોકવાની તાતી આવશ્યકતા છે. કાગળ પરની મહિલાઓની રાજકીય ભાગીદારીને વાસ્તવિક બનાવવી અનિવાર્ય છે. તો જ આંકડાઓમાં મજબૂત કે બરાબરીનું દેખાતું મહિલા રાજકીય પ્રતિનિધિત્વ હકીકત બની શકશે.
e.mail : maheriyachandu@gmail.com