આજે દુનિયા જેમને મહાત્મા તરીકે પૂજે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી વિદ્યાર્થી તરીકે કેવા હતા તે જાણવા – તપાસવાનો અવસર ગાંધી જયંતીથી વધુ રૂડો બીજો શો હોઈ શકે.
ગાંધીજીએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો’માં તેમના શિક્ષણ વિશે વીગતે નહીં લખ્યાની ફરિયાદ ઘણાં ગાંધી અભ્યાસીઓની છે. ગાંધીજીનો આત્મકથા લેખનનો ઉદ્દેશ તેમના જીવનના યથાતથ જીવનવૃત્તાંતનો નહીં, પણ તેમણે જે સત્યના પ્રયોગો કર્યા હતા તે આલેખવાનો હતો અને આત્મકથામાં વિદ્યાર્થી કાળના આવા પ્રયોગો તો તેમણે આલેખ્યા જ છે. છતાં તેમના વિદ્યાર્થી કાળ અને શિક્ષણ વિશે અલગ પુસ્તકો લખાયા છે. ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે રાજકોટની આલ્ફેડ હાઈસ્કૂલના નિવૃત્ત હેડમાસ્તર જયેષ્ઠારામ મણિશંકર ઉપાધ્યાયે ભારે લગન અને ખંતથી સંશોધન કરી અનેક આધાર, પુરાવા, મુલાકાતો એકત્ર કરી ગાંધીજીના શિક્ષણ વિષે અંગ્રેજી-ગુજરાતીમાં પુસ્તકો લખ્યા છે. ‘મહાત્મા ગાધી એસ એ સ્ટુડન્ટ’ (૧૯૬૫) અને મહાત્મા ગાંધી એ ટીચર્સ ડિસ્કવરી (૧૯૬૯) એ બે પુસ્તકો ગાંધીજીના વિદ્યાર્થી કાળને સમજવામાં ખૂબ ઉપયોગી છે. ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ તો જે.એમ. ઉપાધ્યાયના પુસ્તકને લેખકીય ઉદ્યમિતા અને જૂના દસ્તાવેજો પ્રતિ ગુજરાતીઓના લગાવનું જીવંત ઉદાહરણ કહી બિરદાવ્યું છે.
માણસની જન્મ સમયથી શરૂઆતનાં કેટલાંક વરસોની સ્મૃતિ હોતી નથી. જીવનના છપ્પનમાં વરસે (૧૯૨૫માં) ગાંધીજીએ આત્મકથા લખવી શરૂ કરી હતી. આત્મકથા એ જો સ્મૃતિ કથા હોય તો ગાંધીજીનું આત્મકથામાં પહેલું સ્મરણ તેમના શાળા શિક્ષણનું છે. તેમણે લખ્યું છે, “બચપણ પોરબંદરમાં જ ગયું. કોઈ નિશાળમાં મને મૂકવામાં આવેલો. મુશ્કેલીથી થોડા પાડા શીખેલો. તે કાળે છોકરાઓની સાથે હું મહેતાજીને માત્ર ગાળ દેતા શીખેલો એટલું યાદ છે, અને બીજું કંઈ યાદ નથી” ગાંધીજીની આ ‘કોઈ નિશાળ’ અંગે જ.મ ઉપાધ્યાય લિખિત “મહાત્મા ગાંધીજીની શૈક્ષણિક સિદ્ધિઓ” પુસ્તકમાં માહિતી મળે છે. તે પ્રમાણે ગાંધીજીની પહેલી નિશાળ પોરબંદરના તેમના ઘર(આજના કીર્તિમંદિર)થી નજીક આવેલી વીરજી કામદારની નિશાળ હતી. વીરજી કામદારના પગે ખોડ હોવાથી સ્થાનિક લોકો તેમની શાળાને લૂલિયા માસ્તરની નિશાળ તરીકે ઓળખતા હતા.
પિતા કરમચંદ ગાંધી તે પછી રાજકોટ ગયા એટલે ગાંધીજીનું મેટ્રિક્યુલેશન સુધીનું શિક્ષણ રાજકોટમાં થયું હતું. બ્રાન્ચ–સ્કૂલ, પરાની શાળા કે તાલુકા શાળા અને કાઠિયાવાડ હાઈસ્કૂલ (જે ૧૯૦૭થી આલ્ફ્રેડ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી) એમ રાજકોટની ત્રણ શાળાઓમાં તે ભણ્યા હતા. તે સમયના નિયમ મુજબ ગુજરાતી શાળામાં એકથી ચાર ધોરણ કરીને પ્રવેશ પરીક્ષા પાસ થયેથી અંગ્રેજી શાળાના એકથી સાત ધોરણમાં ભણવાનું થતું. કુલ અગિયાર ધોરણના અંતે મેટ્રિકની પરીક્ષા આપવાની રહેતી હતી.
ગાંધીજીનું વિદ્યાર્થી તરીકેનું સ્વમૂલ્યાંકન, “હું ભાગ્યે સામાન્ય કોટિનો વિદ્યાર્થી ગણાતો હોઈશ’, “હું અનુમાન કરું છું કે મારી બુદ્ધિ મંદ હશે અને યાદશક્તિ કાચા પાપડના જેવી હશે”નું છે. પરંતુ તેમના વિદ્યાર્થીકાળના પુરાવા દર્શાવે છે કે તે જેમ તેજસ્વી વિદ્યાર્થી નહોતા તેમ સાવ ઠોઠ પણ નહોતા. તેમને એક મધ્યમ દરજ્જાના વિદ્યાર્થી ગણી શકાય. તે શાળામાં ભણતા ત્યારે જેમ નાપાસ થયા છે, ઝીરો માર્ક્સ મેળવ્યા છે તેમ કોઈ કોઈ વિષયમાં ટોપર કરતાં વધુ માર્કસ મેળવ્યા છે, એક જ વરસમાં બે ધોરણ પાસ પણ કર્યા છે. સત્રાંત પરીક્ષામાં નાપાસ થયા છે અને વાર્ષિક પરીક્ષા સારા ગુણે પાસ કરી છે. પરીક્ષાના સારા પરિણામના આધારે સ્કોલરશિપ મેળવી છે. અઘરી ગણાતી અંગ્રેજી માધ્યમની હાઈસ્કૂલની પ્રવેશ પરીક્ષા, મુંબઈ યુનિવર્સિટી દ્વારા લેવાતી મેટ્રિકની પરીક્ષા, અનિવાર્ય નહીં એવી લંડન મેટ્રિક્યુલેશનની પરીક્ષા અને બેરિસ્ટરીની લેટિન સાથેની પરીક્ષા એક કે બે જ ટ્રાયલે પાસ કરી છે. એટલે તેમને સાવ સામાન્ય કોટિના કે સરેરાશ વિદ્યાર્થી ગણી શકાય નહીં.
બાળક, કિશોર અને યુવા મોહનદાસ શરમાળ, સંકોચશીલ, ડરપોક, વિષયભક્ત, નરમાખ, મૂઢ, જ્ક્કી જવાન અને આપમતિલો છોકરો હતા. તે છોડી-જાળવીને અહિંસા, સત્ય અને અભયના માર્ગે રાષ્ટ્રપિતા કે મહાત્મા થઈ શક્યા તેમાં તેમના શિક્ષણ અને શિક્ષકોનું યોગદાન કેટલું? કે મોહનદાસનું મહાત્મા તરીકેનું ઘડતર તેમના વિદ્યાર્થીકાળમાં થયું હતું ? તે સવાલનો જવાબ ઘણે ભાગે નકારમાં જ આવે છે. ખ્યાત અમેરિકી પત્રકાર લુઈ ફિશરે ગાંધીજીના જીવનચરિત્રમાં લખ્યું છે કે , “તેઓ મહત્ત્વની વાતો ભણતરમાંથી નથી શીખ્યા. ખરા ગાંધી, ઇતિહાસના ગાંધી નિશાળના ભણતરમાંથી નથી પાક્યા.”
બાળપણ અને કિશોરાવસ્થામાં ગાંધીજીને બૂરી સંગત વળગી હતી. માંસાહાર, ચોરી અને વ્યસન કરતાં થયા હતા. પરંતુ કાળક્રમે એ જાતે જ છોડ્યું. એટલું જ નહીં બેરિસ્ટર બનવા લંડન જવાનું થયું ત્યારે માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની માતા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા અચૂક પાળી હતી. તેની પાછળ કયું બળ હતું.? હાઈસ્કૂલના અંગ્રેજી ધોરણના પહેલા વરસની પરીક્ષા વખતે કેળવણી ખાતાના ઈન્સ્પેકટરે પાંચ શબ્દોની જોડણી લખાવી હતી. તેમાં એક શબ્દ કેટલ (Kettle) હતો. મોહનદાસે તેની જોડણી ખોટી લખી હતી. એટલે વર્ગશિક્ષકે પોતાના બૂટની અણી મારી સામેના છોકરાની પાટીમાંથી જોઈ લઈ જોડણી સુધારી લેવાનો ઈશારો કર્યો હતો. પણ તેમણે તેમ ન કર્યું અને આખા વર્ગમાં તેમની જ એક શબ્દની જોડણી ખોટી ઠરી. કદાચ પરીક્ષામાં એ નાપાસ થયા પણ નીતિ શિક્ષણમાં પાસ થયા અને તે પણ શિક્ષકની ઉપરવટ જઈને. પિતાએ ખરીદેલ શ્રવણપિતૃભક્તિ નાટકનું વાચન અને હરિશ્ચંદ્રનું આખ્યાન જોવાનું પણ તેમને નિશાળના કોઈ શિક્ષકની દોરવણી વિના જ થયેલું અને તેમાંથી મળેલી શિખામણ તેમણે કાયમ માટે ગાંઠે બાંધી હતી. એટલે જીવન મૂલ્યો તે શાળા શિક્ષણમાંથી નહીં બીજી રીતે શિખ્યાં હતા.
રાજકોટ સ્કૂલ ગાળાના સાથી મહેતાબ શેખ સાથેની દોસ્તીના ઉલ્લેખ વિના ગાંધીજીના વિદ્યાર્થી કાળનું આલેખન અધૂરું છે. મુસ્લિમ મિત્ર મહેતાબ સાથેના સંબંધને ગાંધીજીએ તેમની ‘જિંદગીનું દુ:ખદ પ્રકરણ’ કહ્યું છે. મહેતાબની દોસ્તી ગાંધીજીને પણ કેટલાક દુર્ગુણો તરફ ખેંચી ગઈ હતી. જો કે તેઓ ઝડપથી પાછા વળી ગયા. પણ મહેતાબ સાથેની મિત્રતા લાંબો સમય રહી હતી. ગાંધીજીમાં કાયમ રહેલા હિંદુ-મુસ્લિમ ભાઈચારાના બીજ કદાચ મહેતાબ સાથેની દોસ્તીમાં હતા.
ગાંધીજીના સમગ્ર જીવન સાથે જે મૂલ્યો વણાયેલાં છે તેના અણસાર તેમના વિદ્યાર્થીકાળમાં જોવા મળે છે. ૧૮૯૦માં લેવાયેલી લંડન મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નપત્રમાં એક સવાલ હતો કે સુવર્ણ કરતાં વધારે સુવર્ણમય શું છે? અને એકવીસ વરસના પરીક્ષાર્થી મોહનદાસ ગાંધીનો જવાબ હતો કે, સત્ય એ સુવર્ણમય છે. ભલે ભણતરે ગાંધીજી સામાન્ય કોટિના વિદ્યાર્થી મનાય પણ ગણતરે જીવન મૂલ્યો સભર માનવી અને સત્યાગ્રહી તરીકે તે અસામાન્ય છે, અસાધારણ છે.
e.mail : maheriyachandu@gmail.com