ભારે વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થતાં તેના ગેટ ખોલવા પડે છે. તેને કારણે હેઠવાસના વિસ્તારોમાં તબાહી પણ સર્જાતી હોય છે. ચોમાસામાં બંધોમાં ગાબડા પડવાની, બંધો તૂટવાની અને તેના દરવાજા ના ખુલવાની ઘટનાઓ પણ બને છે. આ બધા માટે બંધો સલામત ન હોવું કારણભૂત છે. જો તેની મરામત અને સાચવણી યોગ્ય રીતે ન થતી હોય તો તે લોકોના જીવ પણ લઈ શકે છે. બંધોની સુરક્ષાની સમયાંતરે સમીક્ષા થાય તો જાનહાનિ અને તબાહી નિવારી શકાય છે.
જળ વિના જીવન અશક્ય છે. એટલે જ વિશ્વની સઘળી માનવ સભ્યતાઓ નદીના કિનારે જ પાંગરી છે. જેમ જેમ પાણીની જરૂરિયાત વધતી ગઈ અને તેનો પુરવઠો સીમિત રહ્યો તેમતેમ તેના સંગ્રહની રીતો પણ પ્રયોજાતી રહી છે. દરિયામાં વહીને વેડફાઈ જતાં નદીનાં પાણીને રોકવા તેના પર બંધ બાંધવાનો વિચાર પણ તેની જ ફળશ્રુતિ છે. આજે દુનિયાભરમાં બંધને પાણી સંગ્રહનો સૌથી વ્યાપક અને વિશ્વસનીય વિકલ્પ માનવામાં આવે છે.
નદીઓ પરના બંધો બહુહેતુક છે. નદીનાં પાણીના આવરાને બંધમાં રોકતાં પૂર નિયંત્રણ થઈ શકે છે. જ્યારે બંધમાં સંગૃહિત પાણીનો ઉપયોગ કૃષિ સિંચાઈ, વીજળી ઉત્પાદન, ઔદ્યોગિક ઉપયોગ અને પીવા તથા અન્ય માટે થાય છે. મોટા બંધોના વિચારના વિરોધીઓ માટે પણ તેનો વિકલ્પ દર્શાવવો મુશ્કેલ છે. દુનિયામાં આશરે અડધો લાખ કરતાં વધુ મોટા બંધો છે. ચીન અને અમેરિકા પછી દુનિયામાં બંધોની સંખ્યાની દૃષ્ટિએ ભારતનો ત્રીજો ક્રમ છે. નેશનલ રજિસ્ટર ફોર ડેમ્સ મુજબ ૨૦૨૧ના અંતે ભારતમાં ૫,૩૩૪ બંધો હતા અને બીજા ૪૧૧નું નિર્માણ થઈ રહ્યું હતું. ભારતના બંધોની વાર્ષિક જળસંગ્રહ ક્ષમતા ત્રણસો બિલિયન ક્યુબિક મીટર છે. સો મીટરથી વધુની ઊંચાઈ ધરાવતા અને રાષ્ટ્રીય મહત્ત્વના ગણાતા બંધો ભારતમાં પાંસઠ છે. આવા પ્રત્યેક ડેમની જળસંગ્રહશક્તિ એક બિલિયન ક્યુબિક મીટર છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘના એજિંગ વોટર ઈન્ફ્રાસ્ટકચર નામક ૨૦૨૨ના રિપોર્ટ પ્રમાણે વરસ ૨૦૨૫ સુધીમાં ભારતમાં જે એક હજાર બંધો સો વરસથી જૂના છે તેનાથી જાનમાલના નુકસાનનો ખતરો છે. કેરળનો મુલ્લાપેરિયાર બંધ સવાસો વરસ પુરાણો છે. જે ક્યારે ય પણ મુશ્કેલી સર્જી શકે છે. તેને કારણે ૩૫ લાખ લોકોને અસર થઈ શકવાની દહેશત છે. ન માત્ર ભારતમાં દુનિયામાં પણ ઘણાં જૂના બંધો હોવાનું યુનોના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. દુનિયામાં ૧૯૩૦થી ૧૯૭૦ દરમિયાન ૫૮,૭૭૦ બંધોનું નિર્માણ થયું હતું. ૨૦૦૦થી ૨૦૦૯ના દાયકામાં જૂના, મરામત માંગતા અસલામત બંધોને કારણે ૨૦૦થી વધુ દુર્ઘટનાઓ સર્જાઈ હતી. ૧૯૭૯ની ગુજરાતના મચ્છુ ડેમની દુર્ઘટનામાં બસો લોકોના જીવ ગયા હતા. ૧૯૭૫માં ચીનના હેનાન પ્રાંતનો એક ડેમ તૂટતાં પોણા બે લાખ લોકોના મોત થયા હતા. એટલે નદીઓ તેના કુદરતી પ્રવાહને રોકીને બંધાયેલા ડેમને કઈ રીતે સહન કરે છે અને માનવજાત બંધોની કેવી કાળજી લે છે તેના પર તેના સારાંનરસાં પાસાંનો આધાર રહેલો છે.
અસુરક્ષિત બંધોને કારણે જાનમાલ, ઈમારતો, સડકો, નહેરો, ખેતી વગેરેને નુકસાન થઈ શકે છે. બંધોના જળાશયોમાં વધતું કાંપ અને માટીનું પ્રમાણ બંધની જળસંગ્રહ શક્તિને ઘટાડે છે, એટલે તેનો નિયમિત નિકાલ થવો જોઈએ. બંધોની તકેદારી, નિરીક્ષણ, કાળજી, મરામત પણ નિયમિત થવાં જોઈએ. જો તેમાં ચૂક થાય તો જળસંગ્રહ ક્ષમતા ઘટે છે. મરામતની જરૂરિયાત પૂરી ના થઈ હોય અને બંધમાં ગાબડા પડે કે તૂટે તો દુર્ઘટના સર્જાય છે. બંધોની અસરકારકતા અને કાર્યક્ષમતા પણ તેને કારણે ઓછી થાય છે. જૂના થતા બંધોની ડિઝાઈન અને માળખું નવીનતમ જરૂરિયાતો પ્રમાણે ના હોવાથી તે આફત નોતરે છે. જૂના બંધોની પાણી સંઘરવાની ક્ષમતા કેટલી છે અને તેમાં કાંપનો ભરાવો અને મરામતના અભાવે કેટલો ઘટાડો થયો છે તેની વાસ્તવિક માહિતી સમાજ અને તંત્ર પાસે ના હોય તો તેવા બંધમાં કેટલા પાણીની ઘટ છે તેનાથી બેખબર હોવું સંકટ બની શકે છે.
મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, આંધ્ર, કર્ણાટક, રાજસ્થાન જેવા રાજ્યોમાં ભારતના પરંપરાગત વિજ્ઞાન આધારિત બંધ નિર્માણ થયું છે. આ બંધો માટી, પથ્થરો અને ચૂનાના બનેલા છે. જો કે તે વિદેશી ઈજનેરી પદ્ધતિથી સિમેન્ટ–કોંક્રિટના બનેલા બંધો કરતાં મજબૂત અને ટકાઉ છે. જ્યારે વિદેશી ટેકનિકથી બનેલા બંધો પર ઘણા સંકટો આવ્યા છે. દેશી પદ્ધતિથી નિર્મિત બંધોની જળસંગ્રહશક્તિ વધારવા તેની ડિઝાઈનમાં ફેરફાર કરીને કે તેની ઊંચાઈ વધારીને તેને વધુ અસરકારક અને કાર્યક્ષમ બનાવી શકાય છે. સિમેન્ટ-કોંક્રિટના બનેલા બંધોના પાયાને કાટ લાગે છે, બંધની દીવાલો પર વરસાદી પાણી અને નદીનાં પાણીના પ્રહારના મારની અસર થાય છે. બંધોના નિર્માણની ટેકનિકો અને બાંધકામ સામગ્રીની ગુણવત્તામાં હવે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડે ઘણા સુધારા કર્યા છે એટલે જૂના બંધોને તેને અનુલક્ષીને સુધારી શકાય.
પાણી અને પાણીનો સંઘરો ભારતીય બંધારણની સાતમી અનુસૂચિ પ્રમાણે રાજ્ય યાદીના વિષયો છે. પરંતુ ભારતના બાવન ટકા મોટા બંધો એક કરતાં વધુ રાજ્યોમાંથી વહેતી નદીઓ પર બંધાયેલા છે. ગુજરાતમાં નર્મદા નદી પરના સરદાર સરોવર બંધના તો ચાર ભાગિયા રાજ્યો છે. એટલે બંધોની સલામતી, જળસંગ્રહ, તેની વહેંચણી તથા કાળજી અને નિરીક્ષણ માટે કેન્દ્રિય કાયદાની જરૂર હતી. આ પ્રકારના કાયદાનો મુસદ્દો વીસ વરસ પહેલાં ઘડાયો હતો. ૨૦૧૯માં સંસદમાં મુકાયેલો જળ સુરક્ષા અધિનિયમ છેક ૨૦૨૧માં ડેમ સેફ્ટી એક્ટ બન્યો છે. આ કાયદો ૧૫ મીટર કરતાં વધુ ઊંચાઈના બંધોને લાગુ પડે છે. કાયદા પ્રમાણે બંધોની સુરક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ બંધ સુરક્ષા સમિતિ અને બંધ સુરક્ષા ઓથોરિટીની રચના કરવાની હોય છે. બંધની કામગીરી યોગ્ય રીતે ના થતી હોય કે કોઈ ક્ષતિ હોય તો જવાબદારી નક્કી કરી તે માટેની સજાની પણ કાયદામાં જોગવાઈ છે.
કોઈ પણ દેશના આર્થિક, સામાજિક, રાજકીય અને ભૌગોલિક ક્ષેત્રમાં બંધની ભૂમિકા મહત્ત્વની છે. દેશ કે રાજ્યના સર્વાંગી વિકાસમાં બંધના યોગદાનને ધ્યાનમાં રાખીને પાણીની યોગ્ય વહેંચણી થાય, જળ સુરક્ષાની દૃષ્ટિએ બંધો સલામત રહે અને બંધને કારણે વિસ્થાપિત થયેલા લોકોનું ઉચિત પુનર્વસન થાય તો બંધ, વિકાસના સોપાનનો અનિવાર્ય ભાગ બની શકે છે.
e.mail : maheriyachandu@gmail.com