બીજી ઓકટોબર ૧૮૬૯ના રોજ જન્મેલા મોહનદાસ ગાંધી ૧૮૯૩ના એપ્રિલમાં દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરવા ગયા ત્યારે ૨૩ વરસના યુવા બેરિસ્ટર હતા. અલબત્ત ‘કુલી બારિસ્ટર’. દક્ષિણ આફ્રિકાના રંગભેદનો અનુભવ એમને બીજે કે ત્રીજે દિવસે જ ત્યારે થયો, જ્યારે ડરબનની કોર્ટમાં ન્યાયાધીશે તેમને માથા પરની પાઘડી ઉતારવા કહ્યું. અઠવાડિયા પછી ડરબનથી ટ્રેનમાં પ્રિટોરિયા જતાં ફસ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં શરીરના રંગને લીધે તેમને મેરિત્સબર્ગ સ્ટેશને ધક્કો મારીને નીચે ઉતારી મૂક્યા. અંગત અપમાનની આ ક્ષણે જ તેમણે રંગદ્વેષના મહારોગની નાબૂદીનો સંકલ્પ લીધો હતો. બે ટૂકડે ૨૧ વરસ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રહ્યા હતા. ગયા હતા તો વકીલ તરીકે પણ ત્યાં ખરેખર તો તેમણે અહિંસક સત્યાગ્રહના નવતર પ્રયોગ થકી રંગભેદ નાબૂદીની વકીલાત કરી હતી. ભારતના મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકાના મહાત્મા ગાંધી બની ૧૯૧૫માં સ્વદેશ આવ્યા, ત્યારે દેશનું આઝાદી આંદોલન જાણે કે તેમના નેતૃત્વની પ્રતીક્ષા કરતું હતું.
રંગભેદનો ભોગ બનનાર લોકોએ તેના વિરોધ માટે એકત્ર આવવું જરૂરી હતું. ગાંધીજીની પહેલ અને પ્રયત્નોથી ૧૮૯૩માં નાતાલ ઇન્ડિયન કાઁગ્રેસની સ્થાપના થઈ હતી. આ સંગઠનનું ધ્યેય ભારતીયોના હિતોનું રક્ષણ તથા દક્ષિણ આફ્રિકાના ભારતીયોની સ્થિતિ અંગે અંગ્રેજો, સરકાર અને લોકોને માહિતગાર રાખવા અને સ્થિતિ સુધારવાના પ્રયત્નો કરવાનું હતું. ૧૯૦૩માં ટ્રાન્સવાલના ભારતીયોના હિતોની રક્ષા માટે બ્રિટિશ ઇન્ડિયન એસોસિયેશનની રચના થઈ. રંગભેદ નાબૂદીની ચળવળ માટે સંસ્થાગઠન પછીની જરૂરિયાત અખબારની લાગી. અગાઉ પણ તે માટેના પ્રયાસો થયા હતા. ગોરી સરકાર હિંદીઓ પ્રત્યે બેપરવા અને પ્રેસ નિહિત સ્વાર્થમાં રમમાણ હતા. એટલે ભારતીયોને પોતાનો અવાજ રજૂ કરવા સામયિક જરૂરી લાગ્યું.
મૂળે મુંબઈના પૂર્વ શિક્ષક અને ગાંધીજીના રાજકીય સહકર્મી મદનજીત વ્યવહારિકે ૧૮૯૮માં ડરબનમાં પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. નાતાલ કાઁગ્રેસનું બધું જ સાહિત્ય ત્યાં છપાતું હતું. મદનજીત એક અખબાર શરૂ કરવા માંગતા હતા. ગાંધીજીના મદદ અને માર્ગદર્શનથી તે આસાન બન્યું. ચોથી જૂન ૧૯૦૩ના રોજ ‘ઇન્ડિયન ઓપીનિયન’ શરૂ કરવામાં આવ્યું. આજે તો તેને ૧૨૧ વરસો થયાં. પરંતુ ગાંધીજીના પત્રોમાં તેમનું આ પહેલું સામયિક ઘણું મહત્ત્વનું છે.
અઠવાડિક ‘ઇન્ડિયન ઓપીનિયન”ના પહેલા તંત્રી (જેને ગાંધીજી અધિપતિ કહે છે) મનસુખલાલ નાજર હતા. સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ લખ્યું છે તેમ તંત્રીપણાનો લેખન સહિતનો તમામ બોજો ગાંધીજી પર હતો. ગાંધીજીની સહી વગરના ગાંધીજી લિખિત પહેલા અંકના અગ્રલેખ ‘આ વર્તમાનપત્ર’માં અખબારની જરૂરિયાત અને ઉદ્દેશ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. તે મુજબ તેઓ ‘ઇન્ડિયન ઓપીનિયન’ મારફતે જુદી જુદી પણ એક જ અદ્દભુત રાજની પ્રજા વચ્ચે સંપ વધારવા અને ભાઈબંધી ઘાડી કરવા માંગતા હતા. સાથે સાથે ઇન્ડિયનોની ભૂલો બેધડક બતાવવા અને તે સુધારવાની રીત સૂચવવાનો પણ હેતુ જણાવ્યો છે.
સત્યના પ્રયોગોમાં ગાંધીજી લખે છે : ‘ઇન્ડિયન ઓપીનિયન’ તેમના જીવનના કેટલાક ભાગનો નિચોડ છે. દર અઠવાડિયે ગાંધીજી તેમાં પોતાનો આત્મા રેડતા હતા. વાચકોને તેઓ જેને સત્યાગ્રહરૂપે ઓળખતા હતા તે સમજાવતા હતા. ગાંધીજીએ ૧૯૧૪ સુધીના ‘ઇન્ડિયન ઓપીનિયન’ના એક પણ અંકમાં કંઈ ના લખ્યું હોય તેમ બન્યું નથી. વળી એક પણ શબ્દ વગરવિચાર્યે, વગરતોળ્યે લખ્યો નથી કે કોઈને કેવળ ખુશ જ કરવાને લખ્યો નથી. એટલે જ ગાંધીજીને ‘ઇન્ડિયન ઓપીનિય’ને કોમની સારી સેવા કરી હોવાનો સંતોષ હતો.
જેમ હિંદીઓ તેમ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાના ગોરાઓ પણ ‘ઇન્ડિયન ઓપીનિયન’ના વાચકો અને ચાહકો હતા. કેટલાક ગોરાઓ તો તંત્રીમંડળમાં અને વ્યવસ્થાપનમાં પણ સક્રિય હતા. શરૂઆતમાં તે અંગ્રેજી, ગુજરાતી, તમિળ અને હિંદીમાં પ્રગટ થતું હતું. દક્ષિણ આફ્રિકામાં હિંદી પ્રજાની સ્થિતિ ભારતના અસ્પૃશ્યો જેવી હતી. પણ અંગ્રેજોની ન્યાય કરવાની નીતિ પસંદ હોઈ ગાંધીજીએ રજૂઆતો વિનંતી અને અરજનો માર્ગ અપનાવ્યો હતો. તે ફળીભૂત ના થતાં અહિંસક સત્યાગ્રહનો રસ્તો લીધો. વારંવાર જેલ ગયા, હિંદીઓને અન્યાયકર્તા કાયદાનો વિરોધ કર્યો, ઉપવાસ કર્યા અને કઠિન પ્રયાસો અને લાંબી ધીરજ પછી સફળ થયા હતા.
ગાંધીજીએ તેમના જીવનકાળમાં ‘ઇન્ડિયન ઓપીનિયન’, ‘યંગ ઇન્ડિયા’, ‘નવજીવન’ અને ‘હરિજન’ પત્રો કાઢ્યા હતા. પત્રકારત્વ વિશેના તેમના વિચારો ખૂબ જ સ્પષ્ટ હતા. લવાજમ કે લોકોની આર્થિક મદદથી અખબાર ચલાવવામાં તે માનતા હતા અને ખાનગી કે સરકારી જાહેરખબરોથી દૂર રહેવાનું તેમનું વલણ હતું. વર્તમાનપત્રો સેવાભાવથી જ ચાલવા જોઈએ તેમ તેઓ અનુભવથી માનતા હતા. અખબારની શક્તિ અને તેની મર્યાદા બંને તે જાણતા હતા. એટલે તેમણે લખ્યું, ‘વર્તમાનપત્ર એ ભારે શક્તિ છે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે છે ને પાકનો નાશ કરે છે તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે.’
ગાંધીજીનું આરંભિક પત્રકારત્વ અને તેમની વિશિષ્ટતા તથા મર્યાદા ‘ઇન્ડિયન ઓપીનિયન’ના તેમનાં લખાણોમાં દેખાય છે. ભાષાની સરળતા અને વિચારોની સ્પષ્ટતા ગાંધીજીનો વિશેષ છે. ‘ઇન્ડિયન ઓપીનિયન’માં તેમણે લખેલા ચરિત્રો અને મોટાભાગે વિદેશીઓના તે પછીના ગાંધીજીના લેખનમાં જોવા મળતા નથી. એ જ રીતે હિંદ સ્વરાજ કે આત્મકથાની જેમ ગાંધીજીની અન્ય લેખમાળાઓ પણ અહીં હપ્તાવાર પ્રકાશિત થઈ હતી. કેટલાક શબ્દો અને વાક્યો ભાષા અને વ્યાકરણની દૃષ્ટિએ ત્રુટિપૂર્ણ લાગે છે. ભારતીય કલા પરનું તેમનું લખાણ વિચારોની પરિપકવતા અને સ્પષ્ટતાની રીતે ચકાસવા જેવું છે. મૈસુરના મહારાજાનો નવો મહેલ બંધાઈ રહ્યો છે તેના અંગ્રેજી અખબારના અહેવાલના અંશો પ્રગટ કરી તેમણે ટિપ્પણી કરી છે કે ભારત એ જંગલી લોકોનો કે ઝૂંપડીઓનો દેશ નથી. વળી આ મહેલના બાંધકામને તેમણે રાષ્ટ્રીય ગૌરવની સંતુષ્ટિનો મામલો ગણાવ્યો ત્યારે ગાંધીની સાદાઈના આગ્રહ સામે સવાલ થાય છે. ૪ થી જૂન ૧૯૦૩ના રોજ ‘ઇન્ડિયન ઓપીનિયન’નો પ્રથમ અંક પ્રગટ થયો હતો, તેમ છતાં ગાંધીજીએ આત્મકથામાં “આ છાપાની ઉત્પત્તિ ૧૯૦૪માં થઈ “( પૃષ્ઠ ૨૭૬) તેમ જણાવ્યું છે. સાર્થ ગુજરાતી જોડણીકોશના ઉઘડતે પાને “હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી” એમ ગાંધીજી કહે છે. પરંતુ સત્યના પ્રયોગો અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઇતિહાસમાં એમણે ‘ઇન્ડિયન ઓપીનિયન’ની જોડણી સ્વૈચ્છાએ કરી છે!
‘ઇન્ડિયન ઓપીનિયન’ના પહેલા વરસના તંત્રીલેખમાં ગાંધીજીએ લખ્યું હતું, “અમે નથી તો તમિળ કે નથી બંગાળી, નથી હિંદુ કે મુસલમાન. નથી બ્રાહ્મણ કે વાણિયા અને ન જ હોવા જોઈએ. બલકે અમે કેવળ બ્રિટિશ ભારતીય છીએ.” દક્ષિણ આફ્રિકાના વિભાજીત ભારતીયોમાં ‘ઇન્ડિયન ઓપીનિયને’ એક રાષ્ટ્રીય ઓળખ ઊભી કરી હતી. ચાર વરસ પછી ‘ઇન્ડિયન ઓપીનિયન’ના પ્રાગટ્યના સવાસોમે, વર્ણ, વર્ગ, જ્ઞાતિ, કોમ, ભાષા, લિંગ અને એવી ઘણી રીતે વિભાજીત ભારતને ૧૨૦ વરસ પૂર્વે લખાયેલા ગાંધીજીના આ શબ્દોના અમલની કેટલી જરૂર છે, નહીં ?
e.mail : maheriyachandu@gmail.com