ઇતિહાસ આમ તો લિબરલ આર્ટ્સનો વિષય છે, પરંતુ કોઈપણ દેશકાળના રાજનેતાઓની અડફેટે તે ચડતો રહે છે અને પોલિટિકલ બની જાય છે. આપણા દેશના રાજનેતાઓ ઇતિહાસને તોડી મરોડીને ભણાવાય તેના ખેલ કરવામાં પહેલાં કે અપવારૂપ નથી. દુનિયાના ઘણા દેશોમાં ઇતિહાસનાં પાઠ્ય પુસ્તકો અને પાઠ્યક્રમમાં રાજકર્તાઓની મરજી મુજબના ફેરફારો કરવામાં આવે છે. શાળેય શિક્ષણમાં ઇતિહાસ એક મહત્ત્વનો વિષય છે, પરંતુ બાળકો-કિશોરોને ભણાવાતા ઇતિહાસમાંથી રાજનેતાઓની રાજકીય વિચારધારા, સમજ કે ઈચ્છા મુજબ વિલોપન થતા રહે છે. ઇતિહાસમાં ભૂતકાળની ઘટનાઓનું સાધાર આલેખન થતું હોય છે. જો કે કોઈને ય પોતાનો કલંકિત ભૂતકાળ મિન્સ ઇતિહાસ ગમતો નથી. સાચો-ખોટો ગૌરવાન્વિત ઇતિહાસ જ ગમે છે અને તે જ બીજાઓને કહેવો છે.
વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા નગર પર અણુબોમ્બ ફેંકી વિનાશ વેર્યો હતો. જેની અસર હજુ ગઈ નથી. પણ અમેરિકાના ઇતિહાસમાંથી આ બાબતની હંમેશાં બાદબાકી કરવામાં આવે છે. બ્રિટિશ સામ્રાજ્યનો ઇતિહાસ આક્રમક, વિસ્તારવાદી અને રંગભેદનો છે. જેણે વિશ્વના ઘણા દેશોમાં અન્યાય, અત્યાચાર, યુદ્ધ અપરાધ અને હિંસા આચરી હતી. બ્રિટિશ બાળકોને બ્રિટિશ સામ્રાજ્યનો આ ઇતિહાસ ભણાવાતો નથી. બ્રિટનનાં પાઠ્યપુસ્તકોમાં ગાંધીજીનું આલેખન હંમેશાં પડકારજનક અને કસોટી કરનારું રહ્યું છે. પાકિસ્તાનના શાળેય અભ્યાસક્રમના ઇતિહાસનાં પુસ્તકોમાં પાકિસ્તાનના ઇતિહાસનો આરંભ આઠમી સદીથી જ થાય છે. શાસકો પાકિસ્તાનનો ઇતિહાસ આઠમી સદીમાં મોહંમદ બિન કાસિમે સિંધ પર આક્રમણ કર્યું, તે જીત્યું અને તેનો શાસક બન્યો તેનાથી કરવામાં ગૌરવ સમજે છે. પાકિસ્તાનના વિદ્યાર્થીઓને જે ઇતિહાસ ભણાવાય છે તેમાં હિંદુ રાજાઓ અને હિંદુઓને એ હદે ખરાબ દર્શાવ્યા છે કે નાનપણથી જ બાળકોના મનમાં નફરતના બીજ રોપાય છે. રાજકારણીઓને આધાર-પુરાવા વિનાના પણ લોકો વાહવાહી કરે, અને તેનું ખરું-ખોટું ગૌરવ લેતા ફરે તેવો જ ઇતિહાસ ભણાવવો છે. આમ કરવા પાછળ તેમની રાજકીય ગણતરીઓ હોય છે. બાળ કે કિશોર વયે વિદ્યાર્થીઓ જો આ પ્રકારનો ઇતિહાસ ભણે તો મોટપણે નાગરિક કે મતદાતા તરીકે રાજકર્તાઓની રાજકીય વિચારધારાને અનુરૂપ વર્તે છે.
ભારતમાં પણ ૨૦૧૪થી એન.સી.ઈ.આર.ટી.ના ઇતિહાસનાં પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકોમાં થતી બાદબાકી અને ઉમેરણ રાજકીય હોવાનો વિવાદ થતો રહ્યો છે. એ વિવાદમાં કેટલું તથ્ય છે તેની ચર્ચા ઘડીભર બાજુએ રાખીને ભણતરનો ભાર ઓછો કરવાના બહાને આપણે વિદ્યાર્થીઓને કઈ કઈ ઐતિહાસિક બાબતોથી અજાણ રાખવા માંગીએ છીએ તે જાણીએ તો આંચકો લાગે છે. લીલા ભેગુ સૂકું બળતું હશે કે ચોક્કસ ગણતરીસર હશે પણ ગયા વરસે એન.સી.ઈ.આર.ટી.એ વિદ્યાર્થીઓ પરનો બોજો ઘટાડવા ઇતિહાસનાં પાઠ્યપુસ્તકમાંથી ઔદ્યોગિક ક્રાંતિ ભણાવવી રદ્દ કરી હતી. છેલ્લી પચાસીના મહત્ત્વના જનાદોલનોમાં દલિત પેન્થર, ચિપકો આંદોલન, માહિતી અધિકાર આંદોલન અને નર્મદા બચાવ આંદોલનને પણ પાઠવટો મળ્યો હતો.
ઇતિહાસ વિજેતાઓનો, વિજેતાઓ દ્વારા અને વિજેતાઓની નજરે લખાતો હોવાની છાપ છે. પરંતુ એમ કરવા જતાં તેમના પરાજયો પર સાવ જ ઢાંકપિછોડો કરવાનો ? ઇતિહાસનો એક અર્થ હિંદીમાં સાહિત્ય સંદર્ભે છે. તેનો અર્થ એ નહીં કે કવિતાઓ અને કિવદંતિઓ પરથી ઇતિહાસ લખવો. આ પ્રકારનું ઇતિહાસ લેખન મિથકોનું જાણે કે ઇતિહાસમાં રૂપાંતર કરે છે. આપણે આપણા પૂર્વજો અતીતમાં શું હતા તેનો ઇતિહાસ જાણવા, સમજવા, લખાવવાના બદલે આપણો ઇતિહાસ શું હોવો જોઈએ તે દૃષ્ટિથી ઇતિહાસને જોઈએ છીએ.
સ્વતંત્રતા પછી ભારતમાં ઇતિહાસને તર્કસંગત, સાધાર અને વૈજ્ઞાનિક બનાવવાના ગંભીર પ્રયાસો થયા છે. જાણીતા ઇતિહાસકારો પાસેથી શાળા શિક્ષણનાં પુસ્તકો લખાવવામાં આવ્યાં છે. પરંતુ હવે તેમાં રાજકીય વિચારધારાને અનુલક્ષીને ફેરફારો થઈ રહ્યા છે. ઘણાં ઇતિહાસકારો આ છેડછાડ અંગે અસંમત અને નારાજ છે પણ રાજનેતાઓ સામે લાચાર છે. એટલે વિદ્યાર્થીઓ પર બોજ ઘટાડવાના કારણ હેઠળ ઇતિહાસમાંથી અમુક પસંદગીની બાબતો રદ્દ કરવામાં આવી છે.
રાજા-મહારાજાઓ, તેમના જયપરાજય અને સાલવારી એટલે ઇતિહાસ એવી વ્યાપક અને ઘણી સાચી છાપ છે. ઇતિહાસમાં સબાલ્ટન હિસ્ટ્રીના પ્રવેશ પછી લોકનો પ્રવેશ થયો છે. હવે રાજાઓ, નવાબો, અમીરો, રાણીઓ, યુદ્ધો, રાજદરબારો અને સાહ્યબીનો નહીં પણ જનસામાન્યના સુખ-દુ:ખ ઇતિહાસનો ભાગ બન્યા છે કે જે વાસ્તવિક ઇતિહાસ છે.
ઇતિહાસને જોવાના, આલેખવાના અને મૂલવવાના કાટલાં પણ અગત્યનાં છે. જેવાં દૃષ્ટિ અને દૃષ્ટિકોણ તેવો ઇતિહાસ. કાળનું મનહૂસ અને ભવ્ય ચિત્રપટ એ જો ઇતિહાસ છે તો માનવતા, કોમીસૌહાર્દ, લોક વચ્ચેનો આપસી ભાઈચારો ઇતિહાસનો ભાગ બનવો જોઈએ. રાજાની સાથે રૈયતનો ઇતિહાસ જો ન લખાય તો તે અપૂર્ણ ઇતિહાસ ગણાવો જોઈએ. આપણે શાહજહાં-મુમતાઝના પ્રેમના પ્રતીક એવા તાજમહેલને ઇતિહાસ ગણીએ તો આ સંગેમરમરનો જાદુ સર્જનારા અનેક કારીગરો અને શિલ્પીઓનો ઇતિહાસ ક્યાં? તેવો સવાલ ઉઠવો જોઈએ.
ઐતિહાસિક પાત્રો અને ઘટનાઓનો ઇતિહાસ તેમાં રહેલા વિરોધાભાસો સાથે આલેખાવો જોઈએ. નમૂના દાખલ ઈંગ્લેન્ડને ફાસીવાદથી બચાવનાર ચર્ચિલે ભારતમાં બ્રિટિશ રાજવટ હેઠળના બંગાળના લોકોને દુકાળમાં મરવા દીધા હતા કે મારી નાંખ્યા હતા. સ્વતંત્રતાના રક્ષકનો દાવો કરનાર અમેરિકા મધ્યપૂર્વના દેશોના શાસકોની તાનાશાહીનું સમર્થક છે અને આ એવા શાસકો છે જે ધાર્મિક કટ્ટર છે, ઉદારવાદનો તેમનામાં છાંટો પણ નથી અને મહિલા અધિકારોના વિરોધી છે. ગાંધીજી ધાર્મિક સહિષ્ણુતા અને સમાનતાના સમર્થક હતા તેનો કોઈ ઈન્કાર કરી શકે નહીં, પણ તેઓના દલિત અધિકારો માટે લડનારા ડો. આંબેડકર સાથેના મતભેદો અને વિવાદો કે તેમનું ખિલાફતને સમર્થનના વિરોધાભાસ વિના ગાંધીજીનું ઇતિહાસમાં આલેખન પૂર્ણ હોઈ શકે નહીં. ઇતિહાસનાં પુસ્તકોમાં વર્ણવ્યવસ્થા કે જ્ઞાતિ પ્રથાના આલેખનમાં જ્ઞાતિગત ક્રૂરતા અને સંસાધનો પર કોઈ એક જ જ્ઞાતિના આધિપત્ય અંગેના કુતર્ક ભણાવવામાં આવે છે. જ્ઞાતિવ્યવસ્થાનો પક્ષપાતપૂર્ણ ઇતિહાસ વિદ્યાર્થીઓને જ્ઞાતિગત ભેદભાવોથી મુક્ત રાખે તે રીતે લખાતો નથી.
ઇતિહાસનું જીવનમાં ખૂબ મહત્ત્વ છે. ભૂતકાળની ઘટનાઓમાંથી સબક મેળવીને વર્તમાન અને ભવિષ્યને ઘડવાનું છે. શાળા કોલેજોના અભ્યાસક્રમ હેઠળ ભણાવવામાં આવતો ઇતિહાસ એકાંગી ન હોવો જોઈએ. પાઠ્ય પુસ્તકો તો સરકારનો સત્તાવાર સરકારી દસ્તાવેજ છે. તે ભેદભાવથી મુક્ત અને સરકારની સત્તા-શક્તિથી પર હોય તેવો ઇતિહાસ જો નહીં ભણાવાય તો વિદ્યાર્થીઓના મનમસ્તિષ્ક પર ભૂતકાળની ખોટી છાપ છોડશે.
e.mail : maheriyachandu@gmail.com