૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ૧૮૨ બેઠકોમાંથી કૉન્ગ્રેસને ૭૭ બેઠકો મળી હતી. પરંતુ ત્રણ જ વરસોમાં કૉન્ગ્રેસના ૧૫ ધારાસભ્યો તેમની પક્ષીય વફાદારી બદલી, ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે. ૧૯૮૫ના પક્ષપલટાવિરોધી કાયદામાં વ્યક્તિગત પક્ષાંતર પ્રતિબંધિત હોઈ, હવે ધારાસભ્યોએ રાજીનામાનો માર્ગ અખત્યાર કરવો પડે છે. એટલે આ પંદર પૈકી મોટા ભાગના પેટાચૂંટણી લડીને ભા.જ.પ.ના ધારાસભ્ય પણ બની ગયા છે. મધ્ય પ્રદેશ, ગોવા અને કર્ણાટકમાં કૉન્ગ્રેસ અને અન્ય પક્ષોના પક્ષપલટુઓને કારણે બી.જે.પી. સત્તા મેળવી શકી છે. રાજસ્થાનમાં કૉન્ગ્રેસની અને બિહારમાં જનતા દળ (યુ)-ભા.જ.પ.ની પાતળી બહુમતી બહુજન સમાજ પાર્ટીના ધારાસભ્યોના પક્ષપલટાથી મજબૂત થઈ છે. રાજ્યસભામાં એન.ડી.એ.ની બહુમતી માટે તેલુગુ દેશમ પક્ષના ચાર રાજ્યસભા સભ્યોને પક્ષપલટો કરાવાયો હતો. વિધાનસભા ચૂંટણીના આરે ઊભેલા પશ્ચિમ બંગાળના સત્તાધારી તૃણમૂલ કૉન્ગ્રેસના સાંસદો અને ધારાસભ્યો પક્ષપલટા કરી રહ્યા છે. હવે તેમાં પડુચેરી પણ ઉમેરાશે. અરુણાચલમાં બી.જે.પી.એ બિહારના તેના સાથી પક્ષ જે.ડી.યુ.ના ૬ ધારાસભ્યોને પક્ષ બદલાવી બી.જે.પી.માં સામેલ કરી દીધા છે. ૨૦૧૭થી ૨૦૨૦ના ચાર જ વરસોમાં ૧૬૮ સાંસદો-ધારાસભ્યોએ તેમની પક્ષીય વફાદારી બદલી છે. તેમાંથી ૭૯ ટકા એટલે કે ૧૩૮ ભા.જ.પ.માં જોડાયા છે.
ભારતમાં પક્ષપલટાનું દૂષણ આઝાદી પહેલાંની પ્રાંતીય સરકારોમાં કે આઝાદી પછીના તરતના વરસોમાં, ૧૯૫૨માં, મદ્રાસમાં જોવા મળ્યું હતું. જો કે આ પક્ષાંતરો છૂટક અને સિદ્ધાંત ખાતર થયેલા હતા. પરંતુ ૧૯૬૭ પછી પક્ષપલટા રોજિંદી બીના બની ગયા છે. હરિયાણા પક્ષપલટાનું પિયર ગણાય છે. ૧૯૬૬ની ૧લી નવેમ્બરે રચાયેલા આ રાજ્યમાં ૧૯૬૭માં પહેલી ચૂંટણી થઈ હતી. કૉન્ગ્રેસના ભગવતદયાળ શર્મા મુખ્ય પ્રધાન બન્યા. પણ રાવ વિરેન્દ્રસિંઘે પક્ષપલટાથી સાત જ દિવસમાં સરકાર ઉથલાવી હતી. પક્ષપલટુઓ માટે વપરાતો ‘આયારામ-ગયારામ’ શબ્દ આજ ભૂમિની દેન છે. હરિયાણાના ગયારામ નામક ધારાસભ્યે ૧૫ દિવસમાં ૩ વખત પાટલી બદલી હતી. ૧૯૭૬-૭૭ના સમયગાળામાં ૧૦ પૈકી ૭ રાજ્ય સરકારો પક્ષપલટાથી રચાઈ હતી. ૧૯૭૭-૭૮ના તેર માસમાં પક્ષપલટાને કારણે ૧૧ વખત પ્રધાનોના સોગંદવિધિ યોજાયા હતા. ધારાસભ્ય હીરાનંદ આર્યે નવ માસમાં પાંચ પક્ષાંતર કર્યા હતા. ૧૯૮૦માં જનતાપક્ષના મુખ્ય પ્રધાન ભજનલાલે એમના આખા વિધાનસભા પક્ષ સાથે સાગમટે કૉન્ગ્રેસમાં પક્ષપલટો કર્યો હતો. પૂર્વોત્તર રાજ્યોનો તો પક્ષપલટાનો ઇતિહાસ છે.
હજુરિયા-ખજૂરિયાખ્યાત ગુજરાત પક્ષપલટામાં લગીરે પાછળ નથી. ૧૯૬૦ની ડો. જીવરાજ મહેતાની પહેલી કૉન્ગ્રેસી સરકારથી તેનો આરંભ થયો હતો જે વિજય રૂપાણીની હાલની બી.જે.પી. સરકાર સુધી યથાવત છે. ૧૯૬૭થી ૧૯૭૧માં ૧૬૮ પૈકી ૧૦૧ એટલે કે ૬૧ ટકા ધારાસભ્યોએ પક્ષપલટા કર્યા હતા. ઘનશ્યામ ઓઝા, બાબુભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી અને કેશુભાઈ પટેલે પક્ષપલટુઓનો સામનો કરવાનો થયો હતો.
મોટા ભાગના પક્ષપલટા અંગત લાભ, સત્તા અને પદની પ્રાપ્તિ માટે જ થયા છે. ૧૯૫૩થી ૧૯૮૩ના ત્રણ દસકામાં આશરે ૫,૦૦૦ પક્ષપલટા થયા હતા. બંધારણવિદ નાની પાલખીવાલાના મતે, લોકસભાના ૧,૦૦૦માંથી ૯૦૦ પક્ષપલટા સત્તા માટેના હતા. ચૂંટણી કમિશનરના એક અહેવાલ પ્રમાણે ૧૯૬૭થી ૧૯૭૩ સુધીમાં જે ૨,૭૦૦ જેટલા પક્ષપલટા થયા તેનાથી ૪૫ રાજ્ય સરકારો ઉથલી પડી હતી. પક્ષપલટો કરનારા ૧૫ને મુખ્ય પ્રધાનનું પદ અને ૨૧૨ને પ્રધાન પદ મળ્યાં હતા. મૂલ્યનિષ્ઠ, સૈદ્ધાંતિક કે વિધાયક પક્ષપલટાનું એકેય ઉદાહરણ ગુજરાતમાં પણ જોવા મળતું નથી.
પક્ષપલટાની રાજરમતને ડામવાના પ્રયાસો ચોથી લોકસભાથી જ શરૂ થઈ ગયા હતા. ૧૯૭૩માં, પાંચમી લોકસભામાં, આ અંગેનો ૩૨મો બંધારણ સુધારા ખરડો, રજૂ થયો હતો. તે પ્રવર સમિતિને સોંપાયો તે દરમિયાન લોકસભાનું વિસર્જન થતાં ખરડો વિસર્જિત થયો. ૧૯૭૮માં જનતા પક્ષની સરકારે પણ આ માટે પ્રયત્નો કર્યા હતા. ૩૭૦મી કલમ ધરાવતા કશ્મીરે ૧૯૭૯થી પક્ષપલટા વિરોધી કાયદો ઘડાયો હતો. રાજીવ ગાંધીએ બાવનમા બંધારણ સુધારા દ્વારા પક્ષપલટા વિરોધી કાયદો ઘડ્યો અને તમામ રાજકીય પક્ષોનું સમર્થન મેળવ્યું હતું. અભૂતપૂર્વ એકમતીથી બંધારણના અનુચ્છેદ ૧૦૧, ૧૦૨, ૧૯૦ અને ૧૯૧માં ફેરફાર સાથેનો અનુસૂચિ-૧૦ને સામેલ કરતો આ બાવનમો બંધારણ સુધારા ખરડો દેશભરમાં તમામ સ્તરે લાગુ પડે છે. આ કાયદાની મહત્તા એ છે કે તેનાથી પક્ષાંતરનો નિષેધ થયો છે. કાયદા મુજબ પક્ષના વ્હીપનું ઉલ્લંઘન પણ પક્ષપલટો ગણાય છે.
લોકશાહીને મજબૂત કરનારા અને ઉત્તમ હેતુ ધરાવતા કાયદાને પણ રીઢા રાજકારણીઓ નકામો કરી શકે છે. ૧૯૮૫નો પક્ષપલટાવિરોધી કાયદો તેનું ઉદાહરણ છે. વળી આ કાયદો કેટલીક પાયાની ખામીઓ ધરાવે છે. તે વ્યક્તિગત પક્ષપલટાને તો રોકે છે, પણ સામૂહિક પક્ષપલટાને માન્ય રાખે છે ! આ કાયદામાં એક તૃતિયાંશ સભ્યો પક્ષ બદલે તો તેને પક્ષપલટો નહીં પણ પક્ષ વિભાજન ગણી સભ્યપદ યથાવત રાખવાની જોગવાઈ હતી. અનુભવે તેમાં સુધારા થતા રહ્યા છે અને ૨૦૦૩ના છેલ્લા સુધારા મુજબ એકને બદલે બે તૃતિયાંશ સભ્યોના પક્ષપલટાને પક્ષનું વિભાજન ઠેરવવામાં આવ્યું છે.
તેમ છતાં છૂટક અને જથ્થાબંધ પક્ષપલટા ચાલુ જ છે. તેનું કારણ પક્ષપલટો કરનાર કે વ્હીપનું ઉલ્લંઘન કરનાર ધારાસભ્યને અયોગ્ય ઠેરવવાની સત્તા વિધાનગૃહોના અધ્યક્ષ(સ્પીકર)ને છે અને તેઓ પક્ષીય ભૂમિકાથી ઉપર ઊઠીને તટસ્થ નિર્ણયો લેતા નથી. આ બાબતે નિર્ણય લેવાની સમયમર્યાદા ન હોઈ સ્પીકર અસહ્ય વિલંબ કરે છે. એટલે હવે સુપ્રીમ કોર્ટે સભ્યને અયોગ્ય ઠેરવવાના નિર્ણયને બંધારણ સમીક્ષામાં સમાવ્યો છે અને કોર્ટો અધ્યક્ષના નિર્ણયને યોગ્ય-અયોગ્ય ઠરાવી શકશે. પક્ષપલટા કાયદા હેઠળ અયોગ્ય ન ઠરાય એટલે જનપ્રતિનિધિઓ રાજીનામુ આપે છે અને પેટાચૂંટણીથી ફરી ચૂંટાઈને ધારાસભ્ય કે સંસદસભ્ય પદ જાળવી રાખી છે. ઊગતા સૂરજને પૂજવાનું, જિસકે તડમેં લડ્ડુ ઉસકે તડમેં હમ કે સત્તા અને પ્રધાન પદની લાલચમાં પક્ષપલટા થયા જ કરે છે. મતદાનની નિશાનીરૂપ અવિલોપ્ય શાહી મતદારની આંગળી પરથી ભૂંસાય તે પહેલાં તેણે ચૂંટેલા પ્રતિનિધિ પક્ષ બદલી નાંખે તેવું પણ બને છે. ખાસ તો નીચલા લેવલે, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અને પંચાયત-પાલિકામાં આવું ઘણીવાર બન્યું છે.
ભારતમાં બહુપક્ષીય લોકશાહી અસ્તિત્વમાં છે. તેમાં રાજકીય પક્ષની નીતિ કે વિચારધારા સાથે અસંમતિથી કોઈ પક્ષ છોડે તે આવકાર્ય જ હોય. પરંતુ અંગત સ્વાર્થ માટે થતા વ્યક્તિગત પક્ષપલટાને અટકાવવા સંબંધિત સંસદ કે વિધાનગૃહના સમયગાળા કે પાંચ વરસ સુધી તે ચૂંટણી લડી શકશે નહીં તેવા સુધારાની આવશ્યકતા છે. વ્યાપક ચૂંટણી સુધારા અને રાઈટ ટુ રિકોલ કહેતાં જનપ્રતિનિધિને પાછો બોલાવવાની સત્તાસહિતના વ્યાપક ચૂંટણી સુધારા થાય તો જ આ દૂષણને ડામી શકાશે અને રાજસત્તા પર લોકસત્તાનો અંકુશ રહેશે.
e.mail : maheriyachandu@gmail.com