મોટા ભાગના ગ્રાહકો વસ્તુ અને સેવાની પસંદગી તેની જાહેરખબરોના આધારે કરે છે. તેના કારણે તે ઘણીવાર છેતરાય છે. જાહેરખબરોની માયાવી દુનિયામાં ગ્રાહક હિતનો સવાલ અગ્રસ્થાને નથી પણ કોઈ પણ રીતે પોતાના ઉત્પાદનનું વેચાણ અગત્યનું છે. એટલે ઘણીવાર ભ્રામક અને જુઠ્ઠી જાહેરખબરો પણ આપવામાં આવે છે. આવી ભ્રામક જાહેરખબરોને સાચી માની વસ્તુ કે સેવા મેળવનાર ગ્રાહકો છેતરાય છે .. અતિરંજિત વાયદા, નિરાધાર દાવા, ખોટી માહિતી અને જુઠ્ઠી જાણકારી ધરાવતી જાહેરખબરોથી છેતરાયેલા ગ્રાહકોની સંખ્યા અને ગ્રાહક અદાલતોમાં તેમની ફરિયાદો સતત વધતી રહી છે. એટલે કેન્દ્ર સરકારના ગ્રાહકો બાબતના મંત્રાલય હસ્તકની સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેકશન ઓથોરિટીએ ભ્રામક જાહેરખબરો પર લગામ લગાવતી કડક માર્ગદર્શક સૂચનાઓ જારી કરી છે.
આજે જમાનો જાહેરખબરોનો છે. સોયથી સાબુ, ટાંકણીથી ટી.વી. અને મુરબ્બાથી મુંબઈની જાહેરખબરો જોવા મળે છે. જાહેરખબરો વેચાણ કલાનું માધ્યમ છે. ઉત્પાદકો તેમના ઉત્પાદનોને ગ્રાહકો સુધી પહોંચાડવા તેનો આશરો લે છે. તેના થકી તેઓ વસ્તુ અને સેવાની જરૂરિયાત સમજાવે છે અને તેને લોકપ્રિય બનાવે છે. અખબારો, સામયિકો, ટી.વી. ચેનલ્સ, રેડિયો, ફિલ્મો, હોર્ડિંગ્સ, યુ ટ્યૂબ, બ્લોગ, વેબસાઈટસ જેવા અનેક માધ્યમોમાં જાહેરખબરો આવે છે. ઉત્પાદકો જાહેરાતો દ્વારા ગ્રાહકોમાં તેમના ઉત્પાદનમાં રસ-રુચિ પેદા કરે છે. બજારમાં નવી આવેલી પ્રોડકટની માહિતી આપે છે. તેની ઉપયોગિતા અને વિશેષતા જણાવે છે. તેને કારણે તેમના ઉત્પાદનોનું વેચાણ વધારવા ચાહે છે.
જાહેરખબરો આધુનિક વેપાર-વણજનો આધારસ્તંભ છે. બજાર તેના પર ટક્યું છે. ભારે સ્પર્ધાના યુગમાં પોતાના ઉત્પાદનને ટકાવી રાખવા, બીજા કરતાં ચડિયાતું બતાવવા અને તેની માંગ વધારવા તેની વિશેષતાઓ બઢાવી-ચઢાવીને દર્શાવવામાં આવતી હોય છે. આખી દુનિયા તેનાથી ગ્રસ્ત છે અને પ્રભાવિત છે. ભારતમાં ૨૦૨૧માં રૂ.૮૦,૧૨૩ કરોડનું જાહેરખબરોનું બજાર હતું. વિશ્વમાં ૨૦૧૫માં ૫૩૦ બિલિયન અમેરિકી ડોલર જાહેરખબરો પાછળ ખર્ચાયા હતા. આજે તો તેમાં અનેક ગણો વધારો થયો છે.
ગ્રાહકો જાહેરખબરોથી આકર્ષાઈને તે ખરીદે છે. તેને આ વસ્તુ કે સેવાની વિશેષતાઓની તો માહિતી છે પરંતુ તેની ગુણવત્તાનો ખ્યાલ તો ખરીદીને ઉપયોગ કર્યા પછી જ આવે છે .જ્યારે તેને છેતરાયા કે લૂંટાયાની લાગણી થાય છે ત્યારે તે લાચાર હોય છે. જુઠ્ઠી અને ભ્રામક જાહેરખબરો સામે તેને કાયદાનું સંરક્ષણ નથી. તેથી તે તેની વિરુદ્ધ ખાસ કંઈ કરી શકતો નથી. ગ્રાહક અદાલતોમાં તે ફરિયાદ કરે છે પણ તે અદાલતો ફરિયાદોથી ઉભરાય છે એટલે તેને ન્યાય મળવામાં બહુ વિલંબ થાય છે અને ત્યાં સુધી તે બીજી કોઈ ભ્રામક જાહેરખબરનો ભોગ પણ બની બેસે છે.
નવમી જૂન ૨૦૨૨ના સરકારી ગેઝેટમાં પ્રસિદ્ધ થયેલ કેન્દ્રીય ગ્રાહક સંરક્ષણ પ્રાધિકરણના નોટિફીકેશનથી હવે ગ્રાહકોને છેતરનારી જાહેરખબરો સામે રક્ષણ મળવાની શક્યતા ઊભી થઈ છે. જૂઠ્ઠી અને ભ્રામક જાહેરખબરો પર લગામ કસવાના અને ગ્રાહકોના અધિકારોના રક્ષણના ઉદ્દેશથી સરકારે આ માર્ગદર્શિકા ઘડી છે. તેને ૨૦૧૯ના ગ્રાહક સંરક્ષણ અધિનિયમની ધારા ૧૦ મુજબ સત્તાઓ પણ મળી છે.
જે કંપનીઓ કે ઉત્પાદકો પોતાના ઉત્પાદનની જાહેરખબરમાં વળી નૈતિક શું અને અનૈતિક શું તેમ માને છે તેના પર સરકારની ગાઈડલાઈન્સ નિયંત્રણ મૂકે છે. ભ્રામક જાહેરખબર આપનાર ઉત્પાદક, પ્રોડ્યુસર, પ્રચારક અને પ્રસારક દંડ અને સજાને પાત્ર થશે. પહેલીવારના ગુના માટે રૂ. દસ લાખ અને બીજીવારના ગુના માટે રૂ. પચાસ લાખના અર્થિક દંડની જોગવાઈ કરવામાં આવી છે. વળી આવી જાહેરખબરો પર એક વરસથી ત્રણ વરસના પ્રતિબંધની પણ સજા કરવામાં આવશે. ભ્રામક જાહેરખબરમાં કામ કરતા ફિલ્મ, રમતજગત કે અન્ય ક્ષેત્રના જાણીતા મહાનુભાવો પણ દંડને પાત્ર ઠરશે.
સરકારી માર્ગદર્શિકામાં બાળકોને અસરકર્તા જાહેરખબરો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. જે જાહેરખબરોમાં કાયદા હેઠળ આરોગ્ય સંબંધી ચેતવણી આવશ્યક છે અને તે વસ્તુઓ બાળકો દ્વારા ખરીદી શકાતી નથી તેવી વસ્તુઓની જાહેરખબરો સિનેમા, રમત કે સંગીત ક્ષેત્રની હસ્તીઓને દર્શાવતી પ્રતિબંધિત કરી છે. દારુ, સિગારેટ, તમાકુ, જંકફૂડ, ગોરા દેખાવાની ક્રીમ અને કેટલાંક ઠંડાંપીણાંની જાહેરખબરો બાળકો અને કિશોરોના કુમળા માનસ પર અસર કરે છે. મધ્યમ વર્ગના બાળકો તેની ખરીદી માટે લલચાય છે. તેથી આવી જાહેરખબરો પર પણ પ્રતિબંધ આવશ્યક જણાય છે. તે જ પ્રમાણે કેટલીક આર્થિક રોકાણો કે લોન વગેરેની જાહેરખબરો પણ ગ્રાહકોને ભરમાવે છે.
ખાટલે મોટી ખોટ ભ્રામક જાહેરખબરોની ઓળખ કરવાની છે. ૨૦૨૦માં ગઠિત સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેકશન ઓથોરિટી પાસે ઓળખ અને અમલીકરણનું મસમોટું તંત્ર છે કે કેમ તે સવાલ છે. ૮૫૦થી વધુ બહુભાષી ટી.વી. ચેનલો અને ૧૦,૦૦૦ મુદ્રિત માધ્યમોમાંથી ભ્રામક જાહેરખબરો તારવવી અને તેને સજા કરવી તે બહુ મુશ્કેલ કામ છે. વળી હાલ સરકારે માત્ર માર્ગદર્શિકા જ જાહેર કરી છે. તેને કાયદાનું કેટલું પીઠબળ છે તે પણ પ્રશ્ન છે. ગાઈડલાઈન્સમાં મીડિયાની પણ જવાબદારી નક્કી કરી તેને પણ દંડ કરવાની જોગવાઈ કરી છે. પૂર્વે જાહેરખબર ઉદ્યોગે પોતે સ્વનિયમન માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ તે ઝાઝા સફળ થયા નથી. દીર્ઘ પ્રતીક્ષા પછીનો વર્તમાન પ્રયત્ન ગ્રાહકોને છેતરતી જાહેરખબરો પર લગામ મૂકવાનો હોવાનો સરકારનો દાવો છે, પરંતુ અનેક રીતે વિચારતાં તે ભ્રામક લાગે છે અને ગ્રાહકોના લમણે છેતરાવાનું લખાયેલું જારી રહેશે તેમ લાગે છે.
e.mail : maheriyachandu@gmail.com