કેન્દ્ર સરકારે 28 સપ્ટેમ્બર ને બુધવારે સવારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પી.એફ.આઈ.) પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકતાં જ, પી.એફ.આઈ. સંગઠનને વિખેરી નાખવાની જાહેરાત કરવામાં આવી છે. પી.એફ.આઈ.ના સ્ટેટ જનરલ સેક્રેટરી અબ્દુલ સત્તારે એમ જણાવ્યું છે કે પ્રતિબંધ મુકાયાના થોડા કલાકમાં જ અમે આ સંગઠન વિખેરી નાખ્યું છે. સેક્રેટરીએ એવો ખુલાસો પણ કર્યો કે અમે ત્રણ દાયકાથી સમાજના વિકાસનું કામ કરી રહ્યા હતા, પણ કાયદા સાથે બંધાયેલા હોવાથી આ સંગઠન વિખેરી નાખીએ છીએ. જો કે, સમાજના વિકાસનું એવું કયું કામ આ સંસ્થા કરતી હતી તેની ખબર પડી નથી, પણ પ્રતિબંધ સમાજના વિકાસને કારણે નથી મુકાયો તે કહેવાની જરૂર નથી. એ પણ છે કે સંગઠન, પ્રતિબંધને કાનૂની રીતે પડકારવાના મૂડમાં નથી એટલે પ્રતિબંધ ન મુકાવો જોઈતો હતો ને મુકાયો છે, એવું લાગતું નથી, નહીં તો સંગઠન વિરોધ ન કરવા જેટલું વિવેકી તો ક્યારે ય રહ્યું નથી. પી.એફ.આઈ. પ્રતિબંધિત થાય કે વિખેરાય, તે, તે સંસ્થા પૂરતું સ્વીકારવાનો વાંધો નથી, પણ તેથી નવું સંગઠન સ્થાપવાના માર્ગો બંધ થઈ જતાં નથી એ પણ ખરું.
પી.એફ.આઈ. પણ એ જ રીતે અસ્તિત્વમાં આવ્યું હતું. બાબરી ધ્વંસ પછી આતંકી ઈરાદાઓ પાર પાડવા 1994માં કેરળમાં નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ(એન.ડી.એફ.)ની સ્થાપના થઈ. એ સંસ્થા બીજા રાજ્યોમાં પણ ફેલાઇ. 2003માં કોઝિકોડમાં આઠ હિન્દુઓની હત્યા થઈ. એમાં એન.ડી.એફ.નું નામ ચર્ચામાં આવ્યું હતું. વધારામાં એનો એક છેડો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈ.એસ.આઈ. સુધી લંબાયાની વાત પણ હતી. એમાં વધુ સંડોવણી બહાર આવે તે પહેલાં 2006માં, દિલ્હીમાં, એન.ડી.એફ. અને દક્ષિણની બીજી ત્રણેક સંસ્થાઓની મીટિંગ મળી અને મૂળ સંસ્થાને વિકલ્પે નવી સંસ્થા પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયાનો વિચાર વહેતો થયો. પી.એફ.આઈ. ઉપરાંત સરકારે બીજા આઠ સંગઠનો પર પણ પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એન.આઈ.એ.) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇ.ડી.)ની સઘન તપાસમાં એ બહાર આવ્યું છે કે પી.એફ.આઇ. રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય છે. બાંગ્લાદેશી આતંકવાદી સંગઠન જમાત ઉલ મુજાહિદ્દીન સાથે પણ તેનાં તાર જોડાયેલા છે ને પી.એફ.આઇ.ના ઘણા સભ્યો અફઘાનિસ્તાન, સીરિયા, ઈરાકના આતંકવાદીઓના સંપર્કમાં છે. આ ઉપરાંત દેશમાં કેટલીક પ્રવૃત્તિઓ પાકિસ્તાની આતંકવાદી સંગઠનોની દોરવણી હેઠળ આ સંગઠનનાં નેજા હેઠળ ચાલે છે, જેનો હેતુ ભારતમાં રહેતા મુસ્લિમોને દેશ વિરુદ્ધ ઉશ્કેરવાનો છે. એને માટે મુસ્લિમ યુવકોનો દુરુપયોગ થાય છે, એવું કેટલાક મુસ્લિમ અગ્રણીઓ પણ માને છે. એ ઉપરાંત પી.એફ.આઈ.ના સંસ્થાપક સભ્ય સ્ટુડન્ટ ઈસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા(સીમી)ના નેતા રહ્યા છે. વિદેશી સ્રોતો પાસેથી પૈસા મેળવી આતંકી પ્રવૃત્તિઓ માટે તેનો ઉપયોગ આ સંસ્થા દ્વારા થતો હતો એવી વાત પણ છે. સૌથી વધારે આઘાતજનક તો એ છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ સંસ્થાના નિશાના પર હતા ને 12 જુલાઈએ તેમની હત્યા કરવાનો આ સંગઠનનો મનસૂબો હતો. ઇ ડી એ કોર્ટમાં કહ્યું છે કે બિહારની રેલીમાં હુમલો કરવાનું કાવતરું હતું. એને માટે કેરળમાં હુમલાની ટ્રેનિંગનો કેમ્પ પણ કરવામાં આવ્યો હતો. આવું હોય તો શિક્ષાત્મક પગલાં સરકારે ભરવાં જ જોઈએ ને તે તેણે ભર્યાં છે.
આ બધું થતાં 22 સપ્ટેમ્બરે એન.એફ.આઈ. અને ઇ.ડી.એ 15 રાજ્યોમાં પી.એફ.આઈ.ના 93 સ્થળે ‘ઓપરેશન ઓકટોપસ’ હેઠળ દરોડા પાડયા. દરોડા દરમિયાન પી.એફ.આઈ.ની વિરુદ્ધ પુરાવાઓ મળ્યા. રાજસ્થાન સહિત દેશના 20થી વધુ રાજ્યોમાં તે ફેલાયેલું સંગઠન છે. તેની પાસે રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની સમિતિઓ છે. તેનાં સભ્યો ચૂંટણીઓ દ્વારા ચૂંટાય છે. તપાસ દરમિયાન સેંકડોની ધરપકડ પણ થઈ છે. પી.એફ.આઈ. પર પ્રતિબંધ મુકાતાં કાઁગ્રેસ સહિત વિપક્ષોએ આર.એસ.એસ. પર પણ પ્રતિબંધ મૂકવાની વાત કરી છે. ખરેખર તો પી.એફ.આઈ. અને અન્ય સંસ્થાઓની સ્થાપના કાઁગ્રેસી શાસન કેન્દ્રમાં હતું તે દરમિયાન થઈ હતી. એ વખતે કાઁગ્રેસે આવી સંસ્થાઓ પર રોક ન લગાવી, પરિણામે દેશમાં અનેક સ્થળોએ આતંકવાદી હુમલાઓ થયા ને અનેક નિર્દોષોનાં લોહી રેડાયાં. કેટલાંક મુસ્લિમો આ વાત જાણે છે ને કહે છે કે આવી પ્રવૃત્તિઓને લીધે યુવકો ગેરમાર્ગે દોરાઈ રહ્યા છે. પી.એફ.આઈ.એ ઈસ્લામિક રાષ્ટ્ર બનાવવા માટે યુવાનોને લશ્કર અને આઈ.એસ.આઈ.એસ. જેવાં આતંકી સંગઠનોમાં જોડાવા પ્રોત્સાહિત પણ કર્યાં છે. એ જ કારણ છે કે અજમેર દરગાહના દીવાન ઉપરાંત ઘણાં મુસ્લિમોએ અને રાજ્યોએ પી.એફ.આઈ. પર મુકાયેલ પ્રતિબંધને યોગ્ય ઠેરવ્યો છે. પી.એફ.આઈ. પર પ્રતિબંધ મૂકવાની વાત તો આસામ, ગુજરાત, કર્ણાટક, ઉત્તર પ્રદેશ સહિત ઘણાં રાજ્યોએ કરી હતી.
એમ લાગે છે કે બાબરી ધ્વંસ પછીની મુસ્લિમોની આ પ્રતિક્રિયાઓ ત્રીસ વર્ષ પછી પણ શમતી નથી. કાઁગ્રેસી શાસનની કહેવાતી બિનસાંપ્રદાયિક રીતિ-નીતિઓની આડમાં કટ્ટરતા ઉછરતી આવી છે. આ ઉછેર દક્ષિણનાં રાજ્યોમાં વિશેષ થયો છે. પી.એફ.આઈ.નો જન્મ અને વિકાસ પણ કેરળમાં જ થયો છે. એને લીધે દક્ષિણી રાજ્યોમાં કટ્ટરવાદ કદાચ વધારે વકર્યો છે. બધા મુસ્લિમો કટ્ટર છે એવું નથી, પણ જે નથી એમને કટ્ટર બનાવવાનું કામ આવી સંસ્થાઓ કરતી રહે છે ને તેનું માર્ગદર્શન પાકિસ્તાની સંગઠનો પૂરું પાડે છે. કેટલા ય હિન્દુઓ ભા.જ.પ. સરકારની રીતિનીતિઓથી સંતુષ્ટ નથી, છતાં તેમને વિદેશી શત્રુઓને શત્રુતા વધારવામાં આમંત્રણ આપવાનું કદી નહીં સૂઝે, પણ કેટલાંક સંગઠનોને વિદેશી સહાય મેળવીને અહીં જ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ વિકસાવવાનું ફાવે છે એ શરમજનક છે. પાકિસ્તાન જેવું અધમ રાષ્ટ્ર આ ધરતી પર બીજું નથી. તેનું અસ્તિત્વ પોતાને માટે તેમ જ અન્ય રાષ્ટ્રો માટે કદી ઉપકારક રહ્યું નથી. તે માંદું અને વિકૃત રાષ્ટ્ર છે. પોતે પોતાનું પૂરું કરી શકે એમ નથી એટલે ભારત સાથે તે શત્રુતા વધારીને ટકવા મથે છે. તેની મૈત્રી હંમેશાં દગાખોરીનું જ બીજું નામ રહી છે. વિશ્વમાં આતંક ફેલાવનાર તે એક માત્ર કાયર રાષ્ટ્ર છે. ભારતમાં જેટલા પણ આતંકી હુમલા થયા છે તેમાં તે સીધું સંડોવાયેલું છે. માત્ર ભાગલા વખતે થયેલા નરસંહારમાં જેટલા હિન્દુઓ મર્યા તેટલા યુદ્ધ વગર સ્વતંત્રતાને નામે મર્યા નથી. પાકિસ્તાન હરામનું જ શોધતું પરોપજીવી રાષ્ટ્ર છે. તે અમેરિકા કે રશિયા કે ચીનના ખોળા બદલતું મતલબી રાષ્ટ્ર છે ને એને માટે તે ભારતની સરહદે સતત ઉપદ્રવ કરતું રહ્યું છે. પી.ઓ.કે. એ ભારતની ઉદારનીતિનું પરિણામ છે. ખરેખર તો તે આંચકી લેવાની જરૂર છે. તેને નક્શા પરથી દૂર કરી શકાય તો બને કે ભારતના મુસ્લિમો ભારત સંદર્ભે વિચારતા થાય. ઘણા મુસ્લિમોએ ભારતને પોતાનું રાષ્ટ્ર માન્યું છે, પણ કેટલાક મુસ્લિમો ભારતની ભૂમિ પર વસીને પાકિસ્તાનની વફાદારી દાખવે છે. એમણે ભારતને મુસ્લિમ રાષ્ટ્ર બનાવવું છે. એ બધાં એમાં શું ખાટી જવાના છે તે તો તેઓ જાણે, પણ એ દેશહિતમાં નથી વિચારી રહ્યા એટલું નક્કી છે. 75થી વધુ વર્ષથી એઓ અહીં રહે છે, અહીંનું ખાય છે, પણ અહીંના થઈ શક્યા નથી. એ કેટલાં વર્ષો પછી અહીંના થશે તે નથી ખબર. આ બેવડી જિંદગી, નથી એમને અહીંના કરી શકતી કે નથી તો એ બીજે વસી શકતા. એને લીધે હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે સંઘર્ષ થતો રહે છે. બીજી કોઈ લઘુમતી કોમને હિન્દુઓ જોડે પ્રશ્નો નથી. માત્ર કેટલાંક મુસ્લિમો નથી ઇચ્છતાં કે અહીંની પ્રજા સંપીને રહે. એમ કરવાથી એમના હાથમાં શું આવતું હશે, તે નથી ખબર, પણ અહીંની પ્રજા આતંકી ઓથાર વચ્ચે જીવે છે તેની ના પાડી શકાશે નહીં.
એ અત્યંત શરમજનક છે કે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા જેવી સંસ્થાઓ આ દેશમાં વિકસીને અહીં જ એની ઘોર ખોદે છે. આવું તો ભારતમાં જ બને. કોઈ દેશ લોકશાહીને નામે રાષ્ટ્ર વિરોધી આટલી હિંસક પ્રવૃત્તિઓ ન જ ચાલવા દે. પાકિસ્તાનમાં ત્યાંના હિન્દુઓ ભારતનું હિત ઇચ્છતી કોઈ સંસ્થા સ્થાપે તો પાકિસ્તાન તે ચાલવા દેશે? તો, અહીંના મુસ્લિમો ભારત વિરોધી, પાક પ્રેરી કોઈ સંસ્થા સ્થાપી જ કેવી રીતે શકે? લોકશાહી દેશમાં એવું ચાલે એવું ઘણા કહે છે, પણ લોકશાહીને નામે રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કરનારી સંસ્થાઓ સ્થપાય તો તેને નિર્મૂળ કરવાનું કર્તવ્ય પણ લોકશાહી સરકારે બજાવવાનું રહે. પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર પ્રતિબંધ મુકાયાની વાત હજી ચાલે જ છે ત્યાં પાકિસ્તાનને સૈન્યની માહિતી પૂરી પાડનારો જાસૂસ અમદાવાદથી પકડાય છે. કાલુપુરથી પકડાયેલા જાસૂસ અબ્દુલ વહાબ પઠાણની, પાકિસ્તાની ઇન્ટેલિજન્સ ઓફિસરને સીમકાર્ડ પૂરા પાડવા બદલ ધરપકડ થઈ છે. એ અત્યંત દુ:ખદ છે કે 75 વર્ષથી વધુ સમય ભારતને સ્વતંત્ર થવાને થયો છતાં કેટલાક મુસ્લિમો આ દેશના થઈ શક્યા નથી ને દુશ્મન દેશની વફાદારી દાખવે છે. એમને શું કામ બક્ષવા જોઈએ તે કોઈ કહેશે?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 સપ્ટેમ્બર 2022