ચૂંટણી સુધારાની દિશામાં નોંધપાત્ર મનાતું ચૂંટણી કાયદો (સુધારા) વિધેયક ૨૦૨૧ સંસદમાં ચર્ચા વિના અને સંસદ બહાર વ્યાપક લોકપરામર્શ વિના પસાર થયું હતું. એટલે તે કાયદો બન્યા પછી પણ વિવાદ અને રાજકીય ચર્ચાનો વિષય છે. ૧૯૫૦ના લોકપ્રતિનિધિત્વ કાયદાની કલમ ૨૩માં સુધારો કરતો આ કાયદો કેટલીક મહત્ત્વની જોગવાઈઓ ધરાવે છે. કાયદામાં પત્નીને બદલે વપરાયેલો જીવનસાથી શબ્દ, અઢાર વરસ પૂર્ણ કરનારા નવા મતદારની વરસમાં એક જ વાર પહેલી જાન્યુઆરીએ નોંધણીને બદલે વરસમાં ચાર વાર (જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ અને ઓકટોબર) નોંધણી, જેવી સારી જોગવાઈઓ કરતાં આ કાયદો મતદાર ઓળખપત્ર અને આધાર કાર્ડના જોડાણ અને તેની અસરો બાબતે વધુ ચર્ચામાં છે.
ભારતના લોકો રેશનકાર્ડ, વોટરકાર્ડ, પાનકાર્ડ અને આધારકાર્ડ જેવા ઓળખ, રહેઠાણ અને નાગરિકતાના સરકારી દસ્તાવેજો ધરાવે છે. તે સૌમાં ૨૦૦૯માં અવતરિત આધારકાર્ડ વધુ વિશ્વસનીય અને વ્યાપક છે. ડિસેમ્બર ૨૦૨૧માં ૯૯.૭ ટકા પુખ્ત ભારતીયો પાસે આધારકાર્ડ હોવાનો દાવો કરાયો હતો. આધારકાર્ડ સાથે બેન્ક એકાઉન્ટ, રેશનકાર્ડ, પાનકાર્ડ પછી હવે મતદાર ઓળખપત્રનું જોડાણ કરવાનું નક્કી થયું છે. ચૂંટણી પંચ, સરકાર અને સુપ્રીમ કોર્ટ સુધ્ધાં આધાર અને વોટર આઈ.ડી.નું લિંકેજ સ્વૈચ્છિક હોવાનું તો જણાવે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે આ જોડાણ મરજિયાત છતાં ફરજિયાત જેવું છે.
બાયોમેટ્રિક ડેટાના આધારે ફાળવેલી બાર આંકડાની વિશિષ્ટ ઓળખનું બનેલું આધારકાર્ડ સબ દુ:ખોં કી એક દવા જેવું બની ગયું છે. ચૂંટણી સુધારા માટે પણ આધાર સાથે મતદાર યાદી અને મતદાર ઓળખપત્રનું જોડાણ થઈ રહ્યું છે. એક તરફ આ જોડાણનો વિરોધ થઈ રહ્યો છે તો ૨૦૨૧માં ૨૦ કરોડ મતદારોએ જોડાણ કરાવી દીધું હતું.
આધારના વોટર આઈ.ડી. સાથેના જોડાણથી ચૂંટણીઓ વધુ સ્વતંત્ર, તટસ્થ અને ત્રૂટિરહિત બનશે એવો સરકારનો દાવો છે. મતદાનના દિવસે મતદાર યાદીમાં નામ ન હોવાની ફરિયાદો ઊઠે છે અને રાજકીય પક્ષો મતદારયાદીમાં ઘાલમેલ થયાના આરોપ લગાવે છે. આધારના જોડાણથી આ ફરિયાદ દૂર થવાનો ઉદ્દેશ છે. ઉપરાંત લિંકેજથી સ્થળાંતરિત મતદારોને તેમના કામનાં સ્થળે મતદાનનો લાભ મળી શકે છે. બેવડા મતદારો અને બેવડા ઓળખપત્રો અટકશે. પ્રોક્સી મતદાન સરળ બનશે. બોગસ મતદાન અને નકલી મતદારો પર રોક લગાવી શકાશે. ભવિષ્યમાં ઈલેકટ્રોનિક કે ઈન્ટરનેટ આધારિત મતદાનમાં સહાયરૂપ થશે. ટૂંકમાં આધારકાર્ડ સાથેના જોડાણથી સમગ્ર ચૂંટણીપ્રક્રિયા આસાન બનશે.
જો કે જોડાણના વિરોધીઓ ફાયદાના દાવા સ્વીકારતા નથી. આધારકાર્ડની વ્યાપકતા સ્વીકારનારા પણ તે પૂર્ણ વિશ્વસનીય હોવાનું માનતા નથી. માહિતી અધિકાર કાયદા હેઠળ મળેલી માહિતીમાં દેશમાં આઠ કરોડ નકલી આધારકાર્ડ હોવાનું જણાવાયું છે. ‘કેગ’ના એક રિપોર્ટમાં પાંચ લાખ ડુપ્લીકેટ આધારકાર્ડ હોવાનું કહેવાયું હતું. આધારની અધિકૃતતાની ચકાસણીમાં બાર ટકા ક્ષતિ માલુમ પડી છે. આધારકાર્ડ નાગરિકતાનો પુરાવો નથી, જ્યારે મતદાર ઓળખપત્ર છે. એટલે બંને કાર્ડ સમાન ન હોઈ જોડાણ થઈ શકે નહીં. આધારકાર્ડ અને વોટર આઈ.ડી. લિંક કરવાનો કોઈ લાભ ન હોવાની વિરોધીઓની આ બધી દલીલોમાં વજુદ લાગે છે.
આધાર સાથેના બીજા કાર્ડના જોડાણમાં જે એક સામાન્ય મુશ્કેલી જણાઈ છે તે વ્યક્તિના અંગ્રેજી નામની જોડણી છે. અંગ્રેજી નામના સ્પેલિંગમાં નજીવા ફેરથી પણ લિંકેજ થતું નથી. લિંકેજ ઓફલાઈન અને ઓનલાઈન થઈ શકશે તેવા વહીવટીતંત્રના દાવા છતાં નામના અંગ્રેજી શબ્દની જોડણીમાં સુધારો કરાવવાનું કામ વ્યક્તિ માટે સમય અને નાણાંની દૃષ્ટિએ ખર્ચાળ છે.
લિંકેજની મુશ્કેલી હલ થયા પછી જોડાણના ઉદ્દેશો પાર પડે છે કે કેમ અને આ કામમાં નિર્દોષ ગરીબો તો દંડાતા નથી ને? તે વિચારવાનું રહે છે. રેશનકાર્ડનો આધાર લિંકેજનો હેતુ જાહેર વિતરણ વ્યવસ્થાની ખામીઓ અને ભ્રષ્ટાચાર દૂર કરવાનો હતો. પરંતુ અનુભવે જણાયું છે કે રેશન અને આધારકાર્ડનું લિંકેજ ના થવાનો ભોગ ગરીબો બન્યા છે અને તેઓ અનાજ વગરના રહ્યા છે. લિંકેજના અભાવે રદ્દ થયેલા ૯૦ ટકા કાર્ડ સાચા હોવાનું પુરવાર થયું છે. ભૂતિયા રેશનકાર્ડ તો દૂર ના થયા પણ સાચા રેશનકાર્ડધારકોને સહન કરવું પડ્યું છે. જાહેર વિતરણ વ્યવસ્થાની ખામી કે ભ્રષ્ટાચાર માત્ર ભૂતિયા કાર્ડ જ નથી પરંતુ દુકાનદાર સમયસર અનાજ ના આપે, વજનમાં ઓછું આપે અને હલકી ગુણવત્તાનું આપે તે છે. જોડાણથી આ ખામી દૂર થતી નથી.
એક અભ્યાસ પ્રમાણે એક મતવિસ્તારમાં લગભગ ૨૫ હજાર સંદિગ્ધ મતદારો હોય છે. જો તેમના આધારકાર્ડનું મતદારયાદી અને ઓળખપત્ર સાથે લિંકેજ થઈ ગયું હોય તો તેમને મતદાન કરતા રોકી શકાતા નથી. ઓછા અંતરથી ઉમેદવારની હારજીતમાં આવા મતદારોની મોટી ભૂમિકાને આધારકાર્ડ સાથેના જોડાણથી અટકાવી શકાતી નથી. તેટલે અંશે ચૂંટણી પ્રક્રિયા દૂષિત જ રહે છે. ચૂંટણીપંચે વધુ ચોક્સાઈભરી અને અદ્યતન મતદાર યાદી તૈયાર કરવાની પોતાની જવાબદારીથી હાથ ખેંચી લઈને ચૂંટણી સુધારાના નામે જોડાણનો તુક્કો લડાવ્યો છે. જે ભાગ્યે જ ઉદ્દેશો પૂરા કરશે.
મતદારની પ્રાઈવસીના અધિકારને સુપ્રીમ કોર્ટે મૂળભૂત હક ગણ્યો છે. જોડાણના કારણે મતદારની ઘણીબધી માહિતી સત્તાપક્ષને પહોંચી શકે છે અને તેની નિજતા જોખમાય છે. આધાર સાથે લિંક ના થવાથી મતદારનો મતદાનનો હક છીનવાશે નહીં અને જોડાણ સ્વૈચ્છિક છે, તેવી ખાતરી એટલે પણ બોદી લાગે છે કે જે મતદાર આધાર સાથે લિંકેજ ન કરાવે તેણે તેનાં પર્યાપ્ત કારણો આપવાનાં હોય છે. આ નિયમને કારણે તથા લિંકેજની કામગીરી કરતા કર્મચારીઓને ફાળવેલા સો ટકા કામગીરીના લક્ષ્યાંકો પરથી જોડાણ કરાવવું ફરજિયાત બને છે.
જોડાણ કરાવવાની સમયમર્યાદા ચૂંટણીપંચે માર્ચ ૨૦૨૩ની ઠરાવી છે. એટલે આ બાબત તેના માટે તાકીદની હોવાનું અને ૨૦૨૪ની લોકસભા ચૂંટણી તેના આધારે કરાવવાની તૈયારી લાગે છે. પાનકાર્ડધારકોની મર્યાદિત સંખ્યા છતાં તેના આધાર સાથેના જોડાણની સમયમર્યાદા સતત વધારાઈ છે. પરંતુ વોટર આઈ.ડી. સાથેનું જોડાણ જે ઝડપે થઈ રહ્યું છે તે જોતાં ઝાઝો મુદ્દત વધારો મળશે નહીં.
વ્યાપક સંસદીય અને લોકપરામર્શ વિનાનો આ કાયદો અને તેનું અમલીકરણ ગરીબો માટે નુકસાનકારક બની શકશે. એ જ લોકતંત્ર સાર્થક ગણાય જેમાં કાયદા, સુધારા અને વ્યવસ્થા છેવાડાના માનવી માટે સુગમ, સરળ અને સહજ હોય. આ માપદંડે જોતાં આધારકાર્ડનું વોટર આઈ.ડી. સાથેનું જોડાણ ગરીબોને કનડનારું બની શકે છે.
e.mail : maheriyachandu@gmail.com