
ચંદુ મહેરિયા
આમ તો એ ભારતની સર્વોચ્ચ અદાલતે પ્રકાશિત કરેલી નાનકડી પુસ્તિકા છે. પરંતુ નારી મુક્તિની દિશામાં આ નાનકડું પગલું અનેક સકારાત્મક અસરો જન્માવે તેવું છે. ૨૦૨૧માં સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટસને યૌન હિંસાના કેસોની સુનાવણી દરમિયાન પિતૃસત્તાત્મક ધારણાઓ અને લૈંગિક રૂઢિવાદથી મુક્ત રહેવા દિશાનિર્દેશ આપ્યા હતા. માર્ચ ૨૦૨૩માં LGBTQ હેન્ડબુક પ્રગટ કરી હતી. એ વખતે જ વડા ન્યાયમૂર્તિ ડી.વાય. ચંદ્રચૂડે મહિલા સંબંધી ભેદભાવ અંગે હેન્ડબુક પ્રગટ કરવા આશા વ્યક્ત કરી હતી. અદાલતોમાં કેસની કાર્યવાહી દરમિયાન વકીલો, ન્યાયાધીશો અને અન્ય લોકો રૂઢિવાદથી દૃઢ થયેલા શબ્દો અને માન્યતાઓ વ્યક્ત કરે છે. તેની અસર ચુકાદા પર પણ પડે છે. એટલે માંડ ત્રીસ પાનાંની HANDBOOK ON COMBATING GENDER STEREOTYPES મહિલા સંબંધી પરંપરાગત માન્યતાઓમાંથી છૂટકારો અપાવવામાં અગત્યની છે.
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ આ હેન્ડબુક કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ મૌસમી ભટ્ટાચાર્યના અધ્યક્ષપદ હેઠળની સમિતિએ તૈયાર કરી છે. સમિતિના સભ્યો રિટાયર્ડ જસ્ટિસ પ્રભા શ્રીદેવન, જસ્ટિસ ગીતા મિત્તલ અને પ્રોફેસર ઝૂમા સેન હતાં. હેન્ડબુકમાં સ્ટિરીઓટાઈપ્સ એટલે શું તે જણાવ્યું છે. મહિલાઓ પ્રત્યેની પરંપરાગત માન્યતાઓ ઉદાહરણો સાથે જણાવી છે તો અસમાનતાસૂચક શબ્દોના વિકલ્પો દર્શાવ્યા છે. મહિલાઓ અને કન્યાઓ માટે લિંગ-તટસ્થ શબ્દોની સૂચિ સાથે તેમની મર્યાદા અને ગરિમાને અનુરૂપ વૈકલ્પિક શબ્દો આપીને મુક્તિની ભાષા કેવી હોવી જોઈએ તે જણાવવા પ્રયાસ કર્યો છે.
ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડે પ્રસ્તાવનામાં કાયદાના મૂલ્યો શબ્દના માધ્યમથી સંચરિત થાય છે તેમ જણાવી આશા વ્યક્ત કરી છે કે લૈંગિક દૃષ્ટિકોણથી ન્યાયપૂર્ણ શબ્દાવલીનો ન્યાયાધીશો ઉપયોગ કરશે તો આખા સમાજ પર તેની સારી અસર પડશે અને સમાજ પણ તે શબ્દોનો ઉપયોગ કરતો થશે. એ સાચું કે અદાલતી ચુકાદામાં ન્યાયાધીશો ભેદભાવકર્તા શબ્દોનો ઉપયોગ ન કરવા સભાન હોય છે પરંતુ જ્યારે મોટાભાગનો સમાજ પિતૃસત્તાક માનસિકતા ધરાવતો હોય ત્યારે જજીસ અને એડવોકેટ્સ તેનાથી મુક્ત હોતા નથી. એટલે ઊલટતપાસમાં કે કેટલાક ચુકાદાઓ સુધ્ધાંમાં આવા શબ્દો કે માન્યતાઓ જોવા મળે છે. આ પુસ્તિકામાં એ શબ્દો, વાક્યાંશો અને માન્યતાઓની ઓળખ કરવામાં આવી છે અને તેના વિકલ્પો જણાવ્યા છે.
કેટલાક અદાલતી ચુકાદાઓ મહિલા સંબંધી રૂઢિવાદી માન્યતાઓથી ગ્રસ્ત જોવા મળે છે. નૈના સહાની તંદૂરકાંડના આરોપી સુશીલ શર્માને ફાંસીને બદલે આજીવન કારાવાસની સજા કરી હતી. કેમ કે ન્યાયાધીશો એવી પરંપરાગત માન્યતા ધરાવતા હતા કે નૈના સહાની ભણેલી-ગણેલી અને મહત્ત્વાકાંક્ષી સ્ત્રી હતી.તે એક ગરીબ અને અસહાય મહિલા નહોતી ! પરંતુ પિતાના ખૂન કેસની આરોપી શબનમને ફાંસીની સજા એટલે આપી કે જજોની માન્યતા હતી કે પિતાનું આજીવન માન-સન્માન જાળવવાની જેની પાસે આશા હોય તે પુત્રી જ પિતાનું મર્ડર કરે તો તેને ફાંસીથી ઓછી સજા ના થઈ શકે. રાજસ્થાન હાઈકોર્ટે ૧૯૯૫ના ભંવરીદેવી સામૂહિક બળાત્કારકાંડના તમામ અરોપીઓને મુક્ત કરતાં ચુકાદામાં કહેલું કે બળાત્કારનો ભોગ બનેલાં ભંવરીદેવી સુંદર નથી, કથિત નિમ્ન જ્ઞાતિનાં છે તેથી તેમના પર કથિત ઉચ્ચ જ્ઞાતિના પુરુષો બળાત્કાર કરી શકે નહીં. ન્યાય તોલનારા ન્યાયાધીશો કેવી લૈંગિક અસંવેદનશીલતા ધરાવી શકે છે તેના આ કેટલાંક ઉદાહરણો છે. લૈંગિક ન્યાયને હાનિકર્તા ચુકાદા અને ટિપ્પણીઓ સુપ્રીમની હેન્ડબુકથી અટકશે તેવી આશા રાખવી રહી.
સ્ટીરિયોટાઈપ્સ અર્થાત્ ઘસાઈ ગયેલી કે પરંપરાગત માન્યતા, પરંપરાથી ઘર કરી ગયેલી, રૂઢ થઈ ગયેલી ધારણા કેવી હોય છે તે પણ સુપ્રીમે ઉદાહરણોથી જણાવ્યું છે. ૧. મહિલાઓ અતિભાવુક અને તર્કહીન હોય છે તથા નિર્ણયો લઈ શકતી નથી. ૨. મહિલાઓ પુરુષો કરતાં શારીરિક રીતે નબળી હોય છે. ૩. દરેક મહિલા બાળક પેદા કરવા માગે છે. ૪. મહિલાઓ બીજાની દેખભાળ કરવા માટે વધુ યોગ્ય હોય છે. જેવા ઉદાહરણોને રૂઢિગત માન્યતા ગણાવીને હેન્ડબુકમાં તે માન્યતા કે ધારણાનો છેદ ઉડાડતી તાર્કિક દલીલો કરવામાં આવી છે.
મહિલાઓ પ્રત્યે ભેદભાવ કે અસમાનતા દર્શાવતા લગભગ ચાળીસ શબ્દો તેના વિકલ્પ સહિત જણાવ્યા છે. અદાલતી કાર્યવાહીમાં હવે ઇન્ડિયન વુમન કે વેસ્ટર્ન વુમનને બદલે માત્ર વુમન, પ્રોવોક્ટિવ ક્લોથિંગ (ભડકાઉ કે ઉત્તેજક કપડાં) ને બદલે માત્ર ડ્રેસ કે કપડાં, બાસ્ટર્ડ કે નાજાયજ ઓલાદ ને બદલે એવું બાળક જેના માબાપે લગ્ન કર્યા નથી., હાઉસવાઈફ ને બદલે હોમમેકર, અવિવાહિત મા ને બદલે મા, વેશ્યાના વિક્લ્પે યૌનકર્મી કે સેક્સવર્કર, સેક્સ ચેન્જ ને બદલે જેન્ડર ટ્રાન્ઝિશન કે સેક્સરિએસાઈનમેન્ટ, પીડિતાને બદલે યૌન હિસાથી પ્રભાવિત, ઈવ ટીજિંગ કે છેડછાડ ને બદલે ગલી કે સડક પર યૌન ઉત્પીડન, બાળવેશ્યાને બદલે જેમનું ટ્રેફિકિંગ થયું છે તેવા બાળકો, પતિવ્રતા, આજ્ઞાકારી અને વિશ્વાસપાત્ર પત્નીને બદલે પત્ની, અફેર ને બદલે લગ્ન બાહ્ય સંબંધ – શબ્દોનો ઉપયોગ કરવા સૂચવ્યું છે.
આ હેન્ડબુક કોઈ અદાલતી હુકમ નથી પરંતુ અદાલતી કાર્યવાહીમાં બાળકીઓ અને મહિલાઓ માટેના નકારાત્મક તથા ઘૃણિત માનસિકતાના ધ્યોતક શબ્દોના સ્થાને તટસ્થ શબ્દોના ઉપયોગથી એ સિદ્ધ થશે કે અદાલતોને મહિલાઓ અંગેની પરંપરાગત માન્યતાઓ, ધારણાઓ અને શબ્દો સ્વીકાર્ય નથી. કમ સે કમ ન્યાયતંત્ર તો લૈંગિક સમાનતાની તલાશ અને અમલ માટે પ્રતિબધ્ધ છે. બંધારણે સમાજ પરિવર્તનની જે શક્તિ અદાલતોને આપી છે તેનો તે અમલ કરી રહી છે તેવું આ હેન્ડબુકના પ્રકાશનથી જણાશે..
જ્યારે ન્યાયાલયો સમક્ષ વેશ્યા કે પ્રોસ્ટિટ્યૂટ્ને બદલે સેક્સવર્કર શબ્દ વપરાય અને તેને કારણે વર્કરની કામની જગ્યા, કામની સ્થિતિ, આવક, આરોગ્ય જેવી બાબતો ચર્ચાય તો આ હેન્ડબુકનું હોવું સાર્થક બની શકે છે. કાયદા કે ન્યાયાલયની બહાર, ભાષા અને વ્યવહારમાં સુપ્રીમની આ હેન્ડબુકનો અને તે થકી મહિલા સમાનતા તેમ જ મહિલા ગરિમાનો તેનો સંદેશ આત્મસાત થાય તો બંધારણનિર્માતાઓનો બરાબરીનો હક વાસ્તવમાં સૌને મળી શકે.
સમાજ અને તેના ભાગરૂપ પોલીસ અને શિક્ષણ રૂઢિવાદિતાને સવિશેષ પોસે છે. એટલે જો આ માર્ગદર્શિકા પ્રમાણે તેમના વ્યવહાર, વિચારો અને પદ્ધતિમાં ફેરફાર આવી શકે તો સુપ્રીમનો મોટા પરિવર્તનનો નાનો પ્રયાસ દીપી ઊઠે તથા આગળ ધપી શકે. લૈંગિક રૂઢિવાદિતાની મસમોટી ખાઈ ભરવાના આવા નાનકડા પ્રયાસો જ આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ખરી ઉજવણી છે.
e.mail : maheriyachandu@gmail.com
![]()


સરકારી નોકરી છોડ્યાના બીજા જ દિવસે સવારે તેઓ કાઁગ્રેસના સભ્ય બન્યા હતા. કાઁગ્રેસના કાર્યકર તરીકે લોકસંપર્ક કરી સત્યાગ્રહની લડત માટે લોકોને જાગ્રત કરવાનું કામ કર્યું. થોડાં વરસમાં તેઓ કાઁગ્રેસના મંત્રી બન્યા. સત્યાગ્રહની લડતમાં મોરારજીભાઈની સક્રિયતા તેમના પાંચ કરતાં વધુ જેલવાસથી જણાય છે. ગાંધીજીને પત્ર લખી તેમણે આશ્રમમાં જોડાવાની મંજૂરી માંગી હતી અને જણાવ્યું હતું કે તેમને નિર્ભેળ રાજકારણમાં ખાસ રસ નથી. પરંતુ તેમની ઈચ્છાથી વિરુદ્ધ તેઓ સત્તાના રાજકારણમાં ખેંચાયા હતા. સૌ પ્રથમ ૪૧ વરસની ઉમરે ૧૯૩૭માં તેઓ અવિભાજિત મુંબઈ રાજ્યના બાળાસાહેબ ખેર મંત્રી મંડળના મહેસુલ મંત્રી બન્યા હતા. મોરારજીભાઈ ૫૬ વરસે ૧૯૫૨માં મુંબઈના મુખ્ય પ્રધાન અને ૮૧ વરસે ૧૯૭૭માં દેશના વડા પ્રધાન બન્યા હતા.