લગભગ દોઢેક વરસથી જેલમાં બંધ મોરબી ઝૂલતા પુલ કાંડના કથિત મુખ્ય આરોપી જયસુખ પટેલના જામીન સર્વોચ્ચ અદાલતે મંજૂર કર્યા છે. દેશની જેલોમાં ૮૦ ટકા કેદીઓ અન્ડર ટ્રાયલ કહેતાં જામીનના હકદાર છે. ઘણા કાચાં કામના ગરીબ કેદીઓના જામીન કોર્ટે મંજૂર કર્યા છે, પરંતુ બેલબોન્ડની વ્યવસ્થા ના થઈ હોવાથી પણ તે જેલોમાં છે. જ્યાં સુધી ગુનો સાબિત ના થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિને ગુનેગાર કહી શકાય નહીં. પ્રખર કાયદાવિદ્દ અને દિગ્ગજ ન્યાયાધીશ જસ્ટિસ વી.આર. કૃષ્ણ અય્યરે ૧૯૭૭માં બાલચંદ પ્રકરણમાં એવું ઐતિહાસિક કથન ઉચ્ચારેલું કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. બંધારણના અનુચ્છેદ ૨૧ પ્રમાણે વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળભૂત અધિકારની રૂએ કોઈ પણ વ્યક્તિ એક દિવસ માટે પણ વગર સજાએ જેલમાં ના હોવો જોઈએ. પરંતુ આપણી પોલીસ તપાસની પદ્ધતિ અને ન્યાય વ્યવસ્થાની બલિહારી છે કે ઘણા આરોપીઓને તો ગુનાની સજા જેટલો કે ક્યારેક તો એથી પણ વધુ સમય જેલમાં ગુજારવો પડે છે.
ડી.કે. બસુ કેસમાં સુપ્રીમ કોર્ટે જાણાવ્યું હતું કે ધરપકડ કરવી અને ધરપકડને વાજબી ઠેરવવી તે બંને અલગ બાબતો છે. પરંતુ ભારતનું પોલીસતંત્ર ધરપકડને પોતાનો હક અને ફરજ માને છે. કેટલાક જામીનપાત્ર ગુનાઓ માટે પોલીસ મથકમાં જ જામીન આપી આરોપીને છોડી શકાય છે, પરંતુ ઘણીવાર તેનો પણ અમલ થતો નથી. અનાવશ્યક ધરપકડો ટાળવામાં આવે તેવું વારંવાર કહ્યા છતાં ધરપકડો થતી રહે છે અને જામીન માટે પણ લોકોને છેક હાઈકોર્ટ –સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે છે.
જ્યારે કોઈ વ્યક્તિ બિનજામીનપાત્ર ગંભીર ગુનો કરે છે, ત્યારે પોલીસ તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરે છે. કથિત આરોપી તેને જામીન મળે તે માટે અરજી કરી શકે છે અને અદાલત જામીન અંગે યોગ્ય નિર્ણય કરે છે. જામીન મેળવવાનો આરોપીને કાયદેસરનો અધિકાર છે. જામીન આરોપીની સશર્ત મુક્તિ છે અને તેણે અદાલતની જરૂરિયાત મુજબ હાજર થવાનું હોય છે. ધરપકડ થઈ ન હોય પણ તેની આશંકા હોય તો પણ વ્યક્તિ આગોતરા જામીન મેળવી શકે છે. તે ઉપરાંત પ્રિ-ટ્રાયલ અને પોસ્ટ ટ્રાયલ જામીન મળે છે. પ્રિ-ટ્રાયલ બેલમાં બિન જામીનપાત્ર આરોપીને તેના કેસની કોર્ટમાં સુનાવણી ચાલુ ના થઈ હોય (ટ્રાયલ પેન્ડસી) તે દરમિયાન જામીન પર મુક્તિ મળે છે. ટ્રાયલ કોર્ટ કોઈને દોષી ઠેરવે તે પછી વ્યક્તિને તે સજા સામે ઉપલી અદાલતમાં અપીલ કરવાનો અધિકાર હોય છે. અપીલ કોર્ટ અપીલ વિચારણાના સમય દરમિયાન જે જામીન આપે તે પોસ્ટ ટ્રાયલ બેલ કહેવાય છે.
જામીન ટૂંકી મુદ્દતના હોય છે તેમ નિયમિત પણ હોય છે. ટ્રાયલ કોર્ટ કે હાઈકોર્ટ સીમિત અવધિના જામીન આપે તેને સુપ્રીમ કોર્ટ જો કેસ પડતર હોય, હમણાં ચાલવાનો જ ના હોય તો લાંબા ગાળાના જામીન આપે છે. કથિત આરોપી સામેના આરોપ ગંભીર છે એટલા જ કારણસર તેના જામીન નકારી શકાય નહીં તેવું પણ સર્વોચ્ચ અદાલતે કહ્યું છે. ભીમા કોરેગાંવ અલ્ગાર પરિષદના આરોપીઓને આ પ્રકારની ટિપ્પણી સાથે જામીન મળ્યા છે. મુકદ્દમા પૂર્વે વ્યક્તિને લાંબો સમય જેલમાં રાખવા સામે સુપ્રીમને વાંધો છે અને તે જામીન મંજૂર કરે છે.
જ્યારે કથિત આરોપીના જામીન મંજૂર થાય તે પછી તરત તેની જેલમુક્તિ થતી નથી. કારણમાં જેલ સત્તાવાળાઓને હજુ બીડું મળ્યું નથી તેમ કહેવામાં આવે છે. જ્યારે સુપ્રીમ કોર્ટના ધ્યાને આ બાબત આવી તો તેણે ૨૦૨૨માં માર્ગદર્શિકા પ્રગટ કરી હતી અને તરત મુક્તિની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વર્તમાન સમય ઉન્નત ટેકનોલોજીનો છે ત્યારે આરોપીને જામીન મળ્યા પછી જેલમાં ગોંધી રાખવો વાજબી નથી. ૨૦૨૨માં ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સ મિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્સ (ફાસ્ટર) સોફ્ટવેર અદાલતોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જામીનના આદેશ રોજ ઈ.મેલથી મોકલવા અને ટ્રાયલ કોર્ટને રોજ સવાર સાંજ ઈ.મેલ ચેક કરી જામીન મુક્તિની કામગીરી કરવા જણાવ્યું છે.
જો જામીન વ્યક્તિનો કાયદેસરનો હક હોય અને તે માટેનું કાનૂની તંત્ર હોય તો તેનો અમલ કેમ થતો નથી? જેમ જામીન મુક્તિમાં તેમ જામીન અરજીઓ સાંભળવામાં પણ અસહ્ય વિલંબ થાય છે. આગોતરા જામીનની એક અરજી ચાર વરસથી પેન્ડીંગ હોવાનું ધ્યાને આવતાં સુપ્રીમ કોર્ટે જામીન અરજી અંગે બે અને આગોતરા અંગે છ અઠવાડિયામાં નિર્ણય લેવા આદેશ કર્યો છે. ૨૦૨૩ના વરસમાં જામીન અંગેની અપીલ કોર્ટ તરીકે ઉભરેલી સર્વોચ્ચ અદાલતના વર્તમાન ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાએ પ્રત્યેક બેન્ચને રોજ દસ જામીન અરજીઓની સુનાવણી હાથ ધરવા સૂચના આપી છે.
એક તરફ સર્વોચ અદાલત અને વડી અદાલતો જામીન અંગે ઘણા હકારાત્મ્ક નિર્ણયો લઈ રહી છે, પરંતુ ટ્રાયલ કોર્ટ તેમ કરતી નથી. જામીન આપવાની અનિચ્છાના તેના વલણને કારણે અપીલ કોર્ટનું ભારણ વધે છે. ટ્રાયલ કોર્ટ ડર કે બીક્ની ભાવનાથી ગ્રસ્ત હોવાથી પણ તે જામીન આપતી નથી. કાયદેસરના અને ઉચિત કારણો વિના જામીનનો નકાર કરવો યોગ્ય નથી તે સ્પષ્ટ હોવા છતાં તેમ થતું નથી. પત્રકારો, કર્મશીલો અને સરકાર સાથે અસંમત એવા નાગરિકોને જામીન મેળવવામાં નવ નેજાં પાણી આવી જાય છે તે કડવી વાસ્તવિકતા છે. એટલે પણ સુપ્રીમે હવે સરકારને જામીન અંગેનો અલગ કાયદો બનાવવા જણાવવું પડ્યું છે.
આરોપીને જામીનથી વંચિત રાખવા પોલીસ અને તપાસ એજન્સી કેવા ખેલ ખેલે છે તે પણ સમજવા જેવું છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ મની લોન્ડરિંગના એક કેસમાં આરોપીને જામીન ન મળે તે માટે વારંવાર સપ્લીમેન્ટરી ચાર્જશીટ રજૂ કરતું હતું. ઈ.ડી.નું આ વલણ આરોપીને જામીનથી વંચિત રાખવાનું જણાતાં સુપ્રીમે તેની આકરી ટીકા કરી હતી. આરોપી લાંબા સમયથી જેલમાં હોય અને ટ્રાયલ શરૂ થવાની ન હોય તો મની લોન્ડરિંગ કેસ હોય, યુ.એ.પી.એ. હોય કે અન્ય ગંભીર ગુનો હોય તે જામીનનો હકદાર છે. આ પ્રકારે અવરોધ ઊભા કરીને જામીનના અધિકારથી વંચિત રાખવા તે વ્યક્તિના સ્વતંત્રતાના અધિકારને રુંધે છે.
ટ્રાયલ કોર્ટ જેમના જામીન નકારે છે તેને ઉપલી કોર્ટ જામીન આપે છે. જ્યારે કોઈ આરોપીને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જામીન આપે છે ત્યારે તેને ન્યાય મળ્યો છે એમ લાગે છે પણ તે ન્યાયનો ઉપહાસ પણ છે. જે પ્રક્રિયા અને કાનૂન હેઠળ તેને ટ્રાયલ કોર્ટ જામીન આપતી ન હોય તેને હાઈકોર્ટ/સુપ્રીમ કોર્ટ કેમ જામીન આપી શકે ? અથવા જો હાઈહોર્ટ /સુપ્રીમ કોર્ટ જામીન આપી શકે છે તો ટ્રાયલ કોર્ટને ક્યો કાયદો જામીન આપવામાં નડે છે ? તે સવાલ ઉદ્દભવે છે.
e.mail : maheriyachandu@gmail.com