વર્ષ 2022માં ‘નવજીવને’ કમળાબહેન પટેલની ‘મૂળ સોતાં ઊખડેલાં’ની ત્રીજી આવૃત્તિ પ્રકાશિત કરી ત્યારે સંતોષ એ વાતનો હતો કે આ દસ્તાવેજી કૃતિ ફરી એક વાંચકવર્ગ સુધી પહોંચશે. આજે આ પુસ્તક નિમિત્તે જ વાત કરવી છે, પણ વાત લગાર બીજા છેડેથી શરૂ કરવાનું મન થાય છે.
“इन बंद कमरों में मेरी साँस घुटी जाती है
खिड़किया खोलता हूँ तो ज़हरीली हवा आती है”
કોઈક ગુમનામ શાયરની આ પંક્તિઓ જાણીતા સાહિત્યકાર અને હિંદી કથાવિશ્વમાં ‘નઈ કહાની’નો ચીલો ચીતરનાર લેખકો પૈકીના એક કમલેશ્વર, તેમની ‘કિતને પાકિસ્તાન’ નવલકથાના પ્રારંભે આખી નવલકથાના માણેકથંભની પેઠે મૂકે છે. જ્યારે આ નવલકથા લખાઈ ત્યારે (વર્ષ 1990થી 2000 દરમિયાન) ભારતમાં અને દુનિયાના અનેક ખૂણે એવી ઘટનાઓ ઘટી રહી હતી કે કમલેશ્વરનો શ્વાસ ‘ઝેરી હવા’થી રૂંધાતો હતો. આજે અઢી દાયકા પછી કાળચક્ર ફરીને ત્યાં જ આવીને ઊભું છે, અથવા તો એ યુગની મ્લાન છાયા હજી સુધી ખસી જ નથી. ગાઝા, યુક્રેન અને અફઘાનિસ્તાનમાંથી ઊઠેલી ઝેરી હવા દુનિયાનો શ્વાસ રૂંધી રહી છે. તો ભારતમાં સ્થિતિ લગીરે જુદી નથી; સુદૂર મણિપુર, લદ્દાખ અને કાશ્મીરના લોકોનો શ્વાસ ઝેરી હવા રૂંધી રહી છે અને ખેડૂતોનો શ્વાસ પણ રૂંધાયો છે.
આની લગોલગ ભારતના ખૂણે-ખૂણે કોમવાદની ઝેરી હવા પ્રસરી રહી છે. એથી જ આજે કમળાબહેન પટેલની એવી અનુભવકથા વિશે વાત કરવી છે, જેમાંથી કોમવાદે રચેલી વિભીષિકા અને એની વચ્ચે પાંગરેલાં સમસંવેદન અને સમાજિક નિસ્બતનાં મૂલ્યોનું ચિત્ર ઊપસી આવે છે. આપણે આજે એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છીએ, જ્યારે આપણી સંવેદનાઓ selective બની ગઈ છે. દશા એવી છે કે આપણે સંવેદનશીલ થતાં પહેલાં જ્ઞાતિ, ધર્મ, દેશ અને બીજું પણ કેટકેટલું જોવા લાગ્યા છીએ. એટલે આ પરિસ્થિતિમાં કમળાબહેન પટેલની અનુભવકથા ‘મૂળ સોતાં ઊખડેલાં’ને જરા જુદી રીતે જોવાનું મન થાય છે.
મૂળમાંથી ઊખડેલાં
કોમવાદનું અત્યંત વરવું રૂપ આપણે 1947માં જોયું, જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા અને એની જાહેરાત પૂર્વે જ ઠેકઠેકાણે કોમી રમખાણો ફાટી નીકળ્યાં અને એ ક્રમ ભાગલા પછી પણ મહિનાઓ સુધી ચાલતો જ રહ્યો હતો. સર સિરીલ રેડક્લિફે ખેંચેલી વિભાજનરેખાએ નકશા અને ભૂખંડની સાથોસાથ માણસોને પણ વહેંચી દીધા. ગુજરાતીના જાણીતા વિવેચક પ્રો. ભરત મહેતા પ્રમાણે, “વિભાજન કેવળ ક્ષિતિજોનું (horizontal) નથી થયું, નકશાને આરપાર ઊભું ચીરતું (Vertical) પણ થયું છે. વિભાજનોત્તર વિભાજન ચિંતાનો વિષય છે.”1 આ ખૂનરેજી વચ્ચે સ્ત્રીઓ પર થયેલા અત્યાચારોનો શાબ્દિક ચિતાર આપવો લગભગ અશક્ય છે. પાંચથી છ લાખ લોકો માર્યા ગયા, એક કરોડ 40 લાખ જેટલા લોકો શરણાર્થી બન્યા, એક લાખ કરતાં પણ વધારે યુવતીઓનાં અપહરણો થયાં હતાં; આ આંકડા તો ફક્ત પંજાબના જ છે એવું લેનાર્ડ મૉશલેએ દૃઢપણે કહ્યું હતું. અસંખ્ય કુટુંબો વેરવિખેર થઈ ગયા. કેટલા ય લોકો પોતાનાં સ્વજનો, મિત્રો, પરિવાર, વતનથી ઊખડી ગયા. લોહીની નદીઓ, લાશોના ઢગ વચ્ચે હિજરતો ચાલતી હતી.
ઇતિહાસનું પુનરાવર્તન
સ્પેનિશ-અમેરિકન ફિલસૂફ જ્યૉર્જ સાન્તાયાના કહે છે એ પ્રમાણે, “Those who cannot remember the past are condemned to repeat it.”2 (જે લોકો ભૂતકાળને યાદ રાખવાનું ચૂકી જાય છે, એ લોકો તેને દોહરાવાની સજા ભોગવે છે.) 1947ના ઘટનાક્રમને યાદ રાખવાનું આપણે ચૂકી ગયા છીએ અને એની સજા આપણે ભોગવી છે. વર્ષ 1992માં બાબરી મસ્જિદ વિધ્વંસ અને એ દરમિયાનનાં રમખાણો, 2002નાં ગુજરાતનાં રમખાણો, ભિવંડીનાં રમખાણો – આ તમામ એના દાખલા છે. એટલે જ તો જ્યારે-જ્યારે કોમવાદે માથું ઊચક્યું છે, ત્યારે-ત્યારે સર્જકોએ ફરીફરીને પરોક્ષ રીતે આપણને સાન્તાયાનાની વાત યાદ કરાવી છે. ભિવંડીમાં રમખાણો થાય અને ભીષ્મ સાહની 1947નાં રમખાણોને કેન્દ્રમાં રાખીને ‘તમસ’ નવલકથા લખે, એ જ રીતે કમળાબહેન પટેલ પણ આખો ઘટનાક્રમ વીતી ગયાનાં 27 વર્ષ પછી આ અનુભવકથા લખે છે. આજે એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે આપણે સૌ ફરી એક વખત એ ઇતિહાસ ભૂલી ગયા છીએ અને હજી પણ જો એને યાદ નહીં કરીએ તો એવાં પરિણામો વેઠવા પડશે, જેની કલ્પના પણ નહીં કરી હોય, અને એથી જ આજે કમળાબહેન પટેલની અનુભવકથા વિશે વાત કરવી છે.
દસ્તાવેજી અનુભવકથા
કમળાબહેન પટેલની કૃતિ ‘મૂળ સોતાં ઊખડેલાં’ને શરીફા વીજળીવાળાએ સુપેરે ‘દસ્તાવેજી અનુભવકથા’ ગણાવી છે. અનુભવકથા એક કલાત્મક નૉન-ફિક્શન સ્વરૂપ છે, અને તે લેખક જાતઅનુભવના આધારે લખે છે. આત્મકથા અને અનુભવકથા વચ્ચેનો તાત્ત્વિક ભેદ એ છે કે આત્મકથામાં લેખક પોતાની વાત કરે છે, જ્યારે અનુભવકથામાં સર્જકે પોતે કરેલા અનુભવ વિશે વાત કરવાની છે. એ અર્થમાં કમળાબહેન સ્વરૂપને વળગી રહ્યાં છે, તેમણે આ કૃતિના માધ્યમથી ભાગલા વખતે અપહરણ કરાયેલી સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિની કામગીરીનું દસ્તાવેજીકરણ કર્યું છે, સાથે જ તેઓ એ પરિવેશને આ કૃતિ દ્વારા દૃશ્યાત્મક બનાવી શક્યાં છે. આ અનુભવકથા મહત્ત્વની છે, એનું બીજું કારણ એ કે ગુજરાતીમાં ભારત-પાકિસ્તાનના વિભાજનને અનુલક્ષીને ઝાઝું લખાયું નથી.
ઝવેરચંદ મેઘાણીએ ર.વ. દેસાઈની ‘ભારેલો અગ્નિ’ નવલકથા પર ‘જન્મભૂમિ’માં લખેલા લેખમાં ઇતિહાસ પર રચાતી સાહિત્યકૃતિઓને કંઈક આમ મૂલવી છે, “ઇતિહાસ એટલે પ્રજાઓનો મહાપ્રાણ. એ મહાપ્રાણનું હાર્દ લેખકોની લેખિનીઓને સ્પર્શે ઊઘડે છે.” જો કે ભારત-પાકિસ્તાનના ભાગલા વિશે ગુજરાતી સાહિત્યકારોએ ખૂબ જ ઓછું સર્જનાત્મક સાહિત્ય આપ્યું છે. શરીફા વીજળીવાળાએ ગુજરાતીમાં રચાયેલી 18 વાર્તાઓનું સંપાદન કર્યું છે, જે તેમના ‘વિભાજનની ગુજરાતી વાર્તાઓ’ પુસ્તકમાં મળી રહે છે, તેમાં ર.વ. દેસાઈ, જયંતિ દલાલ, જયંત ખત્રી, બાબુભાઈ વૈદ્ય, બકુલેશ, પન્નાલાલ પટેલ, મનુ પાંઘી, લાભુબહેન મહેતા, શિવકુમાર જોશી, પીતાંબર પટેલ, રમણીક પટેલ અને કુંદનિકા કાપડિયાની વાર્તાઓ છે. જો કે આ પૈકીના એક પણ વાર્તાકાર મંટો જેટલી સંકુલ વાર્તા આપી શક્યા નથી. આ અઢાર પૈકી બાર વાર્તામાં વિભાજન વખતે સ્ત્રીઓ પર થયેલા અત્યાચારોની વાત છે. જે સિંધીઓ સિંધની ભૂમિ, પોતાની સંસ્કૃતિ છોડીને ગુજરાતમાં આવીને વસ્યા એમની વાત ગુજરાતી સર્જનાત્મક સાહિત્યમાં મળતી નથી. જે સોઢા રાજપૂતો વર્ષ 1971 પછી ગુજરાતમાં આવીને વસ્યા અથવા જે ગુજરાતી મુસ્લિમો પાકિસ્તાનમાં જઈને વસ્યા, એમના વિશે પણ ગુજરાતીમાં કંઈ લખાયું નથી. શરીફાબહેન તેમના પુસ્તકની પ્રસ્તાવનામાં નોંધે છે કે, “જે વાર્તા મેં અહીં મૂકી છે, તેમાં એવી જ ઘટનાઓ આલેખાઈ છે જે ત્યારનાં છાપાઓમાં આવી હશે, કાને પડી હશે, ચર્ચાની એરણે ચડી હશે. આ સમયગાળાની સંકુલતા, માનવીય સંવેદનાના ઊંડાણને તાગતી વાર્તા આપણે ત્યાં નથી લખાઈ.”3 આ પરિપ્રેક્ષ્યમાં કમળાબહેન પટેલની અનુભવકથાની મહત્તા વધી જાય છે.
આત્મકથનાત્મક સાહિત્યસ્વરૂપોની બીજી એક વિશેષતા એ હોય છે કે એમાંથી એક તંતુ (Common Thread) ઊપસી આવે છે, અને આ અનુભવકથામાં મને બે તંતુ જડે છે – એક છે સમસંવેદન અને બીજો છે સામાજિક નિસબત. આ બે તંતુને પકડી રાખીને જ મારે આજની આગળની ચર્ચા કરવી છે.
‘મૂળ સોતાં ઊખડેલાં’માં સમસંવેદન અને સમાજિક નિસબત
કોમવાદનું વાવાઝોડું આવ્યું અને કેટકેટલાં ય વૃક્ષો મૂળમાંથી ઊખડી ગયાં, મૂળમાંથી ઊખડી ગયેલાં આ વૃક્ષોની વાત અહીં ‘મૂળ સોતાં ઊખડેલાં’ શીર્ષકના કેન્દ્રમાં છે. લગભગ કાટમાળ બની ચૂકેલી લાહોરની ગંગારામ ઇસ્પિતાલમાં ઊભી કરાયેલી છાવણી અને અન્ય છાવણીઓ એ આ કૃતિના પરિવેશ છે. અનુભવકથાનું વિષયવસ્તુ અપહ્યતાઓની પુનઃપ્રાપ્તિની કામગીરી, પુરુષોએ સ્ત્રીઓ પર આચરેલા અમાનુષી અત્યાચારની ફરતે વણાયું છે અને આખી ય કામગીરીમાંથી બે મુખ્ય પાત્રો તરી આવે છે – તેમાંથી એક કમળાબહેન પટેલ અને બીજાં મૃદુલાબહેન સારાભાઈ.
કમળાબહેન અને મુદુલાબહેનની રાહતછાવણી અન્ય રાહતછાવણીઓ કરતાં જુદી જ તરી આવે એવી છે. એ માટે મારે ભીષ્મ સાહનીની ‘તમસ’ની છાવણીનો સંદર્ભ લેવો છે : એક દૃશ્યમાં કેટલા ય નિરાશ્રિતો પોતાના ખોવાયેલા પરિવારજનોને શોધવા મથી રહ્યા છે અને આપવીતી કહેવા માગે છે. ટેબલ પર બેઠેલા આંકડાબાબુ રડતાં વૃદ્ધને કહે છે કે “અમે આ સાંભળવા અહીં નથી બેઠા, અમને આંકડા જોઈએ છે, આંકડા.” એ દૃશ્યમાં આંકડાબાબુ સરકારી તંત્રનું પ્રતિનિધિત્વ કરે છે અને એ વૃદ્ધ નિરાશ્રિત અને સરકારી અમલદાર વચ્ચે ઊભેલી governmentality ખૂબ જ સ્પષ્ટપણે દેખાય છે. સરકારી ચોપડામાં મૃતકો, હિજરત, માલસામાનની નુકસાનીનો હિસાબ રાખવાનાં ખાનાં છે પણ નિરાશ્રિતોનાં આંસુનો હિસાબ રાખી શકે, એવું ખાનું જ નથી. ભારતની આઝાદી પછી તરત જ પોકળ બનવા લાગેલા તંત્ર તરફ આંગળી ચીંધવાનો પ્રયાસ ભીષ્મ સાહનીએ કર્યો છે.
આની સાપેક્ષે કમળાબહેન અને મૃદુલાબહેનની છાવણી એવી હતી કે જ્યાં આંસુ, સંવેદનો અને આપવીતીની વાત થઈ શકે એવી communicative space ઊભી કરવામાં આવી હતી. કમળાબહેને ન માત્ર એ આંસુઓનો હિસાબ રાખ્યો છે, બલકે એ સંવેદનો અનુભવકથાના માધ્યમથી આપણા સુધી પહોંચાડ્યા પણ છે. એની સાબિતી આપવા માટે અનુભવકથાના જ કેટલાક પ્રસંગોનો સથવારો લઈએ.
કમળાબહેનનાં ‘રોમિયો અને જુલિયેટ’
વિભાજન અગાઉ રાવલપિંડીનું એક કુટુંબ દર વર્ષે કાશ્મીરમાં રજા ગાળવાં જતું હતું. એ જ રીતે અમૃતસરના એક લાલાજીનું કુટુંબ પણ કાશ્મીર જતું હતું. બંને કુટુંબો એક જ હોટેલમાં રહે અને વારંવાર મળવાનું થાય, એટલે આ કુટુંબનાં મોટેરાઓ અને બાળકો વચ્ચે મિત્રાચારીના પ્રસંગો ઊભા થતા હતા. વિભાજન સુધી બંને કુટુંબ માટે કાશ્મીર જવાનો આ ક્રમ ચાલુ રહ્યો હતો. લાલાજીના દીકરાનું નામ જિતુ હતું અને પઠાણ કુટુંબની દીકરીનું નામ ઇસ્મત હતું. આ બંને વચ્ચેની મૈત્રી કંઈક નાજુક ભાવનાઓમાં આગળ વધતી ચાલી હતી … ઇસ્મતને ભાગલા પછીની હિલચાલ સમજાતી ન હતી, પણ એના મનમાં એક બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે હવે એ દરવર્ષની જેમ શ્રીનગર જઈ નહીં શકે અને જિતુને મળી પણ નહીં શકે … એના બાળસહજ મને કોઈ જ લાંબો વિચાર ન કરતા ગમે તે ભોગે અમૃતસર પહોંચી જિતુને મળવાનો એવો નિર્ણય કરી લીધો હતો.
ઇસ્મત યુક્તિઓ કરીને છાવણી સુધી પહોંચવામાં સફળ થઈ હતી, જિતુ લેવા આવી ગયો હતો. સુવર્ણમંદિરમાં જ જિતુ અને ઇસ્મતે લગ્ન કરી લીધાં હતાં અને આનંદથી રહેવા લાગ્યાં હતાં. તો બીજી તરફ ઇસ્મતને પરત મેળવવા માટે પરિવારે પ્રયત્નો શરૂ કરી દીધા હતા અને બંને દેશોની બેઠકમાં ઇસ્મતને પાછી મેળવવાની વાત ચર્ચાઈ. છેવટે એવું નક્કી થયું કે ઇસ્મતને તેના મામા સાથે રહેવા લાહોર મોકલવી અને સાત દિવસ પછી ફરી ટ્રિબ્યૂનલ સમક્ષ હાજર થવું. આ દરમિયાન કમળાબહેન ઇસ્મતને ફોન કરીને તેની સ્થિતિ પૂછવાનો પ્રયાસ કરે છે, પણ વાત થઈ શકતી નથી.
કમળાબહેન અને મૃદુલાબહેન ઇસ્મતને મળવા ત્યાં પહોંચે છે તો ખબર પડે છે કે તે તેનાં માતાપિતા સાથે જઈને રહેવા લાગી હતી. ત્યાં જાય છે તો કમળાબહેનને ખ્યાલ આવે છે કે ઇસ્મતનાં પહેરવેશ અને ઢબસબની સાથે તેના વિચારો પણ બદલાઈ ગયા હતા. એ હદે પરિવર્તન આવી ગયું હતું કે તે જિતુનું નામ સાંભળતાં જ રોષે ભરાતી હતી. આ ઘટના બાદ જિતુ અનેક વખત ઇસ્મતને મળવાના પ્રયત્નો કરતો હતો, પરંતુ બંનેનું મિલન થઈ શક્યું નહીં.
તો બીજી તરફ રમખાણો વચ્ચે સંવેદનશીલ પરિસ્થિતિની દરકાર કર્યા વિના જિતુ ઇસ્મતને મળવા લાહોર જવાના પ્રયાસો કરવા લાગે છે, કોઈક રીતે એ લાહોર પહોંચી પણ જાય છે. આમ છતાં ઇસ્મત અને જિતુનું મિલન થઈ શકતું નથી. કમળાબહેન પટેલને જિતુની એટલી ચિંતા થાય છે કે તે જિતુનાં માતાને મળવા જલંધર જાય છે. થોડાં વર્ષો વીતી ગયાં બાદ કમળાબહેનને ટ્રેનમાં અચાનક જિતુ મળે છે, તે ખૂબ દૂબળો દેખાતો હતો. જિતુનો મિત્ર કહે છે કે “ઇસ્મતને શોધતાં-શોધતાં જિતુ લગભગ ગાંડો થઈ ગયો હતો અને તેને ક્ષયની બીમારી થઈ ગઈ હતી.” આ જિતુ અને ઇસ્મત માટે કમળાબહેન ‘રોમિયો અને જુલિયેટ’ શબ્દ વાપરે છે, ખરેખરમાં એમની કહાણી ટ્રૅજેડીમાં જ પરિણમે છે.
આ પ્રસંગને ધ્યાને રાખીને જો આપણે કમળાબહેન પટેલને ‘તમસ’ના આંકડાબાબુ સાથે સરખાવીએ તો ખ્યાલ આવે કે તે બંનેની કામગીરી લગભગ સરખી છે પણ બંનેની કામ લેવાની પદ્ધતિમાં ઘણો બધો ફેર છે. કમળાબહેન તેમની આસપાસના લોકો સાથે સંવેદનાના સ્તરે બંધાયેલાં હતાં અને એ તેમની કામગીરીમાં દેખાઈ આવે છે. આવો જ બીજો એક પ્રસંગ સુદર્શનનો છે.
સુદર્શનની કહાણી
સંયુક્ત ભારતની ઇમ્પિરિયલ બૅન્કના મૅનેજરે કૉલેજમાં ભણતી તેમની 20 વર્ષની દીકરીનું અપહરણ થયું હોવાની વિગતો કમળાબહેનને આપી હતી. બીજી તરફ સુદર્શનના પિતા પાકિસ્તાનના અધિકારીઓ પાસે મોટી વગ લગાવીને પણ દીકરીને પાછી મેળવવાના પ્રયાસો કરી રહ્યા હતા. જેના પરિણામે પાકિસ્તાનની પોલીસ સુદર્શનની પુનઃપ્રાપ્તિ કરીને તેને છાવણીમાં મૂકી જાય છે. છાવણીમાં કમળાબહેન સુદર્શની સાથે વાત કરે છે, તો તેમને ખ્યાલ આવી જાય છે કે આ કિસ્સો અપહરણનો નથી. કમળાબહેનને એ રાતે ઊંઘ આવતી નથી, તેઓ અડધી રાતે સુદર્શનને મળે છે અને હકીકત પૂછે છે.
સુદર્શન કમળાબહેનને પોતાની આપવીતી સંભળાવે છે. સુદર્શન લાહોરની કૉલેજમાં ભણતી હતી અને સાથે ભણતાં મુસ્લિમ જમીનદારના દીકરા સાથે તેને મિત્રતા બંધાઈ હતી. સમય જતાં આ મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. થોડા સમયમાં તેમણે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો. સુદર્શનનાં માતાપિતા લગ્ન માટે પરવાનગી નહીં આપે, તેવી બંનેને ખાતરી હતી. આ દરમિયાન કોમી તોફાનો શરૂ થયાં અને સુદર્શનને તેના કુટુંબની સાથે દિલ્હી જવું પડ્યું હતું. આ સંજોગોમાં ગમે તે રીતે લગ્ન કરી જ લેવાં તેમ તેમણે અરસપરસ પત્રવ્યવહારમાં નક્કી કર્યું હતું.
નિશ્ચિત દિવસે યુવક વિમાનમાં દિલ્હી આવ્યો અને તરત જ પાછા ફરવા માટે વિમાનની બે ટિકિટો પણ તેણે મેળવી લીધી હતી. બંનેએ લાહોર પહોંચી નિકાહ પઢી લીધા હતા. હવે તેના પિતા તેને પરત લઈ જવા માટે સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિના કાયદાનો ઉપયોગ કરી રહ્યા હતા.
અડધી રાત્રે કમળાબહેન સુદર્શનને તક આપે છે કે “જો તારે તારા પિતા સાથે ન જવું હોય, તો તું અત્યારે જ છાવણીમાંથી ભાગી જા. હું પણ એક સ્ત્રી છું અને સ્ત્રી તરીકે એટલું સમજું છું કે તું તારું ભવિષ્ય નક્કી કરવા માટે સ્વતંત્ર છે.”
સુદર્શન ખૂબ રડે છે અને છેવટે નિર્ણય લે છે કે હું મારાં માતાપિતા માટે મારા પ્રેમીનો ત્યાગ કરીશ. સુદર્શન પોતાના પિતા સાથે જાય છે પણ થોડા દિવસ પછી કમળાબહેનને સુદર્શનનો ફોન આવે છે અને તે કહે છે કે, “દિલ્હી મેં રહા ન ગયા. માતા-પિતા કો ધોકા દે કર વાપસ આ ગયી હૂં. હમ દોનો ખુશ હૈ.” કમળાબહેન પોતે લખે છે કે તેઓ આવા પ્રસંગો વખતે પોતાની હૈયાસૂઝ વાપરતાં હતાં.
બે દીકરા : લતીફ અને ઇન્દર
ચાર વર્ષના દીકરાને પાકિસ્તાનની પોલીસ હિંદુ ગણાવીને સામેથી છાવણીમાં મૂકી જાય છે. અવિભક્ત પંજાબનો સાંસ્કૃતિક પરિવેશ કંઈક એવો હતો કે હિંદુઓ અને મુસ્લિમો બંનેનાં પહેરવેશ અને બોલી એકસરખાં જ હતાં, એટલે તેમના ધર્મ વિશે જલદી ખબર ન પડે. આમ છતાં ટેવાઈ ગયેલી કાર્યકર્તા બહેનોએ કમળાબહેનને કહ્યું કે આ બાળક હિંદુ નથી, એ મુસ્લિમ લાગે છે અને તે પોતાનું નામ લતીફ કહે છે. કમળાબહેન આ કિસ્સામાં પણ હૈયાસૂઝથી જ કામ લે છે, તેઓ નક્કી કરે છે કે પોલીસ બાળકને સામેથી છાવણીમાં મૂકી ગઈ છે, એથી તેને સ્પેશિયલ કેસ ગણવો અને થોડા દિવસો સુધી આ છાવણીમાં જ રાખવો.
એ દરમિયાન છાવણીમાં તે બાળકને મળવા માટે એક વૃદ્ધ મુસ્લિમ યુગલ આવે છે અને તે લતીફનાં દાદા-દાદી હોવાનું કહે છે. આ બાળક પણ દોડીને એ લોકોને ભેટી પડે છે અને ડૂસકે-ડૂસકે રડે છે. કમળાબહેન એ વૃદ્ધ યુગલને કહે છે કે “આ બાળક હવે છાવણીમાં છે, એટલે નિયમ પ્રમાણે અમે તમને બારોબાર સોંપી ન શકીએ. ટ્રિબ્યૂનલની સમક્ષ તમારે હાજર થવું પડશે, અને તેઓ જ આ અંગે નિર્ણય કરી શકશે.”
લતીફનો મામલો ટ્રિબ્યૂનલમાં જાય છે અને કેટલીક બાબતોમાં તેમને વિસંગતિ જણાયે છે. ટ્રિબ્યૂનલ પોલીસને બોલાવે છે અને એ બાદ હકીકત બહાર આવે છે કે બાળકનાં માતાપિતા હિંદુ હતાં અને તેઓ ખૂબ ગરીબ હતાં. તેમને ત્રણ બાળકો હતાં, જેમાં લતીફ સૌથી નાનો હતો. આ પરિવારની બરાબર પડોશમાં એક વૃદ્ધ મુસ્લિમ દંપતી અને તેમની નિઃસંતાન વિધવા દીકરી રહેતાં હતાં. લતીફ જન્મથી જ આ પડોશી પરિવારના ત્યાં મોટો થયો હતો અને તેનાં માતાપિતાએ તેનું નામ પણ આ મુસ્લિમ પરિવાર પાસે જ પડાવ્યું હતું. પરિસ્થિતિ એવી સર્જાઈ કે ભાગલા પૂર્વે જ રમખાણો શરૂ થઈ ગયાં અને લતીફનો પરિવાર જીવ બચાવવા માટે ત્યાંથી નીકળી જવાના પ્રયાસો કરવા લાગ્યો હતો. લતીફ તેના પાલક મુસ્લિમ પરિવારને છોડવા તૈયાર ન હતો. લતીફની માતા તેના દીકરાને આ મુસ્લિમ પરિવારને સોંપે છે અને કહે છે કે “મને લાગે છે કે લતીફને તમારી પાસે જ મૂકી જાઉં, તમે જ તેને ઊછેર્યો છે. તમારી સાથે તે ભળી ગયો છે, નાનાં બાળકોને લઈને હવે ક્યાં જઈશ અને અમારી કેવી દશા થશે તેની કંઈ સમજ પડતી નથી. કોઈ ઠેકાણે ઠરીઠામ થવા જેવું લાગશે એટલે એને લેવા આવીશ અને ન આવી શકું તો તેને તમારો જ દીકરો સમજીને ઊછેરશો તેનો મને પૂરો વિશ્વાસ છે.” આ માત્ર સમસંવેદન જ નહીં પણ બંને કોમ વચ્ચે પાંગરેલા સહજીવનનો પણ પ્રસંગ છે.
આગળ જતાં એવું થાય છે કે લતીફની પાલક માતા ક્ષયના કારણે મૃત્યુ પામે છે અને હવે મુસ્લિમ વૃદ્ધ દંપતી તેમની દીકરીએ દત્તક લીધેલા લતીફને ઉછેરવાની જવાબદારી લઈ લે છે અને પોતાના જ પૌત્રની જેમ તેને ઉછેરવા લાગે છે. જો કે તેમના પિતરાઈ કુટુંબીજનોને લતીફ ખૂંચવા લાગે છે અને તે પૈતૃક સંપત્તિમાં ભાગ ન પડાવે એ માટે તેઓ પોલીસને ફરિયાદ કરે છે કે આ દંપતી પાસે એક હિંદુ બાળક છે, તમે આવીને તેને લઈ જાઓ.
ટ્રિબ્યૂનલમાં આ મામલે ઘણી ચર્ચા થાય છે. એવો પ્રશ્ન ઊઠે છે કે જો આ મુસ્લિમ દાદા-દાદીને લતીફની જવાબદારી સોંપાય તો શું તે પાકિસ્તાનમાં સુરક્ષિત રહેશે ખરો? એક દલીલ એવી પણ થાય છે કે જ્યારે દાદા-દાદી નહીં હોય, ત્યારે પાકિસ્તાનમાં તેનું ધ્યાન કોણ રાખશે. જેથી તેને ભારત મોકલી દેવો એવો મત ઊઠે છે. કમળાબહેન એવો મત રજૂ કરે છે કે લતીફને પંજાબના કોઈ સારા કુટુંબને દત્તક આપી શકાય અને એ માટે તેને જલંધરની છાવણીમાં મોકલવાનું નક્કી થાય છે.
આ દરમિયાન લતીફને છાવણીમાં અલાયદું વિશ્વ મળ્યું હતું, છાવણીના કર્મચારીઓ તેની માટે ખાવાપીવાની ચીજો અને રમકડાં લાવતાં હતાં. કમળાબહેન એક વખત બજાર જાય છે અને તેમને એક બાબાસૂટ દેખાય છે, તો તેઓ લતીફ માટે લઈ આવે છે. છાવણીમાં લતીફને લોકો ‘બીબીજી કા બેટા’ એટલે કે કમળાબહેનનો દીકરો કહીને બોલાવતા હતા.
કમળાબહેન સમક્ષ પણ એ જ વહીવટી તંત્ર હતું, જે આંકડાબાબુ સમક્ષ હતું અને એ જ કાયદા અને નિયમોને ધ્યાને રાખીને નિર્ણયો લેવાના હતા. આમ છતાં જ્યાં શક્ય બન્યું ત્યાં, કમળાબહેને કાયદેસરને બદલે જે ન્યાયસંગત લાગ્યું તે કર્યું હતું. કમળાબહેન કબૂલાત કરે છે કે, “તોફાનો દરમિયાન મિલકતની જેમ હજારો સ્ત્રીઓની તફડંચી થઈ હતી. તેમને પાછી મેળવવા અપહ્યતા સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિનું તંત્ર ઊભું કરાયું. તે અંગે બંને દેશો વચ્ચે કરારો થયા અને તેના આધારે નિયમો ઘડાયા. પુનઃપ્રાપ્ત કરાયેલી સ્ત્રીઓ અંગે નિર્ણય કરતી વખતે તેમની પોતાની ઇચ્છાને કંઈ જ મહત્ત્વ અપાતું નહીં અને અમે કહેવાતાં સામાજિક કાર્યકરો સ્ત્રી-બાળકોની, તે જાણે કે નિર્જીવ વસ્તુઓ હોય તેમ આ કે પેલા દેશમાં હેરફેર કરતાં હતાં અને કોઈ ઉમદાકર્મ કર્યાનો સંતોષ લેતાં હતાં. અમારા હાથ-પગને ઝકડતી નિયમોની બેડી અસાધારણ ઘટના જેવી બની હોવાથી હવે તે ખટકતી ન હતી. છતાં લતીફ જેવા કિસ્સા ઊભા થતા ત્યારે અસલિયતનું ભાન થઈ જતું અને કરાર અંગેના નિયમોથી બંધાયેલા હાથપગને ઝાટકો મારી છૂટા કરી દઈ, અહીંથી ભાગી છૂટવાની તીવ્ર ઇચ્છા થઈ આવતી.” (‘મૂળ સોતાં ઊખડેલાં’ની પ્રસ્તાવનામાંથી)
આવો જ કિસ્સો ઇન્દરનો પણ છે. 24-25 વર્ષનો ઈજાગ્રસ્ત યુવક અચાનક એક દિવસે હાંફતો-હાંફતો છાવણીમાં પહોંચે છે, તે કમળાબહેનને મળીને તેની પરિસ્થિતિ વિશે વાત કરે છે, જે કંઈક આ પ્રમાણે છે :
ઇન્દરના પરિવાર પાસે પ્રમાણસર નાની પણ ફળદ્રૂપ જમીન હતી, એટલે પરિવાર એના પર નભતો હતો. ભાગલા વખતે જ્યારે પરિસ્થિતિ વણસવા લાગી ત્યારે ગામમાંથી શીખ પરિવારોની હિજરત થવા લાગી, ગામના મુસ્લિમ આગેવાનોએ બાંયધરી આપી કે તમને કંઈ નહીં થવા દઈએ. ઇન્દરને તેનાથી નાની એક બહેન હતી અને પરિવાર નક્કી કરે છે કે બહેનને ઇન્દર થોડે દૂર આવેલા માસીના ગામમાં મૂકી આવે. ઇન્દર બસમાં બહેનને મૂકવા નીકળ્યો, ત્યારે એ બસ પર અડધે રસ્તે હુમલો થયો અને એની બહેનને હુમલાખોરો લઈ ગયા હતા. ઇન્દરને એટલો માર માર્યો હતો કે તે બેભાન થઈ ગયો હતો.
થોડા દિવસો પછી જ્યારે ઇન્દર ભાનમાં આવ્યો, ત્યારે તે કોઈ અજાણ્યા મુસ્લિમ દંપતીના ઘરમાં હતો, જેણે તેનો જીવ બચાવીને તેની સેવા કરી હતી. દંપતીને ઇન્દર વહેલી સવારે હાજતે જતી વખતે ઈજાગ્રસ્ત અવસ્થામાં મળ્યો હતો. આ દંપતીએ રમખાણોમાં જ પોતાનો દીકરો ગુમાવ્યો હતો અને એટલે જ તેઓ ઇન્દરને બચાવી લેવા માટે તત્પર હતાં. તેમણે ઇન્દરને પોતાના ઘરમાં રાખ્યો હતો અને ગામમાં કહ્યું હતું કે પાછળ છૂટી ગયેલો દીકરો પાછો મળ્યો છે. પોતાના દીકરાના નામે જ તેને દવાખાનામાં દાખલ કરાવીને તેની સારવાર પણ કરાવી હતી. ઇન્દર સાજો થયા બાદ કમળાબહેનને મળવા છાવણી સુધી આવી પહોંચે છે.
કમળાબહેન ઇન્દરની સાથે એ વૃદ્ધ મુસ્લિમ દંપતીને મળવા જાય છે અને એમને જાણ કરે છે કે તેઓ હવે ઇન્દરને ભારત મોકલવાની વ્યવસ્થા કરશે અને ત્યાં જઈને ઇન્દર તેના પરિવારને શોધશે. કમળાબહેન નોંધે છે કે એ વખતે ઇન્દરને વિદાય આપતાં આ દંપતી એટલું રડે છે કે જાણે તેમનો પોતાનો દીકરો પરદેશ જઈ રહ્યો હોય.
કોમવાદી ઝેરી હવા વચ્ચે માનવીય સંવેદનો
ઇન્દર અને લતીફ જેવા પ્રસંગો કોમવાદી વાતાવરણમાં પણ પ્રગટતાં માનવીય સંવેદનો અને સ્પંદનોની ઝલક આપે છે. આવા કેટલા ય પ્રસંગો અનુભવકથાના પૃષ્ઠોમાં સચવાયેલા છે. કમળાબહેનનો જીવ બચાવનાર મુસ્લિમ દૂધવાળાનો પ્રસંગ છે, જેને કમળાબહેન રાખડી બાંધવાનું આમંત્રણ રક્ષાબંધને મોકલે છે. આ માનવીય સંવેદનો નરી હેવાનિયતની વચ્ચે પાંગર્યાં છે. જ્યારે-જ્યારે કોમી નફરતની ઝેરી હવા ફેલાવતાં તત્ત્વો સક્રીય થવા લાગે, ધર્મના નામે સમાજને કે સહજીવનને તોડવાના પ્રયાસો થવા લાગે, એ વખતે આવા પ્રસંગો જ આપણી સંવેદનાને જીવતી રાખે છે. આજે સળગતી હવાઓની વચ્ચે આપણો શ્વાસ પણ કમલેશ્વરે ટાંકેલી પંક્તિઓની જેમ ક્યાંક રૂંધાઈ ન જાય અને આપણે પણ બારી ખોલતાં ડરવા ન લાગીએ એ માટે એક જ રસ્તો છે. આપણી વચ્ચે જે ધર્મ, જ્ઞાતિ, દેશ, વેશ, રંગની અને અન્ય તમામ પ્રકારની દીવાલો ઊભી કરી દેવાઈ છે, તેમાં બે બારી પાડવાની છે – એક સમસંવેદનની અને બીજી સમાજિક નિસબતની. એ બારીમાંથી અરસપરસ એક બીજા સાથે વાત કરીએ તો કદાચ આ વિશ્વમાં છાવણીઓ ઊભી કરવાની જરૂર જ ન પડે.
1. ‘કળાકારનો ઇતિહાસબોધ’, ભરત મહેતા, પાર્શ્વ પ્રકાશન, પૃષ્ઠ નંબર 97.
2. ‘The Life of Reason’, George Santayana, 1905.
3. ‘વિભાજનની ગુજરાતી વાર્તાઓ’, શરીફા વીજળીવાળા, ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, પૃષ્ઠ નંબર VII.
[લંડન મુકામેથી]
e.mail : pandya37parth@gmail.com
[યુનાઇટેડ કિંગ્ડમસ્થિત ‘ગુજરાતી સાહિત્ય અકાદમી’ની ‘હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સ્વાધ્યાયપીઠ’ હેઠળ, 03 ફેબ્રુઆરી 2024ના રોજ, પાર્થભાઈ પંડ્યાની રજૂઆત]
સૌજન્ય : https://glauk.org/programmes/kalabahen-patel-mool-sota-ukhdela-feb-24/