
ચંદુ મહેરિયા
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કાઁગ્રેસના વિજયમાં કેટલાક સિવિલ સોસાયટી જૂથોનું પણ અલ્પ યોગદાન છે. બે એક વરસ પહેલા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે ભારતની સિવિલ સોસાયટીને યુદ્ધનો નવો મોરચો ગણાવી હતી. રાષ્ટ્રીય પોલીસ અકાદમી, હૈદરાબાદમાં ઇન્ડિયન પોલીસ સર્વિસના નવનિયુક્ત પોલીસ અધિકારીઓની પાસિંગ આઉટ પરેડને સંબોધતા ડોભાલે નવાસવા પોલીસ અધિકારીઓને સિવિલ સોસાયટીથી સાવધાન કર્યા હતા. તેમના મતે દેશની સિવિલ સોસાયટીને ભારત વિરોધી દેશો પાસેથી નાણાં મળે છે અને તે રાષ્ટ્રનિર્માણમાં બાધક છે. ડોભાલની ચેતવણીનું રહસ્ય કદાચ હાલના કર્ણાટકના પરિણામમાં રહેલું છે.
સમાજ (સોસાયટી) અસંગઠિત સમૂહ છે તો નાગરિક સમાજ (સિવિલ સોસાયટી) સંગઠિત સમૂહ છે. બિનસરકારી સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, કામદાર મંડળો, વેપારી મહાજનો, નેટવર્ક, અભિયાનો, ખેડૂત, મહિલા, યુવા, અધ્યાપક, કર્મચારી અને અન્ય વ્યવસાયી સંગઠનો, ધાર્મિક અને ધર્માદા સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, નાગરિક આંદોલનો, બૌદ્ધિકો અને કર્મશીલોનો બનેલો નાગરિક સમાજ લોકતંત્રનો પ્રાણ છે. સરકાર કે સત્તાની ઉચિત બાબતનું સમર્થન અને અનુચિતનો વિરોધ કરતા નાગરિક સમાજની જરૂરિયાત સ્વયંસ્પષ્ટ છે.
ગાંધીજીનાં રચનાત્મક કામો સાથે સંકળાયેલી સંસ્થાઓ દેશી-વિદેશી સત્તાની અયોગ્ય બાબતોનો વિરોધ કરતાં અચકાતી નહોતી. દેશમાં એક તબક્કો વિદેશી સહાય પર નભતી એન.જી.ઓ.નો આવ્યો હતો. સરકારો તેમના વિદેશી અનુદાન પર ચાંપતી નજર રાખતી હતી. ફોરેન કન્ટ્રીબ્યૂશન રેગ્યુલેશન એકટ(એફ.સી.આર.એ.)ની શરતો તેણે પાળવી પડે છે. કાઁગ્રેસના નેતૃત્વ હેઠળની યુ.પી.એ. સરકારે એફ.સી.આર.એ.ને કઠોર બનાવ્યો હતો. તે પછી ભા.જ.પ. સરકારે તેના આકરા નિયમો ઘડ્યા. અનેક એન.જી.ઓ.ની એફ.સી.આર.એ. હેઠળની મંજૂરી રદ્દ થતાં દેશની અડધોઅડધ એન.જી.ઓ.ના વાવટા સંકેલાઈ ગયા છે. તેની અસર નાગરિક સમાજની ભૂમિકા પર પડી છે. જાણે કે સિવિલ સોસાયટી નામમાત્રની જ રહી છે. દિનપ્રતિદિન સંકોચાતી સંકોચાતી અપ્રસ્તુત બની ગઈ હોય તેમ લાગે છે. સિવિલ સોસાયટીનું આ સંકોચન અને અપ્રસ્તુતતા લોકતંત્રના હિતમાં નથી.
નાગરિક સમાજની ભૂમિકા સંઘર્ષની છે તો સેતુની પણ છે. તે સરકાર અને સત્તાને બે-લગામ થવા દેતી નથી. લોકોને સરકારની કામગીરી અને યોજનાઓથી વાકેફ કરવાનું કામ અને લોકોની સમસ્યાથી સરકારને માહિતગાર રાખવાનું કામ તે કરતી હોય છે. સિવિલ સોસાયટીની ભૂમિકા સરકારી વહીવટમાં જનભાગીદારી વધારવાની છે. તે વંચિતો, ગરીબો અને અન્ય નબળા વર્ગોને સામાજિક-આર્થિક વિકાસ માટે સંગઠિત કરે છે અને જરૂર પડે સંઘર્ષ પણ કરે છે. વહીવટી તંત્રની મનમાની અને ભ્રષ્ટાચાર અટકાવવામાં, તંત્રને નિરંકુશ ના બનવા દેવામાં, જાહેર કલ્યાણનાં કામો સમાનતા પર આધારિત હોય તે જોવામાં નાગરિક સમાજની ભૂમિકા મહત્ત્વની છે. પંચાયતી રાજ અને ગ્રામસભાઓને સક્ષમ બનાવીને તે લોકશાહીનો પાયો મજબૂત બનાવે છે.
સિવિલ સોસાયટી હંમેશ સરકારની સાથે ના હોઈ શકે તેમ કાયમ સરકારની સામે પણ ના હોઈ શકે. લોકોનું કલ્યાણ સમાનતા અને પારદર્શિતા ધરાવતા સુશાસનથી થાય તે માટેના તેના પ્રયાસો રહે છે. નાગરિકોના જીવનમાંથી રાજ્યનું આધિપત્ય ઘટાડી, રાજ્ય તથા સત્તાનો નાગરિક જીવનમાં બિનજરૂરી હસ્તક્ષેપ તે ઘટાડે છે. તે લોકોમાં ના માત્ર સામાજિક –આર્થિક, રાજકીય ચેતના પણ જગાડે છે. સ્વાયત્ત છતાં રાજ્ય આધીન નાગરિક સમાજથી સરકારો હંમેશાં ડરતી હોય છે. ઇન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી, અન્ના હજારેનું ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન, નિર્ભયા બળાત્કાર કાંડ, વૃક્ષો અને પર્યાવરણ બચાવ માટેનું ચિપકો આંદોલન, પરમાણુ મથકો વિરોધી આંદોલન, શરાબબંધી માટેનાં આંદોલન, આતંકવાદની આડમાં કશ્મીર, પૂર્વોત્તર અને નકસલપ્રભાવિત વિસ્તારોમાં લોકદમન, મોટા બંધોના વિરોધથી માંડીને હજુ હમણાના કિસાન આંદોલનમાં નાગરિક સમાજની સક્રિયતા જોવા મળી હતી. નાગરિક અધિકારો, પર્યાવરણ, દલિત-આદિવાસી અધિકારો, મહિલાઓના હક, બાળ અને વેઠિયા મજૂરી, સામાજિક આર્થિક ભેદભાવ અને અસમાનતા જેવા મુદ્દા નાગરિક સમાજના વિશેષ છે.
વર્તમાન કેન્દ્ર સરકાર હોય કે રાજ્યોની કેન્દ્રના સત્તાપક્ષના વિરોધી પક્ષોની સરકારો હોય – કોઈને નાગરિક સમાજનો સત્તા વિરોધ ગમતો નથી. તેથી નાગરિક સમાજ-ખાસ કરીને તેના મુખ્ય ઘટક એવા બિનસરકારી સંગઠનોની –ભૂમિકા સીમિત કે તેના મુખ્ય લક્ષથી પીછેહઠની થઈ ગઈ છે. રાજ્ય, સત્તાપક્ષ કે મુખ્યધારાના નેરેટિવથી વિરુદ્ધની કોઈ વાત શાસકોને પચતી નથી. આમ કરનારાને રાષ્ટ્રવિરોધી માનવામાં આવે છે. તેને કારણે નાગરિક સમાજ વ્યાપક અર્થના રાજકીય કામો કરી શકતો નથી. બંધારણીય મૂલ્યો અને નાગરિક અધિકારોના સંરક્ષણનું કામ રાજસત્તાની પ્રાપ્તિ જેવું રાજકીય કામ નથી પણ સરકારોને તે રાજકીય લાગે છે તેથી તેના પર અંકુશ લાદીને અંતે સિવિલ સોસાયટીને અપ્રસ્તુત કે નબળી બનાવી દે છે.
તાનાશાહોને નમાવવાનું અને સત્તાને પડકારવાનું કામ સિવિલ સોસાયટીએ કરવાનું છે અને કર્યું પણ છે. લોકો શાસનથી કંટાળ્યા હોય, તેમની વાજબી માંગણીઓ ન સ્વીકારાતી હોય, તેમનો શ્વાસ રૂંધાતો હોય ત્યારે નાગરિક સમાજ ચૂપ ના રહેવો જોઈએ. બે-જબાનોની જબાન તે નહીં બને તો કોણ બનશે ? પરંતુ તેના પર દેશદ્રોહનો એવો તો થપ્પો લગાવી દેવાયો છે કે તે બોલી શકતો નથી. વળી જે વૈવિધ્ય, ભેદભાવ અને અસમાનતા સમાજમાં છે તે નાગરિક સમાજમાં પણ છે. ખુદ નાગરિક સમાજ પણ એકજૂથ નથી રહી શકતો. અનામત નીતિ અને બિનસાંપ્રદાયિકતાના મુદ્દે નાગરિક સમાજનું વિભાજના તુરત જણાઈ આવે છે. દલિત-આદિવાસી અત્યાચાર જેમ સરકારને તેમ નાગરિક સમાજને પણ કોઠે પડી ગયા છે. તેને કારણે તેની સર્વસ્વીકાર્યતા સામે પ્રશ્નચિહ્ન ઊઠે છે.
નાગરિક સમાજની અસરકારતા ઘટી છે તે માટે તે પોતે પણ મહદઅંશે જવાબદાર છે. તાકતવર સત્તાથી જાણે કે તે ડરે છે. અજિત ડોભાલને લોક્તંત્રમાં લોકો નહીં રાજ્યતંત્ર સર્વોપરિ લાગે કે લોકતંત્રનું હાર્દ મતપેટી ને બદલે તેના દ્વારા ચૂંટાયેલા લોકો દ્વારા ઘડાયેલા કાયદા લાગે ત્યારે તો તે અપ્રસ્તુત જ નહીં નામશેષ થઈ ગયો લાગે છે.
જે સાથે નહીં તે સામે છે અને સત્તા સાથેની અસહમતીને દુ:શ્મની માનવામાં આવે છે. સુપ્રીમ કોર્ટના છઠ્ઠી માર્ચ ૨૦૨૦ના ચુકાદામાં ભારતના લોકતંત્રને પાંગરવામાં નાગરિક સમાજની કાયદેસરની અને આલોચનત્મક ભૂમિકા છે અને તેમાં રાજકીય કામગીરી પણ સામેલ છે તેમ રોકડું જણાવ્યા પછી પણ સરકારોનું વલણ બદલાયું નથી.
લોકતંત્રમાં નાગરિક સમાજનું હોવું પ્રખર ધખતી ધરામાં શીતળ સરોવર સમું છે. રાષ્ટ્રીય કે પ્રાદેશિક સત્તા જ્યારે લોકોનો શ્વાસ રૂંધે ત્યારે તેની વહાર કરતી સિવિલ સોસાયટી તાજી હવાની લહેરખી છે. સ્વસ્થ લોકશાહી માટે જીવંત નાગરિક સમાજ આવશ્યક જ નહીં અનિવાર્ય છે.
e.mail : maheriyachandu@gmail.com