વર્તમાન સત્તરમી લોકસભા(૨૦૧૯-૨૦૨૪)માં ૧૪૩ સાંસદોએ ૭૨૯ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કર્યા હતા. પરંતુ એક પણ બિલ પાસ થયું નથી. સોળમી લોકસભા(૨૦૧૪-૨૦૧૯)માં ૧,૧૧૪ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ થયા હતા. તે પૈકી માંડ ૧૦ બિલો ચર્ચાયા હતા. જો કે મંજૂર એક પણ થયું નહોતું. પંદરમી લોકસભામાં ૮૪ સાંસદોએ ખાનગી સભ્યના બિલ રજૂ કર્યાં હતાં. તેમાં ૧૧ બિલ દસ કે તેથી વધુ વખત રજૂ થયા હતા. ચૌદમી લોકસભામાં પ્રાઈવેટ મેમ્બર બિલ તરીકે રજૂ થયેલા ૩૦૦ બિલમાંથી માત્ર ૪ ટકા જ ચર્ચાયા હતા. છેલ્લાં પચીસ વરસોમાં આ પ્રકારના બિલો માંડ બેથી ત્રણ ટકા જ ચર્ચાયા હતા. ૧૯૭૦ સુધીમાં ચૌદ જ પ્રાઈવેટ મેમ્બર બિલ ચર્ચાને અંતે મંજૂર થઈ કાયદો બન્યા છે. પરંતુ ૧૯૭૦ પછી એક પણ પ્રાઈવેટ મેમ્બર બિલ કાયદો બન્યું નથી ! છેલ્લાં પંચોતેર વરસોમાં આશરે પાંચેક હજાર ખાનગી સભ્ય વિધેયકોમાંથી ચૌદ જ સ્વીકારાયા હોય અને ૧૯૭૦ પછીના પંચાવન વરસોમાં એકપણ બિલ સંસદની મંજૂરી ના મેળવી શક્યું હોય તો સંસદની કામગીરીમાં પ્રાઈવેટ મેમ્બર બિલની જોગવાઈની પ્રસ્તુતતા અંગે જ સવાલ થાય છે.
સંસદનું મુખ્ય કામ કાયદા ઘડવાનું છે. એટલે સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે મંત્રી મંડળના સભ્ય (મંત્રી) બિલ કે વિધેયક રજૂ કરે છે. તેને સરકારી વિધેયક કહેવામાં આવે છે. મંત્રી મંડળના સભ્ય સિવાયના સાંસદો સંસદના સત્રમાં જે બિલ રજૂ કરે તેને ખાનગી સભ્યનું વિધેયક કે પ્રાઈવેટ મેમ્બર બિલ કહેવામાં આવે છે. સરકારી બિલ સંસદના સત્ર દરમિયાન ગમે તે દિવસે રજૂ કરી શકાય છે. પરંતુ મંત્રી સિવાયના સત્તાપક્ષ કે વિરોધ પક્ષના સભ્ય પ્રાઈવેટ મેમ્બર બિલ સંસદમાં પ્રાઈવેટ મેમ્બર બિઝનેસ માટે ઠરાવેલ શુક્રવારના દિવસે જ રજૂ કરી શકે છે. કોઈ પણ સાંસદે પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ કરવા એક મહિનાની નોટિસ આપવાની હોય છે. ૧૯૯૭ સુધી સંસદ સત્ર દરમિયાન સભ્યો અઠવાડિયાના ત્રણ બિલની નોટિસ આપી શકતા હતા. તેને કારણે મોટી સંખ્યામાં બિલો રજૂ થતા હતા. એટલે તેની મર્યાદા ઘટાડીને અઠવાડિયાને બદલે સત્ર દરમિયાન ત્રણની કરવામાં આવી છે. જો કે તેમ છતાં ૨૦૨૧માં એક જ દિવસે ૧૪૫ અને ૨૦૨૨માં એક જ દિવસે ૮૦ બિલો રજૂ થયા હતા. બંધારણ સુધારા સંબંધી ખાનગી સભ્યના વિધેયક માટે રાષ્ટ્ર્પતિની મંજૂરી આવશ્યક છે. સરકારી બિલ જો નામંજૂર થાય તો તેની અસર સરકારની સ્થિરતા પર પડે છે, પરંતુ સત્તાપક્ષ કે વિપક્ષના ખાનગી સભ્યનું બિલ સ્વીકૃત-અસ્વીકૃત થાય તો તેની અસર સરકારની સ્થિરતા પર પડતી નથી.
સરકાર તો કાયદા ઘડવા મંત્રીઓ મારફતે વિધેયકો રજૂ કરે જ પણ ખાનગી સભ્યોને પણ સરકારે અમુક મુદ્દે કાયદા ઘડવા જોઈએ તેમ લાગે છે. એટલે ખાનગી સભ્યના બિલની જોગવાઈ કરવામાં આવી છે. પ્રવર્તમાન કાયદામાં કોઈ ત્રૂટિ હોય કે કોઈ નવા વિષય પર કાયદાની આવશ્યકતા લાગે તો તે તરફ સરકારનું ધ્યાન આકર્ષિત કરવા માટે અને સરકારની બાંહેધરી મેળવવા માટેનો પણ પ્રાઈવેટ મેમ્બર બિલનો હેતુ છે. એક રીતે ખાનગી સભ્ય બિલ રજૂ કરીને કાયદાકીય હસ્તક્ષેપની જરૂરિયાત દર્શાવે છે. સંસદની ધારાકીય કાર્યવાહીનો તે મહત્ત્વનો હિસ્સો છે. વર્તમાન કાયદા કે કાયદાકીય પ્રણાલીની સમસ્યાઓ પ્રતિ સરકારને સચેત કરવા જેવા ઘણા ઉમદા ઉદ્દેશો તે ધરાવે છે.
૧૯૭૦ સુધીમાં જે ચૌદ ખાનગી સભ્યોના બિલ કાયદો બની શક્યા છે, તેમાં ૯ લોકસભામાં અને ૫ રાજ્યસભામાં રજૂ થયા હતા. ૧૯૫૬ના એક જ વરસમાં પાંચ ખાનગી સભ્ય બિલ કાયદો બન્યા હતા. ચૌદ પૈકી સાંસદ રઘુનાથ સિંહના બે બિલો કાયદો બન્યા હતા. સંસદીય કાર્યવાહી(પ્રકાશનનું સંરક્ષણ)નો કાયદો મૂળે ફિરોઝ ગાંધીનું પ્રાઈવેટ મેમ્બર બિલ હતું. મુસ્લિમ વકફ વિધેયક, ૧૯૫૨ , દંડ પ્રક્રિયા સંહિતા (સંશોધન) વિધેયક, ૧૯૫૩ અને સાંસદોના વેતન અને ભથ્થા સુધારા વિધેયક ૧૯૬૪ પ્રાઈવેટ મેમ્બર બિલમાંથી કાયદો બન્યા છે. ૧૯૭૦માં મંજૂર થઈ કાયદો બનનારું છેલ્લું પ્રાઈવેટ મેમ્બર બિલ, આનંદ નારાયણ મુલ્લાનું સર્વોચ્ચ ન્યાયાલય (અપરાધિક અપીલ ક્ષેત્રાધિકાર વિસ્તાર વિધેયક), ૧૯૬૮ હતું.
સામાન્ય રીતે પ્રાઈવેટ મેમ્બર બિલ પક્ષ-વિપક્ષના ભેદ સિવાય સર્વાનુમતે દાખલ થતા હોય છે. પરંતુ હવે તેને પણ રાજકારણનો વણછો લાગ્યો છે. સત્તાધારી પક્ષ વિરોધ પક્ષનું વલણ જાણવા તેમના પક્ષના સભ્યો દ્વારા ખાનગી સભ્યના બિલ રજૂ કરાવે છે. બંધારણના આમુખમાંથી સમાજવાદ શબ્દ દૂર કરવો, વસ્તી નિયંત્રણ, વકફ બોર્ડ એક્ટ રદ્દ કરવો અને સમાન નાગરિક ધારો જેવા બિલો દાખલ થયા ત્યારે જ વિપક્ષોએ તેનો વિરોધ કર્યો હતો. એ અર્થમાં ઉમદા ઉદ્દેશ સાથેની પ્રાઈવેટ મેમ્બર બિલની જોગવાઈ ઝંખવાઈ રહી છે.
૨૦૦૯માં કાઁગ્રેસના આંધ્રના રાજ્યસભા સભ્ય અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ એલ. રાજગોપાલ ગૃહની કાર્યવાહીમાં વિક્ષેપ કરનારા સભ્યોને દંડિત કરવાની જોગવાઈ ધરાવતું પ્રાઈવેટ મેમ્બર બિલ લઈ આવ્યા હતા. આ પ્રકારના બિલને નાગરિકો ઉમળકાથી વધાવે જ, પરંતુ આંધ્રના વિભાજનનું સરકારી બિલ રજૂ થયું ત્યારે તેના વિરોધમાં આ મહાશયે ગૃહમાં કાળા મરચાનો ઝંટકાવ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમણે ગૃહની કાર્યવાહી તો ખોરવી નાંખી હતી પણ ચાર સાંસદોને સ્પ્રેને કારણે હોસ્પિટલાઈઝ કરવા પડ્યા હતા. એટલે સાંસદ મહાશયના ચરિત્રના સંદર્ભે બિલનું ઔચિત્ય કેટલું તેવો પ્રશ્ન થાય છે.
ખાસ્સા ત્રણ દાયકા પૂર્વે ડાબેરી સાંસદ ગીતા મુખરજી સૌ પ્રથમ વખત મહિલા અનામત અંગે પ્રાઈવેટ મેમ્બર બિલ લાવ્યાં હતાં. એન.સી.પી.નાં સુપ્રિયા સુલેનું ખાનગી કંપની કે ઓફિસના કર્મચારીને કામના કલાકો બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક, કાઁગ્રેસ સાંસદ મનીષ તિવારીનું ચૂંટણી પંચની સ્વાયત્તતા અને સ્વતંત્રતા તથા રાજકીય પક્ષોમાં આંતરિક ચૂંટણીનું પ્રાઈવેટ મેમ્બર બિલ મહત્ત્વના ગણી શકાય. શાળાઓમાં ફરજિયાત સંસ્કૃત શિક્ષણ, દરેક ઘરમાં શૌચાલય, અનિવાર્ય મતદાન, બેરોજગારી ભથ્થુ, પ્રાથમિક ઉપચાર તાલીમ, મેડિક્લેમમાં આયુર્વેદ ઉપચારનો સમાવેશ, જળાશયોની જાળવણી જેવા વિષયો પર પણ પ્રાઈવેટ મેમ્બર બિલ રજૂ થયા છે.
હજુ ગયા અઠવાડિયે જ કર્ણાટક વિધાનસભાએ સર્વાનુમતે કર્ણાટક ક્લાઉડ સીડિંગ વિધેયક ૨૦૨૪ મંજૂર કર્યું હતું. આ પ્રાઈવેટ મેમ્બર બિલ હતું. આ બિલનું મંજૂર થવું દર્શાવે છે કે રાજ્યમાં દુષ્કાળની અસર ઓછી કરવા આ પ્રકારના બિલનું કાયદો બનવું જરૂરી હતું. ખાનગી સભ્યનું આ બિલ કાયદો બનતાં કૃત્રિમ વર્ષા ટેકનિકથી ૩૦ કરોડના ખર્ચે વરસાદમાં વીસ ટકાની વૃદ્ધિ થશે અને રૂ.૭,૦૦૦ કરોડના પાકને જીવતદાન મળશે. એટલે વ્યાપક જનહિતના પ્રાઈવેટ મેમ્બર બિલ સારા પરિણામો લાવી શકે છે.
e.mail : maheriyachandu@gmail.com