વર્તમાન સત્તરમી લોકસભા(૨૦૧૯-૨૦૨૪)ના કાર્યકાળમાં માંડ ચારસો દિવસ શેષ રહ્યા છે. પરંતુ હજુ લોકસભા ઉપાધ્યક્ષનું પદ ખાલી છે. ચૌદમી ગુજરાત વિધાનસભા(૨૦૧૭-૨૦૨૨)ના મોટા ભાગના સમયગાળા દરમિયાન ઉપાધ્યક્ષનું પદ ભરવામાં આવ્યું નહોતું. લોકસભા કે વિધાનસભા ઉપાધ્યક્ષના બંધારણીય પદને ભરવામાં થયેલો આ અભૂતપૂર્વ વિલંબ ભારતના સંસદીય ઇતિહાસમાં ભાગ્યે જ બનતી ઘટના છે. ભારતની એકથી સોળ લોકસભામાં, એક માત્ર બારમી લોકસભાને બાદ કરતાં, અધ્યક્ષની ચૂંટણી થઈ હોય તે જ સત્રમાં ઉપાધ્યક્ષની ચૂંટણી થઈ હતી. અપવાદરૂપ બારમી લોકસભાના ત્રીજા સત્રમાં ઉપાધ્યક્ષની ચૂંટણી થઈ હતી. પરંતુ હાલની લોકસભાનો મોટા ભાગનો સમય પૂર્ણ થઈ ગયો છે, પરંતુ ઉપાધ્યક્ષની ચૂંટણી થતી નથી.
બંધારણના અનુચ્છેદ ૮૯ અને ૯૩માં રાજ્યસભા-લોકસભા તથા અનુચ્છેદ ૧૭૮ અને ૧૮૨માં રાજ્યોની વિધાનસભા-વિધાનપરિષદના, અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી અંગેની જોગવાઈ કરવામાં આવી છે. સદરહુ જોગવાઈમાં જણાવેલ છે કે સંબંધિત ગૃહ શક્ય એટલી જલદી પોતાના બે સભ્યોમાંથી અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણી કરશે. તે પ્રમાણે સ્પીકરની ચૂંટણી તો તરત જ થાય છે પણ ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી બંધારણીય જોગવાઈને અનુસરીને યથાશક્ય શીઘ્ર (as soon as may be) થતી નથી.
ડેપ્યુટી સ્પીકરની ચૂંટણીમાં થતા વિલંબ કે દીર્ઘ સમય સુધી પદ ન ભરવાના ઘણાં કારણો છે. આ પદ વિપક્ષને આપવાની દીર્ઘ કે સમૃદ્ધ નહીં પણ તૂટકતૂટક પરંપરા છે. આઝાદી પછીનાં વરસોમાં કાઁગ્રેસના એક પક્ષ પ્રભાવ પ્રથામાં કેન્દ્ર અને રાજ્યોમાં ઉપાધ્યક્ષ તરીકે સત્તાપક્ષ એટલે કે કાઁગ્રેસના સભ્યો જ ચૂંટાતા હતા. ઇન્દિરા ગાંધીએ લાદેલી ઈમરજન્સી પછી કેન્દ્રની સત્તામાં આવેલી જનતા પાર્ટીની સરકારે , ૧૯૭૭-૭૯ના વરસોમાં, સૌ પ્રથમ વખત ડેપ્યુટી સ્પીકરનું પદ વિરોધ પક્ષ કાઁગ્રેસને આપ્યું હતું. આ રીતે લોકસભાના સ્પીકર-ડેપ્યુટી સ્પીકરના પદ નિષ્પક્ષ હોય છે તેવી પરંપરા ઊભી કરવાનો પ્રયત્ન કર્યો હતો.
જો કે તે પછી પુન: સત્તામાં આવેલી કાઁગ્રેસે તે પરંપરા આગળ ન વધારી. બાદનાં વરસોમાં વી.પી. સિંઘ અને અટલબિહારી વાજપાઈની બિનકાઁગ્રેસી સરકારોએ પણ ડેપ્યુટી સ્પીકરનું પદ વિરોધપક્ષને આપ્યું હતું. પૂર્વે ઇન્દિરા કાઁગ્રેસે ઉપાધ્યક્ષનું પદ વિપક્ષને આપવાની પરંપરા પાળી નહોતી, પરંતુ સોનિયા કાઁગ્રેસે તેથી વિપરીત વલણ લીધું હતું. ૨૦૦૪થી ૨૦૧૪ના ડૉ. મનમોહન સિંઘના સતત બે પ્રધાન મંત્રી કાળમાં લોકસભા ઉપાધ્યક્ષનું પદ કાઁગ્રેસે વિપક્ષને ફાળવ્યું હતું.
૨૦૧૪માં કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષની પૂર્ણ બહુમતીની સરકારે તેના પહેલા કાર્યકાળમાં વિપક્ષને બદલે સમર્થક પક્ષના સભ્યને ડેપ્યુટી સ્પીકર બનાવ્યા હતા. તો બીજા કાર્યકાળના લગભગ ચાર વરસો વીતવામાં છે પણ આ પદ ભર્યું નથી. એકથી સોળ લોકસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ કાઁગ્રેસના ફાળે સાત, બી.જે.પી.ના ત્રણ, અન્ના દ્ર.મુ.ક.ને બે, ઓલ પાર્ટી હિલ લીડર્સ કોન્ફરન્સને બે અને ડી.એમ.કે. તથા અકાલીદળને એક-એક વાર મળ્યું છે. કેન્દ્રના સત્તાપક્ષોએ વિપક્ષને બદલે ગઠબંધનના સાથી પક્ષને આ પદ આપવાનું અને તે રીતે પોતાની પાસે જ રાખવાનું વલણ પણ અખત્યાર કર્યું છે.
ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ હોય છે. તેમની ચૂંટણી લોકસભા અને રાજ્યસભાના સભ્યોનું બનેલું મતદાર મંડળ કરે છે. પરંતું રાજ્યસભાના ઉપાધ્યક્ષનું પદ પણ મોટે ભાગે સત્તાધારી પક્ષ પાસે જ હોય છે. સંસદના ઉપલા ગૃહ રાજ્ય સભામાં લોક સભામાં બહુમતી ધરાવતા પક્ષની મોટે ભાગે બહુમતી હોતી નથી એટલે વિપક્ષની બહુમતીવાળી રાજ્ય સભામાં સત્તાપક્ષ પોતાના જ સભ્યને ઉપાધ્યક્ષ બનાવે છે.
ડેપ્યુટી સ્પીકરનું પદ વિરોધ પક્ષને ફાળવવાની ઉમદા પરંપરા હવે તો ભૂતકાળ બની ગઈ છે. હાલમાં લોકસભા ઉપાધ્યક્ષની જગ્યા લાંબા સમયથી ખાલી છે તો દેશની લગભગ એકેય વિધાનસભામાં વિપક્ષના ઉપાધ્યક્ષ નથી. આ બાબતમાં રાષ્ટ્રીય પક્ષો કે પ્રાદેશિક પક્ષો, જમણેરી પક્ષો કે ડાબેરી પક્ષો – એમ સઘળા પક્ષોનું વલણ એક સરખું જ છે. ભા.જ.પા. કે કાઁગ્રેસ શાસિત કોઈ રાજ્યમાં ડેપ્યુટી સ્પીકર વિરોધપક્ષના નથી. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના બળવાખોર ધારાસભ્ય બી.જે.પી.ના સમર્થનથી ડેપ્યુટી સ્પીકર તરીકે વિરાજમાન છે તો મહારાષ્ટ્રમાં નવી ગઠબંધન સરકારે આ પદ ખાલી રાખ્યું છે. દેશમાં નવી રાજનીતિ કરવાનો દાવો કરનારી આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં આ પદ વિપક્ષને આપ્યું નથી. કેરળની સામ્યવાદી સરકાર હોય કે આંધ્ર, તેલંગણા, ઓડિસા, તમિલનાડુ અને પૂર્વોત્તર રાજ્યોની પ્રાદેશિક પક્ષોની સરકારો હોય કોઈને આ પરંપરા બરકરાર રાખવી નથી.
૧૯૬૭-૭૧ની ત્રીજી ગુજરાત વિધાનસભામાં ડેપ્યુટી સ્પીકરનું પદ પ્રથમવાર ત્યારના વિરોધ પક્ષ સ્વતંત્ર પક્ષને ફાળવ્યું હતું. ૧૯૮૦થી ૧૯૯૭ સુધીની છઠ્ઠીથી નવમી વિધાનસભા સુધી આ પદે વિપક્ષના સભ્ય ચૂંટાતા રહ્યા હતા. નવમી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદે વિપક્ષ કાઁગ્રેસના ચંદુ ડાભી હતા અને સત્તામાં બી.જે.પી. હતી. તત્કાલીન અધ્યક્ષ હરિશ્ચંદ્ર પટેલની બીમારીને કારણે વિરોધપક્ષ કાઁગ્રેસના ડેપ્યુટી સ્પીકરે કાર્યકારી સ્પીકર તરીકે બી.જે.પી. વિરુદ્ધનું વલણ લેતાં દેશભરમાં આ પદની ભારે નામોશી થઈ હતી. આ અનુભવ પછી બી.જે.પી.એ ક્યારે ય આ પદ વિરોધપક્ષને આપ્યું નથી. અગિયારમી અને બારમી વિધાનસભાના દસ વરસના ગાળામાં ડેપ્યુટી સ્પીકરની જગ્યા ખાલી રાખવામાં આવી હતી. તે પછી થોડાં થોડાં વરસો માટે આ પદે બી.જે.પી.એ પોતાના જ ધારાસભ્યને મુક્યા હતા. હાલની પંદરમી વિધાનસભાના પ્રથમ સત્રમાં અધ્યક્ષની સાથે ઉપાધ્યક્ષની પણ ચૂંટણી કરીને બંને પદ ભા.જ.પે. પોતાના હસ્તક રાખ્યા છે.
રાષ્ટ્રપતિ લોકસભાના અધ્યક્ષની અને રાજ્યપાલ રાજ્યોના વિધાનગૃહોના અધ્યક્ષની ચૂંટણીની તારીખ નક્કી કરે છે. પરંતુ ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ અધ્યક્ષે નક્કી કરવાની હોય છે. અધ્યક્ષ વતી સત્તાધારી પક્ષના સંસદીય કાર્યમંત્રી આ માટે પહેલ કરે છે. પરંતુ સત્તાપક્ષ વિપક્ષને આ પદ ફાળવવાને બદલે તેને ખાલી રાખવાનો માર્ગ લે છે.
બંધારણમાં ડેપ્યુટી સ્પીકરની સત્તાઓ અને ફરજો નક્કી કરવામાં આવી છે. અધ્યક્ષની ગેરહાજરીમાં તેઓ ગૃહનું સંચાલન કરે છે. તે દરમિયાન તેઓ અધ્યક્ષની સમકક્ષ સત્તાઓ ધરાવે છે. એટલે વિપક્ષના ઉપાધ્યક્ષ કાર્યકારી અધ્યક્ષ તરીકે કે ગૃહનું સંચાલન કરતાં સત્તાધારી પક્ષને માફક ના આવે તેવા નિર્ણયો લેતા હોઈ, આ પદ તટસ્થ મટી પક્ષીય બની જાય છે.
ઉપાધ્યક્ષનાં ઘણાં કાર્યો અધ્યક્ષના સહાયકના હોય છે પરંતુ તેઓ અધ્યક્ષના જુનિયર કે ડેપ્યુટી નથી કે તેમના તાબેદાર પણ નથી. તેથી પણ રાજકીય પક્ષોને ડેપ્યુટી સ્પીકર તરીકે વિપક્ષના સભ્ય ખપતા નથી. આઝાદીની પોણી સદી વટાવી ગયેલા ભારતીય લોકતંત્રમાં આપણા રાજકીય પક્ષો સ્વસ્થ અને સમૃદ્ધ સંસદીય પરંપરા ઊભી કરવામાં ઊણા ઉતર્યા છે.
e.mail : maheriyachandu@gmail.com