અનુસ્વારો ઃ કોઈ યહાં ગિરા, કોઈ વહાં ગિરા
હરીન્દ્ર દવેના એક બહુ જાણીતા ગીતની પહેલી પંકિત બે રીતે છપાયેલી જોવા મળે છે અને ગવાતી સાંભળવા મળે છે ઃ
૧. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં
૨. પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા.
પહેલી નજરે બે વચ્ચેનો ફરક ધ્યાનમાં પણ ન આવે એવું બને. કારણ એમાં તફાવત છે તે એટલો જ કે એકમાં ‘આવ્યા’ પર અનુસ્વાર છે, બીજામાં નથી. પણ આ એક અનુસ્વારના હોવા કે ન હોવાથી આખું કાવ્ય બદલાઈ જાય છે. ‘આવ્યાં’ હોય તો તે પુરુષની સ્ત્રી પ્રત્યેની ઉક્તિ બને. (કારણ નારી જાતિના બહુવચનની સાથેના ક્રિયાપદ પર અનુસ્વાર આવે.) જો ‘આવ્યા’ હોય તો એક પુરુષની કે એક સ્ત્રીની, બીજા પુરુષ પ્રત્યેની ઉક્તિ બને. (કારણ નરજાતિના બહુવચનની સાથેના ક્રિયાપદ પર અનુસ્વાર ન આવે.)
અનુસ્વાર ક્યાં આવે, ક્યાં ન આવે એના ચોક્કસ નિયમો વ્યાકરણ અને જોડણી ઘડનારાઓએ આપ્યા છે, પણ આજે આપણા ભલભલા લેખકોનાં લખાણોમાં પણ અનુસ્વાર અંગેની અરાજકતા જોવા મળે છે. ખાસ કોઈ પેટર્ન વગર કંકુનાં છાંટણાં અહીંતહીં કર્યાં હોય તેમ ઘણા સારા સારા લેખકોનાં લખાણોમાં અનુસ્વારો વેરાયેલાં જોવા મળે છે.
આપણે ત્યાં જોડણી વિષે ચર્ચા અને ચિંતા કરનારાઓ મોટે ભાગે ‘ઇ-ઈ, ઉ-ઊ-હ્રસ્વ – દીર્ઘ’ને જ ધ્યાનમાં લે છે. તેમણે પણ અનુસ્વારના પ્રયોગ વિષે ઝાઝી ચિંતા કરી નથી. જોડણી વિષેના નિયમોની સરખામણીમાં અનુસ્વાર અંગેના નિયમો યાદ રાખીને અમલમાં મૂકવાનું સહેલું છે. પણ તેમ નથી થતું એનાં કેટલાંક કારણો છે.
પહેલું તો એ કે લખવા-છાપવામાં અનુસ્વાર માટે જે ચિહ્ન વપરાય છે તે એટલું તો નગણ્ય છે કે ઘણી વાર તો અનુસ્વાર છે કે નથી એની વિમાસણ થાય. અક્ષરની ઉપર મુકાતું સાવ નાનકડું ટપકું હોય તો ય શું, ને ન હોય તો ય શું, એવું ઘણાંને લાગે. ખરું જોતાં જોડણી સુધારણાની જેમ હવે લિપિ સુધારણાનો પણ વિચાર કરવાની જરૂર છે. અનુસ્વાર માટે અત્યારે જે ચિહ્ન વપરાય છે તેને બદલે શૂન્ય જેવું પોલું વર્તુળ (૦) વાપરીએ તો? ‘ર’ અને ‘પ’ એ બે લિપિ ચિહ્નો બે અક્ષર માટે પણ વપરાય છે અને બે આંકડા માટે પણ વપરાય છે. આથી ક્યારેક પહેલી વાર વાંચતાં ગૂંચવાડો થાય છે. ‘પર’ લખ્યું હોય તો બાવન સમજવું કે (ઉ)પર સમજવું? ‘બે’ અને ‘પાંચ’ માટેનાં ચિહ્નો બદલી ન શકાય?
બીજું કારણ એ છે કે જુદા જુદા પ્રદેશો અને જુદી જુદી જ્ઞાતિઓમાં લિંગ, વચન, અને અનુસ્વારના ઉચ્ચાર અંગે વ્યાપક ભેદ જોવા મળે છે. અમુક પ્રદેશ કે જ્ઞાતિમાં અનુનાસિક – અનુસ્વારવાળાં – ઉચ્ચારણો પુષ્કળ જોવા મળે છે, કેટલાકમાં અનુસ્વાર રહિત ઉચ્ચાર સર્વસામાન્ય છે. આ ‘અનુનાસિક’ પરથી બીજી એક વાત.
આપણા કેટલાક ભડવીરો એવા ભ્રમમાં છે કે પોતે ગુજરાતી લિપિમાં પણ સંસ્કૃત લખે છે. એટલે સંસ્કૃતના નિયમ પ્રમાણે અનુસ્વારને બદલે અનુનાસિક લખે છે ઃ કુંઠિત નહીં પણ કુણ્ઠિત લખે છે, સંબંધ નહીં પણ સમ્બન્ધ, ગ્રંથ નહીં પણ ગ્રન્થ, વગેરે. મારા તમારા જેવાની મૂંઝવણ આથી વધે છે. સાર્થ ગુજરાતી જોડણીકોશે તત્સમ શબ્દો માટે આવી અનુસ્વારને બદલે અનુનાસિકની છૂટ રાખી છે, પણ તે વહેલી તકે દૂર કરવી જોઇએ. કારણ જોડણીકોશનું ધ્યેય જોડણીને વધુ અટપટી નહિ, પણ જેમ બને તેમ સરળ બનાવવાનું હોવું જોઇએ. અને ગુજરાતી લખતી વખતે સંસ્કૃતના નિયમોનું પૂંછડું પકડી રાખવાની શી જરૂર? બીજી મુશ્કેલી એ છે કે બોલવામાં અનુસ્વાર બે પ્રકારનાં છે – પોચું અને તીવ્ર – જેમ કે પાંચ અને પંચ – પણ બન્નેને લખવા માટે એક જ ચિહ્ન છે. વળી આ બે પ્રકારનાં અનુસ્વારોમાં પ્રાદેશિક ભેદ પણ સાંભળવા મળે છે. હવે કમ્પ્યુટર લેખનમાં જેમ ઘણી સગવડો વધી છે તેમ કેટલીક અગવડો પણ વધી છે, એને પણ ધ્યાનમાં રાખીને લેખનરીતિ, શુદ્ધલેખન, ઓર્થોગ્રાફીનો વિચાર કરવાની જરૂર છે. એમ નહીં થાય ત્યાં સુધી અનુસ્વારોની દશા ‘કોઈ યહાં ગિરા, કોઈ વહાં ગિરા’ જેવી જ રહેવાની.
અમને પૂરી ખાતરી છે કે આ લખાણ પણ અનુસ્વારની દૃષ્ટિએ સો ટકા શુદ્ધ રીતે છપાવાનું નથી. એ રીતે છપાયેલું લખાણ શોધવા કદાચ દીવો લઈને નીકળીએ તો ય ન મળે.
સૌજન્ય : ‘ડાયરી’, દીપકભાઈ મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 05 મે 2014