ત્રણેક દિવસ પહેલાં બી.બી.સી.ન્યુઝ યુ.કે. પર ભારતીય કોમને ખૂબ શરમજનક સમાચાર જોવા મળ્યા હશે. શીર્ષક હતું, ‘People affected by caste prejudice in the U.K. speak out.’
એ સમાચારનો સાર કંઈક આ પ્રમાણે છે : યોર્કશાયરમાં કામ કરતા કોઈ એક કંપનીના મેનેજરના હાથ નીચે કામ કરતા એક કર્મચારી તેમને ‘તમે હરિજન છો, માટે મારા મેનેજર નથી.’ એવાં વિધાનોથી બહુ અપમાનિત કરે છે. બીજા બિન એશિયનોની હાજરીમાં આ સજ્જન વિષે ઉતરતું બોલે અને એમને અનેક રીતે હેરાન કરવામાં કસર ન રાખે. આવું વર્તન આ મેનેજરે લગભગ દસેક વર્ષ સહન કર્યું. તેમના ઉપરીને જાણ હોવા છતાં ય કોઈ પગલાં ન લીધાં.
ભારતની બહાર બ્રિટનમાં, અને બીજા દેશોમાં, હજુ ૨૧મી સદીમાં પણ આવા પૂર્વગ્રહિત ખ્યાલો ધરાવતા લોકો દ્વારા ભેદભાવભર્યું વર્તન કરવામાં આવે છે, તેનું એ મુલાકાત આપનારને અત્યંત દુ:ખ છે. તેમણે કહ્યું કે બ્રિટનમાં અંદાજે આશરે ૪,૦૦,૦૦૦થી અર્ધો મીલિયન દલિતો રહે છે. તેમને નોકરીના સ્થળે, રહેણાક વિસ્તારમાં, બીજી સેવાઓ મેળવવામાં, અને સોશ્યલ કેરની બાબતમાં, ઘણી હેરાનગતિ સહન કરવી પડે છે. દલિત લોકો પોતાના વાલ્મીક મંદિરમાં પ્રાર્થના કરે, તહેવારો ઉજવે ત્યારે કહેવાતા ‘સવર્ણ’ લોકો દ્વારા ‘તમે અછૂત છો, તમારો વાલ્મીકિ તો ડાકુ હતો’, એવા વચનોથી ખૂબ જ અપમાનિત કરવામાં આવે છે.
સનાતન ધર્મના પ્રાદુર્ભાવ અને પ્રસાર સમયે માનવ જાત સ્થાયી જીવન જીવવાની શરૂઆત કરતી હતી, તેથી નવો સવો સમાજ રચાયો હોવાને કારણે, કાર્ય વિભાજનની જરૂર લાગી. અને શ્રમ વિભાજનના સિદ્ધાંતોને આધારે વર્ણ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી. તે સમયે ધર્મની અસર પ્રમુખ હોવાથી, આ સમાજ વ્યવસ્થાને ધર્મનો ટેકો મળ્યો. સમય જતાં સ્થાપિત હિત ધરાવનારા સમૂહોએ તેમાં સ્તરીકરણનો ઉમેરો કરી ઊંચ-નીચની ભાવના દાખલ કરી, અને તેને પણ ‘ધર્મ’ને નામે પોષી. માનવ જાત પ્રત્યે આ પ્રકારનું વલણ અને વર્તન એ હિંદુ ધર્મ પર મોટું કલંક છે અને તેથી સમયાંતરે, અનેક સમાજ સુધારકોએ, અસ્પૃશ્યતા નાબૂદ કરવા પગલાં લીધેલ છે. નરસિંહ મહેતાથી માંડીને ગાંધીજી જેવા અનેકનાં નામ ઇતિહાસમાં નોંધાયા છે.
સ્વતંત્ર ભારતના બંધારણમાં, દરેક નાગરિકને સમાન હક અને રોજી-રોટી મેળવવાનો સમાન અધિકાર આપવાનું વચન અપાયું છે, પરંતુ તેનો અમલ બહુ થોડા કિસ્સાઓમાં થાય છે. શિક્ષણ અને રોજગારના ક્ષેત્રોમાં અનામત બેઠકો રખાઈ, તેથી પછાત જ્ઞાતિ અને જાતિના જે સભ્યોને શિક્ષણ લેવાની તમન્ના હતી. તેમને કાયદેસર કોઈ રોક ટોક વિના એ તકો મળી અને મોટી સંખ્યામાં લોકો અસ્પૃશ્યતાની નાગચૂડમાંથી મુક્ત થવા લાગ્યા. પણ શિક્ષિત દલિતો સવર્ણ લોકોના વિસ્તારમાં મકાન ખરીદવા જાય, કે નોકરી મેળવવા જાય, ત્યારે હજુ પણ પસંદગીમાં છેલ્લે પાટલે બેસવું પડે છે. આનું કારણ એ છે કે કાયદાકીય સુધારાની સાથે સાથે સામાજિક અને ધાર્મિક વલણોમાં પરિવર્તન આવે તેને માટે કશું કરવામાં આવ્યું નથી.
કોઈ માતા-પિતા પોતાના ચાર સંતાનોમાંથી એકને યા તો એ દીકરી છે તેથી અથવા થોડી ઓછી બુદ્ધિ પ્રતિભા ધરાવતી હોવાને કારણે શિક્ષણ આપવાનો ઇનકાર કરે, તો તેનો વિકાસ નથી થવાનો. પછી તેને કુટુંબ અને સમાજ કહેશે, ‘તમે ભણેલા નથી, માટે સારી નોકરી કે મકાન નહિ આપીએ.’ આને પરિણામે તેઓ નબળાં સ્વાસ્થ્ય અને કુરિવાજોના ચક્કરમાં ફસાય. આમ એ લોકોને તો બંને બાજુથી માર પડે. જે કુશળ કારીગરો કાપડ, પગરખાં બનાવે, વાસણ અને તમામ મકાનો, રસ્તાઓની સફાઈ રાખે તેમની જ અવજ્ઞા કરવી એ ક્યાંનો ન્યાય? શું એમની ઉત્પાદન કરેલી વસ્તુઓ વિના કે સેવાઓ વિના, આપણો સમાજ ટકી શકે? તમારા કામને કારણે તમને કોઈ ‘નીચા’ ગણે તો તમે શું કરશો?
‘નીચલી જ્ઞાતિ’ના અસંખ્ય લોકો આ અન્યાયી પદ્ધતિથી છુટકારો મેળવવા ધર્માંતર કરી ગયા એ જાણીતું છે. વળી એ ઉચ્ચ નીચની ભાવનાને તિલાંજલિ આપીને, નવા ધર્મો પણ ઉદ્દભવ્યા, પણ એ ભેદભાવ ભરેલી પ્રથાનો પ્રભાવ તો જુઓ, આપણે એ ધર્મોને પણ અસ્પૃશ્યતાનો સ્પર્શ કરાવ્યો ! કેટલાક ‘દલિતો’ને તક મળી તો વિદેશગમન કર્યું, એમ વિચારીને કે ભારતની ભૂમિ સાથે જોડાયેલ આ વ્યવહાર બીજા દેશોમાં નહીં સહન કરવો પડે. ભારે ગ્લાનિ સાથે તેમને વિદેશોમાં પણ એ જ છૂઆછૂતનું ભૂત વળગેલું અનુભવવા મળે તેથી ઊલમાંથી ચૂલમાં પડ્યાની લાગણી તેમને થાય.
બ્રિટનમાં પતિ-પત્ની પોતાના ઘરનાં ડસ્ટબિન ખાલી કરે અને જાજરૂ-બાથરૂમ ધૂએ છે, તો શું એક બીજાને અછૂત ગણે છે ? પત્ની કોઈ કંપનીની ડાયરેક્ટર હોય અને પતિ કપડાં સીવવાની ફેકટરીમાં કામ કરે (જેને આપણે દરજી એટલે કે નીચી જ્ઞાતિનો ગણીએ), તો શું પત્ની પતિના હાથનું પાણી ન પીએ, એને ઘરમાં રહેવા ન દે?
હમણાં મેં એક વાર્તા વાંચી. એક બહેનને ઘેર તેની મિત્ર પોતનો પાળીતો કૂતરો સાચવવા મૂકી ગઈ, જેનો વિરોધ પાડોશીઓએ કર્યો. પણ તેને સાંકળથી બાંધી રાખવાનું અને તેનો કરેલો બગાડ એક સફાઈ કામદાર સાફ કરી જશે ,એવું વચન આપ્યું તેથી વિરોધ શમી ગયો. ચારેક દિવસ પછી સફાઈ કરનાર બહેન તેના ત્રણ બાળકો સાથે એ કૂતરાની બાજુમાં સૂતેલી જોવા મળી. તપાસ કરતાં માલુમ પડ્યું કે તેની ઝૂંપડીના છતમાં કાણાં પડી ગયાં છે, વરસાદ આવે છે, છોકરાં પલળી ગયાં છે અને ધ્રુજે છે. એટલે અહીં આશરે આવી. વરસાદ થંભી જતાં જ જતી રહેશે તેમ કહ્યું, પણ પાડોશી બહેનોએ પેલી બહલી બાઈને કહ્યું, ‘તેનો કૂતરો પાળ્યો તો અમે કાંઈ ન બોલ્યા, પણ હવે આ દલિતને આશરો આપ્યો? કૂતરું તો ખીલ્લે બાંધ્યું રહે, આ દલિતના છોકરા અમારી વસ્તુને અડી જાય તે કેમ સહેવાય?’ છેવટ એ સફાઈકામદારને તેનાં ત્રણ બાળકો સાથે એ આશરો છોડવો પડ્યો. આ છે આપણી ધર્મ સાચવવાની રીત !
મેં બે દાયકા સુધી જેમની માતૃભાષા અંગ્રેજી ન હોય તેવાં બાળકોને અંગ્રેજી, વિજ્ઞાન અને ગણિત શીખવવાનું કામ કર્યું, સાથે સાથે શાળામાં ધાર્મિક શિક્ષણ સુપેરે અપાય છે, તે જોવાની જવાબદારી પણ નિભાવી. રામાયણનો લેખક પહેલાં પોતાના પરિવારના ભરણ-પોષણ માટે લૂંટ-ફાટ કરતો અને પછી નારદે ‘તારા માતા-પિતા, પત્ની અને બાળકો તારા પાપમાં ભાગીદાર બનશે ને?’ એવો પ્રશ્ન પૂછ્યો. જેના જવાબમાં વાલિયાના કુટુંબના લોકોએ પાપમાં ભાગીદાર બનવાની ના પાડી, તેનાથી હૃદય પરિવર્તન પામી, પશ્ચાતાપ કરીને, તપ કરનાર એ લૂંટારો ઋષિની કક્ષાએ પહોંચ્યો અને વિશ્વને અદ્દભુત મહાકાવ્યને ભેટ ધરી એ વાર્તા હું કરતી. ૯૫% મુસ્લિમ બાળકો ધરાવતી શાળાના કોઈ વિદ્યાર્થી એ વાર્તા પરથી ધડો લઈને પોતાની ભૂલ કબૂલ કરી, પસ્તાવો કરીને વર્તન સુધારે ત્યારે કહેતાં, ‘અમે વાલ્મીકિ પસેથી શીખ્યાં’! ખરું કહું, મને એવા લૂંટારા થવામાં વાંધો નથી, પરંતુ મને ભેદભાવભર્યો વર્તાવ કરતા ‘સવર્ણ’ લોકોની જમાતમાં બેસવું શરમજનક લાગે. હું એ લોકોને પૂછી શકું કે તમારા આવા ભેદભાવભર્યા અન્યાયી વર્તનમાં તમારાં સંતાનો, મિત્રો અને અન્ય કુટુંબીજનો ભાગ પડાવશે ? અને જો તેઓનો જવાબ ‘ના’માં હોય તો તમે જે ખોટું કામ કરો છો, તેનો પશ્ચાતાપ કરીને વાલિયામાંથી વાલ્મીકિ બનવા જેટલી ઊંચાઈ બતાવી શકશો ? મૂળ ભારતના સવર્ણ લોકો વિદેશ જાય ત્યારે ‘એશિયન’ હોવાને નાતે તેમના તરફ ભેદભાવભર્યું વર્તન થાય છે, તેમને મકાન કે નોકરી મેળવવામાં મુશ્કેલી પડે છે, ત્યારે કેવી લાગણી થાય છે? તમે પણ દલિતોના સમદુખિયા બનો છો, નહીં ?
બ્રિટનની પાર્લામેન્ટ અસ્પૃશ્યતા વિરુદ્ધ કાયદો કરવાને બદલે શિક્ષણ દ્વારા આ પ્રશ્નનો નિવેડો લાવવા માગે છે. આ બાબતમાં સહમત થવા જેવું છે. ભારતમાં કાયદાઓ થયા, ‘સત્યમેવ જયતે’ જેવા કાર્યક્રમો થાય છતાં ય જ્યાં સુધી લોકમાનસ ન બદલે ત્યાં સુધી એ બધાની કોઈ અસર ન થાય. ભેદભાવભર્યું વર્તન અવૈજ્ઞાનિક, અજ્ઞાની અને અભિમાની લોકો આચરી શકે. લોકોને માનવ શરીર રચનાની મૂળભૂત હકીકતો સમજાવવી, સમાજમાં દરેક કાર્યની અગત્યતા અને અનિવાર્યતાનો ખ્યાલ આપવો અને ધર્મના સાચા અર્થઘટનનું જ્ઞાન આપવું, એ જ કદાચ આવા કનિષ્ઠ અને અવિચારી વલણ-વર્તનને નાબૂદ કરવાનો સાચો ઉપાય છે.
બુદ્ધ, નરસિંહ મહેતા, મો.ક. ગાંધી, આંબેડકર જેવા અનેક મહાપુરુષો આવે અને જાય, આપણે તો છૂઆછૂતમાંથી ઊંચા નહીં આવીએ. ઘર આંગણે ધર્મને નામે અન્યાય આચરતા લાજ નથી આવતી, તો હવે પરદેશમાં ય ઝાંઘ ઉઘાડી પાડીને હલકટ વૃત્તિનું પ્રદર્શન કરતાં અચકાતા નથી ! મારા નાનાજીએ ૧૯૩૦ના દાયકામાં કચ્છમાં હરિજન સેવાના કાર્યમાં ઝમ્પલાવેલું. હું ૨૧મી સદીમાં બ્રિટનમાં હરિજન સેવક સંઘની સ્થાપના કરવા તૈયાર છું. જેને પણ અસ્પૃશ્યતાનો ખ્યાલ વ્યાજબી લાગતો હોય અને રંગ, ધર્મ, જ્ઞાતિ, જાતિ કે વર્ગના પાયા પર ભેદભાવભર્યું વર્તન ચાલુ રાખવું હોય તે ભલે રાખે, પણ આ પૃથ્વી પર નહિ, તેને માટે બીજો કોઈ ગ્રહ તાત્કાલિક શોધી લેવા અમારી આજ્ઞા છે.
e.mail : 71abuch@gmail.com