પહેલ ઘણું કરીને નર્મદનગરી સુરતે કરી, અને હવે તો દલપતનગરી અમદાવાદ પણ એ દિશામાં ઉદ્યુક્ત દીસે છે : મ્યુિનસિપલ ર્કોપોરેશન વરસોવરસ રાષ્ટ્રીયસ્તરના પુસ્તકમેળાનું આયોજન કરે છે અને એ દિવસો સાહિત્યિક કાર્યક્રમોથી ય ભરેલા હોય છે. કવિઓના સ્વર અને ખાણીપીણીનાં વ્યંજનની જુગલબંદી પણ જનસાધારણની દૃષ્ટિએ ઠીક જ હોય છે. અમદાવાદે ગયે વરસે જો મુનશીને વિશેષરૂપે સંભાર્યા હતા તો ઓણ પુસ્તકમેળાનું વિશેષ વસ્તુ આપણા સ્વાતંત્ર્યસૈનિક શિક્ષણકાર અને સર્જક મનુભાઈ પંચોળી-દર્શકનું છે. ગયું વરસ જો કનૈયાલાલ મુનશીની સવા શતાબ્દીનું હતું તો ચાલુ વરસ દર્શકની શતાબ્દીનું છે.
આ દર્શક, એમને કોઈકે પૂછેલું કે ભવિષ્યમાં લોકો તમને કેવી રીતે સંભારશે. હતું તો એ એક બહુમુખી વ્યક્તિત્વ થોડો સમય એ રાજ્યના શિક્ષણમંત્રી પણ હતા. પણ એમણે કહેલું કે લોકો મને મારા સર્જનથી, મારાં પાત્રોથી ઓળખશે. જેમ મુનશી એમની સામગ્રી અને કથયિતવ્યની શોધમાં ઇતિહાસ અને રાજનીતિ પાસે ગયા, દર્શક પણ ગયા છે. પણ બંનેની ઇતિહાસચર્યા જુદી એ રીતે પડે છે કે મુનશી રાજ્યનિર્માણ અને સામ્રાજ્યસંવર્ધનના સગડ દબાવતા ચાલે છે જ્યારે દર્શકનો રાષ્ટ્રપ્રેમ પ્રજાપરક ધોરણે લોકશાહીનું પગેરું દાબતો ચાલે છે, જેમ ગાયની પૂંઠે પૂંઠે વાછડું.
હજુ બુધવારે જ ગુજરાતે પોતાનો મત પેટીબદ્ધ કર્યો છે. ૩૦મી એપ્રિલથી ૧૬મી મે(મતગણતરી)ના આ વચગાળામાં એક નવા વળાંકે અગર નવવમળની શક્યતાઓ ગુજરાત મુનશીની ઘાટીએ વિચારશે કે દર્શકની ઘાટીએ? ગમે તેમ પણ, ચાલુ વરસના તેમ ગયા વરસના પુસ્તકમેળાઓએ મુનશી-દર્શકના વિષયવસ્તુ વાટે કંઈક ચિંતનયોગ આ દિશામાં જરૂર જોગવી આપ્યો છે. મુનશી 'ગુજરાતનો નાથ’ માટે સુપ્રતિષ્ઠ છે. એ ગયા છે સોલંકી યુગમાં પણ, છે તો આધુનિક જગતના જીવ એટલે કાયદાનું શાસન શી વસ છે તે આ જાણે છે. તમે જુઓ કે જયદેવકુમાર સિદ્ધરાજ જયસિંહપણું પ્રાપ્ત કરી યથાર્થમાં 'ગુજરાતનો નાથ’ કેમ કરતાં બને તે દર્શાવવા વાસ્તે મુનશીએ એમાં 'ધ અધર’ કહેતાં મ્લેચ્છ ખતીબને પાટણપતિ પાસે ન્યાય અપાવવાનું આયોજન કર્યું છે. એટલું જ નહીં, ધર્મઝનૂનનો માંજો પાયેલી રાજનીતિ કેટલી અનર્થકારી હોઈ શકે તે દર્શાવવા માટે મુનશીએ આનંદસૂરિ નામના જતિની જે ગત કરી છે તે પણ એમની ઐતિહાસિક નવલત્રયીના આશકોના ખયાલ બહાર ન જવી જોઈએ.
દર્શક જેલમાં હતા અને હિટલરવાદ સામે લોકશાહી બળો વિશ્વસ્તરે રણે ચઢયાં હતાં ત્યારે એ પણ પ્રેરણાના પીયૂષ સારુ ઇતિહાસ પાસે તો ગયા, પણ તે ઇતિહાસ મગધના સામ્રાજ્યનિર્માણનો કે કૌટિલ્યનો ન હતો. એ ઇતિહાસ ગણરાજ્યોએ જે શીલ અને કૌવત દાખવ્યું એનો હતો. એમની આ નવલકથા, 'દીપનિર્વાણ’ ઉમાશંકર જોશી પાસે 'મનહર અને મનભર’ એવી હૃદયાંજલિ પામી કેમ જાણે દર્શકને ગોવર્ધનરામની પ્રણાલિકામાં મૂકી આપે છે. ધારાસભ્ય મનુભાઈ પંચોળીએ ગૃહમાં ગોંધળ અનુભવ્યું અને ધારાસભ્યોને હરાજ થતા જોયા એ ધક્કા સાથે ગ્રીસના નગરરાજ્ય એથેન્સમાં 'સોક્રેટીસ’ના કાળની લોકશિક્ષણમથામણ નવલકથારૂપે ચાલી આવી. સ્વાતંત્ર્યસંગ્રામની પાર્શ્વભૂમાં 'ઝેર તો પીધાં છે જાણી જાણી’માં વળી વિશ્વતોમુખી સ્વરાજદર્શન છે.
મતપેટીઓ માંહેલી શલ્યા ૧૬મી મેના રોજ સહસા અહલ્યા થઈને ઊઠશે. નવી લોકસભા અને નવી સરકાર, એની દિશા શું હશે? જેને ગુજરાત મોડલ તરીકે રાષ્ટ્રબજારમાં ખાસું વેચવામાં આવ્યું છે એની પાસે કેન્દ્ર સરકારની રાહે એલપીજી રેજિમ અને મેળાપી મૂડીવાદ સિવાય ખરેખાત શું છે એ અંગે આંતરખોજેભરી તપાસ મથામણ વગર દેશની સંસદીય લોકશાહીનું આગલું કદમ કેવું હશે એ કહી શકાતું નથી. કાયદાનું શાસન અને એ શાસનની પ્રજાપરકતા, આ બે મુનશી-દર્શકચર્ચ્યાં વાનાં બાબતે ૨૦૦૧ના ઓક્ટોબરથી ગુજરાતમાં શરૂ થયેલ કથિત નવસંવતનાં બારતેર વરસોમાંથી કોઈ પ્રતિબોધ મળે છે?
ભાઈ, આપણે તો – કેમ કે પુસ્તકમેળાની ને સાહિત્યની ચર્ચા કરીએ છીએ – સીધોસાદો એક જ દાખલો લઈએ તો 'દીપનિર્વાણ’માં દર્શકે તક્ષશિલાના પ્રવેશ પર એવા સૂચનાપટનું નિરૂપણ કર્યું છે કે રાજન, આ વિદ્યાર્તીથ છે. તારા શસ્ત્રાલંકાર બહાર રાખી, વિનીત વેશે અને અડવાણે પાય અહીં પ્રવેશજે. દર્શક હસ્તક જેને સ્વાયત્ત નવરૂપ મળ્યું એ ગુજરાત સાહિત્ય અકાદમી આજે સરકારગ્રસ્ત છે. સરકારનો એની સાથેનો વહેવાર વિનીત વેશે અને અડવાણે પાય નથી. ગુજરાતમાં લોકાયુક્તની જે ગત થઈ એમાં કોઈને ન્યાય મળવાનો તો કોઈ કહેતાં કોઈ સવાલ જ નથી. અને રાજ્યની યુનિવર્સિટીઓ અત્યારે પાળીતા કુલપતિઓથી સોહતી હોવાની સાર્વત્રિક છાપ છે. શું અદ્દભુત વાત સંભારી હતી એક વાર ડોલર રાય માંકડે, ઋગ્વેદના વસિષ્ઠ સૂક્તની સાખે, કે વર્ષાકાળે ડ્રાં ઉ ડ્રાં ઉ કરવા માંડતા દેડકાની જેમ દક્ષિણકાળે ઋષિઓ મંત્રોચ્ચાર કરવા લાગે છે મુદ્દે, દર્શકની સૃષ્ટિમાં અપેક્ષિત એવો સ્વતંત્રચેતા પ્રજાપારક બૌદ્ધિક ગણ ૨૦૧૪ના ગુજરાતમાં છે કેમ એ જ તપાસનો વિષય છે.
આખરે શતાબ્દીઓ અને સવા શતાબ્દીઓ પાસે આપણે જઈએ છીએ કેમ? આપણી પ્રજાકીય બેટરી ચાર્જ કરવા કે પછી સેમિનાર શૈલીએ કશોક ચાર્જ ગુંજે ભરવા?
પ્રશ્નપાત્ર એવા ગુજરાત મોડલ વિશે પ્રશ્ન ઉઠાવવાની આપણી પાત્રતા પણ કદાચ તપાસનો વિષય છે … રે, દર્શક
સૌજન્ય : http://www.divyabhaskar.co.in/article/ABH-gujarat-model-and-its-understanding-4600661-NOR.html : 03 મે 2014