તુલસીક્યારાના દીવા / મનસુખ સલ્લા : અમદાવાદ – ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ૧ આવૃત્તિ, ૨૦૧૪ : ૧૫૨ પાના : રૂ.૧૩૦
મનસુખ સલ્લાનો રેખાચિત્રોનો પહેલો સંગ્રહ ‘જીવતર નામે અજવાળું’ ૨૦૦૧માં પ્રગટ થયેલો. અને હવે આ ‘તુલસીક્યારાના દીવા.’ બંને સંગ્રહોમાં ત્રેવીસ-ત્રેવીસ રેખાચિત્રો છે એ તો અકસ્માત હોઈ શકે, પણ બંને સંગ્રહોના નામમાં પ્રકાશવાચક શબ્દો છે તે અકસ્માત નથી. પહેલામાં ‘અજવાળું’ છે તો બીજામાં અજવાળાના પ્રસારક ‘દીવા’ મૂકાયા છે, અને તે ય તુલસી ક્યારે. એટલે અજવાળામાં શુચિતા આવી મળે છે. ઉમાશંકર જોશીએ પૂછ્યું હતું : “બે પૂંઠા વચ્ચે હૃદય પ્રવેશ્યું છે?” ‘તુલસીક્યારાના દીવા’ પુસ્તક પૂરતો આ સવાલનો જવાબ હકારમાં આપી શકાય તેમ છે.
અંબા ગોરાણીથી જયાબહેન શાહ અને ‘અવધૂત’થી માંડીને મોરારિ બાપુ સુધીની વ્યક્તિઓની રેખાઓ જેવી પોતાના હૃદય-મુકુરમાં ઝીલાઈ તેવી લેખકે અહીં આલેખી છે. ભાષાની ભભકથી વાચકને આંજી નાખવાનો નથી ક્યાંય પ્રયત્ન. કવેતાઈ વાઘા પહેરવા-પહેરાવવાનો નથી ક્યાં ય પ્રયત્ન. બીજાની વાતને નિમિત્તે જાતની જાહેરાત કરવાનો નથી પ્રયત્ન. જેમની વાત કરી છે તેમને માટે લેખકના મનમાં આદર છે જ, પણ એ આદર અહોહોભાવમાં રૂપાંતરિત થતો નથી.
આ પુસ્તકમાં મિત્રો, મુરબ્બીઓ, કુટુંબીજનો વિષે પણ લખાયું છે. જેમને વિષે લખ્યું છે તે વ્યક્તિઓનો લેખકને નિકટનો પરિચય તો હોય જ. પણ આ પુસ્તકમાં તેઓ અતિશયોક્તિથી દૂર રહ્યા છે અને છેટા રહ્યા છે કલ્પનાના રંગો પૂરીને ચિત્રને વધુ ભડક કે આકર્ષક બનાવવાથી. અને છતાં આ બંનેથી દૂર રહીને પણ રેખાચિત્રને રળિયામણું કેમ બનાવી શકાય એની હથોટી લેખક પાસે છે જ. લેખકમાં રહેલો વાર્તાકાર પણ આમ કરવામાં તેમની મદદે આવે છે.
કુલ ત્રેવીસમાંથી સાત રેખાચિત્રો સ્ત્રીઓનાં છે, અને બીજાં રેખાચિત્રોમાં પણ પુરુષને પ્રેરણા કે શાતા આપનાર તરીકે સ્ત્રીનું મહત્ત્વનું સ્થાન લેખકે જાણ્યું છે અને પ્રમાણ્યું છે. પહેલું જ ચિત્ર મળે છે લેખકનાં બાનાં નાની કુંવરમાનું. બે પૈસામાં આખા ઘરનું શાક આવતું અને પાંત્રીસ રૂપિયાનો દરમાયો બહુ કહેવાતો એ કરકસરિયા જમાનાના કુંવરમાનું ચિત્રણ લેખક શબ્દોની પૂરી કરકસરથી પણ અસરકારક રીતે કરે છે : “ઊંચો દેહ, ગૌર વર્ણ, કાળાં કપડાં, બેતાળાનાં ચશ્માંમાંથી અમીઝરતી આંખો, થોડી કરચલીવાલી ચામડી, હસું હસું થતું મોં, અને ગંભીર-પ્રસન્ન, પ્રભાવશાળી ચહેરો.” મા વિષે લખવાનું આમ તો સહેલું લાગે, પણ સાચકલાઈથી લખવું હોય તો અઘરું છે. માતા વિમળાબહેન વિષે લખતાં લેખક એપિસોડિક (ગુજરાતી શું કરશું?) પદ્ધતિ અપનાવે છે. આનો એક ફાયદો એ થયો છે કે માતાની વાત કરતાં અનિવાર્યપણે પોતાની વાત કરવી પડે તે લેખક સુગમતાથી કરી શક્યા છે. અહીં પણ શબ્દોની કરકસર તો છે જ. “કેમ જાણે પરીક્ષા મેં આપી હતી, પણ પાસ પોતે થયાં હતાં.”
પણ આ ત્રેવીસ વ્યક્તિઓમાંથી ક્યારે ય ન ભૂલાય એવી રીતે લેખકે આલેખન કર્યું હોય તો તે ‘દંતકથાના પાત્ર જેવાં’ અંબા ગોરાણીનું. ગ્રામ બોલીનો – અને બૈરક બોલીનો પણ – લેખક પાસેનો ભંડાર અહીં તેમણે અભરે ઠાલવ્યો છે. હા, આ લખનાર જેવા સો ટકા શહેરી જણને કોઈક કોઈક શબ્દ આગળ અટકવું પડે, પણ અર્થ ખબર ન હોય તો ય માયનો સમજાઈ જાય.
અહીં મોરારિબાપુ, ઉમાશંકર જોશી, નારાયણ દેસાઈ, રતિલાલ બોરીસાગર, કાંતિસેન શ્રોફ, ઝીણાભાઈ દરજી જેવી જાણીતી વ્યક્તિઓ વિષે પણ લેખકે લખ્યું છે. તેમાં લેખકની અંગત જાણકારીની વાતોને સ્વાભાવિક રીતે જ થોડો ઓછો અવકાશ મળ્યો છે. આ બધી વ્યક્તિઓનું આપણી નજર સામે જે ચિત્ર છે તે ધરમૂળથી બદલાઈ જાય એવું આ લેખો વાંચ્યા પછી બને તેમ નથી. રોહિત કોઠારી, મનોહર ત્રિવેદી, રતિલાલ બોરીસાગર, દિલાવરસિંહ જાડેજા, ઝીણાભાઈ દરજીનાં રેખાચિત્રો આ લખનારને વધુ આસ્વાદ્ય લાગ્યાં છે. મોરારિબાપુ, ઉમાશંકર કે નારાયણભાઈ વિષે લખતાં જાણે લેખકનો હાથ જરા ભારે થઈ ગયો હોય તેમ લાગે.
જેના નામમાં જ ‘સલ્લા’ હોય તેને આમ કરો કે ન કરો એવી સલ્લા આપનાર આપણે તે કોણ? પણ મનસુખભાઈને એક વિનંતી કરવાનું મન થાય. ‘જીવતર નામે અજવાળું’ની પ્રસ્તાવનામાં તમે લખ્યું હતું : “આ રેખાચિત્રોમાં મુ. દર્શકનું રેખાચિત્ર નથી તેથી કોઈકને આશ્ચર્ય પણ થાય. પરંતુ મુ. દર્શક મારે માટે રેખાચિત્રનો નહિ, ગ્રંથનો વિષય છે.” આ જ કારણસર પ્રસ્તુત પુસ્તકમાં પણ દર્શકનું રેખાચિત્ર જોવા મળતું નથી. પણ દર્શકની જન્મશતાબ્દીના આ વર્ષમાં જ તમારી પાસેથી તેમને વિશેનો ગ્રંથ મળે એવું ન બની શકે, મનસુખભાઈ?
સૌજન્ય : ‘બુકમાર્ક’, દીપકભાઈ મહેતા સંપાદિત ‘અક્ષરની અારાધના’, “ગુજરાતમિત્ર”, 12 મે 2014