Opinion Magazine
Number of visits: 10,207,072
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વૃક્ષોને કપાતાં બચાવવા માટે પોતે કપાવા તૈયાર થઈ ગયેલાં ગૌરાદેવી

રુચિતા શાહ|Opinion - Opinion|22 September 2017

ચિપકો આંદોલન તરીકે દેશવિદેશમાં પ્રચલિત બનેલા વૃક્ષોને બચાવવાનાં અનોખા અભિયાનને કારણે આપણને પર્યાવરણ મિનિસ્ટ્રી મળી. પર્યાવરણ સંવર્ધનનો કાયદો પણ આ આંદોલનની જ દેણ છે. એક અભણ આદિવાસી મહિલાની દૂરંદેશી અને દૃઢતાની જબરદસ્ત દાસ્તાન પ્રસ્તુત છે અહીં.

હિમાલયના ગઢવાલ વિસ્તારમાં આવેલા લાઠા નામના ગામમાં આદિવાસી પરિવારમાં ગૌરાદેવીનો જન્મ થયેલો. પહાડી મહિલાઓ ઘરમાં ચૂલો પેટાવવા માટે બળતણ તરીકે ઝાડની ડાળખીઓ અને પાંદડાંઓ ભેગાં કરવા જંગલમાં જતી. બાળપણમાં પોતાની માતા સાથે જંગલમાં જમીન પર પડેલી સૂકાં ઝાડની ડાળખીઓ અને પાંદડાંઓ વીણતી મમ્મીને જોઈને ગૌરાએ પ્રશ્ન પૂછેલો, ‘શું કામ આપણે જમીન પર પડેલી આ ડાળખીઓ વીણીએ છીએ? એના કરતાં આ ઝાડને જ કાપી લઈએ તો?’

ત્યારે તેમની માતાએ સમજાવ્યું હતું, ‘બેટા, આ ઝાડ છેને એનાં મૂળિયાં હાથ જેવાં હોય છે, જેણે આપણી જમીનને પકડી રાખી છે. વધુ વરસાદ પડે કે પહાડ પીગળીને ત્યાંથી પાણીનો ધોધ આવે ત્યારે એ પાણીને પણ સાચવી લે છે અને સાથે જ માટીને પણ પકડી રાખે છે. જો કોઈ આ ઝાડને કાપી લે તો આપણે પાણી સાથે વહી જઈએ.’

માતા પાસેથી સમજેલી આ વાત ગૌરાદેવીના મનમાં એવી ઠસી ગઈ કે તેમણે એક ઐતિહાસિક આંદોલનને જન્મ આપ્યો. ૧૧ વર્ષની ઉંમરે લગ્ન કરીને રેણી ગામમાં રહેવા આવેલી ગૌરાનો જીવનસંઘર્ષ ચાલુ હતો. પતિનું બાવીસ વર્ષની ઉંમરે અવસાન થયું હતું અને એક બાળકની જવાબદારી તેમના માથે હતી. છતાં નાનપણના સંસ્કારો કામ કરી રહ્યા હતા અને તેઓ પોતાની સાથે સમાજના કલ્યાણ માટે કામ કરી રહ્યાં હતાં. એવામાં એક ઘટના બની.

બન્યું એવું કે ૧૯૬૨માં ભારત-ચીન યુદ્ધ પછી સૈનિકોને સરહદ પર આવાગમન માટે સરળતા રહે એટલા માટે એક માર્ગ બનાવવાનું સરકારે નક્કી કર્યું. એ માર્ગ બનાવવા અંતર્ગત જ હિમાલયનો બૉર્ડર-વિસ્તાર ગણાતા ચમૌલી જિલ્લાના રેણી ગામ અને એની નજીક આવેલાં જંગલોનાં લગભગ ૨,૪૫૦ વૃક્ષો કાપવાની તૈયારી વનવિભાગે કરી લીધી હતી. આમાં કેટલાક તકવાદી લોકોએ પોતાના અંગત લાભ માટે પણ વૃક્ષો અને એનાં લાકડાંઓનો ઉપયોગ કરવા આ કાર્ય પાર પડે એવા પ્રયત્નો કર્યા હતા. આના વિરોધમાં ગઢવાલ વિસ્તારના કેટલાક સમાજસેવકો કાર્ય કરી રહ્યા હતા. એવામાં ૧૯૭૦ના ગાળામાં અલકનંદા નદીમાં પૂર આવતાં પહાડી લોકોએ ભારે વિપદાનો સામનો કર્યો હતો. આ પૂરમાં અસરગ્રસ્ત લોકોની મદદ કરવામાં વિવિધ સામાજિક કાર્યકરોમાં ગૌરાદેવીની વિશેષ ભૂમિકા હતી. પહાડી ગામોમાં રહેતા પરિવારોની તકલીફો દૂર કરવા માટે એક મહિલા સંગઠન રચવામાં આવ્યું હતું, જેમાં ગૌરાદેવી પ્રમુખ તરીકે ચૂંટાયાં હતાં. (પહાડી પ્રદેશોમાં પરિવાર સાચવવાની સાથે બહારનું કામ કરીને આર્થિક મદદ કરવામાં પણ મહિલાઓની વિશેષ ભૂમિકા હોય છે, એટલે જ તેમના જીવન સાથેના સંકળાયેલા પ્રશ્નોના સમાધાન માટે પણ મહિલાઓ વિશેષ સક્રિય હોય છે).

પૂરથી પોતાના પ્રદેશનું રક્ષણ કરવું હશે તો વૃક્ષોનું હોવું જરૂરી બનશે, એ વાત ચાંદી પ્રસાદ ભટ્ટ, ગોવિંદ સિંહ રાવત જેવા કેટલાક સામાજિક કાર્યકરો સારી રીતે જાણતા હતા. ગૌરાદેવી પણ આ બાબતમાં ગંભીર હતાં. ૧૯૭૪ની ૨૪ માર્ચે રેણી અને આસપાસનાં ગામોના પહાડી લોકોએ ભેગા થઈને વૃક્ષો કાપવાના સરકારના નિર્ણયનો વિરોધ કરવા એક રૅલી પણ કાઢી હતી. સ્થાનિક લોકો દ્વારા વૃક્ષોને કાપવાનો વિરોધ થઈ રહ્યો હોવા છતાં સરકારે પાકા પાયે તૈયારી કરીને એ લોકો સાથે વાટાઘાટના પ્રયત્નો આદરી દીધા હતા. જમીનના બદલામાં તેમને સારું વળતર આપવામાં આવશે એવી લાલચો અને વાતચીતોના નામે એ લોકોને ભોળવવાનું સંપૂર્ણ પ્લાનિંગ પણ કરી લીધું હતું.

દિવસ હતો ૧૯૭૪ની ૨૬ માર્ચનો. રેણી ગામના પુરુષો સરકાર દ્વારા જમીન માટે આપવામાં આવનારા વળતરને લેવા માટે ચામોલી ગામે જતા રહ્યા હતા. ત્યાંના સામાજિક કાર્યકરો સાથે વાતચીત કરવા માટે તેમને રેણી નજીક આવેલા ગામમાં બોલાવી દેવામાં આવ્યા હતા. ગામમાં મહિલાઓ અને બાળકો જ હતાં. એ સમયે વનવિભાગના કેટલાક અધિકારીઓ મોટી-મોટી ટ્રક લઈને દેવદારનાં વૃક્ષોથી ભરચક જંગલો કાપવા માટે પહોંચી ગયા હતા. આ બધી જ હિલચાલ પર એક નાનકડી બાળકીની નજર ગઈ અને તેણે આંખેદેખ્યો અહેવાલ ગૌરાદેવીને સંભળાવ્યો. આ હિલચાલ વિશે જાણીને ગૌરાદેવી ઍક્શનમાં આવી ગયાં. બધી જ મહિલાઓ અને બાળકોને લઈને તેમણે જંગલ તરફ દોટ મૂકી. મજૂરો ઝાડ કાપવાના પોતાના કામે લાગે એ પહેલાં જંગલોમાં જઈને ઝાડનું રક્ષાકવચ બનીને તેમની સામે ઊભાં રહી ગયાં. ગૌરાદેવી કહી રહ્યાં હતાં, ‘ભાઈ, આ જંગલો અમારા પિયર સમાન છે. અહીંથી અમને જડીબુટ્ટીઓ, તાપણા માટેનાં લાકડાંઓ, ફળો અને શાકભાજી મળે છે. આને કાપવાથી તો પૂર આવશે.’

વન-અધિકારીઓ માટે આ એન્ટ્રી અણધારી હતી. જંગલો ન કાપવા માટે આ મહિલાઓએ અધિકારીઓને ભલામણ કરી તો અધિકારીઓએ દમદાટી કરીને તેમને ભગાડવાના પ્રયત્નો કર્યા, તેમની સામે બંદૂક તાકીને તેમને ડરાવવાની કોશિશ કરી, અપશબ્દો બોલીને અને તેમના પર થૂંકીને તેમને ડગાવવાના પ્રયત્ન કર્યા; પણ ગૌરાદેવી અને તેમની સાથે રહેલી મહિલાઓ અને બાળકો નીડર રહ્યાં.

એક પછી એક બધી જ મહિલાઓ જંગલમાં વિખેરાઈ ગઈ અને વૃક્ષોને ભેટીને ઊભી રહી ગઈ : ‘વૃક્ષને કાપતાં પહેલાં તમારે અમને કાપવાં પડશે.’ આટલો મક્કમ નિર્ધાર અને મહિલાઓની આ અડગતા જોઈને વન-અધિકારીઓએ હથિયાર નાખીને ત્યાંથી ચાલતી પકડવી પડી. વૃક્ષોને ચોંટીને, ચીપકીને તેમને બચાવનારી આ મહિલાઓનું અનોખું આંદોલન દેશભરમાં જ નહીં, આખા વિશ્વના લોકોમાં નોટિસેબલ બન્યું. વૃક્ષોને બચાવવાનો આ અહિંસાવાદી પ્રયાસ અખબારોની હેડલાઇન બન્યો. ‘ચિપકો આંદોલન’ને કારણે ગૌરાદેવી અને તેમની સાથે જોડાયેલી લગભગ બાવીસ મહિલાઓને વિશ્વના તમામ લોકોએ બિરદાવ્યાં. દેશવિદેશના પર્યાવરણપ્રેમીઓએ આ દિશામાં ધ્યાન આપીને સરકારના કાન પણ આમળ્યા અને એનું સૌથી મોટું દેખીતું પરિણામ એ આવ્યું કે સરકારે એની તપાસ માટે એક ખાસ સમિતિની રચના કરી. ડૉ. વીરેન્દ્ર કુમાર નામના શખ્સની અધ્યક્ષતા હેઠળ રચાયેલી આ સમિતિની તપાસમાં ખબર પડી કે રેણી ગામનાં જંગલોની સાથે આજુબાજુમાં આવેલી અલકનંદા નદી અને એમાં મળનારી અન્ય તમામ નદીઓ તથા કુંવારી પર્વતમાળાનાં જંગલોની સુરક્ષા પર્યાવરણીય દૃષ્ટિથી ખૂબ જ આવશ્યક છે. તપાસના આ રિપોર્ટ પછી સરકારે આ વિસ્તારનાં વૃક્ષોને પંદર વર્ષ સુધી ન કાપવાનો આદેશ આપ્યો.

ચિપકો આંદોલને આપણા દેશને પર્યાવરણ વિભાગ આપ્યો અને આગળ જતાં એમાંથી પર્યાવરણ મિનિસ્ટ્રીની પણ રચના થઈ. આ એક આંદોલન ફૉરેસ્ટ કન્ઝર્વેશન ઍક્ટને જન્મ આપવામાં પણ નિમિત્ત બન્યું. કલ્પના તો કરો કે એક સાવ અભણ અને આદિવાસી મહિલાની દૃઢ ઇચ્છાશક્તિ અને લડી લેવાની નીડરતા કેટલી કારગત નીવડી. ઉત્તરાખંડ ઉપરાંત કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને દક્ષિણ ભારત સુધી આ આંદોલન પહોંચ્યું હતું અને દરેકે વૃક્ષને બચાવવા માટે આ પેંતરો અજમાવ્યો હતો. કન્નડમાં ચિપકોને એપ્પિકો કહેવાય છે એટલે કર્ણાટકમાં ચિપકો આંદોલનથી પ્રેરિત એપ્પિકો આંદોલન પ્રચલિત બન્યું હતું.

દુ:ખની વાત એ છે કે એ સંદેશ લાંબો સમય ટક્યો નહીં. સમયમર્યાદા પૂરી થતાં વૃક્ષો કાપવાનો સિલસિલો અકબંધ રહ્યો અને કદાચ એના પરિણામરૂપ જ ૨૦૧૩માં ઉત્તરાખંડમાં પૂર આવ્યું અને એણે લગભગ સાડાચાર હજાર ગામડાંઓમાં તબાહી મચાવી તથા લગભગ છ હજાર લોકોનો જીવ લીધો. આ પૂરને કારણે થયેલી તબાહીને રોકી શકાઈ હોત, જો ગૌરાદેવીની દૂરંદેશી પર સરકાર અને વનવિભાગ કાયમ રહ્યું હોત અને ત્યાં આવેલાં જંગલોનો ખાતમો ન બોલાવ્યો હોત. દર વર્ષે વિશ્વના તમામ દેશો ભેગા થઈને ગ્લોબલ વૉર્મિંગ માટે ચિંતાઓ દર્શાવે છે, પર્યાવરણના સંવર્ધનની વાતો કરે છે અને અંદરખાને ડેવલપમેન્ટના નામે જંગલોનો ખાતમો બોલાવી રહ્યા છે. આજે પણ તેઓ ઇચ્છે તો આ પહાડી મહિલાની વાતને સમજીને સ્વીકારે તો અનેક કુદરતી આફતોથી લોકોને બચાવી શકાય એમ છે. આજે નવરાત્રિના પહેલા દિવસે પર્યાવરણ અને પ્રકૃતિ માટે પોતાના જીવની પરવા કર્યા વિના જંગે ચડેલાં ગૌરાદેવીને હૃદયપૂર્વક શત શત પ્રણામ.

રાજસ્થાની મહિલાના પરાક્રમને પણ જાણીએ :

ખૂબ ઓછા લોકો જાણે છે કે ગૌરાદેવી જેવું જ આંદોલન સત્તરમી સદીમાં એક રાજસ્થાની મહિલાએ કર્યું હતું. લગભગ ૨૬૦ વર્ષ પહેલાં જોધપુરના રાજાએ પોતાના મહેલ માટે લાકડું લાવવાનો આદેશ આપ્યો અને રાજાના અધિકારીઓ મેવાડના ખેજડીનાં વૃક્ષો ધરાવતા જંગલને કાપવા પહોંચ્યા ત્યારે બિશ્નોઈ સમુદાયનાં અમૃતાદેવી નામનાં મહિલાના નેતૃત્વ હેઠળ મહિલાઓ ઝાડને ચોંટીને ઊભી રહી ગઈ. ‘સર સાંટે રુખ રહે તો ભી સસ્તો જાણ’ (વૃક્ષને બચાવવા માથું કપાવું પડે તો પણ એને સસ્તું ગણજો) એવા નારા સાથે એ મહિલાએ લોકોનો જુસ્સો જગાડીને પોતાનો વિરોધ અને મક્કમતા દર્શાવ્યાં હતાં. લગભગ ૮૪ ગામની સેંકડો મહિલાઓ વૃક્ષોને કાપવાના વિરોધમાં આડે આવી. અમૃતાદેવી સહિત લગભગ ૩૬૩ મહિલાઓએ પોતાના પ્રાણોની આહુતિ આપી. એ પછી તો આખો બિશ્નોઈ સમુદાય આ કાર્યમાં જોડાઈ ગયો હતો. આજે મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સરકારના વનવિભાગ દ્વારા વનસંવર્ધન માટે કામ કરતા લોકોને અમૃતાદેવી બિશ્નોઈ સ્મૃિત અવૉર્ડથી સન્માનિત કરવામાં આવે છે.

સૌજન્ય ‘ધ ગ્રેટ નારી’, “ગુજરાતી મિડ-ડે”, 20 સપ્ટેમ્બર 2017

Loading

ધૂર્ત બાબાઓની ધોંસ કેમ ચાલે છે?

નેહા શાહ|Opinion - Opinion|22 September 2017

જ્યાં ‘ના’ પાડવાનો અવકાશ ન હોય એવા સંજોગોમાં ઇચ્છા વિરુદ્ધ અપાયેલી મંજૂરીને મંજૂરી ગણાય ?

‘ડેરા સચ્ચા સોદા’વાળા બાબા રામ રહીમની કરતૂતોના પડઘા હજી કાનમાં સંભળાય છે. તેમની સામે પોતાના હોદ્દાનો ઉપયોગ કરી બે સ્ત્રીઓના જાતીય શોષણ કર્યાનો આરોપ સી.બી.આઈ. કોર્ટે મંજૂર રાખીને તેમને વીસ વર્ષની સજા સંભળાવી, ત્યારે એવી આશા જાગે કે લોકોની આંખો પર બંધાયેલી અંધવિશ્વાસની પટ્ટી હવે ખૂલશે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં એક પછી એક આવી ઘટનાઓ આવતી જ રહી છે.

આસારામ બાપુ અને નારાયણ સંાઈ, નિત્યાનંદ પરમહંસ, યુ.પી.ના બાબા પરમાનંદ, કેરળના સ્વામી ગણેશાનંદ અને એવા તો બીજા દેશના ચારે ખૂણામાં ફેલાયેલાં અનેક નામોની યાદી લંબાતી જ ગઈ છે. જમીન પચાવી પાડવી, ધાકધમકી આપવી, ખૂન અને બળાત્કાર જેવા ગુનાઓમાં એમનાં નામ સંડોવાયેલાં છે. તેમનાં દુષ્કર્મોનાં પોટલાં એક પછી એક ઉઘડતાં જ જાય છે, તો પણ હજી તો એવા કેટલા ય બની બેઠેલા ગુરુ, સ્વામી, બાબા, મૌલવી, ફકીર હશે જેમની પાપલીલા બહાર નથી આવી. છતાં ય આપણા દેશમાં દરેક બાબા અત્યંત શ્રદ્ધાભાવથી પૂજાય છે. એક જાય તો બીજા દસ ઊભા થઈ જાય છે. તેમને એટલાં બધાં અનુયાયીઓ મળી રહે છે કે તેઓ એક સંપ્રદાય ઊભો કરી શકે!

મોટા સંપ્રદાય પર સામ્રાજ્ય ચલાવતા ગોડમેન / ગુરુનાં કરતૂતની વાત જાહેરમાં લાવવી અઘરી છે. તેની પાછળ ઘણાં કારણ કામ કરતાં હોય છે. સમાજની સમજણ જ એવી કે ગુરુજી સામે ના બોલાય. ગુરુ તો જાણે સાક્ષાત્ ઈશ્વર. ગુરુના ચેલાઓ પણ એ જ રીતે પ્રચાર કરતાં હોય છે. ગુરુ સાથેના સંબંધને ઈશ્વરને પામવાની સીડી સમજાવીને રજૂ કરવામાં આવે છે અને એમ માની લેનારા લોકો નીકળે પણ છે! ભોગ બનેલી વ્યક્તિ પણ મનેકમને તેમની સાથે થતા વ્યવહારને સ્વીકારી લે છે.

તેમાં ભણેલાગણેલા લોકો પણ આવી જાય. શૈક્ષણિક લાયકાત અને અંધશ્રદ્ધાને કોઈ સંબંધ નથી હોતો. માનસિક પછાતપણાને દૂર કરવા અક્ષરજ્ઞાન જરૂરી છે પણ ડિગ્રીલક્ષી ભણતરથી માનસિક પછાતપણું જાય જ, એ જરૂરી નથી. એ વાત સાચી કે આવી પાપલીલાનો ભોગ માત્ર સ્ત્રીઓ જ બને એવું નથી. ઘણી વાર બાળકો અને કેટલાક કિસ્સામાં પુરુષો પણ આધ્યાત્મિક ગુરુની જાતીય સતામણીનો ભોગ બનતા હોય છે. પરંતુ સ્ત્રીઓ અને બાળકોની હાલત પુરુષોની સરખામણીએ ઘણી વધારે કફોડી હોય છે. ગુરુની મહેરબાની સ્ત્રીઓ પર વધુ વરસતી હોય છે.

એક અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે સંપ્રદાયમાં સ્ત્રીઓના શારીરિક શોષણની વાત બહાર આવી, ત્યારે ગુરુ દ્વારા થતી જાતીય સંબંધની માગણીને એ સ્ત્રીના ગૌરવ તરીકે રજૂ કરવામાં આવતી હતી — જાણે કે એને કોઈ ઈશ્વરીય ભેટ મળી હોય અથવા પરમાત્માને પામવાનો આ એક રસ્તો હોય! ઘણાં કુટુંબો તો શ્રદ્ધાના રંગે એવા રંગાયેલા હોય છે કે પોતાની વહુ – દીકરીઓને આશ્રમમાં ગુરુની સેવા કરવા સામેથી મોકલતાં હોય છે. ગુરુ સેવાને જ ઈશ્વર સેવા ગણતાં લોકો પોતાની દીકરીઓને ગુરુને પ્રસન્ન રાખવાનું જ શીખવાડે છે.

સ્ત્રીને ગુરુના બીજા ચહેરાનો સાક્ષાત્કાર થાય ત્યારે ભગવાન સમાન ગુરુને નારાજ કર્યાનો ડર અને સાથેસાથે સમાજ તથા કુટુંબને પણ નારાજ કર્યાના ડરનું એવું મિશ્રણ થાય છે કે સ્ત્રીઓ પોતાનું શોષણ થવા દે છે. તેની સામે અવાજ ઉઠાવવાને બદલે તે ચૂપ રહેવાનું પસંદ કરે છે. આ જ ડરનો ઉપયોગ વારંવાર એની સામે કરવામાં આવે છે. બળાત્કાર એટલે મંજૂરી વિના જબરદસ્તીથી બંધાયેલો શારીરિક સંબંધ. જરૂરી નથી કે જબરદસ્તીના સંબંધ માટે હંમેશાં શારીરિક બળનો પ્રયોગ થાય જ.

જ્યારે એવા સંજોગો રચાયા હોય કે જ્યાં ‘ના’ પાડવાનો અને ‘ના’ સાંભળવાનો અવકાશ ન હોય એવા સંજોગોમાં ઈચ્છા વિરુદ્ધ અપાયેલી મંજૂરીને મંજૂરી ગણાય? જ્યારે સત્તાના સમીકરણમાં એક પલ્લું ભારે હોય અને બીજા પાસે બોલવાનો કે વિરોધ કરવાનો કોઈ અવકાશ જ ન હોય તેવા સંજોગોમાં બંધાયેલા સંબંધ પણ બળાત્કાર જ ગણાય. વળી, છેલ્લાં થોડાં વર્ષોમાં જે કિસ્સા ઉઘાડા પડ્યા છે, તેમાં ગુરુ અને તેમના આશ્રમ પાસે હથિયારની તાકાત અને રાજકીય વગ હોવાનું પણ બહાર આવ્યું છે. તેનાથી ડર બેવડાય છે. ગુરુ/બાબા સામેના આક્ષેપો સાબિત થયા અને તેમને સજા થઇ ત્યારે તેમના ઘણા અનુયાયીઓએ આશ્રમમાં ચાલતી ગુનાઈત પ્રવૃત્તિઓના આક્ષેપોનું સમર્થન કર્યું.

સવાલ એ ઊભો થાય છે કે કયા કારણથી આટલા બધા લોકો આ ગુરુઓ અને તેમની સંસ્થાઓ તરફ આકર્ષાય છે? કેટલાક સમાજશાસ્ત્રીઓના અભ્યાસ મુજબ આ ગુરુઓ / બાબાઓના સામાજિક કામ પ્રત્યે લોકો આકર્ષિત થતા હોય છે. શિક્ષણ અને આરોગ્ય જેવી પ્રાથમિક સુવિધા છેવાડાના લોકો સુધી પહોંચાડવામાં રાજ્ય જ્યાં નિષ્ફળ ગયું હોય ત્યાં રાહતના દરે મળતી સુવિધાઓ લોકોને આકર્ષવાની જ. વળી, ગુરુઓ દ્વારા ચાલતા વ્યસનમુક્તિ જેવા કાર્યક્રમથી સચવાઈ જતાં કુટુંબો તેમ જ ક્યારેક આશ્રમમાં રોકટોક વગર મુક્ત રીતે આવવા-જવાની છૂટને કારણે મળતો સામાજિક સ્વીકાર લોકોને તેમના ભણી દોરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવે છે.

સાંપ્રદાયિક ગુરુઓના સમાજ પર પ્રભાવ પર થયેલા અભ્યાસો કહે છે કે સામાજિક રીતે વધારે નિર્બળ વ્યક્તિની બાબાઓ પ્રત્યે વધુ આકર્ષિત થવાની શક્યતા વધી જાય છે. સામાન્ય સંજોગોમાં ડગલે ને પગલે હડધૂત થતા-અપમાન અનુભવતા લોકોને સામાજિક સ્વીકાર અને સન્માનની લાગણી મળતી હોય ત્યારે આંખે પાટા બાંધી તેઓ કંઈ પણ કરવા તૈયાર હોય છે. સ્ત્રીઓની હાલત પણ કંઈક એવી જ હોય છે. એકધારી ઘરેડમાં ચાલતી, જેની ઉપર તેમનો પોતાનો ખાસ કોઈ અધિકાર પણ ન હોય તેવી જિંદગીને અાધ્યાત્મિક પ્રવૃત્તિ એક અર્થ આપતી હોય છે. એટલે તે આવી પ્રવૃત્તિઓમાં સંકળાતી રહે છે. તેમના માટે બે ખરાબ વિકલ્પમાંથી એકને પસંદ કરવાની વાત હોય છે.

જો કે, આર્થિક-સામજિક તેમ જ શૈક્ષણિક રીતે સધ્ધર લોકો પણ બાબાઓના ચમત્કારિક ઉપાયો અજમાવવા માટે તત્પર હોય છે. વધતી જતી અસલામતી અને અસમાનતાને કારણે તે અાધ્યાત્મિક બાબાઓનું શરણું શોધતા હોય છે. મૂળે સામાજિક સ્તરે વૈજ્ઞાનિક ઢબે વિચારવાની પ્રકૃતિ જરા નબળી જ છે. છેક સ્કૂલથી જ બાળકને સવાલ નહિ પૂછવાની ટેવ આપણે પાડીએ છીએ. ‘ટીચર જે કહે એ સાચું’ એ વલણ સાચા-ખોટાનો ભેદ પારખતા રોકે છે.

વર્ષો સુધી ગોરખધંધા કરતાં આશ્રમોની હકીકત રાજ્યના ધ્યાનમાં ન આવે એ બનવાજોગ નથી. ‘બેટી બચાવો’ના સૂત્રમાં રાચતા આપણા રાજકારણીઓને પણ બળાત્કારી બાબાઓના આશીર્વાદની જરૂર પડે, સત્ય સામે આવે ત્યારે પણ તેમને છાવરવાની જરૂર પડે અને તેઓ છાવરે પણ ખરાં! વોટબેંકની સામે નાગરિકહકોની રક્ષા કરવાની પ્રતિબદ્ધતા નબળી પડી છે, તે વાસ્તવિકતા છે.

સૌજન્ય : ‘મજબૂરીનું નામ …’, “દિવ્ય ભાસ્કર”, 22 સપ્ટેમ્બર 2017

Loading

ભારત-પાકિસ્તાન વચ્ચે મૈત્રી ભર્યા સંબંધો શા માટે ન વિકસ્યા?

આશા બૂચ|Opinion - Opinion|22 September 2017

Partition – The Forgotten story નામક દસ્તાવેજી ચિત્ર  BBC2 પર કેટલાક દિવસો પહેલાં પ્રસારિત થયેલું, જેના પરિપાકરૂપે આ લખાણ લખાયું છે. તેમાંની કેટલીક સંબંધિત વાતો અહીં સમાવવા કોશિશ કરી છે.

ભારત-પાકિસ્તાન વચ્ચે મૈત્રીભર્યા સંબંધો હોત તો? કોઈ કહેશે, એ તે કોઈ સવાલ છે? એ શક્ય જ નહોતું, જુઓને હજુ પણ લડાઈઓ ચાલે જ છે ને? જ્યારે ધર્મને આધારે એક ભૂમિના બે ભાગ પડે, પછી મૈત્રી ક્યાંથી કેળવાય? સામાન્ય રીતે એક દેશના અલગ અલગ રાજ્યો તેમાં વસતી કોમ પ્રત્યે કેન્દ્રીય સરકારે દાખવેલી બેદરકારી, તેમને સહેવા પડેલા અન્યાય કે આર્થિક-રાજકીય અસમાનતાને કારણે અખંડ દેશનું ભંગાણ થતું હોય છે.

ભારતના ભાગલા થયા, પણ એ બે દેશો વચ્ચે જન્મતાની સાથે જ દુ:શ્મનાવટ કેમ પેદા થઇ? મૈત્રી કેમ ન વિકસી? એનાં કારણો અનેક છે. બીજા વિશ્વયુદ્ધમાં ભારતે મોટી સંખ્યામાં સૈનિકો પૂરા પાડ્યા. તેના શિરપાવરૂપે બ્રિટિશ સરકારે ભારતને સ્વાયતત્તા આપવાનું વચન આપેલું. 1948ના જૂન માસમાં ભારતને સ્વતંત્ર બનાવવાની જાહેરાત થઇ, તો એ ઘડી દસ મહિના વહેલી કેમ આવી? શું તેમની પાછળ કોઈ માનવભક્ષી વાઘ પડેલો? જો બ્રિટિશ સરકારે વિશ્વયુદ્ધ જૂન 1945માં ખત્મ થયું, ત્યારથી આયોજન કર્યું હોત, તો ત્રણ વર્ષમાં અખંડ ભારતને પરસ્પરનું સ્વમાન જળવાય તે રીતે છોડી શક્યા હોત. દુનિયાના ઇતિહાસમાં હજુ સુધી જેનો જોટો નથી મળ્યો, તેટલી સંખ્યાની જાનહાનિ અને વિસ્થાપિત થયેલ શરણાર્થીઓની યાતના પાછળ સ્વતંત્રતાની તારીખ અચાનક આગળ લાવવાનો નિર્ણય પણ કારણભૂત રહ્યો છે. લોર્ડ માઉન્ટબેટન અખંડ ભારતને સ્વતંત્રતા બક્ષી શકશે, તેમ સહુએ ધારેલું, પણ તેમણે 1947ના માર્ચમાં ભારતની ભૂમિ પર પગ મૂક્યો ત્યાં સુધીમાં તો વાઇસરોય વેવેલની મંત્રણા નિષ્ફળ થયેલી અને  વિભાજનની અનિવાર્યતાની વાત ફેલાઈ ગયેલી. પરિણામે હિન્દુ, મુસ્લિમ અને સીખ કોમ વચ્ચે હિંસા ફાટી નીકળેલી. ગાંધીજીની અહિંસાની પ્રતિમા સ્મશાનની ચિતામાં ભડભડ બળવા લાગી અને કબરોમાં દટાવા લાગી. આથી જ તો એવા અત્યંત જોખમભર્યા સમયમાં બ્રિટિશ સત્તાધારીઓ હાજર રહે, તો તેમની સલામતી જોખમાય અને કદાચ એ માનવ સંહાર માટે તેમને જવાબદાર પણ ઠેરવાય, એમ ભાસ્યું તેથી ધાર્યા કરતાં વહેલા ઉચાળા ભરવામાં જ ડહાપણ લાગ્યું.

માર્ચ 1947માં માઉન્ટબેટનની વાઇસરોય તરીકે નિમણૂક થઇ, ત્યારે તેઓ અખંડ ભારતને જેમ બને તેમ જલદીથી બ્રિટનના તાબામાંથી મુક્ત કરી શકશે તેવી તેમની પાસે અપેક્ષા હતી. દસ અઠવાડિયામાં તેમણે આ કામ પતાવવાનું હતું. ભારતને આઝાદ કરવાનું ઠેરવાયું અને તેના ભાગલા પણ અનિવાર્ય લાગ્યા, તો એ કામ માટે જરૂરી સમય આપ્યો હોત, કુશળ વહીવટકર્તાઓને એ જવાબદારી સોંપી હોત અને પ્રજાને પૂરેપૂરી જાણકારી આપી તેમને પોતાના પસંદગીના દેશમાં રહેવા કે છોડવા માટે સમય આપ્યો હોત, તો આટલી મોટી સંખ્યામાં જાન-માલની હાનિ ન થઇ હોત; અને સંભવ છે કે હિન્દુ-મુસ્લિમો વચ્ચે વૈમનસ્ય પેદા ન થયું હોત. તો કદાચ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બે પાડોશી દેશો તરીકે વિકસ્યા હોત. વિચાર તો કરો, ભારત-પાકિસ્તાન વચ્ચેની સીમારેખા નિશ્ચિત કરવાનું કામ સીરિલ રેડક્લિફને સોંપાયું, જેણે ભારતની ભૂમિ પર કદી પગ નહોતો મૂક્યો, એ દેશની ભૂગોળ, ઇતિહાસ, સંસ્કૃિત, લોકોના રહન સહન વિષે કાઈં જાણતો નહોતો, તેને કોઈ દેશની સીમા નક્કી કરવાનો અનુભવ માત્ર નહોતો. સીરિલ રેડક્લિફને સલાહ આપનાર કોઈ નહોતું. બ્રિટિશ સરકારે યુનાઇટેડ નેશન્સની મદદ લેવા જેટલી રાહ પણ ન જોઈ, કેમ કે બીજા વિશ્વયુદ્ધ બાદ દેવાળિયું કાઢી બેઠેલ દેશને દુઝતી ગાય સમાણું ભારત હવે મોંઘુ પડવા માંડ્યું હતું. અધૂરામાં પૂરું આવું મહા મુશ્કેલ કામ કરવા માટે રેડક્લિફને માત્ર પાંચ અઠવાડિયાનો સમય અપાયો. દલીલ એ હતી કે ભારત દેશથી અજાણ વ્યક્તિને આ કામ સોંપવાનું કારણ એ હતું કે એ તટસ્થ નિર્ણય લઇ શકે. એ કેવી રીતે તટસ્થ હોઈ શકે? એ તો પૂરેપૂરો બ્રિટિશ હતો અને ઉપરાંત ભારતથી તદ્દન અનભિજ્ઞ હતો.  સહુથી વધુ સમૃદ્ધ એવા બંગાળ અને પંજાબના ભાગલા પાડવાની ઘડી આવી. લોકોને ખબર નહોતી કે તેઓનું ગામ, ખેતર, નદી, તળાવ, જંગલ, પહાડ, અરે પોતાનું ઘર કે આંગણાનું ઝાડ સુધ્ધાં સ્વતંત્ર ભારતમાં હશે કે નવા બનેલ પાકિસ્તાનમાં જશે. હજારો લોકોને હિજરત કરવાની ફરજ પડી. એકાદ કરોડ સ્ત્રી-પુરુષ-બાળકોએ જાન ગુમાવ્યાં અને બાર-પંદર કરોડ પ્રજા વિસ્થાપિત થઇ તે વિભાજન કરવાની આવી ક્રૂર નીતિ-રીતિને પરિણામે.

ઘડીભર કલ્પના કરીએ કે જે થયું તે થયું એ સમજીને કાશ્મીરના કબજાનો પ્રશ્નનો બંને દેશોને કબૂલ હોય તેવો તોડ કાઢ્યો હોત, તો બે દેશો વચ્ચે કેવા સંબંધો હોત? આજે પાકિસ્તાન દુબઇ થઈને ભારત સાથે વેપાર કરે છે. તેથી બંને દેશોને કેટલું આર્થિક નુકસાન થાય છે? કારણ? રાજકીય દુશ્મનાવટ. વેપાર કર્યા વિના ચાલે તેમ નથી અને વેર ભૂલી શકાતું નથી. પાકિસ્તાનનું તો લશ્કર જ કાશ્મીરના પ્રશ્ન પર જીવે છે. બંને દેશની નિર્દોષ પ્રજા મરે છે, તો રાજા શું કરે છે? પાકિસ્તાનની રચના ધર્મને આધારે થઇ, તેથી ત્યાંની સરકારને ધર્મ હોય અને સત્તા અને ધર્મને સીધી સાંઠ-ગાંઠ હોય તે સ્વીકાર્ય, પરંતુ હવે તો ભારત સરકાર પણ સત્તાને ધર્મની લગામના અંકુશમાં મુકવા લાગી છે.

કરુણતા તો જુઓ, ભારતને પાકિસ્તાન સાથે કાશ્મીરના પ્રશ્ને દુશ્મનાવટ છે, તો ચીન સાથે પણ સરહદી મામલે વિખવાદ છે. એ બંને દેશો ભારતના સાર્વભૌમત્વને અવગણે છે અને કોઈ આંતરરાષ્ટ્રીય સંગઠન આ મડાગાંઠ ઉકેલવા સક્ષમ નથી. પાડોશી દેશ મિત્ર ન બન્યો એટલે હાલમાં પાકિસ્તાન ચીન સાથે હાથ મિલાવી રહ્યું છે. કારાકોરમ પર્વતમાળામાં 800 માઈલનો ધોરી માર્ગ છેક ચીન લઇ જાય. એ વ્યાપારી માર્ગ પર વરસે દહાડે 11 બિલિયન પાઉન્ડનો વેપાર થાય છે, એ બંને દેશો વચ્ચે. એ વિસ્તારમાં પાકિસ્તાન-ચીન ઝિંદાબાદના બોર્ડ જોવા મળે છે. ‘હિન્દી-ચીની ભાઈ ભાઈ’ના નારા ક્યાં ગુમ થઇ ગયા? 200 બિલિયન પાઉન્ડના ખર્ચે ચીને પાકિસ્તાન જતાં રસ્તાઓ, ટનલ અને પૂલો બનાવ્યા. દોસ્તી હોય તો વિકાસ થાય અને દુશ્મનાવટ હોય તો વિનાશ તેનો આ પુરાવો. ચીન પાકિસ્તાન સાથે મૈત્રી વધારે એ ભયે ભારતે પાકિસ્તાન અને ચીન સાથે સારાસારી રાખવી તેમ કહેવાનો આશય નથી, પણ જો બંને પડોશી દેશો સાથે સમજણપૂર્વક સુલેહભર્યા રાજદ્વારી સંબંધો રહ્યા હોત અને સીમાના પ્રશ્નો વાટાઘાટો દ્વારા સમયસર ઉકેલી લીધા હોત, તો દુશ્મનાવટમાં ફસાયેલા આ ત્રણેય દેશો મળીને દુનિયામાં એક શાંતિપૂર્ણ આર્થિક અને સાંસ્કૃિતક મહા સામ્રાજ્ય ઊભું કરી શક્યા હોત. આ તો હવે ચીન પાકિસ્તાનનું આર્થિક માળખું મજબૂત કરશે અને પોતાના ખર્ચે તેને આધુનિક બનાવીને છેક યુરોપ સુધી પગપેસારો કરશે. ત્યારે ભારત બંને દેશોથી બચવા વધુને વધુ શસ્ત્રો બનાવીને અથવા બીજા દેશો પાસેથી વેંચાતા લઈને સતત લડાઈના ભયમાં જીવતું રહેશે.

પાકિસ્તાનનું સંરક્ષણનું બજેટ છ બિલિયન પાઉન્ડથી વધુ છે, જે ત્યાંના શિક્ષણના બજેટ કરતાં દસ ગણું વધારે છે. ભારતનું સંરક્ષણનું બજેટ 2.75 લાખ કરોડ રૂપિયા છે જ્યારે શિક્ષણનું અંદાજી ખર્ચ માત્ર 80 હજાર કરોડ રૂપિયા જેટલું છે. બંને દેશોમાં ગરીબી, અપૂરતું શિક્ષણ અને સ્વાસ્થ્યના પ્રશ્નો મોં ફાડીને ઊભા છે, તો દુશ્મનાવટને પાળી પોષીને મોટી કાં કરે છે?

હકીકત તો એ છે કે બંને દેશના જવાનો દેશ ખાતર મરવા તૈયાર છે એટલા જ એકબીજાને મારવા પણ આતુર. સરહદ પરના એક કંદોઈની આંખમાં “બંને પક્ષે નિર્દોષ માણસો મરે છે, એ બધા છે તો આખર ઇન્સાન ને?’ એમ કહેતા આંસુ આવે છે, પણ બેમાંથી એક પણ દેશના નેતાઓનું દિલ દુ:ખે છે? 2016માં પંજાબનો એક ખેડૂત પાક સરહદ પરથી બૉમ્બ પડતાં પોતાનો જમણો હાથ અને તાજો પરણેલો પુત્ર ગુમાવે અને તેનું જીવન બરબાદ થઇ જાય. એ યુવાનની વિધવાની ખાલી આંખો પૂછે છે, “કાશ્મીરના કબજાનું મહત્ત્વ અમારા જીવન કરતાં આટલું બધું વધારે?” તેમને કોણ સમજાવે કે ભારત-પાક વચ્ચે કાશ્મીરના પ્રશ્ને જે હુતાશન સળગતો રહે છે, તેનું પરિણામ બધા ભોગવે છે? કારગિલ પાસેની ખીણમાં જ્યાં લાઈન ઓફ કંટ્રોલ પસાર થાય છે, ત્યાં લગભગ 15 હજાર જેટલા કુટુંબો વિભાજિત થયાં. બે દેશની સીમા રેખાને કારણે 8-10 કિલોમીટર દૂર રહેતા ભાઈને મળવા 1,600 માઈલનો પંથ પંદર દિવસની સફર કરીને કાપ્યા પછી મળી શકે એ કેવી કરુણતા? જર્મનીની બર્લિનની દીવાલે કુટુંબો, જમીન અને પ્રજાના દિલો દિમાગના વિભાજનનું આવું જ ક્રૂર કામ કરેલું.

ભારત-પાકિસ્તાન વચ્ચે આશરે 200 માઈલની સીમા રેખા, જે પ્રદેશની આબોહવા, પ્રજાનાં પોશાક, ખોરાક, ભાષા, ખાણી-પીણી, કળા, શિલ્પ-સ્થાપત્ય અને સંસ્કૃિતમાં એટલું બધું સામ્ય હતું, તેમને દુ:શ્મન થતા રોકી ન શક્યા એ કયું તત્ત્વ હતું? ધર્મને આધારે એક જ ધરતીના બે ટુકડા થયા, પર્વતો ભાંગ્યા એટલે કાલનો પોતાનો હતો એ પર્વત આજે પારકાનો, દુશ્મનનો થયો અને તેના જ પથ્થરો ઉપાડી જેની સાથે કાલ સુધી ભાઈચારો હતો તેનું લોહી વહાવ્યું.

સવાલ તો એ થાય છે, ભારત અને પાકિસ્તાને પાડોશીને દુશ્મન બનાવ્યા કે દુશ્મનને પાડોશી? માનો કે ભારત સ્વતંત્ર થયું ત્યારે હિન્દુ-મુસ્લિમ વચ્ચે સદ્દભાવના મરી પરવારી હતી, બ્રિટિશરોએ પોતાનું સામ્રાજ્ય જાળવવા બે કોમને વિભાજિત કરવાનું કામ કર્યું, એટલે બે દેશ જુદા થાય તો જ ટકી શકે તેમ હતું, પણ ત્યાર બાદ આટલાં બધાં વર્ષો સુધી વેરભાવ રાખવાનું કારણ? જો કાશ્મીર કોના તાબામાં જાય એ પ્રશ્ન હલ થઇ જાય તો શું બંને દેશ વચ્ચે સુમેળ સધાય ખરો? કે પછી હવે તો પાકિસ્તાન અને ઇસ્લામ અને ભારત અને હિંદુઓ પ્રત્યે દુશ્મનાવટ એવી ફાવી ગઈ છે કે તે વિના બંને દેશને ચૈન ન પડે?

વિચાર કરતાં એટલું સમજાયું કે અખંડ ભારતમાં બધી કોમ અને ધર્મના લોકો સદીઓ સુધી સામાન્યતઃ સંપીને શાંતિથી રહેતા આવેલા. જ્યારે ભારતના ભાગલા થયા ત્યારે ધર્મને રાજકારણનું પ્યાદું બનાવી, જમીનના એક સુંદર ટુકડા માટે બે દેશો હક જમાવવા સંઘર્ષનો આશ્રય લેવા માંડ્યા, અને તેથી જ ભારત-પાકિસ્તાન વચ્ચે મૈત્રીભર્યા સંબંધો ના વિકસી શક્યા.

આગામી વર્ષોમાં આ સ્થિતિનો શાંતિમય ઉકેલ લાવવો છે તે નિર્ણય બન્ને દેશની પ્રજા અને તેમના રખેવાળોએ કરવાનો છે. ઈશ્વર અને અલ્લાહ બંનેને સન્મતિ આપે એવી પ્રાર્થના-દુવા.

e.mail : 71abuch@gmail.com

Loading

...102030...3,4513,4523,4533,454...3,4603,4703,480...

Search by

Opinion

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • દારૂનો વેપાર ધમધોકાર ચાલે એટલે ગુજરાતમાં દારૂબંધી છે…
  • डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન
  • દસ મિનિટનો ફોટોગ્રાફ

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved