જાહેર ગ્રંથાલય સપ્તાહની ઉજવણી ચૌદમી નવેમ્બરથી શરૂ થતી હોય છે…
મોતીભાઈ અમીને (૧૮૭૩-૧૯૩૯) ગુજરાતનાં આઠસો ગામડાંમાં જાહેર ગ્રંથાલયો શરૂ કરાવ્યાં. વાચન અને શિક્ષણના પ્રસારક મોતીભાઈની એક અજોડ અને અજાણી સેવાપ્રવૃત્તિને તેમના એક જીવન ચરિત્રકાર ઇશ્વરભાઈ પટેલ ‘પગરખાંની પરબ’ તરીકે ઓળખાવે છે. મહિલાઓ માટેની આ પરબો તેમણે વર્ષ ૧૯૧૫-૧૬ના અરસામાં શરૂ કરી હતી. એ જમાનામાં ચરોતરની એક પ્રમુખ કોમમાં મલાજા તરીકે બહેનોને પગરખાં નહીં પહેરવા દેવાની નીચ કુરુઢિ હતી. બહેનોને હટાણે કે કાણમોકાણે જવાનો સમય બપોરનો હોય. કેટલીક બહેનો રેલવેમાં જતી. ઇશ્વરભાઈ નોંધે છે : ‘ઉનાળાના બપોરે બાર વાગ્યે, એ સેવકનાં બે કાર્યસ્થળ – આણંદ અને વસો સ્ટેશને ગાડીઓ પહોંચતી. સ્વયંસેવકો પગરખાંની થેલી લઈ ત્યાં ઊભા રહેતા. ઉઘાડપગી બહેનને ચંપલની જોડ આપતા. ગાડીમાંથી ઊતરેલ સ્ત્રીમંડળ એ પગરખાંથી સજ્જ થઈ ગામ ભણી જતું. પેલા સ્વયંસેવકો ય સાથે ચાલતા. ગામભાગોળ આવતાં મંડળી થોભતી અને પગરખાં પાછાં થેલીમાં સ્થાન પામતાં, ને બીજી ગાડીની બહેનોની સેવામાં પહોંચી જતાં.’
આ ‘કરુણ દૃષ્ટાંત’ નોંધતાં અગ્રણી બૌદ્ધિક ડૉ. સુમન્ત મહેતાએ ‘સમાજ દર્પણ’ સંગ્રહના એક નિબંધમાં મોતીભાઈને ‘સમાજસેવાના શિરોમણી’ ગણાવ્યા છે.
નારી સન્માનની આ જે તીવ્ર ભાવના મોતીભાઈમાં હતી, તેનો વધુ સંઘર્ષમય કિસ્સો તેમની મોડી શરૂ થયેલી કારકિર્દીની શરૂઆતમાં શિક્ષક તરીકેની નોકરીમાં નોંધાયો છે. મોતીભાઈ 1902માં પાટણમાં શિક્ષક તરીકે જોડાયા. વિદ્યાર્થીઓને પુસ્તકો અને અખબારો વાંચતાં કરનાર ઉત્સાહી ‘અમીન માસ્તર’ ઠીક જાણીતા થયા. ગામમાં એક કુરિવાજ તેમને ખૂબ ખટક્યો. હોળી પર શેરીએ શેરીએ સ્ત્રીનું એક નગ્ન પૂતળું ઊભું કરી તેની આસપાસ ઘેરૈયા બિભત્સ ચેષ્ટાઓ કરતા. બીજા વર્ષે પોલીસે ‘ઇલાજી’ નામની આ બદી અટકાવી દીધી, તેનું કારણ મોતીભાઈની તજવીજ હોવાની લોકોને ખબર પડી.
‘વાતાવરણ એટલું ગરમ બનેલું કે અમીન માસ્તર કેટલાક દિવસ સુધી ઘરની બહાર નીકળી શક્યા (નહોતા) … પાછળથી હોળીનાં તોફાનો સામે પ્રતિબંધ મૂકતો કાયદો આખા રાજ્યને લાગુ કરવામાં આવ્યો’, એમ પુરુષોત્તમ રસિકલાલ શાહ ‘મોતીભાઈ અમીન : જીવન અને કાર્ય’ (૧૯૪૧) નામના સાતસો પાનાંના જીવનચરિત્રમાં લખે છે. પત્ની રૂપબાને ખોળે પુત્ર ન જન્મતો હોવાથી, પ્રચલિત રિવાજ મુજબ મોતીભાઈને બીજાં લગ્ન કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. તેમના માતુશ્રીના નિધન પછી રોવા-કૂટવાનું બંધ રાખ્યું હતું, વરસીની રકમ કર્મકાંડને બદલે ધર્મશાળાની મરામતમાં વાપરી હતી. પત્નીનાં અવસાન પછી પણ ફક્ત ભજનકીર્તન માત્ર એક દિવસ માટે રાખ્યાં હતાં. બાળલગ્ન, પરઠણ, બારમાનું જમણ, રોવુંકૂટવું જેવા કુરિવાજોની સામે લડત આપવા તેમણે વિદ્યાર્થીઓને પણ પ્રેર્યા.
હજારો વિદ્યાર્થીઓને મોતીભાઈએ ઘડ્યા, એટલે તે ચરોતરમાં શિક્ષણના એક પ્રણેતા ગણાય છે. ગામડાંમાં શિક્ષક બનવાના સાફ ધ્યેયથી એમણે 1902માં વડોદરા રાજ્યની નોકરી છોડી હતી. પાટણ અને પેટલાદમાં શિક્ષક તરીકે જાણીતા બન્યા પછી એમણે વસોમાં પ્રાથમિક શાળા અને હાઇસ્કૂલ સ્થાપ્યાં. ક્રમશ: ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપનામાં પહેલ કરી. પેટલાદમાં તેમણે મેટ્રિકનું ધોરણ બિનસરકારી રીતે શરૂ કર્યું. ચરોતરનું પહેલું બાળમંદિર તેમણે વસોમાં શરૂ કર્યું. છાત્રાલય પ્રવૃત્તિની જરૂર અને મહત્ત્વ બંને સમજનાર મોતીભાઈએ પેટલાદ, આણંદ અને વસોમાં બોર્ડીંગ્સ શરૂ કરી. આવાં કામો નિ:સ્વાર્થ નિષ્ઠા અને કુનેહથી સતત કરતા રહેવાને કારણે મોતીભાઈ વડોદરા રાજ્ય પાસેથી સહાય અને લોકો પાસેથી સખાવતો પણ મેળવી શક્યા. એમણે વિદ્યાર્થીઓને એવી રીતે ઘડ્યા કે તેઓ જાતે જ છાત્રાલયોનું સંચાલન કરી શકે.
મોતીભાઈ પ્રેરિત શાળાઓ અને છાત્રાલયો બંને ગ્રામીણ વિસ્તારો માટે ઔપચારિક શિક્ષણ ઉપરાંત અભ્યાસ મંડળો, ગ્રંથાલય પ્રવૃત્તિ, સુવાચન, સુલેખન, ચર્ચા, રમતગમત, પૂર્વ વિદ્યાર્થી મંડળ, સમાજસેવા અને સમાજસુધારાનાં કેન્દ્રો બન્યાં. ઈન્દુલાલ યાજ્ઞિકે મોતીભાઈને ‘ગ્રામશિક્ષણ અને ગ્રામસેવાના ગુરુપદે’ સ્થાપ્યા હોવાનું તેમની આત્મકથાના પહેલા ભાગમાં વાંચવા મળે છે. બીજા ભાગમાં ઈન્દુલાલે તેમને ‘સ્વપ્ન દૃષ્ટા’, ‘નિ:સ્વાર્થી અને વ્યવહારકુશળ કાર્યકર’, ‘સાધુચરિત ગુરુ’, અને ‘તીર્થરૂપ વસતીગૃહના ઉત્પાદક’ કહ્યા છે. તેમણે ૧૯૨૦-૨૧નાં વર્ષોમાં એમ પણ લખ્યું છે કે : ‘વસોમાં મોતીભાઈ અમીનની નવી ગુજરાતી શાળા મેં જોઈ ત્યારથી તેવી જ આદર્શ પ્રાથમિક શાળા અમદાવાદમાં સ્થાપવા હું આતુર થયો.’
અલબત્ત, ઇન્દુલાલ મોતીભાઈને ૧૯૧૫માં પહેલવહેલા મળ્યા, તે ‘પુસ્તકાલય પ્રવૃત્તિના પ્રણેતા’ તરીકે. એ તેમની વ્યાપક ઓળખ છે. વસોની અંગ્રેજી માધ્યમની શાળામાં ચાલતાં ‘વિદ્યાર્થી મંડળ’ થકી અને ગામના શિક્ષિત પરિવારોમાંથી આવતા ત્રણેક મિત્રો થકી પુસ્તકોમાં રસ ઊભો થયો. તે વડોદરા હાઇસ્કૂલમાં વૃદ્ધિ પામ્યો. પોતાની ખિસ્સાખર્ચીના પૈસાથી ખરીદેલાં અને સંબંધીઓ પાસેથી એકઠાં કરેલાં પુસ્તકો તેમ જ મિત્રોનો સાથથી વડોદરામાં ‘સ્ટુડન્ટ્સ્ લાઇબ્રેરી’ કરી હતી. શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને પુસ્તકાલયનો રંગ લગાડ્યો. પુસ્તકાલયને ‘લોકશિક્ષણની પાઠશાળા’ માનતા મોતીભાઈએ સ્વયંભૂ રીતે ગામે ગામ જાહેર ગ્રંથાલયો શરૂ કરવાનું ઊપાડ્યું.
તેમના કામની સુવાસ સયાજીરાવ ગાયકવાડ સુધી પહોંચી. રાજાએ તેમને પુસ્તકાલય પ્રવૃત્તિના નાયબ વડા તરીકે આમંત્રીને વડોદરા રાજ્યનાં પ્રાથમિક શાળા ધરાવતાં ગામોમાં પુસ્તકાલય સ્થાપવાની જવાબદારી સોંપી. એ તેમણે ખૂબ સક્ષમ રીતે બજાવી. પુસ્તકાલયનું કાર્ય પુસ્તકોની આપ-લે ઉપરાંત વ્યાખ્યાનો, મહિલા ઉત્કર્ષ, વાચન-લેખન સ્પર્ધાઓ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ થકી વિસ્તાર્યું. સરકારી ખાતામાં તેમના વડા અને તેમને ગ્રંથાલય શાસ્ત્રની તાલીમ આપનાર અમેરિકન જાણકાર વિલિયમ ઍલન્સન બૉર્ડને ૧૯૧૩ના જૂનના એક પત્રમાં તેમને ‘લાઇબ્રેરી મિશનરી’ તરીકે બિરદાવ્યા. તેમના પછી આવેલા એન.એમ. દત્તે બાર વર્ષ પછી એક પત્રમાં લખ્યું છે કે ‘વડોદરા રાજ્યને દેશવિદેશમાં ખ્યાતિ અપાવનાર ગ્રામીણ ગ્રંથાલય પ્રવૃત્તિ એ લગભગ પૂરેપુરું મોતીભાઈ અમીનનું સર્જન છે.’
મોતીભાઈની ક્ષમતાનો વધુ લાભ લેવા સયાજીરાવે તેમની નિવૃત્તિવય બે વર્ષ વધારી. પણ તેના પગાર તરીકે માટે મોતીભાઈએ પેન્શન જેટલી જ રકમ સ્વીકારી હતી. રાજ્ય પાસે દોઢ હજારની થેલી સ્વીકારી હતી પણ સમારંભ માટે રાજાએ માણસો મોકલ્યા હોવા છતાં તે દરબારમાં ગયા ન હતા. લોકોએ આપેલા સન્માનપત્રોનો પણ તેમણે બંને વખત ઇન્કાર કર્યો હતો. દલિતો માટે કેટલાંક કામ કરનાર તેમ જ હાથશાળનાં કપડાં અને દેશી વસ્તુઓ જ વાપરનાર મોતીભાઈએ બીજી બે બાબતોનો પણ ઇન્કાર કર્યો હતો. એક લાંબા પત્રમાં તેમણે લખ્યું છે : ‘મારું વ્યક્તિસ્વાતંત્ર્ય હું કોઈપણ ભોગે સાચવવા ઇચ્છું છું … એ ખાતર હું અસહકારની પ્રવૃત્તિમાં નથી જોડાયો …. સૂતરને તાંતણે સ્વરાજ હું નથી સ્વીકારી શક્યો.’
નિવૃત્તિ પછી મોતીભાઈએ ‘પુસ્તકાલય’ ત્રિમાસિક, પુસ્તકાલય પરિષદ અને પુસ્તકાલય સહાયક સહકારી મંડળી એવા ઉપક્રમો થકી તેમણે જાહેર ગ્રંથાલય પ્રવૃત્તિનું વિસ્તરણ કર્યું. નિષ્ણાતોને સાંકળીને તેમણે ‘પુસ્તકાલય સર્વસંગ્રહ’ અને ‘આઠ હજાર પુસ્તકોની નામાવલિ’ ઉપરાંત પુસ્તકાલયશાસ્ત્રનું સાહિત્ય વિકસાવ્યું. અખિલ હિન્દ ગ્રામ પુસ્તકાલય પરિષદે ૧૯૩૩માં ચેન્નાઈમાં તેમને ‘ગ્રંથાલય ઉદ્યમ પિતામહ’ તરીકે નવાજ્યા. તે પહેલાં એક વાર સયાજીરાવે તેમને એક મુલાકાતમાં પૂછ્યું હતું : ‘હૅવ આઇ ડેકોરેટેડ યુ ?’ એટલે કે ‘શું મેં તમને માનથી નવાજ્યા છે ?’ જાહેર ગ્રંથાલયોની પ્રવૃત્તિ બહુ ઓછી હોય તેવા ગુજરાતમાં મોતીભાઈ અમીનની કદર બાબતે સયાજીરાવનો પ્રશ્ન સાંસ્કૃિતક રીતે આજે પણ પ્રસ્તુત છે.
++++++
૮ નવેમ્બર ૨૦૧૭
e.mail sanjaysbhave@yahoo.com
સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “નવગુજરાત સમય”, 10 નવેમ્બર 2017