તારીખ ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૭ના રોજ ‘ધ ઇન્ડિયન એક્સ્પ્રેસ’ અખબારમાં પત્રકાર અતિખ રાશિદ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ એક રિપોર્ટ / સ્ટોરી મુજબ, દેશનાં રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલય એટલે કે National Film Archive of Indiaમાંથી, દેશ-વિદેશની અનેક ફિલ્મ્સની રીલ્સ ગુમ થયેલી છે. સમાચારપત્રમાં છપાયેલાં આ રિપોર્ટના કેટલાંક તથ્યો નીચે મુજબ છે.
વર્ષ ૨૦૧૪માં રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલય દ્વારા ત્રણ મિનિટની એક શોર્ટ ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી કે જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા National Film Heritage Mission નામનો એક પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં રૂ. ૫૭૯ કરોડના ખર્ચે ફિલ્મની જાળવણી, સંરક્ષણ અને તેના પુનઃસંગ્રહની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પણ, ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ સમાચારપત્રકે એક RTI (Right to Information Act) દાખલ કરી હતી, અને તે હેઠળ રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલયની વિગતે જે માહિતી પ્રાપ્ત થઇ છે, તે પ્રમાણે પૂણે સ્થિત રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલયના બિલ્ડિંગમાં બીજા અને ત્રીજા માળે જે ફિલ્મ્સની રીલ્સ સાચવવામાં આવી છે, તેમાંની મોટાભાગની રીલ્સ અત્યારે ચાલુ હાલતમાં નથી.
વર્ષ ૨૦૧૫ના નવેમ્બર મહિનામાં રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલય દ્વારા ૧૭,૫૯૫ ફિલ્મ રીલ્સનો સંગ્રહ કરવામાં આવ્યો હતો જે પૈકી માત્ર ૨,૬૪૫ ફિલ્મની રીલ્સ ચાલુ હાલતમાં જોવા મળી છે. વર્ષ ૨૦૧૬ના ૨૧ અને ૨૨ ફેબ્રુઆરીના રેકોર્ડ પ્રમાણે જ્યારે રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલયમાંથી કેટલીક ફિલ્મ રીલ્સ ભરેલી બોરીને પૂણેની બીજી એક જગ્યાએ ખસેડવામાં આવી હતી, ત્યારે આ રીલ્સની સાચવણીના કોઈ પગલાં ભરવામાં આવ્યા નહોતાં. અને જ્યારે આ ઘટના બની તેના આગામી દિવસોમાં એટલે કે ૨૬ ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલય ખાતે સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા ફિલ્મની જાળવણી અને તેના પુનઃસંગ્રહ વિષયક એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું!
રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલયમાં ફિલ્મ રીલ્સના ૫૧,૫૦૦ કેન (ધાતુના પીપ) અને ૯,૨૦૦ કરતાં વધારે ફિલ્મ પ્રિન્ટ્સ ભૌતિક દ્રષ્ટિએ હાજર નથી. જ્યારે એવા ૪,૯૨૨ કેન તેમ જ તેની અંદર રહેલી ફિલ્મ્સ કે જેની નોંધણી ત્યાંના રજીસ્ટરમાં ક્યાં ય છે જ નહિ તે ત્યાંની તિજોરીઓમાં જોવા મળે છે!
ફિલ્મ સંગ્રહાલયમાંથી ગુમ થયેલી ફિલ્મ્સની યાદીમાં સત્યજીત રાય, મહેબૂબ ખાન, રાજ કપૂર, ગુરુદત્ત અને અન્ય જાણીતા દિગ્દર્શકની ફિલ્મ્સનો સમાવેશ થાય છે. ગુમ થયેલી કેટલીક આંતરરાષ્ટ્રીય ફિલ્મ્સની યાદીમાં દિગ્દર્શક સર્ગેઈ આઈઝેનસ્ટેઇન, વિત્તોરી દે સિકા, અકીરા કુરોસાવા, રોમન પોલાન્સકી વગેરેનો સમાવેશ થાય છે. ગુમ થયેલી અન્ય ફિલ્મ્સની યાદીમાં દેશ-વિદેશની કેટલીક મૂક ફિલ્મ્સ, કેટલાંક ઐતિહાસિક દસ્તાવેજ કે જેમાં આઝાદી પૂર્વેના કેટલાંક વીડિયો, વિદેશી મહાનુભાવોની ભારતની અને ભારતનાં નેતાઓની વિદેશની મુલાકાતો, મહાત્મા ગાંધીની વિદેશની મુલાકાત, Indian National Congressની કરાંચીની સભા તથા અમેરિકાના રાષ્ટ્રપતિ રીચાર્ડ નિકસનની વર્ષ ૧૯૬૯ દરમિયાન ભારતની મુલાકાત વગેરે ફૂટેજનો સમાવેશ થાય છે.
જ્યારે બીજી બાજુ એવી ફિલ્મ્સની યાદી છે કે જે ફિલ્મ્સ NFAIની તિજોરીઓમાં હતી પણ તેનાં રેકોર્ડમાં નહોતી. તે ફિલ્મ્સની યાદીમાં મુઘલ-એ-આઝમ (૨ રીલ્સ), બાઈસિકલ થીવ્ઝ, પાકીઝા (૮ રીલ્સ), અપરાજીતો (૨ રીલ્સ), પાથેર પાંચાલી (૪ રીલ્સ), મેઘે ઢાકા તારા (૧ રીલ), ધ ગ્રેટ ડીકટેટર (૧૩ રીલ્સ), અર્ધ સત્ય (૧૪ રીલ્સ), સાહિબ બીબી ઔર ગુલામ (૧૦ રીલ્સ) અને હંટરવાલી(૧ રીલ)નો સમાવેશ થાય છે. નામ નહિ આપવાની શરતે NFAIના એક વ્યક્તિ ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ને જણાવે છે કે NFAIની પાસે ગુમ થઇ ગયેલી કેટલીક ફિલ્મ્સની એક કરતાં વધારે રીલ્સ હતી, અને પહેલાં ગુમ થઇ ગયેલાં કેનમાં ૧૫૦૦ રીલ્સ હતી કે જે વર્ષ ૨૦૦૩માં નષ્ટ કરવામાં આવી હતી.
NFAI એવો દાવો કરે છે કે તેમની પાસે અત્યારે લગભગ ૧.૩ લાખ જેટલી ફિલ્મ્સની રીલ્સ છે કે જેમાં દેશ-વિદેશની ફિલ્મ્સનો સમાવેશ થાય છે. NFAIના ડીરેક્ટર પ્રકાશ માગ્દમનું કહેવું છે કે NFAIમાં ભૂતકાળમાં ૨૮,૪૦૧ ફિલ્મ રીલ્સને નષ્ટ કરી દેવામાં આવી હતી. પ્રાપ્ત રેકોર્ડના આધારે આ રીલ્સને વર્ષ ૧૯૯૫ અને ૨૦૦૮માં નષ્ટ કરવામાં આવી હતી. વધુમાં NFAIના પુસ્તકાલયની સ્થિતિ વિશે ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ ઘટસ્ફોટ કરે છે કે અહીંના પુસ્તકાલયમાંથી ગત વર્ષોમાં ૧૭૬૧ પુસ્તકો ગુમ થયાં છે. જે પૈકી ગુમ થયેલાં કેટલાંક તો તૈયાર સંદર્ભ સ્ત્રોત હતાં કે જેને ત્યાંની યાદીમાં પુસ્તક તરીકે નોંધવામાં આવ્યા હતાં. ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં NFAIમાંથી ફિલ્મ રીલ્સ ગુમ થયેલ છે એ રીપોર્ટ પ્રકાશિત થયા બાદ NFAIએ ફેસબુક અને ટ્વીટર પર ફિલ્મ સંગ્રહાલયના કેટલાંક ફોટોગ્રાફ્સ પ્રકાશિત કર્યા હતાં અને જણાવ્યું હતું કે તે રીપોર્ટ ખોટા છે, અને અમારી પાસે ફિલ્મ્સની એક કરતાં વધારે નકલો સચવાયેલી છે. સાથે આ ઘટના બાદ National Film Heritage Missionનાં ટેકનિકલ એક્સપર્ટ ઉજ્જવલ નિરગુડકરે ‘ધ હિંદુ’ અખબારને જણાવ્યું હતું કે પૂર્વે ફિલ્મ વિતરકો ફિલ્મ રિલીઝ થઇ ગયાં બાદ તેની રીલ્સ કાઢી નાખતાં હતાં અને ખોટાં સરનામાં હેઠળ રેલવેને મોકલી આપતાં હતાં. આ ફિલ્મ રીલ્સ પ્રાપ્ત થઇ તે માટે અમે રેલવે યાર્ડના આભારી છીએ. રાષ્ટ્રીય ફિલ્મ સંગ્રહાલયનો પક્ષ લેતાં દેશનાં જાણીતા દિગ્દર્શક જેવાં કે જબ્બાર પટેલ, અડૂર ગોપાલકૃષ્ણન અને જાહ્નું બરુઆએ જણાવ્યું હતું કે હાલમાં ફિલ્મ સંગ્રહાલયમાં ફિલ્મ જાળવણીનું સારું કામ થઇ રહ્યું છે અને ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’નો રીપોર્ટ ફિલ્મ સંગ્રહાલયની જૂની સમસ્યાઓને રજૂ કરી રહ્યો છે.
અત્યારના સમયમાં ફિલ્મનું પુનઃસ્થાપન કરતી વિશ્વની શ્રેષ્ઠ સંસ્થા The Criterion Collection (visit www.criterion.com) દેશનાં મહાન દિગ્દર્શક સત્યજીત રાયનું નિધન થયું તેનાં ૨૪ દિવસ પહેલાં વર્ષ ૧૯૯૨માં તેમને અકાદમી અવોર્ડના ઓસ્કર પુરસ્કારથી નવાજવામાં આવ્યાં હતાં. તેઓને ઓસ્કર પુરસ્કાર મળ્યો તે જ વર્ષે એ વાત સામે આવી કે સત્યજીત રાયની કેટલીક ફિલ્મ્સની રીલ્સ ખૂબ જ ખરાબ હાલતમાં છે અને જો તેમની ફિલ્મ્સની મૌલિક પ્રિન્ટને સાચવવામાં નહિ આવે તો આગામી પેઢી આ ફિલ્મ્સ જોઈ શકશે નહિ. આ ચિંતાની સાથે રાયના મૃત્યુના આગામી વર્ષે તેમની ફિલ્મ્સને લંડનની પ્રખ્યાત હેન્ડરસન ફિલ્મ લેબોરેટરીમાં રિસ્ટોરેશન (પુનઃસંગ્રહ) માટે મોકલવામાં આવી. પણ, ત્યાં જુલાઈ ૧૯૯૩માં આગ લાગી અને રાયની ઘણી ફિલ્મ્સ ખરાબ થઇ ગઈ. ફિલ્મ્સની મૂળ નેગેટીવ એટલી બળી ચૂકી હતી કે તેનાં પર ફરી વખત કાર્ય કરવું લગભગ અશક્ય હતું. ત્યારબાદ આ અડધી બળી ચૂકેલી રાયની ફિલ્મ્સની મૂળ નેગેટીવને અકાદમી અવોર્ડ દ્વારા અમેરિકા મોકલવામાં આવી કે જ્યાં ૨૦ વર્ષ સુધી આ નેગેટીવ સચવાયેલી રહી.
ત્યારબાદ વર્ષ ૨૦૧૩માં જૂની ફિલ્મ્સની જાળવણી અને તેનું પુનઃસ્થાપન કરનાર પ્રખ્યાત અમેરિકાની The Criterion Collection કંપનીએ સત્યજીત રાયની ‘અપૂ ત્રયી (પાથેર પાંચાલી, અપરાજીતો, અપૂર સંસાર)’ને પુનઃસ્થાપિત કરવાની જવાબદારી ઉઠાવી. અપૂ ત્રયી પર કાર્ય કરવા માટે ખાસ ઇટાલીના ફિલ્મ રિસ્ટોરેશનનાં નિષ્ણાત લોકોની મદદ લેવામાં આવી, અઢળક પૈસા ખર્ચીને, કેટલાં ય મહિનાઓ અને કલાકોના કલાકો મહેનત કર્યા બાદ આ અપૂ ત્રયીને કેટલાંક અલગ-અલગ ભાગને રિસ્ટોર કરવામાં આવ્યા. અપૂ ત્રયીની મૂળ નેગેટીવનો જે ભાગ બળી ચૂક્યો હતો તેની વિશ્વની વિવિધ ફિલ્મ સંસ્થાઓ પાસેથી ડુપ્લિકેટ નકલ પ્રાપ્ત કરવામાં આવી. ઉચ્ચ સ્તરની અસામાન્ય મહેનત બાદ સંપૂર્ણ અપૂ ત્રયીને ડીજીટલ રિસ્ટોર કરી અને વર્ષ ૨૦૧૫ના મે મહિનામાં ન્યૂયોર્કના ઐતિહાસિક મ્યુિઝયમ ઓફ મોડર્ન આર્ટમાં ‘4K’ ક્વોલિટીમાં ‘પાથેર પાંચાલી’નું પ્રીમિયર કરવામાં આવ્યું અને સમગ્ર ખંડ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઉઠ્યો.
Email – nbhavsarsafri@gmail.com
‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં પ્રગટ થયેલા મૂળ હેવાલની કડી :