Opinion Magazine
Number of visits: 10,206,894
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચૂંટણીટાણે સિરક્રીકનું સ્મરણ

હરિ દેસાઈ|Opinion - Opinion|20 September 2017

સિરક્રીકના પેટાળમાં પેટૃોલિયમ અને ગેસના વિપુલ ભંડાર હોવાથી એનું જીવની જેમ જતન કરવું પડે

આપણે ત્યાં કહેવત છે: બાર વર્ષે બાવો બોલ્યો. કાંઇક એવું જ કચ્છ સરહદે આવેલી સિરક્રીક વિશે હમણાં બન્યું. સિરક્રીક મુદ્દાને વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખૂબ ગજવ્યો હતો. એ પછી હમણાં નવનિયુક્ત રક્ષામંત્રી નિર્મલા સીતારામને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદનું કેન્દ્ર બનેલી સિરક્રીક સીમાનું હવાઈ અને હોવરક્રાફ્ટ નિરીક્ષણ કરતાં પહેલાં જાહેર નિવેદન કર્યું કે સિરક્રીક રાષ્ટ્રીય સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનો પ્રદેશ છે.

પાકિસ્તાને અને ચીને ગપચાવેલા જમ્મુ-કાશ્મીર સહિતના ભારતના પ્રદેશને પણ પાછો મેળવવો, એ 1994માં ભારતીય સંસદના સર્વાનુમતે કરાયેલા ઠરાવ-સંકલ્પ મુજબ, પ્રત્યેક વડાપ્રધાન અને ભારતીયની ફરજ અને આકાંક્ષા છે. સિરક્રીકના પેટાળમાં પેટ્રોલિયમ અને ગેસના વિપુલ ભંડાર હોવાનું પણ સ્પષ્ટ થઈ ગયું હોવાથી સ્વાભાવિક છે કે એનું જીવની જેમ જતન કરવું પડે. જો કે રાષ્ટ્રીય સુરક્ષાની વાતો અને એના માટે લેવામાં આવનારાં પગલાંનાં આયોજનો જાહેર નિવેદનો કે ચૂંટણીસભાઓનો વિવાદમુદ્દો ન બની શકે એટલી ગંભીરતા અને ગરિમા તો શાસકોએ જાળવવાની જરૂર ખરી.

સિરક્રીકની વાત આજે છેડાઈ છે એનું સવિશેષ મહત્ત્વ છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી વખતે તત્કાલીન મુખ્યમંત્રીએ વાત ચલાવી હતી કે એ વેળાના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ સિરક્રીક પાકિસ્તાનને પધરાવી દેવાના છે. તેમણે એ મુદ્દે ચૂંટણી સભાઓ પણ ગજવી હતી. ડૉ. સિંઘ જાણે કે રાષ્ટ્રદ્રોહનું કોઈ કૃત્ય કરી રહ્યા હોય એવી હવા ઊભી કરીને પ્રજાને વાતના વતેસર માટે પ્રેરવામાં આવી હતી. 16 એપ્રિલ 2012ના રોજ વડાપ્રધાન ડૉ. સિંઘે બોલાવેલી મુખ્યમંત્રીઓની બેઠકમાં પણ મોદીએ સિરક્રીક મુદ્દો ઊઠાવ્યો હતો. 13 ડિસેમ્બર 2012ના રોજ વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન હતું. મુખ્યમંત્રીનો 12 ડિસેમ્બર 2012નો પત્ર વડાપ્રધાન કાર્યાલયને પહોંચે એ પહેલાં તો એ જાહેર કરી દેવાયો હતો. તેમના એ પત્રમાં ભારત સરકાર સિરક્રીક પાકિસ્તાનને પધરાવી દેવાની હોવાની વાત લખી હતી અને એવું ન કરવા તથા પાકિસ્તાન સાથે મંત્રણા તાત્કાલિક બંધ કરવાનો આગ્રહ કર્યો હતો.

હકીકતમાં ભારત અને પાક વચ્ચે સરહદી વિસ્તાર પર ભારતીય કબ્જા હેઠળનો આ 96 કિલોમીટર લાંબો કાદવિયા વિસ્તાર પાકિસ્તાનને હવાલે કરવાની કોઈ દરખાસ્ત નહોતી, એ વાત તૂર્તજ એ વેળાના વડાપ્રધાન ડૉ. સિંઘ થકી સ્પષ્ટ કરાઈ હતી. મિતભાષી ડૉ. સિંઘે સ્પષ્ટ કર્યું હતું કે ‘મોદી સિરક્રીક વિશે ‘બિનપાયાદાર આક્ષેપબાજી’ કરી રહ્યા છે. ચૂંટણીટાણે આધારહીન બાબતોનો પત્ર લખીને એને જાહેર કરવાના તેમના ઇરાદા તોફાની (મિસ્ચિવસ) છે. પાકિસ્તાન સાથે સિરક્રીક મામલે છેક 1998થી મંત્રણાના દોર ચાલે છે અને વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી લાહોર ગયા ત્યારે પણ આ મુદ્દે મંત્રણા ચાલુ રહી હતી. સિરક્રીક પાકિસ્તાનને આપવામાં આવી રહ્યાનો ગુજરાતના મુખ્યમંત્રીએ આક્ષેપ કર્યો એ આક્ષેપ ખોટો છે. મોદીએ ભારત સરકાર પાસેથી વિગતોની ખરાઈ કરવાની કોઈ કોશિશ કર્યા વિના જ આ પત્ર લખ્યો છે.’ આના ઉત્તરમાં મોદીએ ફરીને ડૉ. સિંઘ પર પ્રહાર કરતાં કહ્યું કે જનરલ પરવેઝ મુશર્રફ આગ્રા શિખર પરિષદ માટે આવ્યા ત્યારે સિરક્રીક મુદ્દો ચર્ચાયો નહોતો. વાસ્તવમાં ડૉ. સિંઘે અટલજીની ફેબ્રુઆરી 1999ની લાહોર મુલાકાતનો ઉલ્લેખ કર્યો હતો, જુલાઈ 2001ની આગ્રા શિખર પરિષદનો નહીં! ત્યારનો દિવસ અને આજની વાત, વડાપ્રધાન થયા પછી મોદીએ જાહેરમાં ભાગ્યે જ સિરક્રીકનું નામ લીધું છે અથવા પાકિસ્તાન સાથે મંત્રણાઓ ખોરંભે પડે એ પહેલાં પાકિસ્તાનના એ વેળાના વડાપ્રધાન મિયાં નવાઝ શરીફ દિલ્હી આવ્યા કે વડાપ્રધાન મોદી એમને જ્યારે જ્યારે મળ્યા કે લાહોરની અણધારી મુલાકાતે ગયા ત્યારે પણ સિરક્રીક વિવાદ વિશે એમણે મગનું નામ મરી પાડ્યાનું જાણમાં નથી. માથે 2017ની વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે સિરક્રીકનું ગુજરાતને આંગણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં સહપ્રભારી એવાં સીતારામનને એકાએક કંઈ અમસ્તું જ સ્મરણ થઈ આવે એવું તો ન જ બને.

મોદીયુગમાં પણ ભારત સરકાર અને પાકિસ્તાન સરકાર વચ્ચે મંત્રણાના મુદ્દાઓમાં સિરક્રીક વિવાદ હજી વણઉકલ્યા મુદ્દા તરીકે જ રહ્યો છે. સી. રાજામોહન સહિતના વિદેશ અને સુરક્ષા બાબતોના નિષ્ણાતોએ નોંધ્યું છે કે ‘વર્ષ 2004-06 દરમિયાન એ વેળાના વડાપ્રધાન ડૉ. સિંઘ સિયાચીન અને સિરક્રીક જ નહીં, કાશ્મીર કોકડાને પાકિસ્તાન સાથે ઉકેલવામાં લગભગ સફળતાની નજીક હતા, પણ જનરલ મુશર્રફના ઘટતા પ્રભાવ અને 2007-08માં પતન પછી એમના અનુગામી જનરલ અશફાક કયાની મુશર્રફના સમયગાળામાં થયેલી સમજૂતીઓને મંજૂર રાખવા બાબત દ્વિધામાં રહ્યા અને મુંબઈ પરના 26/11ના આતંકી હુમલાએ તો સંબંધોમાં કડવાશ આણી. યુ.પી.એ.-2ના સમયગાળામાં શાંતિવાર્તામાં પ્રગતિ લાવવાના પ્રયાસોને કારણે વેપારસંબંધોમાં સામાન્ય વલણથી વાત આગળ ન વધી.’ વડાપ્રધાનપદે મોદીના શરૂઆતના ગાળામાં ફરી પાકિસ્તાન સાથેના સંબંધોમાં હૂંફ જોવા મળી, પણ પછી સર્જાયેલી તંગદિલીએ મંત્રણાઓ માટે પ્રતિકૂળ વાતાવરણ સર્જ્યું. જો કે વિદેશ સંબંધોમાં આવા પ્રકારના ઊતારચઢાવ આવતા હોય છે.

કચ્છ અને સિંધ સરહદનો વિવાદ વારસામાં મળ્યો છે, પરંતુ પ્રીવિ કાઉન્સિલના ચુકાદા મુજબ આખા કચ્છના રણ પર કચ્છના રાજવીનો કબજો માન્ય રખાયેલો છે. એ દૃષ્ટિએ ભારત સાથે ભળેલા કચ્છના રજવાડાને કારણે આખા રણ પર ભારતનો અધિકાર પ્રસ્થાપિત થયેલો છે. ‘ઈ.સ.1912માં સિંધની અંગ્રેજ સરકારે સિંધ નજીકના કચ્છના રણમાં પોતાની હકૂમત જણાવી ખનીજતેલ શોધવાના પ્રયત્નો કરેલ, પરંતુ (કચ્છના મહારાવ) ખેંગારજી બાવાએ અંગ્રેજો સામે લંડનની પ્રીવિ કાઉન્સિલમાં કેસ લડી આખા રણનો કબજો રાજ્યનો છે તેવું સાબિત કરી કેસ જીતીને રણ પર કચ્છનો અધિકાર છે તે સિદ્ધ કરી બતાવ્યું હતું.’ એવું ‘કચ્છનો સર્વાંગી ઇતિહાસ ભાગ-1’માં નોંધવામાં આવ્યું છે. જો કે 1965ના પાકિસ્તાન સાથેના યુદ્ધને પગલે સરહદ પ્રદેશ અંગેના આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યૂનલના ચુકાદાથી છાડબેટ, કંજરકોટ અને ધારબન્ની પાકિસ્તાનને ફાળે ગયાં. પાકિસ્તાને સિરક્રીક વિવાદનું કોકડું નાહક સળગતું રાખ્યું છે. કચ્છ રજવાડા અને સિંધ વચ્ચે 1914માં થયેલી સરહદ અંગેની સમજૂતીના 1914 અને 1925ના નકશા ભારતીય દાવાને 100 ટકા સમર્થન આપે છે.

હરામીનાળા અને સમગ્ર વિસ્તારમાં તરતી ચોકીઓનો બંદોબસ્ત તથા ખાસ કમાન્ડો ફરજ પર હોવાથી પૂરતી તકેદારીને કારણે પાકિસ્તાન એના અટકચાળામાં હવે ફાવે તેમ નથી. આ વિસ્તારમાં માછીમારોની સલામતી સાથે જ ક્રીક-જળ વિસ્તારમાં તેલ-ગેસ સંશોધન વિના અવરોધે ચાલતું રહે તેની પૂરતી કાળજી રાખવી પડશે. હકીકતમાં આવા સંવેદનશીલ વિસ્તારો વિશે રાજકીય મંચ પરથી વિવાદો ઊભા કરીને છાણે વીંછી ચડાવવાના ખેલ બંધ થાય એ જ રાષ્ટ્રના હિતમાં લેખાશે.

સૌજન્ય : ‘મહત્ત્વ’, “દિવ્ય ભાસ્કર”, 20 સપ્ટેમ્બર 2017

Loading

નર્મદાનાં પાણી અરબી સમુદ્રમાં જઈ રહ્યાં છે, બડવાનીમાં લોકો ગોઠણસમાણા પાણીમાં જીવી રહ્યા છે અને સાહેબ જન્મદિવસ ઊજવી રહ્યા છે. શા માટે? કોઈ ખુલાસો કરશે?

રમેશ ઓઝા|Samantar Gujarat - Samantar|19 September 2017

કોઈ કારણ વિના પોતાના જન્મદિવસ સાથે નર્મદા યોજનાને જોડી દેનારા નરેન્દ્ર મોદીએ અમૂલ્ય ત્યાગ કરનારા ગરીબ વિસ્થાપિતને પણ યાદ નહોતો કર્યો. એને માટે સંવેદનશીલતા જોઈએ, જેનો તેમનામાં સદંતર અભાવ છે

વડા પ્રધાને પોતાના જન્મદિવસે નર્મદાના બંધનું ઉદ્ઘાટન કર્યું અને જાહેરાત કરી કે હવે કચ્છમાં પાકિસ્તાનની સરહદે સંત્રીની ફરજ બજાવતો જવાન નર્મદાનાં પાણી પીને તરસ છિપાવશે. માનવું પડે, ખેલ પાડવામાં આપણા વડા પ્રધાનનો જોટો આખી દુનિયામાં જોવા નહીં મળે. નર્મદાનાં પાણીને જવાન, જવાનની તરસ અને રાષ્ટ્ર સાથે જોડી દીધાં. નર્મદા યોજનાને અને તેમના જન્મદિવસની અંગત ઘટનાને શો સંબંધ? નર્મદા યોજના જેવી અને જેટલી સાકાર થઈ છે એમાં નરેન્દ્ર મોદીનું યોગદાન શૂન્યવત્‌ છે. યસ, શૂન્યવત્‌ છે. હા, અધૂરું યોગદાન જરૂર છે, જેની વાત આગળ આવશે.

નર્મદા યોજનાના શ્રેયના અધિકારી ચાર જણ છે. પહેલા, ગુજરાતના ભૂતપૂર્વ નાણાપ્રધાન અને નર્મદા નિગમના સ્થાપક સનત મહેતા. બીજા, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલ. ત્રીજા, જ્યારે નર્મદા યોજના સામે વિરોધ થઈ રહ્યો હતો ત્યારે એની વચ્ચે અડીખમ ઊભા રહીને નર્મદા યોજનાને આગળ ધપાવનારા એ સમયના મુખ્ય પ્રધાન ચીમનભાઈ પટેલ અને ચોથા, ચુનીભાઈ વૈદ્ય જેમણે નર્મદા યોજનાનો વિરોધ કરી રહેલા ભારતના નાગરિક સમાજ સામે પ્રતિવાદ કરવા ગુજરાતના નાગરિકનું નેતૃત્વ કર્યું હતું. ચુનીભાઈ વૈદ્યની પખવાડિયા પહેલાં શતાબ્દી ઊજવવામાં આવી હતી. એમાં જરા ય આશ્ચર્ય ન થવું જોઈએ કે આપણા વડા પ્રધાને આ ચાર મહાપુરુષોને યાદ પણ નથી કર્યા. શ્રેયના સાચા અધિકારીને શ્રેય આપવું એ તેમના સંસ્કાર નથી, ઊલટું બીજાનું શ્રેય પોતાના નામે જમા કરવાની ચાલાકી તેઓ ભરપૂર માત્રામાં ધરાવે છે. જે લોકોએ અડીખમ ઊભા રહીને નર્મદા યોજનાને ઝંઝાવાતોમાંથી પાર પાડી તેમને યાદ પણ નહીં કરવાના?

નર્મદા યોજનાના શ્રેયનાં અધિકારી નર્મદા બચાવ આંદોલનનાં નેતા મેધા પાટકર અને ગુજરાતની ઓછી જાણીતી સંસ્થા આર્ચ-વાહિની પણ છે. નર્મદા યોજના જગતની પહેલી એવી યોજના છે જેમાં વિસ્થાપિતોને પ્રમાણમાં ઓછો અન્યાય થયો છે. યાદ રહે, પ્રમાણમાં, સંપૂર્ણપણે નહીં. જો સાવ અન્યાય કર્યા વિના આ યોજના સાકાર કરવામાં આવી હોત તો આપણે જગતમાં ગૌરવ લઈ શકત. મેધા પાટકર, આર્ચ-વાહિની અને સુરતની સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝે મળીને વિસ્થાપિતોના પુનર્વસનની એક ઓછી (આઇ રિપીટ ઓછી) અન્યાયકારી યોજના બનાવી હતી. અત્યાર સુધી વિસ્થાપનને વિકાસની કિંમત તરીકે જોવામાં આવતું હતું અને વિસ્થાપિતો તરફ ઉદાસીનતા સેવવામાં આવતી હતી. ગરજ સર્યા પછી વિસ્થાપિતો સામે નજર પણ કરવામાં આવતી નથી એનો દાખલો ઉકાઈના વિસ્થાપિતો છે જે સુરતમાં ઝૂંપડપટ્ટીઓમાં રહે છે અને શહેરમાં મજૂરી કરે છે.

મેધા પાટકર, આર્ચ-વાહિની અને સેન્ટર ફૉર સોશ્યલ સ્ટડીઝે યોજના બનાવી હતી કે વિસ્થાપિતો સદીઓથી જમીન સાથે જીવતા આવ્યા છે અને તેમને પૈસા સાચવતાં આવડતું નથી માટે જમીન સાટે જમીન આપવામાં આવે. વિસ્થાપિતોના પુનર્વસનની આ યોજના સ્વીકારવામાં આવી અને થોડા પ્રમાણમાં લાગુ પણ કરવામાં આવી. હવે તો વિસ્થાપનનું નર્મદા મૉડલ જગતભરમાં સ્વીકારવામાં આવ્યું છે અને ફન્ડિંગ એજન્સીઓ એના માટે આગ્રહ રાખે છે જેથી વિકાસયોજનાઓ ઓછામાં ઓછી અન્યાયકારી અને હિંસક બને.

જો મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારે પુનર્વસનમાં ઈમાનદારી અને સંવેદનશીલતા બતાવી હોત તો નર્મદા યોજના નર્મદા જેટલી પવિત્ર અને ગૌરવ લેવા જેવી સાબિત થઈ હોત. ત્રણેય રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના વિશ્વાસઘાતનો લાંબો ઇતિહાસ છે. જગતભરમાં શાસકો ગરીબો સાથે છેતરપિંડી કરતા આવ્યા છે. નર્મદા યોજનાની સફળતાના જો કોઈ સૌથી મોટા અધિકારી હોય તો એ ગરીબજન છે જેણે પોતાની જમીન સમર્પિત કરી છે જેના દ્વારા તે પોતાનું અને પરિવારનું આયખું વિતાવતો હતો. મેધા પાટકર અને આર્ચ-વાહિનીએ યોજનામાં સૌથી મોટું અને મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા લોકોનો પક્ષ લીધો હતો. કોઈ કારણ વિના (બાદરાયણ સંબંધ પણ ન હોવા છતાં) પોતાના જન્મદિવસ સાથે નર્મદા યોજનાને જોડી દેનારા નરેન્દ્ર મોદીએ અમૂલ્ય ત્યાગ કરનારા ગરીબ વિસ્થાપિતને પણ યાદ નહોતો કર્યો. એને માટે સંવેદનશીલતા જોઈએ, જેનો તેમનામાં સદંતર અભાવ છે.

યોજના પૂરી થઈ ગઈ છે, પરંતુ મધ્ય પ્રદેશમાં હજી ૧૮૦૦ પરિવારોનું પુનર્વસન બાકી છે. આ મધ્ય પ્રદેશની સરકારે મધ્ય પ્રદેશની વડી અદાલતમાં ગયા મહિને સોગંદનામા સાથે કરેલી કબૂલાત છે. નૈતિકતાનો તકાદો એમ કહે છે કે આ ચોમાસામાં ડૅમના દરવાજા ખુલ્લા રાખવામાં આવે જેથી બચેલા વિસ્થાપિતોને મધ્ય પ્રદેશની સરકાર સ્થાપિત કરી શકે. મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે વડા પ્રધાનને આવી ભલામણ પણ કરી હતી અને ઉપરથી કહ્યું હતું કે આવતા વરસના પ્રારંભમાં મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણી લડવાની છે એટલે જરા સાવધાની વર્તવી જરૂરી છે. તેમને કહેવામાં આવ્યું હતું કે એ પહેલાં મારે ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડવાની છે એનું શું? ૧૭ સપ્ટેમ્બરે જન્મદિવસના પવિત્ર અવસરે ડૅમ ખુલ્લો મુકાશે પછી ભલે ૧૮૦૦ પરિવારોનાં ઘરમાં પાણી ભરાય. તમારી પ્રતિષ્ઠા કરતાં મારી પ્રતિષ્ઠાની હોડ મોટી છે અને ગુજરાતમાં નાક કપાય તો-તો થઈ રહ્યું. બિકાઉ ટીવી-ચૅનલો વડા પ્રધાનનું ઉદ્ઘાટન ભાષણ બતાવતી હતી, પરંતુ બડવાનીમાં કમનસીબ વિસ્થાપિતોનાં ઘરોમાં ભરાયેલાં પાણીની તસવીરો નહોતી બતાવતી. આવો તમાશો કરવાની જરૂર શું હતી જ્યારે નર્મદાનાં પાણી અરબી સમુદ્રમાં જઈ રહ્યાં છે?

નર્મદાપુત્ર નરેન્દ્ર મોદી દરેકનું શ્રેય પોતે લઈ રહ્યા છે, પરંતુ તેમના પોતાના અધૂરા યોગદાનનું શું? યોગાનુયોગ એવો છે કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એ અરસામાં નર્મદાનાં પાણી ગુજરાતમાં નિર્ધારિત સ્થળોએ પહોંચાડવા માટે નહેરો બંધાવાનું શરૂ થયું હતું. ગુજરાતના ૧૭ જિલ્લાઓમાં નાની-મોટી મળીને કુલ ૭૧ હજાર કિલોમીટર નહેર બાંધવાની હતી જેમાંથી ૨૭ હજાર કિલોમીટર નહેર બાંધવાનું કામ હજી આજે બે દાયકા પછી પણ અધૂરું છે. હજી પણ ૧૯૯ બ્રાન્ચ કૅનાલ અને ૫૬૯ નાની કૅનાલ બાંધવાનું કામ બાકી છે. જ્યાં પાણીની સૌથી વધુ તંગી છે એ સૌરાષ્ટ્રમાં ૧૨ હજાર કિલોમીટર લાંબી નહેર બાંધવાનું કામ હજી તો હાથ ધરવામાં નથી આવ્યું.

અનેક વિઘ્નો સામે ઝઝૂમીને તેમના પુરોગામીઓ ડૅમ બંધાવી શક્યા અને કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન હોવા છતાં ૨૭ હજાર કિલોમીટર લાંબી નહેર બાંધવાનું બાકી છે એ આ ઘડીનું નકારી ન શકાય એવું સત્ય છે. આનું પરિણામ જુઓ: નર્મદાનાં પાણી અરબી સમુદ્રમાં જાય છે, પરંતુ ડૅમના દરવાજા બંધ કરવાને કારણે મધ્ય પ્રદેશમાં બડવાનીમાં લોકોનાં ઘરમાં પાણી ભરાયાં છે. કારણ? કારણ કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જીતવાની છે અને સાહેબની આબરૂ દાવ પર છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 19 સપ્ટેમ્બર 2017

Loading

ખરીદેલા અવાજો જ્યારે પ્રતિષ્ઠા ગુમાવી દે છે ત્યારે સમર્થકો શરમાવા લાગે છે અને સત્યનો અવાજ બુલંદ થઈ જાય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|18 September 2017

જે લોકો સરકારનું સમર્થન કરતા હતા એવા પ્રતિષ્ઠિત રાજકીય સમીક્ષકો અને કટારલેખકો બચાવ કરવા હવે આગળ આવતા નથી, કારણ કે તેમને ડર છે કે તેમની ગણના બિકાઉ પત્રકારોમાં કરવામાં આવશે. સોશ્યલ મીડિયા પર સમર્થકો હવે સમર્થન કરવા પહેલાં જેટલા આગળ આવતા નથી, કારણ કે તેમને ડર છે કે તેમની ગણના ઓછી સમજ ધરાવનારા ભોળા ભક્ત તરીકે કરવામાં આવશે એટલે તેઓ શરમાય છે

BJPના અધ્યક્ષ અમિત શાહે દેશના યુવાનોને સલાહ આપી છે કે તેમણે આંખ ખુલ્લી રાખીને અને બુદ્ધિ વાપરીને સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ. કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર સરકારની બદનામી કરી રહ્યા છે અને તેમના કુપ્રચારથી સાવધાન રહેવું જોઈએ. તેમણે વિચારવું જોઈએ કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા એ પહેલાં ગુજરાત કેવું હતું. તેમણે ખાસ્સો સમય કૉન્ગ્રેસ અને રાહુલ ગાંધીને આપ્યો હતો એ આશ્ચર્યજનક ઘટના છે. જેમના અસ્તિત્વને ગણકારવામાં આવતું નહોતું એની નોંધ લઈને તેમનાથી સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું હતું. જેમની (રાહુલ ગાંધીની બૌદ્ધિક ક્ષમતા વિશે) ઠેકડી ઉડાડવામાં આવતી હતી તેમના પર ઠંડે કલેજે BJP વિરુદ્ધ કાવતરાં કરવાનો આરોપ કરવામાં આવ્યો છે. કાવતરાં કરવાં હોય તો ચતુરાઈની જરૂર પડે. રાહુલ ગાંધી કાવતરાં કરવાં જેટલા ચતુર છે એનો હવે અમિત શાહ સ્વીકાર કરવા લાગ્યા છે. આ પહેલાં વડા પ્રધાને યુવાનોને રાજકારણથી દૂર રહેવાની સલાહ આપી હતી.

આ બદલાયેલા સૂર આશ્ચર્યજનક નથી?

શરૂઆત જુલાઈ મહિનામાં થઈ હતી. દેશભરમાં ગૌરક્ષકોના દલિતો અને મુસલમાનો સામે જુલમ વધી રહ્યા હતા અને દેશભક્તિના નામે આતંક ફેલાવવામાં આવતો હતો ત્યારે વૉટ્સઍપ પર મેસેજ વહેતો થયો હતો કે અમે ‘નૉટ ઇન માય નેમ’નાં બૅનરો સાથે શહેરમાં ફલાણી જગ્યાએ દેખાવો કરવાના છીએ, એમાં જો તમે સંમત થતા હો તો જોડાવા વિનંતી. મેસેજ વહેતો થયો અને ભારતનાં અનેક શહેરોમાં પહોંચ્યો. મોદી-શાહના આશ્ચર્ય વચ્ચે ભારતનાં પચાસ કરતાં વધુ શહેરોમાં ‘નૉટ ઇન માય નેમ’નાં પ્લૅકાર્ડ્સ સાથે દેખાવો થયા જેમાં સેંકડોની સંખ્યામાં છોકરા-છોકરીઓએ ભાગ લીધો હતો. મુંબઈમાં તો ત્રણ સ્થળે આવા દેખાવો થયા હતા. એ દેખાવમાં ભાગ લેનારાઓ કોઈ સંસ્થાના સભ્યો નહોતા, કોઈ સંગઠનના કાર્યકરો નહોતા, કોઈ એક જ કૉલેજના વિદ્યાર્થીઓ નહોતા, કોઈ વિદ્યાર્થી સંઘના સભ્યો નહોતા. મોટા ભાગનાં યુવા-યુવતીઓ તો એકબીજાને ઓળખતાં પણ નહોતાં. તેમની સહિયારી નિસબત એટલી જ હતી કે ગાંધીજીની કલ્પનાના દેશ પર ફાસીવાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે ત્યારે અવાજ ઉઠાવવો જોઈએ અને દેશ બચાવવો જોઈએ.

અવાજ ઊઠ્યો અને સરકારના બહેરા કાન સુધી પહોંચી ગયો. ૧૫ ઑગસ્ટે વડા પ્રધાને લાલ કિલ્લા પરથી કહેવું પડ્યું હતું કે શ્રદ્ધાના નામે થતી હિંસાને ચલાવી લેવામાં નહીં આવે. આ ઈમાનદારી વિનાની ચેતવણી ‘નૉટ ઇન માય નેમ’ના નામે યુવાનોએ દેશભરમાં કરેલા દેખાવોનું પરિણામ હતું. ઈમાનદારી વિનાની એટલા માટે કે આવી ચેતવણી આપવામાં આવી એના અઠવાડિયા પછી પંચકુલામાં શ્રદ્ધાના નામે હિંસાનું તાંડવ જોવા મળ્યું હતું જેમાં ૩૯ જણે જાન ગુમાવ્યા હતા. આવી હિંસાની શરમજનક ઘટના હરિયાણા સરકારના ગુરમીત સાથેના સોદાનું પરિણામ હતું એ હકીકત પણ સોશ્યલ મીડિયાના કારણે દેશના પ્રત્યેક નાગરિક સુધી પહોંચી ગઈ હતી.

અધૂરામાં પૂરું, યુવાનોના બદલાતા મિજાજને પ્રગટ કરતી બીજી બે ઘટના ગયા અઠવાડિયે બની. દેશની કેટલીક યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થી સંઘો વચ્ચે ચૂંટણી યોજાઈ જેમાં દરેક જગ્યાએ BJPની સ્ટુડન્ટ વિંગ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)નો પરાજય થયો. જ્યાં ગયા અઠવાડિયે ચૂંટણી યોજાઈ અને ABVPનો પરાજય થયો એ યુનિવર્સિટીઓમાં દિલ્હી યુનિવર્સિટી, દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી, જયપુરની રાજસ્થાન યુનિવર્સિટી, ચંડીગઢની પંજાબ યુનિવર્સિટી અને ગુવાહાટીની આસામ યુનિવર્સિટીનો સમાવેશ છે. આમાં દિલ્હી યુનિવર્સિટી તો ABVPનો ગઢ ગણાતો હતો અને એમાં ABVPનો થયેલો પરાજય BJPના નેતાઓ માટે ચોંકાવનારો છે. બીજી ઘટના મંગળવારે બૅન્ગલોરમાં બની હતી. ગૌરી લંકેશની હત્યા પછી યોજાયેલા દેખાવોમાં ૪૦,૦૦૦ લોકોએ ભાગ લીધો હતો જેમાં ૮૦ ટકા વિદ્યાર્થીઓ હતા. એ દેખાવો અનોખા હતા અને એમાં અદ્ભુત શાલીનતા હતી. એ પહેલાં ગૌરી લંકેશની હત્યા પછી બીજા દિવસે દેશભરમાં વિવિધ શહેરોમાં દેખાવો યોજાયા હતા જેમાં સેંકડોની સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો.

હવે એમ લાગે છે કે વિરોધનો સૂર સમર્થનના સૂર કરતાં બુલંદ થઈ રહ્યો છે. BJPના સાઇબર સેલમાંથી જનરેટ કરવામાં આવતા મેસેજીઝ જેટલે દૂર પહોંચે છે એના કરતાં શંકા કરનારા લોકોના અને પ્રશ્નો પૂછનારા લોકોના મેસેજીઝ ઘણે દૂર સુધી પહોંચતા થયા હોવા જોઈએ. એમાં ગૌરી લંકેશને કુતિયા કહેનારા નિખિલ દધીચ નામમાં ટ્રોલના ટ્વિટર અકાઉન્ટને વડા પ્રધાન ફૉલો કરે છે એ બહાર આવ્યા પછી નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા વધારે ઝાંખી પડી છે.

આમ તો આ કોઈ નવી વાત નથી. સ્વાતિ ચતુર્વેદીએ લખેલું ‘I Am a Troll : Inside the Secret World of the BJP's Digital Army’ નામનું પુસ્તક ગયા વરસે પ્રકાશિત થયું હતું. બિકાઉ મીડિયાએ અને બિકાઉ રાજકીય સમીક્ષકોએ એ પુસ્તક વિશે વાત ન કરીને સરકારને મદદ કરી હતી. નક્કર પુરાવાઓ સાથેની એ પુસ્તકમાંની વિગતો વાંચશો તો તમારા મનમાં વડા પ્રધાન માટે ધિક્કાર કરતાં દયાની લાગણી પેદા થશે. આપણા વડા પ્રધાન આવા લોકોની કંપની ધરાવે છે અને આવા લોકોની મદદ લે છે! મામલો રેકૉર્ડ પર છે એટલે ઇનકાર પણ થઈ શકે એમ નથી. ડિજિટલ મીડિયાની સમસ્યા એ છે કે એ સગડ છોડી જાય છે અને એને ભૂંસી શકાતા નથી અને સ્માર્ટ લોકો એ સગડ પકડીને ગંગોત્રી સુધી પહોંચી જાય છે.

તો નિખિલ દધીચને સોંપવામાં આવેલા મિશનમાં કારણે જે પુસ્તકની યોજનાબદ્ધ રીતે અવગણના કરવામાં આવી હતી એ લોકો સુધી પહોંચી રહ્યું છે. ત્રીસ-ત્રીસ રૂપિયામાં એ પુસ્તક ચણામમરાની જેમ વેચાઈ રહ્યું છે. એ પુસ્તકની પાછળ-પાછળ રાણા અયુબનું બીજું એક આવું જ પુસ્તક ‘Gujarat Files : Anatomy of a cover up’ પણ ચર્ચામાં આવ્યું છે જેની પણ યોજનાબદ્ધ અવગણના કરવામાં આવી હતી. સોશ્યલ મીડિયા દ્વારા આ બન્ને પુસ્તકો વંચાય છે અને વેચાય છે. આ બાજુ રવીશ કુમારના પ્રાઇમ ટાઇમના દર્શકોની સંખ્યા કૂદકે ને ભૂસકે વધી રહી છે. હવે એવું નજરે પડી રહ્યું છે કે વાહ-વાહ કરનારા લોકો કરતાં પ્રશ્નો કરનારા લોકોની સંખ્યા વધી રહી છે અને એ વાતે વડા પ્રધાન અને BJPના અધ્યક્ષ અમિત શાહ પરેશાન છે.

સ્વાભાવિકપણે વાહ-વાહ કરનારાઓ કરતાં શંકા કરનારા અને પ્રશ્નો કરનારા વધારે બુદ્ધિશાળી અને હિંમતવાન હોવાના. એક સમય હતો જ્યારે તેઓ નરેન્દ્ર મોદીના પ્રભાવમાં હતા. તેમને એમ લાગતું હતું કે ગુજરાતમાં રામરાજ્ય છે અને નરેન્દ્ર મોદી ભારતમાં રામરાજ્ય લઈ આવવાના છે. નરેન્દ્ર મોદીનો એજન્ડા વિકાસ છે અને તેમની પાસે ડેવલપમેન્ટનું એક વિઝન પણ છે. કારણ વિના સેક્યુલરિસ્ટો નરેન્દ્ર મોદીને ગુજરાતનાં કોમી તોફાનોને કારણે બદનામ કરી રહ્યા છે. નરેન્દ્ર મોદી ૨૦૦૨ની સાલ કરતાં ક્યાં ય આગળ નીકળી ગયા છે, પરંતુ સેક્યુલરિસ્ટો ૨૦૦૨ ભૂલી શકતા નથી અને આગળ જોતા નથી. તેમણે વિકાસલક્ષી નરેન્દ્ર મોદીને એક ચાન્સ આપ્યો હતો.

યાદ રહે કે એ લોકોએ ચાન્સ આપ્યો હતો, બુદ્ધિ ગિરવી નહોતી મૂકી. ઝીણી આંખે દેશમાં શું બની રહ્યું છે અને વડા પ્રધાન ક્યાં કઈ રીતે વર્તે છે અને બોલે છે એના પર નજર રાખી રહ્યા છે. હવે તેમને સમજાઈ ગયું છે કે વડા પ્રધાન પાસે વિકાસનો કોઈ નક્કર એજન્ડા નથી. જો વિકાસની કોઈ દૃષ્ટિ અને સ્પષ્ટ રૂપરેખા હોત તો તેમણે નોટબંધી કરીને આ બૈલ મુઝે માર જેવું ન કર્યું હોત. તેમને એ પણ સમજાવા લાગ્યું છે કે દેશની સુરક્ષાની બાબતે પણ વડા પ્રધાન પાસે આગલી સરકારો કરતાં કોઈ અનોખી યોજના નથી. પાકિસ્તાન સરહદે અને ચીન સરહદે આ વારંવાર સાબિત થઈ રહ્યું છે. આમ ધીરે-ધીરે પ્રજાનો, ખાસ કરીને યુવાનોનો ભ્રમ ભાંગી રહ્યો છે અને આજે નરેન્દ્ર મોદીનો બચાવ કરનારા ઝાંખા પડી રહ્યા છે. એ લોકો ભોળા ભક્ત નહોતા, પણ નરેન્દ્ર મોદીના વિકાસના અને પરિવર્તનના એજન્ડાના સમર્થકો હતા. ભક્ત બુદ્ધિ ગિરવી મૂકી દેતો હોય છે, સમર્થક નહીં.

જે લોકો સમર્થન કરતા હતા એવા રાજકીય સમીક્ષકો અને કટારલેખકો બચાવ કરવા હવે આગળ આવતા નથી, કારણ કે તેમને ડર છે કે તેમની ગણના બિકાઉ પત્રકારોમાં કરવામાં આવશે. સોશ્યલ મીડિયા પર સમર્થકો હવે સમર્થન કરવા પહેલાં જેટલા આગળ આવતા નથી. તેમને ડર છે કે તેમની ગણના ઓછી સમજ ધરાવનારા ભોળા ભક્ત તરીકે કરવામાં આવશે અને એટલે તેઓ શરમાય છે. મારો પોતાનો અનુભવ એવો છે કે પહેલાં આઠ-દસ જણ મારા વિચારોની ટીકા કરતા હતા જે સંખ્યા ઘટીને હવે બે પર આવી ગઈ છે. એવું પણ હોય કે ભલે મોડે મોડે પણ તેમને સત્ય સમજાયું હોય. આમ સમર્થકો નિષ્ક્રિય થઈ રહ્યા છે અને બિકાઉ પત્રકારો અને આર્મી ઑફ ટ્રોલે પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. આવી કફોડી સ્થિતિ સરકારે, ખાસ કરીને નરેન્દ્ર મોદીએ અને અમિત શાહે પોતે પેદા કરી છે. ખરીદેલા અવાજો જ્યારે પ્રતિષ્ઠા ગુમાવી દે છે ત્યારે સમર્થકો શરમાવા લાગે છે અને સત્યનો અવાજ બુલંદ થઈ જાય છે. એટલે તો અમિત શાહે યુવાનોએ સલાહ આપવી પડી છે કે તેમણે નીરક્ષીર વિવેક કરવો જોઈએ.

સૌજન્ય : ‘નો નૉન્સેન’ નામક લેખકની કોલમ, ‘સન્નડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 17 સપ્ટેમ્બર 2017

Loading

...102030...3,4533,4543,4553,456...3,4603,4703,480...

Search by

Opinion

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • દારૂનો વેપાર ધમધોકાર ચાલે એટલે ગુજરાતમાં દારૂબંધી છે…
  • डाकियाની દુનિયામાં ડોકિયું : પોસ્ટલ હેરિટેજ પ્રદર્શન
  • દસ મિનિટનો ફોટોગ્રાફ

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved