Opinion Magazine
Number of visits: 10,229,517
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિસરતી વિરાસત અને વિસરાતું શબ્દલાલિત્ય

સંજય આર. તલસાણિયા|Opinion - Literature|10 August 2019

બદલાતી જીવનશૈલી, લોકોની શહેર ભણી આંધળી દોટ અને વિદેશી સંસ્કૃતિનું આંધળું અનુકરણ એમ ત્રિવિધ કારણે ગુજરાતી ભાષાને જે નુકશાન થયું છે – થઈ રહ્યું છે તેની ખોટ કદાચ પૂરી કરી શકાય એમ નથી.

જે ગુજરાતી ભાષાએ પોતાનાં શબ્દલાલિત્ય, શબ્દગાંભીર્ય અને શબ્દગરિમાને કારણે દેશના સીમાડા ઓળંગી વૈશ્વિક સ્તરે સાહિત્યકારોને નામના અપાવી છે એ ગુજરાતી ભાષાનું ગૌરવ છે, એમાં શંકાને સ્થાન નથી, છતાં એ ચોક્કસપણે સ્વીકારવું જ પડશે કે વિસરાતી વિરાસત અને બદલાતી જીવનશૈલીને કારણે ગુજરાતી ભાષાનાં જે મીઠાશ, તળપદાપણું અને પોતીકાપણું ગુમાવ્યાં છે તેથી ગુજરાતી ભાષામાં ગ્રહણ લાગ્યાની અનુભૂતિ થાય છે.

હા, જ્યારે ગામ, સમાજ કે રાષ્ટ્રમાં ભાષાકીય ધોવાણ થાય છે ત્યારે એ જે-તે સાંસ્કૃતિક અસ્મિતાને પણ ખતમ કરી નાખે છે. પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઈ રહેલાં આપણાં ગામડાં અને શહેરોમાં તેની ભાતીગળ, સાંસ્કૃતિક ઓળખ ભૂંસાતી જતી જોઈ શકીએ છીએ.

ગામડાં અને શહેરનાં રીત-રિવાજો, ખાન-પાન, રહેણાંક અને પહેરવેશ બદલાયાં તેથી છેલ્લા ત્રણ દાયકામાં તેનાં ઘણાં સાંસ્કૃતિ મૂલ્યો તો નાશ પામ્યાં જ; સાથે-સાથે ગુજરાતી ભાષાનાં ઘણા શબ્દો, શબ્દાવલીઓ, કહેવતો અને રૂઢિપ્રયોગો પણ નાશ પામ્યાં છે. ઘર, ઘર સજાવટ, પહેરવેશ, આભૂષણો, ખેતી-પશુપાલ વગેરેમાં બદલાવ આવવાથી શિક્ષિત સમાજ તો બરાબર પરંતુ ગામડા ગામના લોકોમાં પણ અમુક શબ્દો વિષેની સમજ ભૂંસાઈ ગઈ છે. એમાં તેમનો દોષ નથી કેમ કે જે વસ્તુઓ કે શબ્દો વ્યવહારમાંથી જ લુપ્ત થયા છે તેને સમજવા, જાણવા અને જાળવવાં અઘરાં બને છે. એવી કઈ-કઈ વસ્તુઓ છે કે જેના કારણે અનેક શબ્દો લુપ્ત થયા કે જે ગામડાગામની ઓળખ હતી. એ વિસરાઈ ગયેલા શબ્દો જોઈએ …

ઘર માટે વિસરાઈ રહેલા શબ્દો :

ખોરડું : કાચું ગાર-માટીની દીવાલવાળું, દેશી નળિયાં અને વાંસની પટ્ટીથી બનાવેલ રહેણાંક.

પછીત : ઘરની પાછળની દીવાલ.

કરો : જેના પર મોભ (મજબૂત લાકડું) ટેકવ્યું હોય એ મકાનની બે સામ-સામી દીવાલ.

મોભ / મોભારુ : બે દીવાલમાં કરાની દીવાલને જોડતું મજબૂત લાંબુ લાકડું.

ભડુ : એ દીવાલ કે જ્યાં બારસાખ (બારણું) મુકવામાં આવે છે.

બારસાખ : મજબૂત લાકડામાંથી બનાવેલું ચોકઠું કે જેમાં કમાડ (બારણું) ફીટ કરવામાં આવે છે.

ઘોડલિયા : બારસાખને સાંધતા બે ઘોડલા કે જેના પર લગ્ન પ્રસંગે ભરતગૂંથણ કે તોરણ મૂકી સુશોભન કરી શકાય.

પાણિયારુ : જેમાં ગોળો, હેલ, કળસિયો (લોટો), પ્યાલો (ગ્લાસ) મૂકવાની જગ્યા કે જે ઓસરીમાં પડતી રસોડાની બહારની દીવાલમાં સ્થિત હોય છે અથવા ત્યાં લાકડાની બનાવેલ હોય છે.

ખીંટી : ઓસરીની દીવાલમાં આશરે અડધો ફૂટ લાકડાની કલાત્મક ખીંટી કે જેના પર પાઘડી, તલવાર, કપડાં, થેલી વગેરે લટકાવી શકાય.

નેજવું : છતને થાંભલી સાથે ટેકવવા માટે લાકડાનું નેજવું મૂકવામાં આવે છે કે જે કાષ્ટકલાનો અદ્દભુત નમૂનો પણ હોય છે.

મોતિયું : નેવા પર નળિયાંને ટેકવાનું વપરાતું લાકડું.

ગોખ : ઓરડાની ઓસરીમાં પડતી દીવાલમાં બારણાથી થોડે ઉપર મૂકવામાં આવતો ઝરુખો (હવાબારી).

વંડી : મકાનની ચાર અથવા ત્રણ બાજુ માટીની બનાવેલ આશરે 6થી 8 ફૂટ દીવાલ ..

માઢ / મેડી : ઘરની વંડી(દીવાલ)ના પ્રવેશ દ્વાર પર લેવામાં આવતો બીજો માળ.

ગોખલા : વંડી(દીવાલ)માં ડેલીની બંને બાજુ બહારની દીવાલે માટીનાં કોડિયાં મૂકવા માટેની જગ્યા.

છાજુ : માટીની કાચી (વંડી) દીવાલ પર વરસાદી પાણીથી થતું ધોવાણ રોકવા ઘાસ અને માટીથી બનાવેલું છાજુ.

ફળિયું : ઘરની આગળની ખુલ્લી જગ્યા કે જે ઘરની ચોતરફ અથવા આગળની જગ્યા કે જેની ફરતે વંડી હોય છે, ગામડાગામમાં ફળિયામાં તુલસીનો ક્યારો, ગાય-બળદની ગમાણ (કોઢ કે ઢાળિયું) એકાદ વૃક્ષ હોય છે, જે ઘરની શોભાને ચાર ચાંદ લગાવે છે.

કોઢ : ફળિયામાં ગાય-ભેંસ કે બળદ બાંધવાની જગ્યા.

ગમાણ : ગાય-ભેંસ, બળદને ચારો નાખવાની જગ્યા.

પડથાર : ફળિયાથી ઓસરીની ઊંચાઈ કે જે આશરે બે, ત્રણ કે પાંચ ફૂટ પણ હોઈ શકે. ઊંચી પડથારવાળા મકાનની શોભા અનેરી હોય છે.

રસોડાનાં ઉપયોગી વાસણોના વિસરાતા શબ્દો :

હેલ : ગાગર અને હાંડો કે જે પિત્તળ, તાંબાનું પાણી ભરવાનું પાત્ર.

બુઝારું : ગાગર, હેલ, ગોળાને ઢાંકવાનું પિત્તળનું પાત્ર.

ડોયો : ગોળામાંથી પાણી પ્યાલો (ગ્લાસ) કળશ્યા(લોટા)માં ભરવાનું પાત્ર કે જેને છેડે લાંબી ટાડલી હોય છે.

ગરવું : રોટલા-રોટલી ભરવાનું પિત્તળનું વાસણ.

હાંડલું : ખીચડી, રાંધણું કે લાપસી બનાવવાનું માટીનું વાસણ.

ડવલો : ખીચડી, રાંધણું કે લાપસી હલાવવાનું લાકડાનું વાસણ (ચમચો)

પાટિયો : શાક અને કઢી બનાવવાનું માટીનું વાસણ.

ગાડવો : ગાય-ભેંસ દોહવા તેમ જ દહીં, ઘી ભરવાનું માટીનું મજબૂત વાસણ.

માણ : વાડી-ખેતરે પાણી ભરવાનું પાત્ર કે જેનું ગળું સાંકડું હોય છે.

ભૂંભલી : ખેતર-વાડીએ પાણી ઠંડું રહે તેમ જ લઈ જવા-લાવવાનું માટીનું પાત્ર જેને બતક પણ કહે છે.

દોહણું / દોણું : ગાય-ભેંસ દહોવા તેમ જ દહીં જમાવવાનું માટીનું પાત્ર કે જે રંગે કાળું હોય છે.

વાઢી :  પ્રસંગોપાત્ત ઘી પીરસવા માટે માટી, તાંબા-પિત્તળની ધાતુનું પાત્ર.

કાથરોટ : રોટલીનો લોટ બનાવવાનું / બાંધવાનું પાત્ર જેને દાથરી પણ ઘણાં લોકો કહે છે.

તાંસળી : શાક, દૂધ, છાશ પીવા કાંસાની ધાતુનું મોટા વાટકા આકારનું પાત્ર.

ટબુડી / ટોયલી : નાનાં બાળકોને પાણી પાવાનું તાંબા / પિત્તળની ધાતુનું નાના લોટા આકારનું પાત્ર.

છાલિયું : શાક, છાશ, દૂધ-દહીં જમતી વેળાએ ભરવાનું પાત્ર.

ઈંધણાં / બળતણ : રસોઈ બનાવવા માટે વપરાતાં લાકડાં.

મંગાળો : ત્રણ પથ્થર કે ઈંટનો કામચલાઉ ચૂલો.

કોઠા : અનાજ ભરવા, સાચવવા માટી-કૂંવળ-લાદમાંથી બનાવેલ સાધન.

સંજેરિયાનો કોઠો. : દહીં, દૂધ, શાક, છાશને ઉંદર, બિલાડી, જીવ-જંતુથી બચાવવા / રક્ષિત કરવા માટેનું માટીનું પાત્ર કે જે આજે ગામડા-ગામમાં પણ નામશેષ થઈ ગયું છે.

સાંબેલું / ખાંડણિયું : અનાજ ખાંડવા / કૂટવા માટે લાકડાનું સાધન કે જેને છેડે લોખંડની કૂંડલી હોય છે.

ઘંટલો / ઘંટુલો : પથ્થરના બે પડવાળી ચક્કી કે જેના દ્વારા અનાજ-કઠોળ ભરડવાનું સાધન.

ઘંટી : અનાજ દળવાનું પથ્થરના બે પડવાળું સાધન.

થાળું : ઘંટી મૂકવાનું માટી / લાકડાનું સાધન.

ટંક : લોખંડના પતરામાંથી બનાવેલ બેગ કે જેમાં કપડાં-લત્તાં મૂકી શકાય.

હડફો : લાકડાની પેટી કે જેમાં રોટલા-રોટલી છાશ-મૂકી શકાય.

મજુડુ :  શ્રીમંત ઘરોમાં સુંદર કાષ્ટકલાની બેનમૂન પેટી કે જેમાં રોટલી – શાક – છાશ – દહીં – ઘી – માખણ મૂકી શકાય એવું ચાર પાયાનું મોટી પેટી આકારનું પાત્ર.

ઢીંચણિયું : જમતી વેળાએ / વખતે ઢીંચણ નીચે મૂકવાનું લાકડા અથવા ધાતુનું પાત્ર. દેશી વૈધો ખાસ તેનો જમતી વખતે આગ્રહ રાખે છે.

પડઘી : તાંસળી નમી ન જાય / ઢળી ન જાય (દૂધ-છાશ )એ માટે તાંસળીની નીચે રાખવાનું લાકડા અગર પિત્તળનું પાત્ર.

શીંકુ : રસોડાના નાટે લટકાવવાનું દોરી-દોરડામાંથી બનાવેલ પાત્ર કે જે દહીં-દૂધ-છાશ બિલાડી-ઉંદરથી રક્ષિત તેમ જ હવા ઉજાસ મળે તેથી બગડે પણ નહીં તેવું પાત્ર (કાવ્ય – માખણ મેલ્યાં છે મેં તો શીકા ઉપર ઝૂલતા …)

ડામચિયો : ઓરડા અથવા ઓસરીની દીવાલમાં મોટું ખાનું, ઘણી જગ્યાએ તે લાકડાનું પણ હોય છે કે જેનાં પર ગોદડાં – ગાદલાં, ઓશીકાં મૂકવામાં આવે છે. (ગુજરાતીમાં કહેવત છે “ડામચિયે દીવો કરો …”

એ જ રીતે ગામડાગામમાં જુદા-જુદા પ્રહર પ્રમાણે નિશ્ચિત શબ્દો હતા જે આજે લોક જુબાનથી લગભગ લુપ્ત થવાને આરે છે. આ શબ્દો કયા-કયા છે તે જાણીએ –

પ્રાગડવાસ : વહેલી સવારનો સમય કે જ્યારે સૂરજનારાયણ ઉદિત ન થયા હોય એ પહેલાનું ટાણું (સમય) જેને મોં સૂઝણું, ભળકડું, સદિયાળું વગેરે તળપદ શબ્દો સૌરાષ્ટ્રના સાયલા-ચોટીલામાં પ્રચલિત હતા.

દી ઉગ્યાટાણું : સૂર્ય ઉદય થયા પછીનો વખત (સમય).

શિરામણ ટાણું : દી ઊગ્યા પછીનો સમય કે જ્યારે ખેડૂત વાડીએ જતાં પહેલાં નાસ્તામાં શીરો અને દૂધ આરોગીને પછી વાડીએ જતો એ સમય.

બપોરા : બપોરનો સમય.

રોંઢા ટાણું : આશરે ૩ (ત્રણ) વાગ્યાનો સમય.ગોરજ ટાણું : વગડે ચરવા ગયેલ ગાયોને સાંજે પરત ફરવાનું ટાણું. (ગાયોના ચાલતી વખતે ઊડતી રજથી પ્રચલિત બનેલો શબ્દ એટલે “ગોરજ”)

રુઝયું ટાણું : સૂરજ અસ્ત પામ્યા પછી પશ્ચિમ દિશામાં પ્રસરેલી લાલિમા કે જેને સંધ્યા ટાણું પણ કહે છે.

ઝાલર ટાણું : સૂરજ આથમ્યા પછી આશરે અડધી કલાક બાદનો વખત કે જ્યારે મોટા ભાગે મંદિરમાં આરતી થાય છે તેથી ઝાલર ટાણું.

વાળુ ટાણું : સાંજના ભોજનની વેળા (સમય)

જળ જંપ્યા ટાણું : મોડી રાત્રીનો સમય કે જેમાં માત્ર નીરવતા છવાયેલી હોય છે.

આ તો ફક્ત દેખીતી નજરે ધ્યાને આવેલા ગણ્યા-ગાંઠ્યા શબ્દોનો જ પરિચય કરાવ્યો છે, બાકી હજી પણ એવા અનેક શબ્દો છે કે જેનો વ્યવહારમાં ઉપયોગ બંધ થતાં એ શબ્દો લોકબોલીએથી આજે લુપ્ત થયા છે. સાચા ગુજરાતી તરીકે આપણી પવિત્ર ફરજ છે કે તેની ચિંતા અને ચિંતન કરીએ, ગામડા-ગામના બુઝુર્ગોને મળીએ, આત્મીયતા કેળવીએ અને આવા સાંસ્કૃતિક ધરોહર સમા આપણાં તળપદ શબ્દો, કહેવતો, શબ્દાવલીઓ મેળવીએ, જાણીએ અને સંચય કરી ગુજરાતી ભાષાનાં ગરિમા અને શબ્દલાલિત્યને જીવંત રાખી આપણું માતૃભાષા પ્રત્યેનું ઋણ અદા કરીએ.

સીનિયર લેક્ચરર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, ભાવનગર, ભારત

સૌજન્ય : “અખંડ આનંદ” જુલાઈ 2019; પાન 84 થી 87 

Loading

રવીશ કુમાર : ‘ડરથી હિમ્મત સુધીનો પ્રવાસ હું દરરોજ કરું છું… રોજ એક જૂઠાણું મને ડરાવે છે, તેનો હું સામનો કરું છું’

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|9 August 2019

રવીશ કુમારના લેખોનું અંગ્રેજી પુસ્તક ‘ધ ફ્રી વૉઇસ’ એ ગોદી મીડિયા, આઈ.ટી. સેલ, વૉટસઍપ યુનિવર્સિટી, ઝનૂની રાષ્ટ્રવાદ, લોકશાહી જેવા વિષયોની છણાવટ કરે છે. ગુજરાતીમાં તેનો સાર ‘વાત રવીશકુમારની’ નામે પ્રકાશિત થયો  છે.

મૅગસેસે પુરસ્કારથી સન્માનિત પત્રકાર રવીશ કુમાર ગયાં પાંચેક વર્ષથી ભારતીય જનતા પક્ષ, તેના સાથી સંગઠનો, મોદી ભક્તો અને ઝનૂની હિન્દુત્વવાદીઓના રોષનો સામનો કરતા રહ્યા છે. સરકારી અધિકારીઓ, પોતાની સુખાળવી જિંદગીની બહાર નહીં જોનાર ઇન્ડિયન મિડલ ક્લાસ અને મીડિયાનો એક હિસ્સો તેમના પ્રાઇમ ટાઇમ શોથી નારાજ રહે છે. જો કે  મૂલ્યનિષ્ઠ અને લોકધર્મી પત્રકારિતાનો એક નમૂનો પૂરો પાડતાં હોવા છતાં  રવીશ માટે ટીકા અને ટ્રૉલિંગ, ધાક અને ધમકી તેમના માટે રોજનાં થયાં છે. તેમનાં કામનું, ખાસ તો અત્યારના દેશકાળમાં, મહત્ત્વ સમજનારા સહુ રવીશ કુમારની ચિંતા કરે છે. તેમના જેવા સ્પષ્ટવક્તા પ્રહરીઓને અસલામતી અને હિંસાચારથી ખદબદતા આ દેશમાં વારંવાર સવાલ પૂછવામાં આવે છે : ‘તમને ડર નથી લાગતો ?’ રવીશનો જવાબ છે : ‘ડરથી હિમ્મત સુધીનો પ્રવાસ હું દરરોજ કરું છું …’  

આ પ્રવાસની માંડીને વાત રવીશ ‘ધ ફ્રી વૉઇસ : ઑન ડેમૉક્રસી, કલ્ચર ઍન્ડ નેશન’ નામનાં ખૂબ અસરકારક અંગ્રેજી લેખસંગ્રહના પહેલા લાંબા લેખ ‘સ્પીકીન્ગ આઉટ’માં કરે છે. તેમના આઠ લાંબા લેખોનું ‘ધ ફ્રી વૉઇસ’ પુસ્તક દિલ્હીનાં ‘સ્પીકીન્ગ ટાઇગર’ પ્રકાશને ગયાં વર્ષે પ્રસિદ્ધ કર્યું.  રવીશ કુમારે મૂળ હિન્દીમાં લખેલા લેખોનો આ પુસ્તક માટેનો વાચનીય અનુવાદ ચિત્રા પદ્મનાભન, અનુરાગ બાસનેટ અને રવિ સિંગે કર્યો છે. લોકોના વીતક કે દેશના સવાલો પર અઠવાડિયામાં પાંચ દિવસ દરરોજ વ્યાપક ફીલ્ડવર્ક, અકાટ્ય આધાર અને સ્પષ્ટ ભૂમિકા સાથે કાર્યક્રમ રજૂ કરતા ટેલિવિઝન પત્રકાર તરીકે તો રવીશ અજોડ છે જ. પણ ‘ધ ફ્રી વૉઇસ’ પુસ્તકમાં તે માધ્યમો અને લોકશાહીના ઊંડા અભ્યાસી તેમ જ વિશ્લેષક તરીકે આપણી સામે આવે છે. દેશમાં સતત ભય, વિભાજક પરિબળોએ સમાજમાં બધે ફેલાવેલું ઝેર, દેશભક્તિના નામે ધર્મઝનૂની રાષ્ટ્રવાદ, ઇતિહાસનું વિકૃતિકરણ, અને લોકશાહીમાં ‘પીપલ’ અર્થાત્‌ લોકો હોવાની જવાબદારી વિશે તે લખે છે. બાવાઓના ભરડામાં સપાડાયેલી આપણી જનતા, હુમલા અને લિન્ચિન્ગ, ટોળાંશાહી દ્વારા કોઈ પણ જગ્યાએ આવી શકે તેવો હિટલરનો ભીષણ ફાસીવાદ, આપણા સમાજમાં પ્રેમીઓ તરફનો  હિંસક તિરસ્કાર અને  મૂળભૂત  અધિકાર રાઇટ ટુ પ્રાઇવસી વિષયો પણ આ પુસ્તકમાં છે. તેમાંથી કેટલાક રવીશ કુમારનાં ફેસબુક પેઇજ, તેમના બ્લૉગ તેમ જ હિન્દી લેખોના બે સંગ્રહો ‘દેખતે રહિએ’ અને ‘રવીશપન્તી’માં પણ છે. વળી, કંઈક અંશે લેખકના પોતાના પ્રણયકાળની ઝલક આપતી ‘લઘુ પ્રેમ કથાઓ’નું મજાનું નાનકડું સચિત્ર પુસ્તક  રાજકમલ પ્રકાશને ‘ઇશ્કમેં શહર હોના’ નામે પ્રસિદ્ધ કર્યું છે.

રવીશના ગુજરાતના ચાહકો માટે આનંદની વાત એ છે કે રવીશકુમારના ઉપર્યુક્ત ‘ધ ફ્રી વૉઇસ’ લેખસંગ્રહનો સાર આપતું પુસ્તક ગુજરાતીમાં ‘વાત રવીશકુમારની’ નામે પ્રસિદ્ધ થયું છે. સારલેખનનું પડકારરૂપ કામ પખવાડિક સર્વોદયી વિચારપત્ર ‘ભૂમિપુત્ર’ના એક કર્મશીલ સંપાદક રજની દવેએ પાર પાડ્યું છે. તેમણે પહેલાં ‘ભૂમિપુત્ર’માં રવીશકુમારનાં અંગ્રેજી પુસ્તકની રજૂઆત કરતી લેખમાળા લખી. પછી તેમાં કેટલીક મહિતી અને સૂઝપૂર્વકની તસવીરોનાં ઉમેરણ સાથે પુસ્તક કર્યું. તે વડોદરાનાં યજ્ઞ પ્રકાશને લોકસભા ચૂંટણીના ત્રણ દિવસ પહેલાં એટલે કે વીસમી એપ્રિલે પ્રસિદ્ધ કર્યું. અંગ્રેજી પુસ્તકમાં રવીશે પહેલા લેખ ‘સ્પીકીંગ આઉટ’માં મીડિયા દ્વારા સાચું કહી દેવાના સંદર્ભમાં ડર, અને લોકોને ડરાવવા માટે ચાલતી રાષ્ટ્રીય યોજના, ‘નૅશનલ પ્રોજેક્ટ ફૉર ઇન્સ્ટિલિન્ગ ફીઅર’ એવા વ્યંજનાત્મક મથાળાવાળા ત્રીજા લેખમાં  જે લખ્યું  છે તેની વાત અહીં કરવાની છે.

નાનપણમાં બિહારનાં ગામમાં બીલીનાં ઝાડ નીચેથી પસાર થતાં ડરતો રવીશ હનુમાન ચાલીસા બોલતો. પછીનાં વર્ષોમાં ફિલ્મોનાં હિંસક દૃશ્યો, પરીક્ષાના દિવસો અને કાલ્પનિક ભયથી પણ તે રડવા લાગતો. માતપિતા અને ત્યાર બાદ પ્રેમિકા – પત્ની નયનાએ તેને ડરમાંથી બહાર નીકળવામાં મદદ કરી. વ્યવસાયમાં પણ ડરને પોતે પ્રયત્નપૂર્વક કેવી રીતે દૂર કર્યો તે વિશે રવીશ લખે છે. ભારતમાં ગયાં પાંચ વર્ષોમાં રાજકીય પક્ષો કે વિભાજક જૂથોનાં ‘આઈ.ટી. સેલ’ અને  ‘તેમના માટેની પ્રયોગશાળા એવી વૉટસઍપ યુનિવર્સિટી’એ ફેલાવેલાં ભયનાં સામ્રાજ્ય, તેમનાં કાવતરાં અને તેમની સામે બોલનારા પર વીતાવામાં આવતા ત્રાસ વિશે રવીશ લંબાણથી લખે છે. તેમાં આમીર ખાન સામેની ઝુંબેશ, કરણી સેનાનાં કરતૂત, ડેન્માર્કના કાર્ટૂનિસ્ટના માથા માટેનું ઇનામ જેવા દાખલા તે આપે છે. રવીશના માનવા મુજબ ચૅનલ પરની ડિબેટસ્ પણ ડર ફેલાવનાર પરિબળ છે. આવા ભયભીત કાળમાં  ‘સ્પીક આઉટ’ એ કેટલી બધી હિમ્મત માગી લે છે તેની પણ વાત આવે છે.

પુસ્તકનો આરંભે જસ્ટીસ લોયાનાં શંકાસ્પદ મોત અંગે કાર્યક્રમ બનાવવામાં પોતે અનુભવેલા ખૌફ અંગે રવીશ લખે છે. તેમાંથી સમજાય છે કે તેમની અંદરનાં ડર પર ફરજપરસ્ત પત્રકારના માંહ્યલાએ જીત મેળવી. 23 નવેમ્બર 2017નો વિગતોથી ધ્રૂજાવી દેનારોએ કાર્યક્રમ અત્યારના દિવસોમાં ખાસ જોવા જેવો છે. જો કે નીડરતા અંગેની કોઈ હિરોગીરી રવીશ કરતા નથી. એ કહે છે :  એમની પાસે નિર્ભયતાનો કોઈ મંત્ર નથી, પોતે ‘વિશેષ વખાણ કરવા જેવું’ કંઈ કહેતા નથી, એ ‘માત્ર લોકો શું માને છે’ તેને જ રજૂ કરે છે, એમની જેમ બોલનારા બીજા પણ છે. રવીશના મતે ડર એટલો બધો છે કે બોલવું એ જ બહાદુરીમાં ખપે છે. જો કે એ સ્વીકારે છે કે બોલતાં પહેલાં ‘ડરનાં બોગદામાંથી પસાર થવું અઘરું હોય છે’.

મીડિયાકર્મીઓને ડરાવવાનો જાણે એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમ રવીશને લાગે છે. લોકસભાના પૂર્વ સ્પીકર સુમિત્રા મહાજને સૂચવ્યા મુજબના ‘નારદ’ જેવા પત્રકારો (જે રવીશના શબ્દોમાં ‘નારાયણ નારાયણ’ નામે સરકારનો જાપ કરે) અને સરકારને ખોળે અથવા તેની ગોદમાં બેઠેલા ‘ગોદી મીડિયા’ના અખબારનવેશો સલામત છે. બીજા બધા અસલામત છે, તેઓ કાયદાને નેવે મૂકતાં ટોળાંને હવાલે છે. રવીશ ‘કેરેવાન’ માસિકના ખબરપત્રી બાસિત મલિક પર ટોળાંએ કરેલા હુમલા ઉપરાંત બીજા ઘણાં દાખલા આપે છે. રવીશને ડર છે કે હવે વૈકલ્પિક મીડિયાના પત્રકારોનો વારો આવશે. કર્ણાટકના રૅડિકલ પત્રકાર  ગૌરી લંકેશની હત્યાની સાથે તે ત્રણ રૅશનાલિસ્ટો દાભોલકર-કલબુર્ગી-પાનસરેની હત્યાઓનો તે ઉલ્લેખ કરે છે. અલબત્ત ગૌરીની હત્યાને સોશ્યલ મીડિયામાં જે રીતે મોટા પાયે યોગ્ય ઠેરવવામાં આવી તેનો રવીશને ખૂબ આક્રોશ છે. બેટીઓને બચાવવી પડે એવા દેશમાં રામ રહિમ કે આસારામની સામે પડનાર વીરાંગનાના ટેકામાં કોઈ પક્ષ ઊભો  ન રહ્યો, તેવું જ ગૌરીની બાબતમાં બન્યું એનો પણ રવીશ ઉલ્લેખ કરે છે. વધુ ખરાબ તો એ કે એક નિખિલ દધિચે ગૌરીની હત્યા પર ‘કૂતરી મરી ગઈ’ એ મતલબનું ટ્વિટ કર્યું. આ માણસના એક ટ્વિટર ફૉલોઅર વડા પ્રધાન નરેન્દ્ર મોદી હતા. રવીશ લખે છે : ‘આ દેશના નાગરિકો તરીકે આપણે બધાએ વડા પ્રધાનને પૂછવું જોઈએ : ‘તમે દધીચને શા માટે ફૉલો કરો છો ?’ રવીશનું પુસ્તક ‘ધ ફ્રી વૉઇસ’ નાગરિકોને અને નવી પેઢીને  આવા અનેક પ્રશ્નો કરવાની પ્રેરણા આપનારું છે.

*******

07 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 09 ઑગસ્ટ 2019 

Loading

ફિલ્મ પત્રકારમાંથી સફળ ફિલ્મ લેખક-ડિરેક્ટર બનેલા ઉત્તમ સાહિત્યકાર ખ્વાજા અહમદ અબ્બાસ

નીલય ભાવસાર ‘સફરી’|Opinion - Opinion|9 August 2019

ભારતીય સિનેમાના દિગ્ગજ ફિલ્મમેકર રાજ કપૂરની સફળ ફિલ્મો જેવી કે આવારા, જાગતે રહો, શ્રી 420, મેરા નામ જોકર, બોબી અને હીનાના લેખક ખ્વાજા અહમદ અબ્બાસ (કે.એ. અબ્બાસના નામથી પ્રખ્યાત) હતા. 4 નેશનલ એવોર્ડ વિજેતા લેખક ખ્વાજા અહમદ અબ્બાસ  (7 June 1914 – 1 June 1987) બહુમુખી પ્રતિભા ધરાવતા હતા. તેઓ પ્રસિદ્ધ પત્રકાર, વાર્તાકાર, ફિલ્મ લેખક – ડિરેક્ટર હતા, તેમણે ન્યૂઝપેપર 'બોમ્બે ક્રોનિકલ'માં લાંબા સમય સુધી ફિલ્મ વિવેચક તરીકે કાર્ય કર્યું હતું અને આ સિવાય તેમણે 'અલીગઢ ઓપિનિયન'ની શરૂઆત કરી હતી. તેઓ ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિયેશન(ઈપ્ટા)ના સ્થાપક સભ્ય પૈકીના એક હતા. ખ્વાજા અહમદ અબ્બાસ પહેલા એક પત્રકાર હતા, બાદમાં લેખક બન્યા, પછી સંપાદક અને ફિલ્મ વિવેચક બન્યા. ત્યારબાદ તેમણે ફિલ્મ લેખનકાર્યમાં ઝંપલાવ્યું. અંતમાં તેઓ ફિલ્મ ડિરેક્શન તરફ પણ વળ્યા હતા.

ખ્વાજા અહમદ અબ્બાસનો જન્મ જે પરિવારમાં થયો હતો, ત્યાં નામચીન હસ્તીઓની બોલબાલા હતી. તેઓ શાનદાર શાયર 'ખ્વાજા અલ્તાફ હુસૈન હાલી'ના પરિવારમાંથી આવતા હતા કે જેઓ મિર્ઝા ગાલિબના શિષ્ય હતા અને તેમણે ગાલિબની જીવની 'યાદગાર એ ગાલિબ' લખી હતી. ખ્વાજા અહમદ અબ્બાસના દાદા ખ્વાજા ગુલામ અબ્બાસ વર્ષ 1857માં થયેલા વિપ્લવના પ્રમુખ ક્રાંતિકારીઓ પૈકીના એક હતા. અંગ્રેજોએ તેમને તોપની સાથે બાંધીને ઉડાવી દીધા હતા. ખ્વાજા અહમદ અબ્બાસે વર્ષ 1933માં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા બાદ, દિલ્હીમાંથી પ્રકાશિત થતા નેશનલ કૉલ નામના એક ન્યૂઝપેપર માટે પત્રકારત્વ શરૂ કર્યું. આગામી વર્ષે તેમણે 'અલીગઢ ઓપિનિયન' નામનું એક વીકલી મેગેઝિન શરૂ કર્યું, જે ભારતમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે શરૂ કરવામાં આવેલું પ્રથમ મેગેઝિન હતું. બાદમાં ખ્વાજા અહમદ અબ્બાસે પ્રસિદ્ધ ન્યૂઝપેપર 'બોમ્બે ક્રોનિકલ' જોઈન કર્યું. આ ન્યૂઝપેપર માટે તેમણે 'લાસ્ટ પેજ'ના નામથી એક વીકલી કૉલમ લખવાનું શરૂ કર્યું, આ કૉલમ વર્ષ 1987માં તેમના મૃત્યુ સુધી ચાલુ રહી હતી. જ્યારે તેઓ 'બ્લિટ્ઝ મેગેઝિન'માં જોડાયા, ત્યારે પણ આ કૉલમ ચાલુ રાખી હતી. સતત 52 વર્ષ સુધી તેમણે આ કૉલમ લખી હતી કે જે ઉર્દૂમાં 'આઝાદ કલમ' અને હિન્દીમાં 'આખિરી પન્ને'ના નામથી પ્રકાશિત થતી હતી.

'બોમ્બે ક્રોનિકલ'માં ખ્વાજા અહમદ અબ્બાસ ફિલ્મનું વિવેચન કરતા હતા અને લોકોને ધીરે-ધીરે તેમનું આ વિવેચન પસંદ આવવા લાગ્યું. એક એવો પણ સમય આવ્યો કે જ્યારે તેમણે લખેલી ફિલ્મ સમીક્ષાથી ફિલ્મો હિટ અને ફ્લોપ જવા લાગી. એક વખત એવું બન્યું કે એક પાર્ટીમાં તે સમયના પ્રખ્યાત પ્રોડ્યુસર અને બોમ્બે ટોકિઝના માલિક હિમાંશુ રાયે કહ્યું કે ખ્વાજા અહમદ અબ્બાસ આ રીતે ફિલ્મ જોઈને તેનું વિવેચન કરવું સરળ છે, જાતે ફિલ્મ બનાવો તો માનીએ. ત્યાર બાદ ખ્વાજા અહમદ અબ્બાસે ફિલ્મની દુનિયામાં પ્રવેશ કર્યો અને ફિલ્મ લેખનના કાર્યમાં ઝંપલાવ્યું. તેમણે 'નયા સંસાર' નામની ફિલ્મ લખી અને બોમ્બે ટોકીઝને વેચી. આ ફિલ્મમાં અશોક કુમાર અને દેવિકા રાણી મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મની વાર્તા પત્રકારના જીવન પર આધારિત હતી. આ ફિલ્મ સફળ રહી અને ખ્વાજા અહમદ અબ્બાસને ફિલ્મો લખવાની ઓફર મળવા લાગી. વર્ષ 1946માં આવેલી ફિલ્મ 'ધરતી કે લાલ'નું લેખન અને ડિરેક્શન ખ્વાજા અહમદ અબ્બાસે કર્યું. આ ફિલ્મમાં બલરાજ સહાની મુખ્ય ભૂમિકામાં હતા અને આ ફિલ્મ કૃષ્ણ ચંદરની વાર્તા પર આધારિત હતી. તેમના જીવનમાં વળાંક ત્યારે આવ્યો કે જ્યારે તેમણે 'નીચા નગર' નામની ક્લાસિક ફિલ્મ લખી. આ ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળ્યો હતો. હયાતુલ્લાહ અંસારીની વાર્તા પર આધારિત આ ફિલ્મ 'નીચા નગર'નું દિગ્દર્શન ચેતન આનંદે કર્યું હતું. તેમણે વર્ષ 1946માં આવેલી વી. શાંતારામની ફિલ્મ 'ડૉક્ટર કોટનીસ કી અમર કહાની' નામની ફિલ્મનું લેખનકાર્ય કર્યું. આ ફિલ્મ દ્વારકાનાથ કોટનીસ નામના ડૉક્ટરના જીવન પર આધારિત હતી કે જેમણે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચીનમાં કામ કર્યું હતું.

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને પણ ખ્વાજા અહમદ અબ્બાસે તક આપી હતી. તેમણે વર્ષ 1969માં 'સાત હિન્દુસ્તાની' નામની ફિલ્મ બનાવી અને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનને કાસ્ટ કરવામાં આવ્યા હતા. સામાજિક મુદ્દાને રજૂ કરતી ફિલ્મોનું લેખન કાર્ય કરનાર ખ્વાજા અહમદ અબ્બાસને હિન્દી સિનેમા તરફથી જોઈએ તેટલું સન્માન મળ્યું નથી. ખ્વાજા અહમદ અબ્બાસને સમાજ પ્રત્યેની જવાબદારીનો ખ્યાલ હતો અને તેમણે લખેલી લગભગ તમામ ફિલ્મોમાં ગરીબી, સાંપ્રદાયિકતા, સામાજિક અસામનતા તેમ જ વંચિતોના મુદ્દા જોવા મળે છે. ફિલ્મ 'રાહી'માં ખ્વાજા અહમદ અબ્બાસે ચાના બગીચામાં કામ કરતા મજૂરોની આપવીતી રજૂ કરી, જ્યારે ફિલ્મ 'બમ્બઈ રાત કી બાહોં' મેં ફિલ્મમાં મોટા શહેરોની રાત્રિની કાળી બાજુ દર્શાવવામાં આવી હતી. આ એક સસ્પેન્સ ક્રાઈમ-થ્રિલર ફિલ્મ હતી અને તેનું ડિરેક્શન પણ ખ્વાજા અહમદ અબ્બાસે કર્યું હતું.

વર્ષ 1980માં તેમણે નક્સલ સમસ્યા પર આધારિત 'ધ નક્સલાઈટ્સ' જેવી ફિલ્મ બનાવી. ઘણાં ફિલ્મ વિવેચકોએ ખ્વાજા અહમદ અબ્બાસની ફિલ્મોને ડોક્યુમેન્ટરી પ્રકારની ગણાવી પણ તેઓ પોતાનું કાર્ય કરતા રહ્યા. ખ્વાજા અહમદ અબ્બાસે પોતે ઘણી ફિલ્મોનું લેખનકાર્ય અને દિગ્દર્શન કર્યું, પણ આ સિવાય તેમણે રાજ કપૂરની પણ અનેક ફિલ્મોનું લેખનકાર્ય કર્યું. રાજ કપૂર માટે ખ્વાજા અહમદ અબ્બાસે આવારા, શ્રી 420, જાગતે રહો, મેરા નામ જોકર, બૉબી જેવી સફળ ફિલ્મો લખી. રાજ કપૂર અને ખ્વાજા અહમદ અબ્બાસ ખાસ મિત્રો હતા. જ્યારે ફિલ્મ 'મેરા નામ જોકર' ફ્લોપ સાબિત થઈ તો રાજ કપૂર નિરાશ થઈ ગયા હતા. તેમણે ખ્વાજા અહમદ અબ્બાસને વિનંતી કરી કે તેઓ હવે એક મસાલા ફિલ્મ લખી આપે. પોતાના દોસ્ત રાજ કપૂરની મદદ કરવા માટે ખ્વાજા અહમદ અબ્બાસે 'બૉબી' નામની એક રોમાન્ટિક ફિલ્મ લખી. આ ફિલ્મ સુપરહિટ સાબિત થઈ. તેમ છતાં આ ફિલ્મમાં સામાજિક વર્ગભેદ સહિતના સામાજિક મુદ્દા જોવા મળ્યા.

એક ફિલ્મમેકર સિવાય ખ્વાજા અહમદ અબ્બાસ ઉત્તમ સાહિત્યકાર અને ઈતિહાસવિદ્ પણ હતા. તેમણે કુલ 73 પુસ્તકો લખ્યા. તેમણે અંગ્રેજી, હિન્દી અને ઉર્દૂ ભાષામાં પુસ્તકો લખ્યા. તેમણે જે આત્મકથા લખી તેનું નામ 'I Am not an Island: An Experiment in Autobiography' છે.  બાદમાં તેમની પ્રખ્યાત કૉલમને પણ પુસ્તકે સ્વરૂપે કુલ 2 વોલ્યુમમાં પ્રકાશિત કરવામાં આવી. તેમણે 'ઈન્કિલાબ' નામની નવલકથા લખી હતી કે જે ખૂબ લોકપ્રિય થઈ હતી. વર્ષ 1969માં ભારત સરકાર તરફથી ખ્વાજા અહમદ અબ્બાસને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

e.mail : nbhavsarsafri@gmail.com

Loading

...102030...2,8922,8932,8942,895...2,9002,9102,920...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved