
રવીન્દ્ર પારેખ
ગુજરાત સરકાર શિક્ષણને મામલે અત્યંત દરિદ્ર હોવાનો દેખાવ કરે છે, પણ એવી ગરીબી સરકારની હતી નહીં ને છે નહીં. તાજો જ દાખલો એવો છે કે 72 કરોડ મંજૂર કર્યા પછી પણ, 1,719 શિક્ષકોની નિમણૂક થઈ નથી. ગુજરાતના 32 જિલ્લાઓની 538 ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની અછત છે. ગુજરાતમાં ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી, ટ્રસ્ટને બદલે સરકારે હાથમાં લીધી, ત્યારથી દાટ વળ્યો છે. હજારો ટેટ-ટાટ પાસ થયેલા ઉમેદવારોને નોકરીના ફાંફાં છે. સરકારી કાગળો પર બજેટ મંજૂર થયું છે, શિક્ષકોની અને આચાર્યોની 1,719 જગ્યાઓની પણ મંજૂરી મળી ગયેલી છે, છતાં પોર્ટલ પર જાહેરાત મુકાઈ નથી, પરિણામે ઉમેદવારોને ટ્રસ્ટની ખાનગી શાળાઓમાં નોકરી કરવાની ફરજ પડે છે.
એક તરફ સ્કૂલમાં શિક્ષકો નથી ને બીજી તરફ ટેટ-ટાટ પાસ ઉમેદવારો નોકરી માટે વલખાં મારે છે. ટેટ-ટાટની પરીક્ષા તો લેવાય છે, પણ ભરતી થતી નથી, તો સવાલ એ થાય કે ભરતી કરવાની જ ન હોય તો પરીક્ષાઓ શા માટે લેવાયા કરે છે? આ બંને સ્થિતિ માટે ગુજરાત સરકાર સીધી રીતે જવાબદાર છે. શિક્ષકોની ભરતી હજારોમાં કરવાની વાત તો સરકાર મોટા ઉપાડે કરે છે, પણ ઉપજતું કંઇ નથી. ત્રણેક અઠવાડિયા પર જ સરકારે 1,1000 વિદ્યા સહાયકોની ભરતીની વાત કરેલી, એ મુજબ ઓક્ટોબર, 2026માં 3,000 જગ્યાઓ ભરવાની વાત પણ છે. પણ વર્ગમાં શિક્ષક દેખાતા નથી ને ઉમેદવારો વર્ગમાં ભણાવવા માટે તલસે છે. લગભગ 2017થી વ્યાયામ શિક્ષકો, ચિત્ર શિક્ષકો, સંગીત શિક્ષકોની ભરતી થઈ નથી. સરકાર કેટલી રાહ જોવડાવ્યા પછી ભરતી કરવાની છે, એનો જાહેર ખુલાસો થવો જોઈએ. આમ તો શિક્ષકોની ભરતી જ 2017થી અટવાયેલી છે, તેમાં વ્યાયામ શિક્ષકની તો હેતુપૂર્વક નિમણૂક થતી જ નથી. હેતુપૂર્વક એટલા માટે કે સરકાર ઓલિમ્પિક લાવવાની વાત કરે છે ને ત્રણ શાળા દીઠ એક વ્યાયામ શિક્ષક આપવામાં પણ અખાડા કરે છે. એવું નથી કે બજેટ નથી, એવું પણ નથી કે ખાલી જગ્યાઓ નથી, તો ઉમેદવારો નથી એવું પણ નથી, તો સીધું એ પૂછવાનું થાય કે ભરતી કેમ થતી નથી? ભરતી ના થવાને કારણે ઉમેદવારોમાં રોષ પ્રવર્તે છે. શિક્ષણ વિભાગના ઠરાવ મુજબ, RTE એક્ટ, 2009 ને હિસાબે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 5 માટે 273 અને 6 થી 8 માટે 1,050 મળીને સરવાળે 1,32૩ શિક્ષકો તથા 396 HTAT(મુખ્ય શિક્ષક)ની ખાલી જગ્યાઓ ભરવા પાત્ર હોઈને મંજૂર કરવામાં આવી છે. એને માટે નાણાંકીય 2025-’26ના અંદાજપત્રમાં 72.61 કરોડની વહીવટી મંજૂરી પણ મળી ચૂકી છે. આ વ્યવસ્થા છતાં આજ દિન સુધીમાં પોર્ટલ પર જાહેરાત થઈ નથી. ઉમેદવારો કાગડોળે જાહેરાતની રાહ જુએ છે. એ ઉમેદવારોએ આ વાત ગાંધીનગરના સંબંધિત વિભાગોમાં પણ પહોંચાડી છે, પણ સરકારે આ વાતની ધરાર અવગણના કરી છે, એટલે વાત આંદોલન સુધી પહોંચે તો નવાઈ નહીં.
સરકારે મંજૂરીના 18 મહિના પછી પણ બાળકો માટે ‘સેન્ટ્રલાઇઝ્ડ કિચન’ કાગળ પર જ રાખ્યું છે. ‘પી.એમ. પોષણ યોજના’ અંતર્ગત 16 લાખ આદિવાસી અને વિકાસશીલ તાલુકાના વિદ્યાર્થીઓ માટે ગરમ અને ગુણવત્તાયુક્ત ભોજન આપવાની મંજૂરી આપી છે, પણ આ યોજના કાગળ પર જ રહી ગઈ છે. બાળકો કુપોષણથી પીડાતા હોય ત્યારે મંજૂર થયેલી યોજનાનો અમલ કરવામાં શિક્ષણ વિભાગની ઉદાસીનતા ઘાતક છે. કોણ જાણે કેમ પણ, શિક્ષણ વિભાગ શિક્ષણ માટે કંઇ પણ કરવા ઉત્સાહી નથી. આખો વિભાગ નાછૂટકે ચાલતો હોય એવું લાગે છે.
ધારો કે ટેટ અને ટાટના બે લાખ શિક્ષકોની ઘટ છે ને માત્ર એક લાખ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો પણ 3,000 કરોડ વપરાય. શિક્ષણનું બજેટ 63,500 કરોડ છે, તો શિક્ષકોની ભરતી કરવામાં ત્રણ હજાર કરોડ ખર્ચવામાં સરકારનો હાથ કેમ ખેંચાય છે? ખરેખર તો એટલો ખર્ચ જ નથી કરવાનો, છતાં ભરતી કરવામાં સરકાર આળસ કરી રહી છે. બજેટમાં જોગવાઈ છતાં શિક્ષણ વિભાગ ભરતી કરવા તૈયાર નથી તો સવાલ એ થાય કે આ બજેટ શિક્ષણ માટે નથી તો શેને માટે છે?
હવે અસમાનતા ક્યાં છે તે જોઈએ. સરકારી સ્કૂલોમાં સાત સાત પિરિયડ લેવાના ને વળતર પિરિયડ દીઠ 50 રૂપિયા. શિક્ષકોનું આ હડહડતું અપમાન છે. શિક્ષકોને માંડ સાત આઠ હજાર વેતન મળે અને ફેકટરીમાં સાત ધોરણ પાસ થયેલો મજૂર, લઘુત્તમ વેતનને હિસાબે સાડાતેર હજાર મેળવતો હોય તો શિક્ષકોને મજૂર કરતા પણ ઓછો પગાર આપવાનો અર્થ શો? શિક્ષકોને કંઇ ના આપવું પડે એટલે સરકાર બજેટ નથી-નો રાગ આલાપે છે, પણ 5 લાખ શિક્ષકોની ભરતી થાય તો પણ 64 હજાર કરોડ બજેટમાંથી 15 હજાર કરોડ જ વપરાય એમ છે. એટલા શિક્ષકોની તો ઘટ જ નથી, તો જરૂરી શિક્ષકોની કાયમી ભરતી કરવાને બદલે પાર્ટ ટાઈમ, વિદ્યા સહાયક, અંશ કાલીન જેવાં ઓઠાં હેઠળ કામ ચલાઉ શિક્ષકો નીમવાનો શો મતલબ છે?
એક તરફ શિક્ષકોની ભરતી થતી નથી ને બીજી તરફ દેશમાં રોજની 25 સ્કૂલો બંધ થાય છે. છેલ્લાં દસ વર્ષમાં 94,000 સ્કૂલો બંધ થઈ છે, તો સરકાર શિક્ષણનું ઉલાળિયું કરવા જ બેઠી છે કે બીજું કૈં? તેમાં વળી દેખાડા માટે પ્રવેશોત્સવ ને ગુણોત્સવના તાયફા ચાલે છે તે નફામાં ! ભણવાનું ઓછું થતું હોવાથી કેટલાક વિદ્યાર્થીઓ સરકારી સ્કૂલ છોડી દે છે ને ખાનગી સ્કૂલો ઢગલો ફી લૂંટીને પ્રવેશ આપે છે, તો તેમાં જાય છે. સરકારી સ્કૂલો બંધ થાય ને ખાનગી ને મોંઘી સ્કૂલો ખૂલતી આવે, તે વાલીઓ બહુ કમાઈ ગયા છે એટલે કે સરકારી સ્કૂલોમાં શિક્ષણ નથી થતું એટલે, તેની તપાસ થવી જોઈએ.
સરકારી સ્કૂલોમાં શિક્ષકો નથી ને ખાનગી સ્કૂલોમાં શિક્ષકો છે, પણ તેમનું આર્થિક, માનસિક શોષણ થાય છે. ખાનગી સ્કૂલો ફી મોટી વસૂલે છે, પણ શિક્ષકોને પગાર ઓછો આપે છે. કાગળ પર તો પગાર 15થી 25 હજાર બતાવાય છે, ખાતામાં એટલી રકમ જમા પણ થાય છે, પણ સંચાલકોએ અગાઉથી જ સેલ્ફનો ચેક મેળવી લીધો હોય છે, એટલે હાથમાં તો માંડ દસેક હજાર જ આવે છે. આનો વિરોધ પણ કોઈ શિક્ષક કરતો નથી, કારણ કે શિક્ષકની ચોટલી સંચાલકોના હાથમાં હોય છે. કોઈ શિક્ષક પગાર ઓછો મળે તો વિરોધ કરી શકતો નથી. શિક્ષક વિરોધ કરે તો સંચાલકો અનુભવનું પ્રમાણપત્ર આપે નહીં, એ ઉપરાંત નોકરીમાંથી પાણીચું આપવાની ધમકી તો ઊભી જ હોય છે.
ત્રણ વર્ષ પર ટેટ પાસ એક શિક્ષકનું કહેવું છે કે ખાનગી શાળામાં મારી પાસે 25,000ના પગાર પર સહી લેવાય છે, પણ 12,000 રોકડા ઉપાડીને ટ્રસ્ટીને આપવા પડે છે. કાયમી ભરતી ન થતાં શિક્ષકે આર્થિક શોષણનો ભોગ બનવું પડે છે. એક 43 વર્ષની મહિલાનું કહેવું છે કે માધ્યમિક ગ્રાન્ટેડમાં વય મર્યાદાનું બંધન નથી, પણ પ્રાઈમરીમાં છે. સરકારી કાગળોમાં ભરતીની વ્યવસ્થા છતાં જાહેરાત ના આપીને સરકાર ઘણાનાં ભવિષ્ય સાથે રમત રમી રહી છે.
એ શરમજનક છે કે 72 કરોડનું બજેટ 1719 જગ્યાઓ માટે ફાળવાયું હોવા છતાં ભરતી પ્રક્રિયા અટકાવવામાં વહીવટી નિષ્ફળતા અને ઘોર બેદરકારી છે. પોર્ટલ પર વહેલામાં વહેલી તકે 1719 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવું જોઈએ. જગ્યાઓ ખાલી હોવા છતાં ભરતી ન કરવી રાજ્યના હજારો ઉમેદવારો માટે ચિંતા ઉપજાવનારો સંવેદનશીલ વિષય છે. આ સંદર્ભે ઉમેદવારો માથું ઊંચકે, તો તેમનો વાંક કાઢી શકાય નહીં. આ વિલંબ માટે સરકારે પ્રાથમિકમાંથી પણ ઉંમરની મર્યાદા દૂર કરવી જોઈએ, જેથી વિલંબનો ભોગ બનેલા ઉમેદવારોને ન્યાય મળી રહે. બધા જાણે છે કે ખાનગી સ્કૂલોમાં જેટલા પગાર પર સહી કરાવાય છે, તેના કરતા ઓછા જ અપાય છે, પણ કમનસીબે આ બદી દૂર થતી નથી.
એમ લાગે છે કે સરકારે શિક્ષણમાંથી બાપે માર્યા વેર હોય તેમ હાથ ખેંચી લીધો છે ને તેને શિક્ષણ સાથે સ્નાન સૂતકનો ય સંબંધ ન હોય તેમ અવગણના કરે છે, એવું ન હોય તો પૂરતું બજેટ હોય, જગ્યાઓ મંજૂર થયેલી હોય તો જગ્યાઓ ભરવામાં શું નડે છે તેની સ્પષ્ટતા થવી જોઈએ. આમ પણ ગુજરાત શિક્ષણમાં છેલ્લે પાટલે બેઠેલું છે, ત્યાં શિક્ષકોની ભરતીનો જૂનો પ્રશ્ન ઉકેલાતો નથી એ દુ:ખદ છે. એમ પણ લાગે છે કે ગુજરાતનો શિક્ષણ વિભાગ જ ઇચ્છતો નથી કે શિક્ષણ થાય. જરૂર પડ્યે કામચલાઉ ભરતીથી વિભાગ રાજીનો રેડ રહે છે. વિભાગના મંત્રી કે અધિકારીઓ એક રૂપિયો પણ ઓછો પગાર લેતા નથી, સ્ટાફ પણ પૂરતો રાખીને કામ કરે છે, તો શિક્ષકોની ભરતી ને પગારમાં પૂરતાં બજેટ છતાં આટલી કંજૂસાઈ કેમ? બધાંને જ અભણ રાખવા હોય તો શિક્ષણ વિભાગ જ બંધ કરવો પડે. વિભાગને તે ચાલે એમ છે? કમ સે કમ જેને લીધે વિભાગની હોજરી ભરાય છે, તે એટલી ગરજ તો રાખે કે ભૂખે મરવાનું ન થાય …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 28 સપ્ટેમ્બર 2026
![]()

