Opinion Magazine
Number of visits: 10,229,401
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માર્ક એન્ડ્ર્યુ ચાર્લ્સની આત્મહત્યા: IT મેં કામ કરતે કરતે આપની લાઈફ મત ભૂલ જાના

રાજ ગોસ્વામી|Opinion - Opinion|14 July 2019

હૈદરાબાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ભણતા વધુ એક વિધાર્થીની આત્મહત્યા, ઊગતા સૂરજને પૂજતા આધુનિક સમાજની નિષ્ફળતાનો પુરાવો છે.

આઈ.આઈ.ટી.માં આ વર્ષે આ બીજી આત્મહત્યા છે. મૂળ વારાણસી, ઉત્તર પ્રદેશનો ૨૦ વર્ષનો માર્ક એન્ડ્ર્યુ ચાર્લ્સ, ડિઝાઇનિંગમાં માસ્ટર્સ કરી રહ્યો હતો. તેણે છેલ્લા વર્ષની પરીક્ષા આપી હતી અને અંતિમ પ્રેઝન્ટેશનની તૈયારી કરતો હતો. એને ડર હતો કે તે સારા માર્ક્સ નહીં લાવે. ગઈ ૯મી તારીખે, તે તેની હોસ્ટેલ રૂમના સીલિંગ ફેન પર લટકી ગયો. જાન્યુઆરી મહિનામાં આ જ ઇન્સ્ટિટ્યૂટમાં, મિકેનિકલ એન્ડ એરોસ્પેસના ત્રીજા વર્ષનો વિધાર્થી, એમ. અનિરુદ્ધ, હોસ્ટેલના બિલ્ડીંગ પરથી કૂદીને મરી ગયો હતો.

માર્ક એન્ડ્ર્યુ ચાર્લ્સે મરતા પહેલાં તેના માતા-પિતા અને દોસ્તોને સંબોધીને, આઠ પાનાની ચિઠ્ઠી લખી હતી. તેણે લખ્યું હતું, "મારી પાસે નોકરી નથી, કદાચ મળશે પણ નહીં. ના-લાયકને કોઈ કામ પર રાખતું નથી! મારી ગ્રેડ શીટ દંગ રહી જવાય તેવી છે. હજુ થોડા વધુ અક્ષરો પાડેલા હોત, તો બારાખડી જેવી દેખાત. બીજા સૌની જેમ, મને પણ સ્વપ્નાં હતાં. આ બધી હકારાત્મકતા, સતત હસતા રહેવાનું, લોકોને કહેતા રહેવાનું કે 'હું ઓકે છું,' એ જૂઠ છે. હું ઓકે નથી. ઘરથી દૂર બે વર્ષ, શ્રેષ્ઠ ઇન્સ્ટિટ્યૂટ અને આજુબાજુમાં ઉત્તમ લોકો, મે બધું વેડફી નાખ્યું.

"અંકિત, રજ્જો, આઈ.ટી. મેં કામ કરતે કરતે આપની લાઈફ મત ભૂલ જાના. રોજ થોડું થોડું જીવજો. એક હી જિંદગી મિલી હૈ. મને કલ્પના પણ ન હતી કે હું તમને આવી રીતે નિરાશ કરીશ. મને મીસ ના કરતા. હું તેને લાયક નથી. હું બેકાર છું. એટલું જ કે હું તમને એ જ રીતે પ્રેમ કરું છું, જેવી રીતે તમે કરો છો. મિત્રો એવા જ હોય ને? અને હું દુઃખી છું, એટલે આ નથી કરતો. તમે બેસ્ટ પેરન્ટ્સ છો, તેના માટે થેંક યુ. હું આવો નાકામ રહ્યો, તેના માટે સોરી. મારા શરીરને દફન ના કરશો. મેડિકલમાં દાન કરજો. ભારતના ભાવિ ડોક્ટરો માટે એ કામમાં આવશે."

આ ચિઠ્ઠી સમાજના ગાલ પર તમાચો છે. આ આત્મહત્યા પરીક્ષામાં ઓછા માર્ક્સની કે નાપાસ થવાની નથી. આ આત્મહત્યા સમાજની નજરોમાં ના-લાયક, નાકામ, નિષ્ફળ હોવાની છે. બંનેમાં ફરક છે. સમાજિક પ્રાણી તરીકે દરેક માણસો આપસી સહયોગ, સંબંધ, હમદર્દી અને ઉદારતાથી બંધાયેલા છે. એક બાળક માટે બીજી વ્યક્તિની પીડાથી વ્યથિત થવું બહુ સહજ છે. રસ્તા પર કોઈ માણસ અચનાક કોઈ વાહન સાથે ભટકાય અને ચીસ પાડે, તો આપણા મગજમાં પણ એક ટીસ ઊઠે છે અને આપણે પણ ચીસ પાડીએ છીએ. આને હમદર્દી કહે છે.

બીજાનાં દુઃખે દુઃખી થવું તે બુનિયાદી માનવ વૃતિ છે, પણ આપણે આ વૃતિથી વિરોધાભાસી સમાજમાં રહીએ છીએ, જેમાં દુનિયાની કુલ વસ્તીના એક ટકો લોકો પાસે દુનિયાની અડધોઅડધ સમૃદ્ધિ છે. આપણને બેઘર લોકો કરતાં, ઘરની વધતી કિંમતોની વધુ ચિંતા છે. આપણને આપણી રાજકીય પાર્ટીઓ આપણાં હિત જોશે કે નહીં તેની શંકા છે. સમાજમાં આપણી કિંમત આપણે શું છીએ, તેના પરથી નક્કી થાય છે. આધુનિક સામાજિક, રાજકીય અને આર્થિક વ્યવસ્થામાં લોકો બંધાયેલા રહેવાને બદલે વિમુખ હોવાનો અહેસાસ કરે છે.

એમાં આપણને એવું શીખવાડમાં આવ્યું છે કે સફળતાનો સૌથી મોટો માપદંડ પૈસો છે – આપણી આર્થિક લાયકાત આપણી માણસ તરીકેની લાયકાતને નક્કી કરે છે. સફળ એ છે જેની પાસે નામ છે અને દામ છે. જે સાધારણ છે, ગુમનામ છે, તે ગરીબ છે. આપણે સૌ અસાધારણ બનવા માટે એકબીજાની હરીફાઈમાં છીએ. એમાં જે સૌથી નિષ્ઠુર છે, તે જીતે છે અને સમાજની વાહવાહી મેળવે છે.

જે ક્રૂર છે, નિર્મમ છે, પ્રેક્ટિકલ છે, તે મક્કમ મનનો અને દિલેર છે. જેનામાં હમદર્દી છે અને ભાવનાત્મક સમજદારી છે, તે કમજોર છે. આપણે માનીએ છીએ કે માણસ બુનિયાદી રીતે કરુણામય અને લગાવવાળો છે, પણ આધુનિક સમાજનું જે વાતાવરણ છે, તે માનવીય સ્વભાવથી વિરોધી છે. આ નવું નથી. માણસના સહઅસ્તિત્વનો પાયો જ સહકાર અને સમાનતા પર રચાયેલો છે. આપણાં આપસી પરંપરાગત મૂલ્યો આ સહઅસ્તિત્વમાંથી આવ્યાં હતાં. આધુનિક સમાજનાં આ 'નવાં' મૂલ્યો, લાલચ, હરીફાઈ અને પાવરની વાસના, સમાજની ઘણી બધી ખરાબીઓના મૂળમાં છે. આપણને આ પણ ખબર છે.

ઇન્‌ફેક્ટ, આપણને આ બંને પરસ્પર વિરોધી મૂલ્યોની ખબર છે, તે જ આપણી મુસીબતનું મૂળ છે. આપણને એક અચ્છા પિતા અને અચ્છા પતિ બનવું છે, આપણને લાગણીશીલ મિત્ર અને સાથીદાર બનવું છે, આપણને આપણાં મોટેરાંઓ સાથે પરિપૂર્ણ સંબંધ રાખવો છે, આપણને આપણા મગજનો મૌલિક અને રચનાત્મક ઉપયોગ કરવો છે અને આપણને રાજકીય-સામાજિક રીતે જાગૃત જીવન જીવવું છે, પણ આપણે આપણા આ માનવીય વ્યવહારની બુનિયાદ અને સામાજિક માપદંડો પર ખરા ઉતરવાની મજબૂરી વચ્ચે પીસાઈ ગયા છીએ. જે પણ રસ્તે જાવ, તમે એકમાં તો નાકામયાબ જાવ જ છો.

તમે માણસ બનવા જાવ છો, તો સમાજની નજરમાં નિષ્ફળ જાવ છો. સામાજિક રીતે સફળ થાવ છો, તો માણસ તરીકે ખુદની નજરમાંથી પડો છો. આપણે બંને રસ્સી પર ચાલવા જઈએ છીએ, અને બેલેન્સ ગુમાવીએ છીએ.

૨૦ વર્ષનો માર્ક એન્ડ્ર્યુ ચાર્લ્સ, કદાચ આવી જ રસ્સી પરથી પડ્યો હતો.

 https://www.facebook.com/permalink.php?story_fbid=2320264434968269&id=1379939932334062&__tn__=K-R 

Loading

ઈશ્વરદત્ત શક્તિઓને ઓળખવાને બદલે, નથી લાગતું કે આપણે ક્ષુલ્લક વાતોમાં રમમાણ થઇ ગયા છીએ?

સુમન શાહ|Opinion - Literature|13 July 2019

સોશ્યલ મીડિયા ભારોભારનું સર્જનાત્મક છે. કમ્પ્યૂટર પણ મલ્ટિ-ડાયમૅન્શનલ છે

કમ્પ્યૂટરને લીધે મારી બે વસ્તુઓ ઝુંટવાઈ ગઇ છે : એક તો, કાગળ પર ઈન્ડિપેનથી પત્ર લખવાની મજા. કેટલી સરસ એ દેશી અને વિલાયતી પેનો હતી. આજે ઠરીને ઠીકરું થઇ ગઇ છે. એ પેનોની સામે જોતાં મને શરમ આવે છે. ’ફરગેટ મી નૉટ’-ના મૉંઘા ભૂરા કાગળ પર લખેલા પ્રેમપત્રો, ઓ ભગવાન ! ખૂબ યાદ આવે છે. બીજી વસ્તુ ચાલી ગઈ તે મારા અતિ સુન્દર હસ્તાક્ષર. ‘મોતીના દાણા જેવા’ તો ચવાઈ ગયેલી ઉપમા છે. બીજી કોઇ ઉપમા સૂઝતી નથી એટલે હું એને ‘અનુપમ’ કહું છું. એ અનુપમ વડે બે કાગળ વચ્ચે ભૂરું કાર્બન પેપર મૂકીને લખેલા લેખો યાદ આવે છે. એ પછી ‘સન્લિટ બૉન્ડ’ પેપર પર લખીને ઝેરોક્ષ કરાવેલા લેખો યાદ આવે છે. આજે તો કશું ટપકાવવું હોય ને કમ્પ્યૂટર બંધ હોય, કાગળનો ટુકડો કે ચબરખી જે હાથ ચડે એ પર ફટાફટ લખી નાખું છું. એટલું બધું જલ્દી જલ્દી કે પછી એને હું જ નથી ઉકેલી શકતો !

સારા હસ્તાક્ષરની ટેવ તો બા-એ પાડેલી. સ્લેટમાં ચાર ખાનાં કરીને પોતે ક ખ ગ ઘ લખે, ને કહે, ઘૂંટીને બરાબ્બર જાડા બનાવ; પણ જોજે, એક પણ એના ખાનાની બ્હાર ન જવો જોઇએ. ત્યારે, સૅકન્ડરીમાં, બરુનો કિત્તો જાતે બનાવવાનો અને કૉપિબુકમાં પોલા પોલા જે A B C D હોય એને શાહીથી ભરવાના. ત્યારે પણ કસોટી એ કે લાઈનની બ્હાર કિત્તો જવો જ ન જોઇએ, ને શાહીથી ભરાઇ જાય એ તો ચાલે જ નહીં. રવિ શંકર માસ્તર મને ‘પાઠમાળા’ શીખવતા. હોમવર્ક માટેનો એમનો આગ્રહ એ કે એમણે પૂછેલા પ્રશ્નોના ઉત્તરો મારે ત્રીજી ઍબીસીડીમાં જ લખવાના. અંગ્રેજી ઍટિકેટ સાથે રૂઆબમાં રવાલ ચાલે ચાલતી મારી એ લાઈનો હજી દેખાય છે. ચિનુ ગાંધી નામે મારા એક મિત્ર છે, ઇજનેર છે, પણ કૅલિગ્રાફી – સુલેખન – કરી જાણે છે. મૂળ કારણ એ કે એમના પણ હસ્તાક્ષર, મોતીના -નો નો ! બસ, બહુ જ સુન્દર છે.

આ સઘળો હસ્તાક્ષરનાશ મને પીડે છે. પરન્તુ બીજી તરફ, કમ્પ્યૂટરના સ્ક્રીન પર સ્વયંભૂ પ્રગટતા આ અક્ષરો, શબ્દો અને વાક્યોની લયવાહી આ જે રમ્ય ફૂલવેલ વિસ્તરતી ચાલે છે, પીડા યાદ નથી આવતી. હસ્તાક્ષર વખતે જમણા હાથનો અંગૂઠો અને પહેલી બે આંગળીઓ ખાસ વપરાય, હવે કમ્પ્યૂટર પર બન્ને હાથની દસેય આંગળીઓ પ્રયોજાય છે. ચોખ્ખી લેખનસૃષ્ટિ જન્મે છે. પીડા પ્રસન્નતા બની જાય છે.

ખાનાની બ્હાર નહીં જવાનું બા-એ ભલે કહેલું, આજે તો મારું ભાવજગત કે જ્ઞાનજગત કક્કો ને બારાખડીની બ્હાર ને બ્હારથી યે બ્હાર કોણ જાણે કેટલે બ્હાર ચાલી ગયું છે. આ ‘ભાવજગત’ અને ‘જ્ઞાનજગત’ પણ ચવાયેલા શબ્દપ્રયોગો છે. એમાં ‘જગત’ તો સાવ ફુલાવેલો લાગે છે. એટલે મને એમ છે કે એ બન્ને ‘જગતો’-ને ઈરેઝર હેઠળ મૂકી દઉં. એટલે કે, ચૅંકી નાખવાનું ખરું પણ ભૂંસી નાખવાનું નહીં. જોનારાંને દેખાવું જોઇએ. એથી એમ સૂચવાય કે ભૂલોનો એકરાર તો હું કરીશ ત્યારે, પણ એ માટે હું આ ક્ષણથી તત્પર છું. મારી વાચનયાત્રાને તો મેં ઈરેઝર હેઠળ મૂકેલી છે. એકાદ વાર તો માણસે પોતાનું બધું ઈરેઝર હેઠળ મૂકી દેવું જોઇએ … અરે, પણ આ બધી ફિલસૂફી માટે થોડી છે આ જગ્યા? સૉરિ.

હું વાત તો કરતો’તો પત્રલેખન, હસ્તાક્ષર અને સુલેખનને ગુમાવ્યાની. જો કે મારે કરુણ અતીતરાગ નથી ગાવો. ગયું તે ભલે ગયું. નવાનું સ્વાગત છે. પણ નવાથી જે આડ અસરો અને આડ પેદાશો જન્મી છે તેની વાતો તો શૅઅર કરી જ શકાય. આમે ય આજકાલ આપણે શૅઅર શું કરીએ છીએ? વ્હૉટ્સઍપ પર, ફેસબુક પર, સાહિત્યિક – જેવું રેડીમેડ જે કંઇ ઠલવાયું હોય એના પર નજર નાખીને ફૉરવર્ડ કરી દઇએ છીએ. ‘લાઈક’ ‘સુપર્બ’ ‘અફલાતૂન’ ‘ગ્રેટ’ જેવી એકાક્ષરી કમેન્ટ્સ મોકલી દઇએ છીએ. વિદેશી પુસ્તકોની અધ્યાત્મની કે સાહિત્યની મૂલ્યવાન વાતો લગભગ રોજે રોજ પીરસાય છે. નીવડેલા અધ્યાપકો પાસે અપેક્ષા રહે છે કે એ વાતોને તેઓ સમુચિત દિશામાં જરાક તો વિસ્તારે. મોટાભાગના તેઓ દેખા દે છે પણ ચૂપ બેઠા રહે છે. ટૂંકમાં, કહેવાય સોશ્યલ મીડિયા પણ એમાં સોશ્યલ જેવું કંઇ છે નહીં.

કાવ્ય નાટક કે વાર્તાની સુન્દરતા ક્યાં શૅઅર કરીએ છીએ? સુખ્યાત કવિની પંક્તિ વિશે કોઇની જોડે કોઇ કલાકથી ચર્ચાએ ચડી ગયું હોય એવું બને છે ખરું? આસપાસમાં જોઇને કહેજો. એક વાર અમે ત્રણ મિત્રો અનિલ જોશીના કાવ્યમાં આવે છે એ ‘શકુન્તલાની ખાલી આંગળી’ શબ્દગુચ્છ વિશે રાતના આઠથી મધરાત લગી મચી પડેલા. પોતાને ‘બાળક’ કહેતી એક તેજસ્વી બાળાએ થોડા દિવસ પર મને એક આસ્વાદ્ય અને સૂચક વાક્ય મોકલ્યું : You have my heart to feel the sweetest vibes thriving in you : તારામાં ઊછરી રહેલા સુમધુર ભાવસ્પન્દનોને અનુભવવા તારી પાસે મારું હૃદય તો છે : આ એનો મેં કરેલો કામચલાઉ અનુવાદ છે. મૂળમાં અંગ્રેજી ભાષા પ્રભાવકપણે ભાવવહન કરે છે. ગુજરાતીમાં એટલી જમાવટ નથી થતી. અહીં એક સમર્પિત હૃદય છે અને એક આતુર હૃદય છે. બન્નેને એક થવું છે; અથવા તેઓ એક છે જ; આ તો એકત્વના સુખદ તોષનો અમસ્તો ઉદ્ગાર છે. નામ તરીકે vibe વ્યક્તિને વિશેની લાગણી સૂચવે અને ક્રિયાપદ તરીકે સમ્મતિ. માણસ કહી શકે She and I are totally vibing. પણ છોડો આ બધી હૃદયોનાં vibrations-ની ગહન-સુન્દર વાતો. આપણે ક્યાં આવા કશા સુવિચારો સાથે પાનું પાડીએ છીએ? ને અંગ્રેજી !? રામ રામ ભજો ! છીએ તે જ ઠીક છીએ !

ઈશ્વરદત્ત શક્તિઓને ઓળખવાને બદલે, નથી લાગતું કે આપણે ક્ષુલ્લક વાતોમાં રમમાણ થઇ ગયા છીએ? આપણને ખબર નથી કે આપણું એ ધ્યાન કમ્પનીઓ દ્વારા બારોબાર ‘વેચાય’ છે ! આપણાં વાચન – જો હોય તો – ઉતાવળિ યાં થઇ ગયાં છે. મૅસેજ આવ્યો છે, વળતો મૅસેજ ઝટ મોકલી દેવો છે. આ બેકાબૂ પ્રવૃત્તિ માટે કેટલાક એમ કહે છે કે સોશ્યલ મીડિયા તો એવું જ હોય. ના ! એ લૂલો બચાવ છે. સોશ્યલ મીડિયા ભારોભારનું સર્જનાત્મક છે. દુનિયાભરના લોકો ક્રીએટિવ સોશ્યલ મીડિયાના લાભોથી રળિયાત છે. કમ્પ્યૂટર પણ મલ્ટિ-ડાયમૅન્શનલ છે. અધ્યાપક પત્રકાર સાહિત્યકાર કે સાહિત્યરસિક માટે કમ્પ્યૂટર કાગળ-પૂંઠાં વિનાનું પુસ્તક છે, સામયિક છે, ડિક્શનરી છે. દીવાલો વિનાની લાઈબ્રેરી છે. ક્લાસરૂમ વિનાની યુનિવર્સિટી છે. સ્ટુડિયો છે. ગ્રામોફોન છે. રૅકર્ડર છે. થીએટર છે. સિનેમા છે. મ્યુઝિયમ છે. આર્ટ ગૅલેરી છે. જિમ્નેશિયમ છે. કોઇપણ આર્ટને માટેની વર્કશૉપ છે. કમ્પ્યૂટરને તમારા ખૉળા સિવાય કશાની જરૂર નથી – તમારી લૅપ જો ટૉપ હોય.

મારે, ગગનેથી અહર્નિશ ઝળુંબતી આ બહુહસ્તપાદ નવતાની જ વાતો કરવી’તી પણ એક પીડાથી બીજી પીડામાં ચાલી ગયો … સૉરિ …

પ્રગટ : ‘સાહિત્ય સાહિત્ય’ નામક લેખકની કટાર, “નવગુજરાત સમય”, 13 જુલાઈ 2019

https://www.facebook.com/suman.shah.94/posts/2601940589836838

Loading

‘નવજીવન’ થકી કેદીઓને જનજીવનમાં આવી રહ્યાં છે : તેમનાં ભજનો, ચિત્રો, તેમની સાથે સેલ્ફી …

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|12 July 2019

જેલવાસીની એક કેદી તરીકેની નહીં, પણ એક ઇન્સાન તરીકે હસ્તીને સ્વીકૃતિ અપાવીને ‘નવજીવન’ ગાંધીજીનું કામ કરી રહ્યું છે.

ગાંધી સાહિત્યના પ્રકાશન અને પ્રચાર-પ્રસારને વરેલાં ‘નવજીવન ટ્રસ્ટ’ના ઉપક્રમે રવિવારે સાંજે  ટ્રસ્ટના જ પરિસરમાં આવેલાં જિતેન્દ્ર દેસાઈ સભાગૃહમાં એક હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો. તેમાં અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલના કેદીઓએ ભજન રજૂ કર્યાં. ત્યાર બાદ, કેદમાંથી તાજેતરમાં મુક્ત થયેલા ચિત્રકાર નરેન્દ્રસિંહ રાઠોડનું તેમ જ તેમનાં પત્ની ગીતાબહેનનું સન્માન કરવામાં આવ્યું. નરેન્દ્રસિંહે ચૌદ વર્ષની સજા દરમિયાન જેલમાં દોરેલાં  દેશભક્તિનાં અને કુદરતી દૃશ્યોનાં ચિત્રો જેલની કૅન્ટિનની બહારની દિવાલોને આજે પણ શોભાવી રહ્યાં છે. જેલમાંથી છૂટ્યા બાદ પણ જેલ સાથે ચિતારા તરીકેનું તેમનું જોડાણ ચાલુ રહ્યું છે. બંદીવાનોના જીવનમાં પણ કંઈક રંગ-ઉમંગ આવે તેવા ઉમદા વિચાર સાથે તેમણે પોતાની કળાનો ઉપયોગ કર્યો છે. તેમણે હમણાં ધોમધખતા એપ્રિલ-મે દરમિયાન જેલની એક દિવાલના સોએક મીટર હિસ્સાને સાઠ ચિત્રોથી ચમકાવ્યો છે. જેલના મુલાકાતીઓ જે ગાંધી-ખોલી અને સરદાર-ખોલી જોવા માટે અચૂક આવતા હોય છે, તે રસ્તાના કોટની દિવાલની અંદરની બાજુ નરેન્દ્રસિંહે તેમના ગામ ધોળકાની ફાઇન આર્ટસના કેટલાક વિદ્યાર્થીઓની મદદથી ચિત્રો દોર્યાં છે. આ ચિત્રોમાં ગાંધી, સરદાર અને વિવેકાનંદનાં પોર્ટ્રેઇટ્સ્, કોમી એખલાસ, બાપુના ત્રણ વાંદરા, ધ્વજવંદના જેવાં વિષયો પરનાં ચિત્રો ઉપરાંત ચાવીઓ, સાંકળો, આકાશ તરફ ઊડાન ભરી રહેલાં પંખીઓ જેવાં પ્રતીકાત્મક ચિત્રો પણ છે. ‘નવજીવને’  પ્રશસ્તિપત્ર અને ત્રીસ હજાર રૂપિયા આપીને ચિત્રકારનું સન્માન કર્યું.

સન્માન પહેલાંના ભજન કાર્યક્રમના ભજનિકો ભરત મારુ, ઘનશ્યામસિંહ રાઠોડ, ભંવરલાલ કલાલ, શાંતિલાલ લુહાર અને પ્રવીણ બારોટ સરેરાશ દસ વર્ષથી જેલમાં છે. તેમણે બધાએ તેમની હક-રજાઓ દરમિયાન આ કાર્યક્રમ આપ્યો હતો. જેલવાસીને માટે દર વર્ષે મળતી ચૌદ રજાઓ ખૂબ મૂલ્યવાન હોય છે, કારણ કે વર્ષમાં એટલા જ દિવસ તેમને પરિવાર સાથે વીતાવવા મળતા હોય છે. પરિવાર જેલવાસી માટે કેવો અદકેરો હોય છે તેની ઝલક ઝવેરચંદ મેઘાણીનાં ‘જેલ-ઑફિસની બારી’ નામના અસ્વસ્થકારક વાર્તાસંગ્રહમાં મળે છે. એ પુસ્તકની ભાવભૂમિ મેઘાણીભાઈએ 1930-31ના અગિયાર મહિના દરમિયાન સાબરમતી જેલમાં વેઠેલા કારાવાસ પરથી રચાઈ છે.

ભજનમાં આવેલા કારાવાસીઓ રજા પર હોવાને કારણે તેમની સાથે પોલીસ ન હતી. કાર્યક્રમના સંચાલક અને બાહોશ પત્રકાર પ્રશાંત દયાળે કહ્યું તેમ ખરેખર તો એમાંથી કોઈ પણ ભાગી જઈ શકે એમ હતા. આપણે પણ કલ્પી શકીએ કે એને પકડવાનું આટલા મોટા દેશમાં અઘરું પડે. પણ પ્રશાંતભાઈએ બહુ વિશ્વાસ સાથે ઉમેર્યું કે આ બધા ભજનિકોને હમણાં કહ્યું હોય કે તમે પાછા જેલમાં જતા રહો, તો રિક્સા કરીને રજા પરના આ કેદીઓ ત્યાં પહોંચી જાય ! રજા પર ન હોય એટલે કે અત્યારે જેલમાં જ હોય તેવા કેદીઓનાં ભજનોનો એક કલાકનો કાર્યક્રમ એપ્રિલ મહિનાથી દર શુક્રવાર, શનિવાર અને રવિવારે સાંજે સાત વાગ્યે ‘નવજીવન’ના ઉપક્રમે યોજાય છે. તેના ‘કર્મ કાફે’ના ઓટલે બિલકુલ ખુલ્લામાં મંડળી ભજનો ગાય છે. સેંકડો ભજનોની જાણકાર આ મંડળી જેલના સંગીતશિક્ષક વિભાકર ભટ્ટ પાસેથી તાલીમ મેળવે છે. મંડળીના શ્રોતાઓમાં ગાંધી-થાળી કે પુસ્તકો માટે આવનારા મુલાકાતીઓ ઉપરાંત આઠ-દસ પરિવારો નિયમિતપણે માત્ર આ બંદીવાનોને સાંભળવા આવે છે. તેમાંથી કેટલાંક તેમની સાથે ગાવા ય બેસી જાય છે, મોકળાશથી વાતો પણ કરે છે. જેલવાસીઓ સાથે સેલ્ફી પડાવનારાની સંખ્યા વધી રહી છે ! કેદી સાથે લોકો સેલ્ફી પડાવે એ કેદી માટે અસાધારણ વાત છે. જેલવાસીની તેની કેદી તરીકેની નહીં પણ એક અચ્છા ઇન્સાન તરીકે હસ્તીને મળેલી એ મંજૂરી છે. એ સ્વીકૃતિ અપાવીને ‘નવજીવન’ ગાંધીજીનું કામ કરી રહ્યું છે.

ગાંધીજીના કારાવાસ તેમના જીવનનું રસપ્રદ પાસું છે. ‘યેરવડાના અનુભવો’ પુસ્તકમાં તેમણે ‘હું રીઢો થયેલો ગુનેગાર છું’ એમ નોંધ્યું છે. બાપુએ કુલ ઓગણીસ વખત જેલવાસ વેઠ્યો છે. દક્ષિણ આફ્રિકામાં 1908થી પાંચ વર્ષ દરમિયાન નવ વખત, અને ત્યાર પછી ભારતમાં 1944 સુધીમાં સુધીમાં દસ વખત. આમાંથી કેટલાક વિશે તેમણે વિગતવાર લખ્યું છે. ગાંધીજી માનતા કે વ્યક્તિ ‘ક્ષણિક ઘેલછા અને સાચા માર્ગદર્શનને અભાવે’ ગુનો કરે છે. તેમની સાફ હિમાયત હતી કે ‘જેલો સ્વાશ્રયી સુધારગૃહો બની જાય’, ‘કેદીઓને જેટલું આપી શકાય તેટલું અનુકૂળ વાતાવરણ મળી રહે’, ‘કેદીને એક એવા ઉદ્યોગનું જ્ઞાન મળી રહે કે જે એને જેલમાંથી છૂટ્યા પછી સ્વતંત્ર ધંધો કરવામાં મદદરૂપ થઈ પડે અને આબરુદાર નાગરિકનું જીવન ગાળવા તરફ તેમને ઉત્તેજન મળે’, ‘કેદીઓને વિશે જે અવિશ્વાસ રાખવામાં આવે છે તેને બદલે વિશ્વાસ સ્થપાય’.

ગાંધીને અપેક્ષિત અભિગમ સાથે ‘નવજીવન’ ગયાં ત્રણ વર્ષથી સાબરમતી જેલ સત્તાવાળાઓ સાથે કાર્યરત છે. શરૂઆત તો ગાંધી-વિચારનાં પુસ્તકોનાં વાચન પર આધારિત ‘ગાંધી-પરીક્ષા’થી થઈ જે દર વર્ષે સોએક જેલવાસીઓ આપે છે. ચાળીસેકની ઉંમરના શમ્સુદ્દીનભાઈ તેમાં હંમેશાં પહેલા નંબરે આવે છે. તેઓ અંગ્રેજીમાં પરીક્ષા આપે છે, એટલું જ નહીં વાંચવા આપેલાં પુસ્તકોમાંની ભૂલો તરફ ધ્યાન પણ દોરે છે. ‘કર્મા ફાઉન્ડેશન’નાં પ્રિયાંશી પટેલ થકી મહિલા જેલમાં ગોઠવવામાં આવેલ સેનેટરિ પૅડ બનાવવાના યુનિટમાં ઘણી બહેનો તાલીમ અને રોજગારી મેળવે છે.

‘નવજીવન’ ભજનિકોને ભજન ગાવા માટે મહેનતાણું આપે છે. તેણે યોજેલાં બંદીવાન ચિત્રકારોનાં ચિત્રોનાં પ્રદર્શનમાં થયેલી કૃતિઓનાં વેચાણમાંથી કલાકારોને આવક થઈ હતી. તે જેલવાસીઓને તેમણે બનાવેલી ગણપતિની મૂર્તિઓને વેચાણ માટેની વ્યવસ્થા દ્વારા આવકનો રસ્તો ઊભો કરે છે. ગુજરાત ભરની જેલોના કેદીઓની લેખનકળાની અભિવ્યક્તિ માટે બહાર પાડવામાં આવતા ‘સાદ’ ત્રૈમાસિક લેખકોને ‘નવજીવન’ પુરસ્કાર પણ આપે છે. ટ્રસ્ટ દ્વારા કેદીઓ માટે ચલાવવામાં આવતાં પ્રૂફ-રીડિંગ અને પત્રકારત્વનાં પ્રમાણપત્ર અભ્યાસક્રમમાં અત્યારે વીસેક વિદ્યાર્થીઓ છે. અહીં જ પ્રૂફ-રીડિંગ શીખેલા મિલનભાઈએ એટલી બધી આવડત કેળવી કે તેમની પાંચ વર્ષની સજા પૂરી થયાં બાદ ‘નવજીવને’ તેમને પોતાને ત્યાં પ્રૂફરીડર તરીકે નિમણૂક કરી. ‘નવજીવન’ ઉપરાંત પણ સરકાર પોતે અને કેટલીક સંસ્થાઓ સમયાંતરે જેલ-સુધારાનું કામ કરતી રહે છે. જેમ કે, અમદાવાદનાં ‘અંધજન મંડળ’ માટે સાત જેલવાસીઓનાં જૂથે અત્યાર સુધીમાં સાતસો જેટલાં પુસ્તકોનું ઑડિયો રેકૉર્ડિંગ કર્યું છે. મેઘાણીભાઈના પૌત્ર પિનાકીભાઈની પહેલથી મેઘાણી-ખોલી અને તેની બાજુમાં પુણ્યશ્લોક રવિશંકર મહારાજ તેમ જ અબ્બાસ તૈયબજીની ખોલીઓને પણ તાજેતરમાં સ્મારક તરીકે વિકસાવવામાં આવી છે. તેમાં મદદરૂપ થનાર નાયબ જેલ અધિક્ષક પી.બી. સાપરાએ આ સ્મારકો લાગણીપૂર્વક બતાવ્યાં.

કેદીઓ પ્રત્યે જેલ અધિકારીઓની લાગણીએ સાબરમતી જેલ સુધારણામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ગુજરાતની જેલોના સર્વોચ્ચ વડા મોહન ઝાની સક્રિય હકારાત્મકતા અને અનેક અધિકારીઓના વિધેયાત્મક અભિગમથી ‘નવજીવન’નું કામ શક્ય બન્યું છે. ‘નવજીવન’ના મૅનેજિન્ગ ટ્રસ્ટી વિવેક દેસાઈની ગાંધીવિચારની સમજનું નક્કર રૂપ જેલનાં કામમાં જોવા મળે છે. ‘નવજીવનનો અક્ષરદેહ’ માસિકના અભ્યાસી સંપાદક કિરણ કાપુરે જેલસુધારાને લગતાં ઉપક્રમોનું નિષ્ઠાપૂર્વક સંકલન કરે છે. અલબત્ત, ‘નવજીવન’નું આ કામ સુપેરે પાર પડી રહ્યું છે તેની પાછળ પ્રશાંત દયાળની પત્રકાર તરીકેની શાખ અને માણસ તરીકેની કરુણા છે. વિવેકભાઈ અને પ્રશાન્તભાઈ ગાંધીનું આ કામ ‘ગાંધી દોઢસો’ પછી પણ ચલાવશે એવી આશા અસ્થાને ન હોય.

********

10 જુલાઈ 2019

સૌજન્ય : ‘ક્ષિતિજ’, નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”; 12 જુલાઈ 2019

પ્રશાન્ત દયાળની ફેઇસબુક દિવાલેથી સાભાર મેળવી આ લિંક ક્લીક કરવી અને ભજનો સાંભળવા :

dwhttps://gujarati.news18.com/videos/gujarat/video-listen-to-the-inmates-of-gandhijis-favorite-devotees-887466.html?fbclid=IwAR0XqEAm-G_Nsl7USqXG9Zj-_bs5lMXVYMJ46cbIGI1d5dKTgD5cZTWic

Loading

...102030...2,9192,9202,9212,922...2,9302,9402,950...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved