Opinion Magazine
Number of visits: 10,229,522
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કાશ્મીરનો મામલો કેવો ગૂંચવાયો હતો તે તો જાણીએ પહેલાં !

રમેશ ઓઝા|Opinion - Opinion|8 August 2019

દરેક સાહસની સાર્થકતા પરિણામ ઉપર અવલંબે છે. ૮મી નવેમ્બર ૨૦૧૬ના રોજ કેન્દ્ર સરકારે નોટબંધીનું સાહસ કર્યું હતું જેનાં પરિણામ અત્યારે નજરે પડી રહ્યાં છે. અર્થતંત્રની કમર એટલી હદે તૂટી ગઈ છે કે ખબર નહીં ઊભા થતાં કેટલાં વરસ લાગશે. જ્યારે નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારે એવી રીતે જશ્ન મનાવવામાં આવ્યો હતો કે જાણે દેશમાં આર્થિક ક્રાંતિ કરવામાં આવી હોય!

જમ્મુ અને કાશ્મીર વિષે સરકારે જે નિર્ણય લીધો છે એ નોટબંધી કરતાં પણ મોટું સાહસ છે. આનાં પરિણામ ખરાબ જ આવશે એમ ખાતરીપૂર્વક કહેવું જેમ મુશ્કેલ છે તેમ સારાં જ પરિણામ આવશે એમ પણ ખાતરીપૂર્વક કહેવું મુશ્કેલ છે. બે મુખ્ય મુદ્દાઓ છે જે આજે તટસ્થતાપૂર્વક સમજી લેવા જરૂરી છે.

૧૯૭૧માં ભારતે લશ્કરી હસ્તક્ષેપ કરીને પૂર્વ પાકિસ્તાનને પાકિસ્તાનથી અલગ કર્યું ત્યારથી પાકિસ્તાનનો કાશ્મીર પર ડોળો છે. કાશ્મીરમાં તેને બંગલાદેશ નજરે પડી રહ્યું છે. ૧૯૭૧થી પાકિસ્તાન કાશ્મીરના પ્રશ્નનું જાગતિકીકરણ કરી રહ્યું છે અને અલગતાવાદીઓને મદદ કરી રહ્યું છે. તાજેતરમાં લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદી પાછા ભારતના વડા પ્રધાન બને અને બી.જે.પી.ની સરકાર સત્તામાં પાછી આવે એવી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જે ઈચ્છા પ્રગટ કરી હતી, તેની પાછળ આ ગણતરી હતી. ૧૯૭૧થી અત્યાર સુધીના ભારતીય શાસકો કાશ્મીરને બંગલાદેશ બનાવવા દેતા નહોતા. કેન્દ્ર સરકાર દરેક વિચાર અને વલણના લોકો સાથે વાટાઘાટો કરતી હતી. સાચાંખોટાં વચનો આપતી હતી અને ઠાગાઠોયા કરતી હતી. અટલ બિહારી વાજપેયીએ હુર્રિયતના નેતાઓ સાથે વાટાઘાટો કરી હતી અને જમ્મુ અને કાશ્મીરમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજી હતી.

ટૂંકમાં ૧૯૪૭થી કેન્દ્ર સરકાર કાશ્મીરની પ્રજાને પ્રેમ કરી રહી છે, થાબડભાણા કરી રહી છે, પટાવી રહી છે, જરૂર પડ્યે દંડી રહી છે અને એકંદરે બે બાજુનું વલણ અપનાવીને છેતરી રહી છે. દરેકે દરેક સરકારે અપવાદ વિના આવું વલણ અપનાવ્યું હતું. તેમને આમાં વ્યવહારુ માર્ગ નજરે પડતો હતો. તેઓ ઓછા સાહસિક હતા એવું નથી, પરંતુ કદાચ વધારે દૂરંદેશી હતા. ગમે તે થાય પણ કાશ્મીરને બંગલાદેશ નહીં બનવા દેવું અને ભારતનું વધુ એક વિભાજન ન થવા દેવું, એ બાબતે દરેક રાજકીય પક્ષો વચ્ચે સર્વસંમતિ હતી. આ વખતે ઇમરાન ખાનને એમ લાગ્યું હતું કે જો નરેન્દ્ર મોદી પાછા ભારતના વડા પ્રધાન બને અને બી.જે.પી.ની સરકાર સંપૂર્ણ બહુમતી સાથે પાછી આવે તો કાશ્મીરમાં સાહસ કરે તેવી વકી છે અને એ સ્થિતિમાં બંગલાદેશનું વેર વાળવાનો મોકો મળી શકે એમ છે.

કાશ્મીરની ખીણનું હજુ એક મહત્ત્વ છે. અવિભાજિત જમ્મુ અને કાશ્મીર ભારતનું એકમાત્ર મુસ્લિમ બહુમતી રાજ્ય છે. જો એ રાજ્યના મુસલમાનો પોતાની મરજીથી ભારતમાં રહે તો ભારત ધર્મ આધારિત ટુ નેશન થિયરીને નિરસ્ત કરી શકે અને પાકિસ્તાનના દાવાને પોકળ સાબિત કરી શકે છે. ભારત એમ કહી શકે કે ભારત સેક્યુલર રાજ્ય છે એટલે ભારતીય મુસલમાનો એક નાગરિક તરીકે ભારતમાં સુરક્ષાનો અનુભવ કરી રહ્યા છે અને તેમાં મુસ્લિમ બહુમતી ધરાવતા રાજ્યના મુસલમાનોનો પણ સમાવેશ થાય છે. ભારતથી ઊલટું પાકિસ્તાનમાં હિંદુઓ સહિતની લઘુમતી કોમ સુરક્ષિત નથી. યુનો જેવા જગતના ચોરે ભારતે આવી દલીલ કરી પણ છે. એક વખત તો પી.વી. નરસિંહ રાવ જ્યારે ભારતના વડા પ્રધાન હતા, ત્યારે તેમણે ચાહી કરીને અટલ બિહારી વાજપેયીને આવી દલીલ કરવા જિનીવા મોકલ્યા હતા. ટૂંકમાં પાકિસ્તાન કરતાં ભારત કઈ રીતે નોખું છે અને ચડિયાતું છે, એના પ્રમાણ તરીકે કાશ્મીરનો ખપ છે. કાશ્મીર સાથે નરમ-ગરમ વલણ અપનાવવામાં આવે છે એનું આ બીજું કારણ છે.

ભારતના શાસકો કાશ્મીરમાં સાહસ નહોતા કરતા એનાં આ બે મુખ્ય કારણો હતાં. તેમનામાં હિંમત ઓછી હતી એવું નહોતું. હવે જ્યારે કેન્દ્ર સરકારે સાહસ કર્યું જ છે ત્યારે કાશ્મીર બંગલાદેશ ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. આપણને જાણ નથી પણ આશા રાખીએ કે સરકારે સાહસ કરતાં પહેલાં અમેરિકા અને ચીન(ખાસ કરીને ચીન)ને વિશ્વાસમાં લીધાં હશે. ચીનનો લડાખ અને અરુણાચલ પ્રદેશ પર ડોળો છે અને તે તકની રાહ જોઈ રહ્યું છે. લડાખને જમ્મુ અને કાશ્મીરથી અલગ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવ્યું એ વિષે ચીને જે પ્રશ્ન ઊઠાવ્યો છે એ જોતાં ચીનને વિશ્વાસમાં લેવામાં આવ્યું હોય એવું લાગતું નથી. આ કોઈ નબળાઈ નથી. મુત્સદીઓ ક્યારે ય એક સાથે અનેક મોરચાઓ ખોલતા નથી. ટૂંકમાં પ્રારંભમાં જ કહ્યું એમ પરિણામ જોઇને સાહસની સાર્થકતા નક્કી કરવી રહી.

બીજા મુદ્દાની ચર્ચા કરતા પહેલાં આર્ટીકલ ૩૭૦ની પૃષ્ઠભૂમિ સમજી લેવી જોઈએ. ભારતને આઝાદી મળી ત્યારે ભારતમાં ૫૫૬ રજવાડાં હતાં. રાજવીઓએ ભારતમાં જોડાવું કે પાકિસ્તાનમાં જોડાવું કે પછી સ્વતંત્ર રહેવું એ નક્કી કરવાની સ્વતંત્રતા ધરાવતા હતા, પરંતુ એ સ્વતંત્રતા કહેવા પૂરતી હતી. એ સમયની એક પણ રિયાસત આઝાદ દેશ તરીકે ટકી શકે એમ નહોતી, કારણ કે અંગ્રેજોએ તેનું ખસ્સીકરણ કરી નાખ્યું હતું અને મોટા ભાગના રાજવીઓ આ હકીકત જાણતા હતા. તેમની પાસે લશ્કર જ નહોતું. આમ ટેકનિકલી ત્રણ, પણ વ્યવહારમાં તેમની પાસે માત્ર બે જ વિકલ્પ હતા : કાં તો ભારતમાં જોડાય કાં પાકિસ્તાનમાં.

અવિભાજિત ભારતમાં ઠેકઠેકાણે ભારત-પાકિસ્તાનનાં ખાબોચિયાં ન રચાય એ સારુ રાજવીઓને બે સલાહ આપવામાં આવી હતી. એક સલાહ એવી હતી કે કોઈ રિયાસતે પાકિસ્તાનમાં જોડાવું હોય તો રિયાસત ભૌગોલિક રીતે પાકિસ્તાનને અડીને હોવી જોઈએ અને બીજી સલાહ એવી આપવામાં આવી હતી કે રાજવીઓએ પોતાને ત્યાંની બહુમતી પ્રજાની ઈચ્છાને માન આપવું. આ જ નીતિ ભારતમાં જોડવાની બાબતે.

આ સ્થિતિમાં ત્રણ શક્યતાઓ હતી. ૧. જો કોઈ રિયાસત પાકિસ્તાનની પડોશમાં હોય અને મુસલમાનોની બહુમતી હોય તો તેણે પાકિસ્તાનમાં જોડાવું જોઈએ; પછી રાજવી ભલે હિંદુ કે બિનમુસ્લિમ હોય. ૨. જો કોઈ રાજવી મુસલમાન હોય, તેની રિયાસત પાકિસ્તાનને લાગીને આવી હોય પણ હિંદુઓની બહુમતી હોય તો તેણે ભારતમાં જોડાવું જોઈએ. ૩. જો કોઈ રિયાસત પાકિસ્તાનથી દૂર હોય પણ બહુમતી પ્રજા મુસલમાન હોય અને રાજવી પણ મુસલમાન હોય તો તેણે ભારતમાં જોડાવું જોઈએ.

હવે જમ્મુ અને કાશ્મીર પાકિસ્તાનને અડીને આવેલું છે અને મુસલમાનોની બહુમતી છે એટલે રાજવીઓને આપવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ જમ્મુ અને કાશ્મીરના હિંદુ રાજાએ હિંદુ હોવા છતાં પાકિસ્તાનમાં જોડાવું જોઈતું હતું. સરદાર પટેલ સહિત ભારતના દરેક નેતા આને માટે તૈયાર હતા. કોઈએ ધાર્યું નહોતું કે જમ્મુ અને કાશ્મીરના મહારાજા આઝાદીનો વિકલ્પ પસંદ કરશે, કારણ કે આઝાદીનો વિકલ્પ જરા ય વ્યવહારુ નહોતો. લોકશાહીનો આધુનિક યુગ હોય, મુસલમાનોની બહુમતી હોય અને પડખે મુસ્લિમ દેશ હોય ત્યાં હિંદુ રાજા રાજ કરી શકે? કાશ્મીરના લોકપ્રિય નેતા શેખ અબ્દુલાને મહારાજા હરિસિંહના આઝાદીના પ્રસ્તાવમાં રસ પડ્યો હતો પણ, શરત એ કે રાજાશાહીનો અંત આવે અને પ્રજાકીય લોકતંત્ર સ્થાપિત થાય. જમ્મુ અને કાશ્મીરના રાજાને તો રાજાશાહી કાયમ રાખવી હતી અને ઉપરથી હિંદુ રાજ પણ જાહેર કરવું હતું. તેઓ પોતે હિન્દુત્વવાદી હતા અને હિન્દુત્વવાદીઓની સલાહ મુજબ આવા સાહસ કરતા હતા. આગળ કહ્યું એમ રાજા આવું ઘેલું વર્તન કરશે એની સરદાર પટેલે પણ કલ્પના નહોતી કરી.

બીજી બાજુ જૂનાગઢ પાકિસ્તાનથી ઘણું દૂર છે અને બહુમતી પ્રજા હિંદુ છે માટે જૂનાગઢના મુસ્લિમ રાજવીએ ભારતમાં જોડાવું જોઈતું હતું, પરંતુ તેણે પાકિસ્તાનમાં જોડાવાનો માર્ગ અપનાવ્યો હતો. બન્ને રાજવીઓએ આપવામાં આવેલી વ્યવહારુ માર્ગદર્શિકાનો અવ્યવહારુ માર્ગ અપનાવીને ભંગ કર્યો હતો. મહારાજા હરિસિંહ હિન્દુત્વવાદીઓની શિખામણથી માર્ગદર્શિકાનો ભંગ કરીને ચાલતા હતા એટલે પાકિસ્તાને જુલ્ફીકાર અલી ભુટ્ટોના પિતા સર શાહનવાઝ ભુટ્ટોને જૂનાગઢના દિવાન તરીકે મોકલીને નવાબને શિખામણ આપીને જૂનાગઢનું પાકિસ્તાનમાં વિલીનીકરણ કરાવ્યું હતું. આખી રમત અંગૂઠા ઉપર અંગૂઠો મૂકવાની હતી અને ભારતને બે વિરોધી સ્થિતિમાંથી કોઈ એક સ્થિતિ પસંદ કરવાની મૂંઝવણમાં મૂકવાની હતી.

બન્યું પણ એવું જ. જો જમ્મુ અને કાશ્મીરના રાજાના આઝાદ રહેવાના અધિકારનો ભારત સ્વીકાર કરે તો જૂનાગઢના નવાબની પાકિસ્તાનમાં જોડાવાની મરજીનો પણ સ્વીકાર કરવો પડે. જો જમ્મુ અને કાશ્મીરની બહુમતી મુસ્લિમ પ્રજાના નિર્ણય લેવાના અધિકારની અવગણના કરવામાં આવે તો જૂનાગઢમાં બહુમતી હિંદુઓના નિર્ણય લેવાના અધિકારની પણ અવગણના થઈ શકે. કોને વધારે મહત્ત્વ આપવું? રાજા કે નવાબના અધિકારને કે પ્રજાકીય બહુમતીને? ભારત જ્યારે લોકશાહી દેશ હોવાનો દાવો કરતું હોય ત્યારે રાજવીના અધિકારને વધારે મહત્ત્વ ન આપી શકે અને જો આપે તો જૂનાગઢ જાય.

આમ કોકડું જમ્મુ અને કાશ્મીરના હિંદુ રાજાએ ગૂંચવ્યું હતું અને તેમાં તેમને હિન્દુત્વવાદીઓનો ટેકો હતો. જમ્મુ અને કાશ્મીરના અને જૂનાગઢના એમ બન્ને રાજવીઓના વિકલ્પ અવ્યહારુ હતા. બન્નેની પાછળ અનુક્રમે હિંદુ અને મુસ્લિમ કોમવાદી રાજકારણ હતું. આમાંથી જૂનાગઢની પ્રજાનો તો છૂટકારો થઈ ગયો, પણ કાશ્મીરની પ્રજાનો છૂટકારો થયો નથી. વગર ગુને ત્યાંની પ્રજા કિંમત ચૂકવી રહી છે.

જો તમારી અંદર માણસ જીવતો હોય તો તેમને માટે સહાનુભૂતિ સિવાયનો બીજો કોઈ ભાવ ન હોઈ શકે!

(ક્રમશ:)

06 ઑગસ્ટ 2019

સૌજન્ય : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 08 ઑગસ્ટ 2019

Loading

હે ગોવિંદ, હે નંદલાલા પોઢાડું પ્રેમે, પોઢી જા વ્હાલા

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|8 August 2019

હૈયાને દરબાર

હે ગોવિંદ, હે નંદલાલા
પોઢાડું પ્રેમે, પોઢી જા વ્હાલા
શયન સમા થયો હવે ગિરિધારી,
ઝૂલો ઝૂલાવું સૂઈ જા મુરારી
સૂરજદાદા પોઢી ગયા છે,
રાતની ચાદર ઓઢી રહ્યા છે,
નયન ઉઘાડે, મીંચે છે શાનો,
ઊંઘી જા કાના, તું છાનોમાનો
આંખો થઈ છે નીંદર ભારી … ઝૂલો ઝૂલાવું

નયનોને લાગી મુખડાની માયા
તારું ધામ બની છે કાયા
હે મોહન હે મુરલીધારી
મોહે છે સૌને લીલાઓ તારી
રાખજે તું કેશવ પત મારી
ગોવાળો સંગે તું લઈને ગોધન
વહેલી પરોઢે, ભટકે વન વન
સાંજ સમે તું ગોકુળ આવે
માડીનાં ભોજનિયાં ભાવે
રાત થઈ હવે, કુંજબિહારી … ઝૂલો ઝૂલાવું

• કવિ : ભરત આચાર્ય  • સંગીતકાર : અનુપ જલોટા  • ગાયિકા : લાલિત્ય મુન્શા

————————

ઑગસ્ટ મહિનો ભક્તિભાવ લઈને આવે છે. શ્રાવણ માસથી શરૂ કરીને રક્ષાબંધન, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી, પર્યુષણ પર્વ, ગણેશ ચતુર્થી ઈત્યાદિ તહેવારોની વણઝાર શરૂ થઈ જાય. જન્માષ્ટમી નજીક આવી રહી છે એટલે મન કૃષ્ણમય થવા લાગ્યું છે. એમાં ય ‘શામળિયા શ્રીનાથજી’ની કૃતિઓ હાથ લાગી છે, એટલે તો મન ગોકુળ-વૃંદાવનમાં અત્યારથી જ પહોંચી ગયું છે. બહુ જૂનું આલબમ છે અને કેટલીક રચનાઓ ભજન-સમ્રાટ અનુપ જલોટાજીએ સ્વરબદ્ધ કરીને ગાઈ છે, પરંતુ આજે જે ગીતની વાત કરવાની છે એ ગાયું છે લાલિત્ય મુન્શાએ. ધીમી લયમાં શરૂ થતું, હાલરડાંનો સહજ સ્પર્શ ધરાવતું આ કર્ણપ્રિય ભક્તિગીત બાળકને સુવાડતી વખતે સંભળાવવામાં આવે તો બાળક આ મીઠી મેલડીથી જરૂર ઊંઘી જાય.

કૃષ્ણ એ સર્વપ્રિય ભગવાન છે. મધ્યકાલીન સાહિત્યથી લઇને અર્વાચીન સાહિત્યના કોઈ પણ યુગમાં કૃષ્ણ વિશે લખાયું ન હોય એવું બન્યું નથી. નરસિંહ મહેતાથી લઈને હરીન્દ્ર દવે, સુરેશ દલાલ, અનિલ જોશી સુધી અને મીરાંથી લઈને આજના યુગનાં કાજલ ઓઝા-વૈદ્ય સુધીનાં તમામ સર્જકોએ તેમની કલમ કૃષ્ણ નામની શાહીમાં બોળીને ભાવકોને તેમાં રસ તરબોળ કર્યાં છે. કોઈએ તેની રચનામાં કૃષ્ણને ગોપીઓ સાથે રાસ રમાડ્યા છે તો કોઈએ શામળા શેઠને હાથ હૂંડી પહોંચાડી છે. કોઈએ નેજવાને પાંદડે પોઢાડ્યા છે, કોઈ મધુવનમાં માધવને ઢૂંઢે છે તો કોઇ તેની ઉપર આંધળો વિશ્વાસ રાખીને ઝેરનાં પ્યાલા ગટગટાવી જાય છે. કોઇએ તેને ગોકુળમાં ફરી પગ મૂકવાની ધરાર ના પાડી દીધી છે, તો કોઈએ તેને રોજ સવારે તેની મોર્નિંગ વોક ઉપર લઈ જવાની કે કોફી ટેબલ પર તેની સાથે બેસીને હૂંફાળી કોફી પીવાની વાત કરી છે. કેટકેટલી વિવિધતા અને કેવી કેવી કલ્પનાઓ કૃષ્ણ ગીતોમાં આકારાઈ છે અને એ તમામમાં પેલું સનાતન પાત્ર એકદમ સમરસ અને એકરૂપ.

કૃષ્ણ ગીતોનાં પ્રેમમાં પડી જવાય એવી એક એકથી ચડિયાતી કૃતિઓ ગુજરાતી-હિન્દી-વ્રજ ભાષામાં રચાઈ છે.

આજનું ગીત જેમણે લખ્યું એ છે કવિ ભરત આચાર્ય. સ્વરબદ્ધ અનુપ જલોટાજીએ કર્યું છે. આ ગીતનાં ગાયિકા લાલિત્યા મુન્શા કલાકાર તો છે જ, પરંતુ બિઝનેસ વુમન છે. એક મ્યુઝિક કંપનીનાં સ્થાપક છે.

અનુપજીની ભક્તિ રચનાઓ ઘર ઘરમાં લોકપ્રિય છે. અનુપ જલોટાનું બચપણ લખનઊમાં વીત્યું. સંગીતની તાલીમ એમણે પિતા પુરુષોત્તમદાસ જલોટા પાસે લીધી હતી. ૧૯૭૭માં ‘શિરડી કે સાંઇબાબા’ નામની ફિલ્મમાં બ્રેક મળ્યો એ પછી અનુપજીનું નામ લોકો જાણતા થયા. ત્યારબાદ એમને ફિલ્મો પણ મળતી ગઈ, પરંતુ અનુપજીનો રસ કંઈક જુદો જ હતો. એમને ભક્તિભાવની લગની હતી, તેમ જ ગઝલ સાથે પણ ઘરોબો હતો. તેથી ૧૯૮૦માં એમણે ‘ભજન સંધ્યા’ નામે સૌપ્રથમ આલબમ બહાર પાડ્યું, જેનાં તમામ ગીતો સંગીત ચાહકોના ઘરમાં ગુંજવા લાગ્યાં. એ જ આલબમનું ઐસી લાગી લગન, મીરાં હો ગઈ મગન … આજે પણ એટલું પોપ્યુલર છે કે એમના દરેક પ્રોગ્રામમાં આ ગીતની ફરમાઈશ તો આવે જ. એમણે પોતે જ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે લોકો મને ‘ભજન-સમ્રાટ’ તરીકે સંબોધે છે, પરંતુ ભગવાનની ભક્તિમાં સમ્રાટ ના હોય, ફકીર હોય એટલે મને ભજન સમ્રાટ નહીં પણ ભજન ફકીર કહો તો વધારે ગમે. અનુપ જલોટાએ અનેક ભજન આલબમ બહાર પાડી દેશ-વિદેશમાં અત્યંત લોકચાહના મેળવી છે.

આ ગીતના સંદર્ભમાં અનુપજી કહે છે, "કૃષ્ણ પ્રેમ હંમેશાં મારે માટે મહત્ત્વનો રહ્યો છે. આ એક જ એવા ઈશ્વર છે આપણને જીવન જીવવાની કલા શીખવે છે, પ્રેરણા આપે છે. કમ્પોઝિશન બનાવતી વખતે સ્વરકારના મનમાં એ ગીત કોની પાસે ગવડાવવું એ લગભગ નક્કી હોય છે. ગાયકની કેપેસિટી, એ કેટલું ગાઈ શકે છે, રેન્જ કેટલી છે એના આધારે ગાયક કે ગાયિકા નક્કી થતાં હોય છે. હે ગોવિં દ… ગીત સ્વરબદ્ધ કરતી વખતે મારા મનમાં લાલિત્યનું જ નામ, એનો અવાજ જ યાદ આવ્યાં હતાં. મને લાગ્યું કે આ ગીત એના અવાજમાં બરાબર બંધ બેસે એવું છે. ખરેખર એણે ખૂબસૂરતીથી નિભાવ્યું. કમ્પોઝિશન બનાવતી વખતે કવિતાના ભાવમાં સંગીતકારે ડૂબી જવું પડે. ડૂબીએ તો ભાવ ભગવાન સુધી પહોંચી જતો હોય છે. ભાવમાં ઊંડા ઊતરીએ તો ઘણી વાર આંખમાં આંસુ આવી જાય, ગળે ડૂમો બાઝી જાય એવા અનુભવો પણ થયા છે. બધાં દેવી-દેવતાઓમાં શ્રીકૃષ્ણ આપણને સ્વતંત્રતા આપે છે. એમની સાથે તમે રમી શકો, નૃત્ય કરી શકો, એને ચોર કહી શકો, એને રણછોડ પણ કહી શકો. મર્યાદા પુરુષોત્તમ રામની સાથે આવું કંઈ ન થઈ શકે. રામ સાથે નૃત્ય ના થઈ શકે જ્યારે કૃષ્ણ તો આપણને ઇજાઝત આપે છે, એમની સાથે બધી મોજ-મસ્તી કરવાની. તેથી જ કૃષ્ણ સૌથી વધારે ગવાયાં છે. રાધા-કૃષ્ણ આપણા માટે પ્રેમનું પ્રતીક છે તેથી રાધા કૃષ્ણ પર પણ કેટલાં બધાં સુંદર ગીતો રચાયાં છે. આ ગીત કમ્પોઝ કરતી વખતે પણ મને રાધા-કૃષ્ણ જાણે મારી નજર સમક્ષ હોય એવી જ અનુભૂતિ થતી હતી.

બહુમુખી પ્રતિભા ધરાવતાં લાલિત્ય મુન્શાના કેટલાંક આલ્બમ્સનું વિમોચન ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મોરારિ બાપુ, શ્રી શ્રી રવિ શંકર, હેમા માલિની ઈત્યાદિ દ્વારા કરવામાં આવ્યું છે. પોતાની સંગીત કંપની અંતર્ગત અત્યાર સુધી તેમણે ગુજરાતના પ્રખ્યાત અને નવા કલાકારોના ૩૦૦થી વધુ આલ્બમોને રિલીઝ અને પ્રમોટ કર્યા છે. શાસ્ત્રીય સંગીત માટે પંડિત ઓમકારનાથ ઠાકુર ટ્રોફી, વર્ષ ૨૦૧૩ અને ૨૦૧૬માં રાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ એન્ડ એન્ટરટેઇન્મેન્ટ એવોર્ડ સહિત અનેક પુરસ્કાર મેળવનાર લાલિત્ય આ ગીતના સંદર્ભમાં કહે છે, "મારું બાળપણ અમદાવાદમાં વીત્યું છે. અમારા પરિવારમાં પહેલેથી જ ભક્તિભાવનો મહિમા હતો. અમારે ત્યાં સંત-મહંત આવતા. ઘરમાં બે મંદિર પણ હતાં એટલે નાનપણથી જ હું સંગીત અને ભક્તિ તરફ વળી હતી. દર અમાસ અને પૂનમે અમારે ત્યાં ભજનો યોજાય અને મારા પપ્પા મને ત્યાં બેસાડી દે. એટલે પરોક્ષ રીતે મનમાં આ બધા સંસ્કાર પડતા ગયા. પછી તો મને સંગીતમાં વધારે રસ પડતાં મેં શાસ્ત્રીય સંગીત શીખવાનું શરૂ કર્યું. શાસ્ત્રીય સંગીતનો પાયો પાકો થતાં પપ્પા મને મુંબઈ લઈ આવ્યા. કલ્યાણજી-આણંદજીભાઈ, અનુપ જલોટાજી સાથે પરિચય કરાવ્યો હતો. વોઇસ કલ્ચર અને ગાયનની બારીકીઓ હું કલ્યાણજીભાઈ-આણંદજીભાઈ પાસેથી શીખી. મેં સૌપ્રથમ આલબમ ‘સખી, મૈં દીવાની’ નામે કર્યું. પછી એ જ આલબમ ગુજરાતી ભાષામાં ‘શામળિયા શ્રીનાથજી’ નામે પ્રગટ થયું હતું.

હે ગોવિંદ, હે નંદલાલા … એમાંનું જ ગીત છે અને મારા દિલની બહુ નજીક છે. કારણ કે ગીતનું સ્વરાંકન ખૂબ સુંદર છે. અનુપજીનાં ગીતોમાં અપાર માધુર્ય હોય છે. અલબત્ત હવે તો હું સૂફી, રોમેન્ટિક હિન્દી ફિલ્મી ગીતો, ગઝલ, ફ્યુઝન તેમ જ સંગીતના અનેક પ્રકારો ગાઉં છું, પરંતુ મારા મનમાં રેકોર્ડિંગ કંપની શરૂ કરવાનો વિચાર ઘણા વખતથી ચાલતો હતો. એમાંથી રેડ રિબનની સ્થાપના થઈ અને આજે તો એ વટવૃક્ષ બની ગઈ છે. અમે હિન્દી-ગુજરાતીના લગભગ દરેક મોટા કલાકારના રેકોર્ડિંગ તથા ડિસ્ટ્રિબ્યુશન અને પ્રમોશન કરીએ છીએ જેમાં હરિહરનજી, અનુપ જલોટા, રૂપકુમાર રાઠોડ, જગજિત સિંહથી લઈને આજના સોનુ નિગમ, શ્રેયા ઘોષાલ, અરિજિત સિંહ અને ગુજરાતીમાં ઐશ્વર્યા મજમુદાર, પાર્થિવ ગોહિલ, ગૌરાંગ વ્યાસ અને આશિતભાઈનાં તો ઘણાં જ આલબમો અમે રેકોર્ડ કર્યા છે. અત્યારે ટૂંક સમયમાં રજૂ થનારી એક ગુજરાતી ફિલ્મમાં મેં બે ગીતો ગાયાં છે.

ગીતના રચયિતા ભરત આચાર્ય જાણીતા ગીતકાર છે. તેમણે શંકર મહાદેવન, સુરેશ વાડકર, હરિહરનજી, આલાપ દેસાઈ, લાલિત્ય મુન્શા સહિત અનેક કલાકારો માટે ગીતરચના કરી છે. "મારા હૃદયની ભાવનાઓને કલમમાં બોળીને કાગળ ઉપર ઉતારું છું. કહે છે ભરત આચાર્ય.

આ ગીત તથા અન્ય કલાકારોની ભાવપૂર્ણ રચનાઓ યુટ્યુબ પર ઉપલબ્ધ છે જ. તમે ઈચ્છો ત્યારે માણી શકો છો.

———————————

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 08 ઑગસ્ટ 2019

http://www.bombaysamachar.com/frmStoryShowA.aspx?sNo=554729

Loading

નકશા નવા હિન્દુસ્તાનના

પ્રતિષ્ઠા પંડ્યા|Poetry|8 August 2019

તું  મારા મોંમાં ડૂચો દઈ 
રહેંસી નાખે મારા વિદ્રોહને 
કે ગોઠવે એકેએક ગલીને નાકે ચોકીદારને  
જે રોકી રોકીને તપાસ્યા કરે 
મારી જાત-પાત- મારા દેશ ને પહેરવેશને 
કે મને જેલમાં નાખીને 
રોકે ખુલ્લેઆમ બાંગ પોકારતા મારા વિચારને 
કે દાબીને ગળું મારું 
લલકારે તું મને 
ગાવા રાષ્ટ્રભક્તિનાં ગીતો હવે 
તો હું સહીશ ધરાર ના  
હું થઈશ દેશદ્રોહી હવે 
નહિ ભરું હામીમાં હામી 
નહિ મરું હું તારા માટે 
ના ઝૂકાવીશ માથું 
બિહામણા સિંહાસન તળે 
નહિ ઉગામું હાથ 
ન તો હથિયાર 
તારા પૌરુષત્વની સેવા રૂપે 
નહિ ઉપાડું પગ 
નહિ ચાલું તારા ચીંધેલા રસ્તે ચૂપચાપ 
નહિ કરું કલંકિત કલ્પનાને 
ઝબોળીને તારા આદર્શો મહીં 
ના વેચીશ મારી સર્જકતા
નફરતના બજાર મહીં  
હા, લખીશ હું કવિતા
આગા શાહિદ અલી થઈ 
અખરોટિયાં તારા હૈયે કરીશ
નમણી, ખોકરદર કોતરણી
મારા શબ્દોના ટાંકણાની ધાર પર 
ખીલશે જંગલો કૈં ભોજપત્ર, ચિનારના 
શબ્દોની વચમાં રહ્યા એ સન્નાટામાં ઊગશે 
જાંબુડિયા મઘમઘ ખેતર લહેરાતા કેસરના 
શબ્દોના એ આવાજમાં વસશે ફરી 
ઉજડેલાં રેશમી ગામો, રેશમી રસ્તા,  
શાંતિપ્રિય જણ મારા પરિવારના  
ને શબ્દોના લયમાંથી જ વહી આવશે 
નીર નિર્મલ જેલમ, ચેનાબના   
અહીં જ તો બનશે હવે  
નકશા નવા હિન્દુસ્તાનના

°

The Maps of A New Hindustan

 

• Pratishtha Pandya

 

If you were to gag me

and muffle my rebellion,

or put a chowkidar

at every street corner

to stop and interrogate me

about my community

my religion

my whereabouts

my loyalties,

or put me in jail

and imprison my thoughts

blowing in the wind

like the Muezzin’s call for Azan,  

or throttle and dare me

to sing patriotic songs;

I wouldn't tolerate.

No more.

Now I will be the traitor

Not a sycophant,

Not your yes-man

I will not die for you

or not bow this head

at the feet

of your formidable throne

No raised hand

No weapons

No more at the service of

your machismo

I will not move an inch,

will not walk obediently

on your suggested paths.

Will not blemish

my imagination

by dipping it

in your tainted ideals

I will not trade

creativity for hatred.

Yes, I will write poems.

Like Agha Shahid Ali.

On your walnuty heart

I will carve

intricate Khatam-band.

Forests of Birches and Chinar

will grow on the tip of

every word, my chisel.

In the silent spaces

between words shall bloom

fragrant, purple fields of Kesar.

Silken villages, silken roads

once destroyed

peace-loving members of my family

shall come to inhabit

sounds of these words.

And from their rhythm

shall flow pure waters

of Jhelum and Chenab

Here

Here is where

we shall redraw

the maps of a new Hindustan.

 

https://indianculturalforum.in/2019/08/19/the-maps-of-a-new-hindustan/

Loading

...102030...2,8932,8942,8952,896...2,9002,9102,920...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved