Opinion Magazine
Number of visits: 9968770
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંગીન સંગિની માઈસાહેબ

ચંદુ મહેરિયા|Opinion - Opinion|29 May 2019

‘માઈસાહેબ’ના હૂંફાળા નામે જાણીતા ડો. સવિતા આંબેડકરની આજે પુણ્યતિથિ છે. તેમની વિદાય(તા.૨૯-૦૫-૨૦૦૩)ને ખાસ્સો દોઢ દાયકો વીતી ગયો છે. જરાગ્રસ્ત ડો. બાબાસાહેબ આંબેડકરના સહાયક તબીબરૂપે પરિચયમાં આવેલાં અને પછી તેમની સાથે લગ્નગાંઠે જોડાયેલાં ડો. શારદા કબીર એટલે જ માઈસાહેબ આંબેડકર! ડો. આંબેડકરનાં બીજા પત્ની તરીકે તેમણે દલિતોનો પ્રેમ, આદર અને કંઈક અંશે તિરસ્કાર પણ મેળવ્યો હતો.

ડો. આંબેડકરનાં પ્રથમ પત્ની રમાબાઈનું તા. ૨૭મી મે, ૧૯૩૫ના રોજ અવસાન થયું. તે પછી ડો.આંબેડકરે દીર્ઘ એકાકી જીવન ગાળ્યું. દલિતોના અધિકારો અને તેમાં મળતી સફ્ળતા-નિષ્ફ્ળતાની વચ્ચે વધતી ઉંમર અને માંદલી તબિયતે ડો. આંબેડકરને થકવી નાંખ્યા હતા. ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને પગના સાંધાના ત્રાસદાયક દુખાવાથી તેઓ પીડાતા હતા. મુંબઈમાં ડો. માલવણકરના દવાખાને તબીબી સારવાર માટે જતા બાબાસાહેબને સહાયક તબીબ તરીકે ડો. શારદા(લક્ષ્મી) કબીરનો પરિચય થયો હતો. બાબાસાહેબની સેવા શુશ્રૂષા કરતાં કરતાં બંનેનો પરિચય ગાઢ બન્યો. માઈસાહેબના શબ્દોમાં, “હું ઉંમરમાં નાની હતી. મને ડોકટર થયે માંડ પાંચ વરસ થયેલાં. ડો. આંબેડકર મારાથી બધી જ રીતે મોટા હતા. આ અરસામાં રાજકારણ એટલે શું એનો પહેલો પાઠ ડો. આંબેડકરે મને શીખવ્યો.”

ત્રણ ભાઈ અને ચાર બહેનનો બહોળો પરિવાર ધરાવતાં, ૨૭મી જાન્યુઆરી ૧૯૦૯ના રોજ જન્મેલાં ડો. શારદા કબીર જન્મે બ્રાહ્મણ હતાં. પૂનામાં હાઈસ્કૂલ શિક્ષણ મેળવી, ૧૯૩૭માં મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી તેઓ એમ.બી.બી.એસ થયાં હતાં. જાહેરજીવનની અનેક જવાબદારીઓથી ઘેરાયેલા અને વિધુર ડો. આંબેડકરે ૨૬મી જાન્યુઆરી ૧૯૪૮ના રોજ દિલ્હીથી પત્ર લખી ડો. શારદા કબીર સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. ડો. આંબેડકરની તબિયત અને તેમના પરની મસમોટી જવાબદારીઓના સમયે તેમને તબીબ પત્નીની જરૂર હતી. ડોકટરની દરદી પ્રત્યેની ભાવનાથી પ્રેરિત થઈને તેમનો પ્રતિભાવ હકારાત્મક રહ્યો. આ નિર્ણય લેતી વખતે તેમની સામે ડો. આંબેડકરને સોંપાયેલ બંધારણ ઘડતરનું કામ અને તેમના સારા સ્વાસ્થ્યની દરકાર લેનારની ભૂમિકા જ કેન્દ્રમાં હતી. ૧૫મી એપ્રિલ ૧૯૪૮ના રોજ તેમનાં લગ્ન ડો. આંબેડકર સાથે થયાં ત્યારે તેઓ ૩૯ વરસનાં અને ડો.આંબેડકર ૫૭ વરસના હતા. લગ્ન પછી તેમનું નામાંતર સવિતા આંબેડકર તરીકે થયું અને પછી “માઈસાહેબ”ની પ્રેમ અને આદરસૂચક ઓળખ પામ્યાં.

બાબાસાહેબના આ દ્વિતીય લગ્ને એ સમયે પણ ખળભળાટ મચાવ્યો હતો. તેમના અંગત સચિવ સોહનલાલ શાસ્ત્રીએ તેને “મહાપુરુષે કરેલી મહાન ભૂલ” કહી હતી. તો દલિતોનો એક વર્ગ આ લગ્નને બ્રાહ્મણોનું કાવતરું માનતો હતો. જો કે ખુદ ડો. આંબેડકરે ભાઉરાવ ગાયકવાડ જોગ પત્રમાં લખ્યું હતું કે, “સારી ગૃહિણી હોય અને ડોકટર હોય તેવી પત્ની મારે જોઈએ છે. દલિત સમાજમાં આવી સ્ત્રી મળવાની શક્યતા નહિવત હોઈ મેં એક બ્રાહ્મણ સ્ત્રીને પસંદ કરી છે”. સરદાર પટેલે આ લગ્ન અંગે ડો. આંબેડકરને અભિનંદન પાઠવી જણાવ્યું હતું કે, “ગાંધીજી હોત તો અવશ્ય આશીર્વાદ આપત.” પ્યારેલાલને ડો. આંબેડકરે કહેલું, ‘ગાંધીજી જીવતા હોત તો આ જાણીને કેટલા રાજી થયા હોત.”

તા. ૬ ડિસેમ્બર, ૧૯૫૬ના રોજ ડો. આંબેડકરનું નિર્વાણ થયું ત્યાં સુધી ડો. સવિતા આંબેડકર બાબાસાહેબનાં સાચાં જીવનસંગિની બની રહ્યાં. ૧૯૫૬માં ડો. આંબેડકરે ધર્મ પરિવર્તન કરી બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો ત્યારે માઈસાહેબ પણ તેમની સાથે બૌદ્ધ બન્યાં હતાં. ૯૪ વરસની ઉંમરે તેમણે વિદાય લીધી. એટલે બાબાસાહેબના નિર્વાણ પછીના લગભગ ૪૫ વરસ તેઓ આંબેડકરી ચળવળ સાથે જોડાયેલા રહ્યાં હતાં.

માઈસાહેબનાં સંસ્મરણોનું પુસ્તક “ડો. આંબેડકરાંચ્યા સહવાસાત”(ડો.આંબેડકરના સહવાસમાં) ૧૯૯૧માં પ્રગટ થયું હતું. ડો. આંબેડકરે ડો. શારદા કબીરને લખેલા પ્રેમપત્રો પણ તેમાં છે. ભારોભાર કડવાશથી છલકાતા આંબેડકરનું લાગણીઓથી ભરેલું માનવીય પાસું તેમાં વ્યક્ત થયું છે. ડો. આંબેડકર માઈને પ્રેમથી “સરુ” અને પોતાને “સરુચ્યા રાજા “તરીકે સંબોધે છે. એક પત્રનો અંશ જોઈએ : મારા પત્રે તારાં આંસુ વહાવ્યાં, જાણીને મને પણ દુઃખ થયું. જો કે આંસુ સારી બાબત છે. તે તમામ કલુષિતતાને ધોઈ નાંખે છે અને મનને સ્વચ્છ કરે છે. જો તું રોઈ તો માન હું પણ રોયો. જો કે મારા રોવાનું કારણ જૂદું છે. મારા આંસુ એ ખુશીથી વહ્યાં છે કે મારા સ્વપ્નની કન્યા મને મળી છે.” માઈ સહિતના તેમના આઠ ભાઈ-બહેનોમાંથી છએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યાં હતાં. એનો ભારે ગર્વ અને ગૌરવ ધરાવતાં માઈસાહેબ, ડો. આંબેડકર સાથેના નવ વરસના સહજીવનને બુદ્ધનાં પત્ની યશોધરાની ભૂમિકા સાથે સરખાવતાં હતાં. તેમણે લખ્યું છે, “મારા નવ વરસના સહજીવનમાં ડો. સાહેબે મને અનેક વિષયોમાં રસ લેતી કરી. અમારી વચ્ચે વાચનની હરીફઈ થતી. અનેક મુદ્દાઓ પર વિવાદ થતો. અમારી જોડી બુદ્ધિવાદ તરફ ઝૂકેલી હતી. સાંસારિક વાતો તરફ ધ્યાન આપવાનો અમને સમય જ નહોતો.”

જો કે માઈસાહેબ એમના લગ્ન સમયથી જ સતત અવહેલના ઝેલતા રહ્યાં હતાં. બાબાસાહેબના નિર્વાણના કાવતરાંનો તેમના પર આરોપ લાગેલો. બાબાસાહેબના પુત્ર અને પૌત્ર સાથેના તેમના સંબંધો કાયમ તનાવપૂર્ણ રહ્યા હતા. ડો. આંબેડકરના ભૌતિક અને વૈચારિક વારસાના ખરા હકદારનો વિવાદ ડો. આંબેડકરનું ભારતરત્ન સન્માન કોણ સ્વીકારે તેના વિવાદ વખતે સામે આવ્યો હતો. “પાકિસ્તાન ઓર પાર્ટીશન ઓફ ઇન્ડિયા” ગ્રંથ બાબાસાહેબે પ્રથમ પત્ની રમાબાઈને અર્પણ કરતાં લખેલું, “જેના અંતરની સરળતા, હસમુખો સ્વભાવ, નિર્મળ ચરિત્ર, સુખદ સહવાસ અને મારી સાથે દુઃખો સહન કરવાની તૈયારી તથા જેણે મને મિત્રો વિહોણા સમયમાં સાથ આપ્યો છે તે. “રમુ”ની સ્મૃતિ અને ગુણગાહ્યતાની યાદને મારી આ કૃતિ અર્પણ કરું છું.” બંધારણના ઘડતરનું કાર્ય પૂરું થયા પછી ડો.  સવિતા આંબેડકરના પ્રેમની કદર કરતાં બાબાસાહેબે કહેલું, “મારા શરીરની કાળજી તેણે આટલી સારી રીતે લીધી ન હોત તો મારા હાથે આ બંધારણનું કામ સારી રીતે પાર ન પડત.”

ડો.  સવિતાદેવી આંબેડકર અમેઠી, રાયબરેલી અને લખનૌમાંથી વડા પ્રધાન કે વડા પ્રધાનપદના ઉમેદવારો સામે લોકસભાની ચૂંટણી લડયાં હતાં. પરંતુ જવાહરલાલ નેહરુ કે ઈન્દિરા ગાંધીની રાજ્યસભાના સભ્યપદની ઓફર બાબાસાહેબના કોંગ્રેસ વિરોધને સ્મૃતિમાં રાખીને ઠુકરાવી હતી. “હું રાજનીતિ દ્વારા સમાજસેવા કરવા માંગતી હતી. પરંતુ મારી “જ્ઞાતિ” બાધક બની. ડો. આંબેડકર સાથેના લગ્નને કારણે હવે હું દલિત સમાજ સાથે જ જોડાયેલી છું.” એમ માઈસાહેબ વારંવાર કહેતાં. એક તરફ ડો. સવિતા આંબેડકરની આ પ્રતિબધ્ધતા અને બીજી તરફ દલિતોના એક વર્ગની એમના પ્રત્યેની પરાયાપણાની ભાવનાના માહોલ વચ્ચે એક અસંપૃક્ત જીવ તરીકે માઈસાહેબ જીવ્યાં અને મર્યાં. એમની ચેહને પૌત્ર પ્રકાશ આંબેડકરના હાથે અગ્નિદાહ મળ્યો હતો એ એમનું સદ્દભાગ્ય.

e.mail : maheriyachandu@gmail.com

‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 29 મે 2019

Loading

‘સબ કા વિશ્વાસ’ ક્યારે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|29 May 2019

"નિરીક્ષક" અગ્ર લેખ

ભલે રાષ્ટ્રીય સ્તરે રાજીવ ગાંધીનો કે ગાંધીનગર સ્તરે માધવસિંહ સોલંકી અને ચિમનભાઈ પટેલનો વિક્રમ હજી વણતૂટ્યો હોય, ૨૩ મે ૨૦૧૯નો દિવસ ભા.જ.પ. જે અભૂતપૂર્વ વિજયશ્રી વર્યો એને સારુ લાંબો સમય સંભારાશે. એક નવા જ વિમર્શનો એનો દાવો છે એ રીતે વિચારધારાકીય વહેણ, વમળ, વળાંક હવેના ગાળામાં આપણી જાહેર તપાસલાયક બની રહેશે – બલકે, બની રહેવાં જોઈએ એ પણ નિઃશંક છે. યથાસમય યથાપ્રસંગ એ વિશે આ પૂર્વે કિંચિત્‌ કહેવાનું બનતું રહ્યું છે, પણ હવે એને પૂરા કદની માવજત આપવી જોઈશે.

ઝળહળતી ફતેહના એક અઠવાડિયે આ લખાય છે ત્યારે, શપથવિધિના કાઉન્ટ ડાઉન કલાકોમાં, જો કે એક સવાલનો જવાબ વણજડ્યો રહે છે – ઇચ્છું કે આમ કહેવું તે કોઈ અંગત આત્મનેપદી લાગણીવશ ન હોય, પણ એક વાસ્તવિક આકલન હોય. આટલી મોટી જીત સામે પ્રજામાં સહજ એવું કોઈ ઉલ્લાસમોજું કેમ વરતાતું નથી. ફતેહને જો સુનામો એવો ‘પું’કાર’ મળ્યો તો ઉજવણી (પક્ષના પ્રાયોજિત મહાઆયોજનોનો અપવાદ બાદ કરતાં) કોઈ પ્રજાપટે છબછબિયાંથી ઝાઝું કાઠું કેમ કાઢી શકતી નથી? વિજય, બિનસરકારી અને બિનપક્ષીય સ્તરે સમુલ્લાસને બદલે જાણે કે સોપો પડી ગયાની કે સન્નાટો છાઈ ગયાની લાગણી કેમ જગવે છે?

આ લખી રહ્યો છું ત્યારે મહારાષ્ટ્રથી ઇ.વી.એમ.વિરોધી નિદર્શનના સમાચાર આવે છે. બીજેથી પણ એવા છુટપુટ હેવાલો મળે છે. જેટલા મત પડ્યા (બટન દબાયાં) એથી વધુ મત પણ કેટલાંક મથકો પરની ગણતરીમાં આવ્યાની વિલક્ષણ ફરિયાદ ઊઠી છે. નહીં કે આ સૌ તપાસના મુદ્દા નથી. નહીં કે પશ્ચિમના દેશોમાં .ઈવી.એમ.ને સ્થાને હાથોહાથ (મેન્યુઅલ) પ્રથા તરફ પાછા ફરવાનું વલણ ઘરઆંગણે પણ પુનર્વિચાર નથી જગવતું. તેમ છતાં, આ ક્ષણે આવી કોઈ તપાસ (બિનભા.જ.પ. પરાજયનો બચાવ) બાદ રાખીને એટલું એક અધોરેખિતપણે કહેવું રહે છે કે ભા.જ.પ.ની સરસાઈ છેલ્લાં અઠવાડિયાઓમાં સાફ જણાઈ રહી હતી.

ગમે તેમ પણ, જે પરિણામ આવ્યું છે એ કથિત કરિશ્માગત હોય કે કથિત ચાણક્યવશ, જેમ દેશજનતાએ તેમ વિજયશ્રી વરેલાઓએ હજુ કશુંક ગુણાત્મક અંતર કાપવું રહે છે તેમ જણાય છે. એ દિશામાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સબકા સાથ, સબકા વિકાસ સાથે સબકા વિશ્વાસ એવું જે ત્રીજું પદ જોડ્યું એ સૂચક છે. વસ્તુતઃ સાથ, વિકાસ અને વિશ્વાસ એ ત્રણે શબ્દો જે એક વાસ્તવિક ખાધ છે તે અંગેની સભાનતામાંથી ઊંચકાયા ને ઉછાળાયા છે. ૨૦૧૪ના પરિણામ વખતે, કોઈને કદાચ વિવેકની કમી લાગે એ રીતે, ગોપાલકૃષ્ણ ગાંધીની એક જાહેર ટિપ્પણી આવી હતી કે વિજયી પક્ષને (અને વડાપ્રધાનને) હું આવકારી શકતો નથી; કેમ કે એક મોટા પ્રજાવર્ગને બાદ રાખીને બનેલી આ ઘટના છે. ૨૦૧૯ના પરિણામ સાથે વડાપ્રધાને જે ત્રીજું પદ, સબકા વિશ્વાસ, જોડ્યું છે એમાં પ્રકારાન્તરે ગોપાલકૃષ્ણ ગાંધીએ જે એક નિખાલસ પડઘો પાડ્યો હતો એની અનાયાસ સ્વીકૃતિ પણ વાંચવી હોય તો વાંચી શકાય છે.

મુદ્દે, હિંદુત્વ વિચારધારામાં પડેલા અને પાકિસ્તાન માટેની ચળવળે ઉત્તેજેલા દ્વિરાષ્ટ્રવાદની કળ છતે પ્રજાસત્તાક ભારતે (નેહરુપટેલનું એ ભારત, જેટલો વ્યાપ અશોક કે અકબરના સામ્રાજ્યનો પણ નહોતો) જેમને વળી નથી એ આજે સ્વરાજના સાત દાયકે વૈકલ્પિક વિમર્શપુકાર સાથે સત્તાનશીન થયા છે. વરસોવરસ એમના નિંભાડામાં જે રાજકીય ‘હિંદુ’ઓ પાકતા ગયા એમણે ‘ફર્સ્ટ પાસ્ટ ધ પોસ્ટ’ને ધોરણે આજે બહુમતી હાંસલ કરી છે જે ૨૦૧૪ના મુકાબલે ખાસી નિર્ણાયક છે. ‘સબકા સાથ’ની એની વ્યાખ્યામાં ‘સબ’ કહેતાં અભીષ્ટ ‘સૌ’ નહીં પણ ચોક્કસ ધર્મકોમગત બહુમતી છે. એટલે ૩૦મી મેની શપથવિધિ સાથે દેશમાં પ્રજાકીય બહુમતીનું નહીં પણ બહુમતી પ્રજાનું – કહો કે ‘મેજોરિટેરિયન’ રાજ અમલમાં આવે છે. દેખીતી રીતે જ, છતી બહુમતીએ આ રાજકારણ અને આ રાજવટ ઝીણાના હિંદુ અડધિયાની હોઈ શકે છે.

હિંદુ મહાસભાથી માંડીને ભા.જ.પ. સહિત સંઘ પરિવાર સમસ્ત પોતાને દ્વિરાષ્ટ્રવાદના વિરોધી લેખે આગળ કરતાં રહ્યાં છે, પણ દેશની વ્યાખ્યા જ્યારે ‘હિંદુ’ને ધોરણે કરીએ ત્યારે ગેરહિંદુ ધોરણે પણ વ્યાખ્યા કરવાનો કેસ અને હવા બને છે એ સાદો તર્ક એમની દિમાગી પહોંચની બહાર રહે છે, એવો અત્યાર સુધીનો અનુભવ છે.

૧૯૪૦માં ફઝલુલ હકે મુસ્લિમ લીગની પરિષદમાં પાકિસ્તાનનો ઠરાવ મૂક્યો પણ હિલચાલ તો એ પહેલાંથી ચાલુ હતી. ૧૯૩૮ આસપાસનું ઝીણાનું એક ભાષણ આ લખતાં સાંભરે છે : ઇંગ્લેંડમાં તો આજે કૉન્ઝર્વેટિવ તો કાલે લેબર એમ સત્તાપક્ષ બદલાઈ શકે તેવી લોકશાહી છે. આપણે ત્યાં તો ગઈકાલે કે આજે કે આવતી કાલે, બધો વખત હિંદુ બહુમતી જ હોવાની છે. મુસ્લિમોનો વારો ક્યાંથી આવી શકે? હકીકતે, ઝીણાએ આ વાસ્તદર્શન દરમ્યાન જે તર્કચૂક કરી તે એ હતી કે કૉન્ઝર્વેટિવ અગર લેબર (કે લિબરલ) એમ કાર્યક્રમગત બહુમતી-લઘુમતીની વાત છે, નહીં કે હિંદુ અગર મુસ્લિમ એમ ધર્મગત બહુમતી-લઘુમતીની.

મુશ્કેલી એ છે કે જનસંઘ-ભાજપની માંડણી આર્થિક-સામાજિક કાર્યક્રમગત નહીં એટલી ધર્મકોમગત છે. તેથી તે ઝીણાને ગયે સાત દાયકા થઈ ગયા પછી પણ એમને સાચા પાડી રહ્યા જણાય છે. તેમ છતાં, નમો જ્યારે ‘સબકા વિશ્વાસ’નું સૂત્ર આપે છે ત્યારે છતી બહુમતીએ પ્રવર્તતી ‘ટ્રસ્ટ ડેફિસીટ’ વિશે તેઓ સભાન છે એમ ઇચ્છવું અને માનવું કોને ના ગમે.

પ્રધાનમંડળના સાથીઓ જોગ, દિલ્હીની વિજયસભામાં કાર્યકરો જોગ અને કર્મભૂમિ અમદાવાદની મુલાકાત વેળાએ એમ જે પ્રવચનો વડાપ્રધાને શપથગ્રહણ પૂર્વે કર્યા એમાં પ્રસંગે દર્પીલી પૃષ્ઠભૂ અછતી ન રહેતી હોય તો પણ એક વિજયનમ્ર ભૂમિકા નથી એવું નથી. આ ભૂમિકાએ જો ‘વિશ્વાસ’ની વાતનું એક વજૂદ છે તો બીજી પણ અપેક્ષા રહે છે. એક પક્ષ તરીકે તેઓ (અને પક્ષપ્રમુખ અમિત શાહ) હવે ભેલાણનું રાજકારણ નહીં ખેડતાં જેઓ એમને ત્યાં ‘ડૂબતું વહાણ’ છોડવાની રીતે (કે ખાસ કિસ્સામાં સૈદ્ધાંતિક ધોરણે) બીજા પક્ષમાંથી આવવા ઈચ્છતા હોય તેઓ વિધાનસભા / લોકસભાની બેઠક છોડી નવેસર ચુંટાઈને આવે એવો આગ્રહ રાખી શકે? નવસંવતના વિજયી રાજકારણ જોડે એ શોભીતું થશે; અને દમદાર ફતેહ પછી ભેલાણની એવી ગરજ પણ શા સારુ હોય, વારુ.

પરાજય પછી કૉંગ્રેસમાં મચેલી અફરાતફરી, નવ્ય રાજકારણની મથામણમાં નાગરિક સમાજ સંસ્થાઓની ભૂમિકા, જેમ ધર્મકોમગત પક્ષોની તેમ નાતજાતગત પક્ષજમાવડાની અનવસ્થા, બંધારણીય રાષ્ટ્રવાદને ધોરણે મુખ્ય પ્રવાહમાં લઘુમતીની નાગરિક સહભાગિતા, જૉબલેસ ગ્રોથનું અનર્થકારણ, કેટલા બધાં વાનાં તળેઉપર તપાસની પ્રજાસૂય કોશિશની રાહ જુએ છે, નહીં? સાવરકરી મહિમા મંડન, ગોડસે રાષ્ટ્રભક્ત હતા (જેમ ગાંધીજી પણ રાષ્ટ્રભક્ત હતા) તરેહની મુખચાલાકી, શું કહીશું આ સૌ વિશે? થોભો અને રાહ જુઓ.

મે ૨૯, ૨૦૧૯ 

સૌજન્ય : “નિરીક્ષક”, 01 જૂન 2019

Loading

તમે મોદી તરફી કે વિરોધી

દિવ્યાશા ડી દોશી|Opinion - Opinion|28 May 2019

તમે કયા પક્ષને સપોર્ટ કરો છો તે તમારી પોતાની માનસિકતા અને ઓળખ પર આધારિત હોઈ શકે. છેલ્લા બે મહિનાથી વોટ્સ એપ્પ અને ફેસબુક ગામના ચોતરા કે પાનના ગલ્લા જેવું થઈ ગયું હતું. રાહુલ ગાંધી એટલે કે કૉન્ગ્રેસ તરફી અને મોદી તરફી એટલે કે ભા.જ.પ. તરફી એવા ચોખ્ખા બે ભાગ પડી ગયા હતા લોકોના. બન્ને તરફના ભક્તો લોજિકને કે હકીકતને બાર ગાઉએ મૂકીને ચર્ચાઓ કરતા હતા. ચર્ચા શબ્દ કદાચ અહીં ખોટો છે, વાદવિવાદ કરતા હતા. કહેવાય છે કે રાજકીય અભિપ્રાયો ધરાવતાં મનને બદલવું મુશ્કેલ જ નહીં નામુમકિન છે.

અત્યાર સુધી તો ફક્ત પુરુષો જ રાજકારણનાં નામે વાદવિવાદ કરતા હતા, પણ સોશિયલ મીડિયા પર ખૂંખાર શબ્દો સાથે તૂટી પડતી સ્ત્રીઓને અવગણી ન શકાય. ૨૦૧૯ની ચૂંટણી એ બાબતે જરા જૂદી પડે છે કારણ કે ઓટલા પર બેસીને કે મોર્નિંગ વોક કરતાં કે કીટી પાર્ટીમાં ગંભીરતાથી રાજકારણની ચર્ચા કરતાં સ્ત્રીઓને ક્યારે ય જોઈ નહોતી, પણ હવે તો વૃદ્ધ માતાજીઓ પણ મેદાનમાં આવી ગઈ છે. જો કે પુરુષોની જેમ રાજકારણની ચર્ચા કરતાં એકબીજા સામે મારામારી કે અબોલા થઈ જાય એ હદે ક્યારે ય સ્ત્રીઓ રાજકારણની ચર્ચા કરતી નથી, એ બાબત બદલાઈ નથી. રાજકારણની ચર્ચા કરતાં પુરુષો ગુસ્સે થઈ જાય કે અંગત રીતે તેમનો અહંકાર ઘવાય તે નવાઈની વાત લાગતી નથી.

સોશિયલ મીડિયા પર પણ બે જૂથ પડી ગયા હોય તેવું સ્પષ્ટ જોઈ શકાય છે. આમાં જે તે પક્ષના વિરોધી કે ટેકેદારોના મત એટલા સખત રીતે શબ્દોમાં વ્યક્ત થતાં હોય છે કે તેમના હાથમાં બંદૂક આવી જાય તો સામી વ્યક્તિઓને ગોળીએ ઉડાડી દેવામાં વાર ન લાગે. જો કે વગર બંદૂકે પણ બ્લોક કરીને વિરોધીની હસ્તી મીટાવી દેવાના પ્રયાસો થયા છે અને થાય છે. ચોક્કસ પક્ષ કે વ્યક્તિ વિશે એવી રીતે વાત કરે કે જાણે પોતાને તેની સાથે અંગત સંબંધ હોય.

જો કે તેમાં એમનો વાંક નથી હોતો, વાંક હોય છે તેમના મગજનો. વૈજ્ઞાનિક રીતે આ પુરવાર થયું છે. ઓરેગોન યુનિવર્સિટીના પ્રોફેસર કેમ્પબેલ જેઓ આઈડેન્ટિન્ટી અને બિલીફ (ઓળખ અને માન્યતા) વિષય પર સંશોધન કરે છે તેમણે ૨૦૧૫ની સાલમાં માણસો પોતાની રાજકીય અને ધાર્મિક માન્યતાઓનો વિરોધ કેવી રીતે લે છે તેનો અભ્યાસ કરીને એક પેપર લખ્યું છે. તો બીજી તરફ દક્ષિણ કેલિફોર્નિયા યુનિવર્સિટીના સાયકોલોજિસ્ટ જોન્સ કપ્લેને ન્યુરોસાયન્ટિસ્ટ અને લેખક સેમ હેરિસ સાથે મળીને જ્યારે આપણે દલીલ કરીએ છીએ ત્યારે મગજમાં શું થાય છે તે જાણવા માટે એક અભ્યાસ હાથ ધર્યો હતો. જોગાનુજોગ બન્ને અભ્યાસનું તારણ એક જ આવ્યું છે કે વ્યક્તિની ઓળખ પર આઘાત થાય તો તે સાંખી નથી લેતો. એટલે જ જ્યારે વાતચીત કરતી સમયે બીજી કોઈ પણ બાબત કરતાં રાજકારણ કે ધાર્મિક બાબતની તેની માન્યતાઓ કોઈ રીતે બદલી શકાતી નથી. તેનું કારણ છે કે આ માન્યતાની સાથે વ્યક્તિની પોતાની ઓળખ પણ સંકળાયેલી હોય છે. દરેક વ્યક્તિ માટે પોતાની ઓળખ એ તેના પૌરુષીય અહંકારને પોષતી હોય છે. એટલે જ કોઈ પણ સાબિતી કે પુરાવાઓ પણ તેમની માન્યતાઓને બદલી શકતા નથી. કેમ્પબેલે તો અભ્યાસમાં ભાગ લેનારી દરેક વ્યક્તિને રાજકીય સંદર્ભે સવાલો પૂછ્યા અને જોયું કે મગજના ક્યા ભાગમાં એક્ટિવિટી થાય છે. અભ્યાસમાં એવું સાબિત થયું કે આપણે માન્યતાઓના પડકારને આપણી ઓળખનો પડકાર માની બેસવાની ભૂલ કરીએ છીએ. આપણી ઓળખ સાથે આપણી માન્યતાઓનું ભેળસેળ થઈ જતું હોવાથી જો આપણે સભાન થઈને આપણી ઓળખ અને માન્યતાઓને જુદા ન જોઈએ ત્યાં સુધી માન્યતાઓને ક્યારે ય બદલી શકાતી નથી. એટલે જ સામી વ્યક્તિના રાજકીય વિચારો પણ ક્યારે ય દલીલ કરવાથી બદલી શકાતા નથી.

આ બાબત મગજના એમ.આર.આઈ. કરવાથી પુરવાર થઈ શકી છે. જ્યારે તેમણે અભ્યાસમાં ભાગ લેનાર વ્યક્તિઓ સાથે રાજકીય સંદર્ભે દલીલો કરી તો મગજમાં આવેલ ઓળખના ભાગમાં અને નકારાત્મક ભાગમાં એક્ટિવિટી જોવા મળી હતી. પ્રોફેસર કેમ્પબેલ પણ કહે છે કે લોકો પોતાની ઓળખ પર થતાં વારને સહન કરી શકતા નથી. જો પુરાવાઓ વ્યક્તિને ખરાબ સાબિત નથી કરતી તો તેઓ પોતાની માન્યતાઓનો વિરોધ નહીં કરે. એટલે કે જો માન્યતાને બદલતા પુરાવાઓ સ્વીકારીને જો વ્યક્તિ ખરાબ કે ખોટી પડે તો તે ક્યારે ય માન્યતાને બદલવા અંગે વિચારશે નહીં પણ પોતે જે માને છે તેને જડની જેમ વળગી રહેશે. પણ જો તે પુરાવાઓ વ્યક્તિને ખોટી કે ખરાબ સાબિત નથી કરતી તો તે પોતાની માન્યતાઓને તટસ્થતાથી જોવાનો પ્રયત્ન કરશે.

આ બાબતને આપણે કેટલાક ઉદાહરણ દ્વારા જોઈએ તો ગાય બાબતે જે હિંસા થોડો સમય પહેલાં થઈ હતી તે માન્યતાને આભારી છે. હિન્દુ હોવાની ઓળખ સાથે ગાયનો સંદર્ભ હોવાની માન્યતાઓને કારણ એ વ્યક્તિને ખૂબ જ આગ્રહી બનાવે છે. ટ્રમ્પની માઈગ્રેશન અને આતંકવાદી વિરોધની માન્યતાઓ સાથે કેટલા ય અમેરિકનોને પોતાની ઓળખને બહાલી મળતી લાગવાથી તેમનો વૉટ ટ્રમ્પને પક્ષે ગયો છે. અને જેઓ હિલેરીના ટેકેદાર હતા, તેઓ હતાશ થઈ ગયા કારણ કે હિલેરીના ટેકારૂપે તેમની પોતાની માન્યતા પણ હતી.

નોટબંદી કે પાકિસ્તાનના હુમલા કે પછી થયેલી સર્જિકલ સ્ટ્રાઈકના મુદ્દે જેટલી ઉગ્રતાથી ચર્ચાઓ કરી છે તેવી ચર્ચા ક્યારે ય શહેરોમાં થતાં છેડતીના બનાવો બાદ નથી થતી કારણ કે તેમાં પૌરુષીય માનસિકતા પર કુઠારાઘાત થાય છે. પૌરુષીય માનસિકતાને ખરાબ દર્શાવવામાં આવે છે. રાજકીય ચર્ચાઓ કરતાં ઉગ્રતાથી થતી દલીલોમાં મોટાભાગે ફેંકોલોજી જ હોય, કારણ કે પોતાની માન્યતાને સાચી સાબિત કરવા વ્યક્તિ જીજાનથી પ્રયત્નો કરશે. એ પોતે સાચો છે તે સાબિત કરવા ઝઝૂમતો હોય છે નહીં કે તેમની માન્યતાઓને સાબિત કરવા માટે.

દરેક બાબતને તટસ્થતાપૂર્વક જોઈ શકનાર વ્યક્તિ જ માન્યતાઓને પણ બદલી શકે છે, પરંતુ એવું મોટે ભાગે બનતું નથી. એવું પણ કહી શકાય કે એવું બનવું અઘરું છે. અહીં પહેલી કહેવત યાદ આવે છે કે સિંદરી બળે પણ વળ ન છોડે તેવી જ રીતે વ્યક્તિનો સ્વભાવ જે તેની ઓળખ છે તે બદલવું મુશ્કેલ હોય છે. તેનું મોટું ઉદાહરણ ૨૦૧૪ની સાલમાં જોવા મળ્યું હતું. જેઓ ભા.જ.પ. નહીં પણ મોદી વિરોધી હતા તેઓ ક્યારે ય માનવા તૈયાર નહોતા કે મોદી બહુમતીથી જીતીને વડાપ્રધાન બનશે. આ વખતે પણ એ જ હાલ છે. પરિણામ તો ૨૩મીના જ આવશે.

અહીં હું મોદીભક્ત નથી એટલે મહેરબાની કરીને તમારી માન્યતાઓ બાજુ પર મૂકીને આ ઉદાહરણને સમજવાનો પ્રયત્ન કરશો. મોદી વડા પ્રધાન બન્યા છતાં તેમના વિરોધીઓ મોદીની લોકપ્રિયતાને સ્વીકારવા તૈયાર નથી કે લોકશાહીને સ્વીકારવા તૈયાર નથી. તેમના ભૂતકાળને ભૂલીને આગળ કશું જ વિચારવા તૈયાર નથી. અમેરિકામાં પણ લોકો ટ્રમ્પ બહુમતીથી ચૂંટાઈને આવ્યા છતાં તેને સ્વીકારવા તૈયાર નથી. જેમ ભક્તો તેમની કોઈ નબળી બાજુ જોવા કે સ્વીકારવા માગતા નથી એમ તેમના વિરોધીઓ તેમની કોઈ સારી બાબત જોવા તૈયાર નથી. દરેક વ્યક્તિ પોતે જે જૂથ અને ઓળખ સાથે સંકળાયેલા હોય તેનાથી તેમની માન્યતા બંધાતી હોય છે.

(પ્રગટ : “સાંજ સમાચાર”, 21 મે 2019)

https://www.facebook.com/divyasha.doshi/posts/10157160192392530

Loading

...102030...2,8952,8962,8972,898...2,9102,9202,930...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved