Opinion Magazine
Number of visits: 9958960
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|28 June 2026

ભારતની સૌથી કિંમતી નિકાસ મરી–મસાલા કે સોફ્ટવેર નથી. એ ભારતને સમજીને મેળવેલી અને કેળવેલી સમજણ છે. ભારતીય ગ્રાહકને સમજવાની, માર્કેટની જરૂરિયાતો કળવાની અને તેના વર્તનને પારખવાની આવડત વૈશ્વિક કંપનીઓને નફો રળવામાં મદદ કરે છે.

ચિરંતના ભટ્ટ

ભારતના ટેક્નોલૉજીકલ વિકાસની વાત થાય ત્યારે એક મોટો ભેદ આંખે ઊડીને વળગે છે. આપણને આપણા કામ માટે વાહવાહી તો મળી જાય છે, પણ તેની અનિવાર્યતાને મામલે આપણે હજુ પાછળ છીએ. ભારતે એવી ટેક્નોલૉજી બનાવી, જેને દુનિયા વખાણે છે. પરંતુ હજી સુધી આપણે એવી ટેક્નોલૉજી કેમ નથી બનાવી શક્યા જેના વિના દુનિયાનું કામ અટકી જાય? આ સવાલનો જવાબ માત્ર આપણી ક્ષમતામાં નહીં, પરંતુ આપણી વિચારસરણી, સંસ્થાઓ અને ટેક્નોલૉજી પ્રત્યેના અભિગમમાં રહેલો છે.

પ્રશંસા અને અનિવાર્યતા, પહેલી નજરે બંને સરખાં લાગે, પરંતુ બંને વચ્ચે આસમાન-જમીનનો ફરક છે. જે ટેક્નોલૉજીને વૈશ્વિક મંચો પર વખાણવામાં આવે છે તે પ્રશંસનીય હોય છે, પરંતુ કેટલીક ટેક્નોલૉજી એવી હોય છે કે તેની હાજરીનો અહેસાસ પણ થતો નથી. કારણ કે તે વિશ્વની વ્યવસ્થામાં એટલી ગૂંથાઈ ગઈ હોય છે કે એક દિવસ તે ખોરવાય તો માત્ર લોકોને તકલીફ ન પડે, આખું તંત્ર ખોરવાઈ જાય.

અત્યાર સુધી બનેલી પેમેન્ટ સિસ્ટમ્સમાંથી વિઝા શ્રેષ્ઠ છે એવું કંઈ નથી. GPSની શોધ પણ અમેરિકા બહેતર નકશા બનાવવા માગતું હતું એટલે થઈ નહોતી. છતાં આજે આ બંને વિશ્વની વ્યવસ્થાનો અભિન્ન ભાગ છે. કારણ માત્ર ટેક્નોલૉજીકલ શ્રેષ્ઠતા નહોતું. તેની પાછળ મોટું બજાર, જિઓપોલિટિકલ સમર્થન અને નેટવર્ક ઇફેક્ટની એવી સાંકળ હતી કે આખી દુનિયાએ પોતાની વ્યવસ્થા તેની આસપાસ ગોઠવી દીધી.

આપણે એક રાષ્ટ્ર તરીકે હજી એવી ટેક્નોલૉજી દુનિયાને આપી શક્યા નથી. આ નિષ્ફળતા નથી. આ એક અધૂરું વાક્ય છે. આગળની ‘ઇન્ડિયા સ્ટોરી’ આપણે હજી લખવાની બાકી છે.

કુણાલ શાહ

ચોખવટ કરું કે આપણે આ મુદ્દે કેમ વાત કરી રહ્યાં છીએ. કુણાલ શાહ, છેલ્લા અઠવાડિયામાં ભારે ચર્ચામાં રહેલું નામ. CREDના સ્થાપક અને ભારતીય ફિનટેક ક્ષેત્રના અલગ વિચારધારા ધરાવતા ઉદ્યોગસાહસિક તરીકે તેમની ઓળખ છે. તેમના વિશે થયેલી ચર્ચાએ ફરી એક સવાલ ઊભો કર્યો છે. ભારતીય ગ્રાહક પૈસા, વિશ્વાસ, રિસ્ક અને મહત્ત્વાકાંક્ષા વિશે કેવી રીતે વિચારે છે તેની ઊંડી સમજ ધરાવતી વ્યક્તિ ફરી એકવાર વૈશ્વિક ટેક્નોલૉજી કંપની માટે મૂલ્ય સર્જી રહી છે.

ભારતની સૌથી કિંમતી નિકાસ મરી-મસાલા કે સોફ્ટવેર નથી. એ ભારતને સમજીને મેળવેલી અને કેળવેલી સમજણ છે. ભારતીય ગ્રાહકને સમજવાની, માર્કેટની જરૂરિયાતો કળવાની અને તેના વર્તનને પારખવાની આવડત વૈશ્વિક કંપનીઓને નફો રળવામાં મદદ કરે છે. આપણી ટેક્નોલૉજીની વાર્તા શરૂ થાય એટલે ગૂગલ, માઇક્રોસોફ્ટ, IBM અને એડોબ જેવી વૈશ્વિક કંપનીઓના સુકાન ભારતીયોના હાથમાં હોવાનો ઉલ્લેખ અચૂક થાય. આ યાદી હવે એટલી લાંબી થઈ ગઈ છે કે તેમાં એક વધુ નામ ઉમેરાય તો ખાસ સમાચાર પણ રહેતા નથી. પરંતુ આ યાદીની સબટેક્સ્ટ વધારે મહત્ત્વની છે.

વૈશ્વિક ટેક્નોલૉજી ઉદ્યોગે ભારતીય બુદ્ધિ અને એન્જિનિયરિંગ પ્રતિભાને અસાધારણ મૂડી તરીકે ઓળખી લીધી છે અને તેને પોતાની વ્યવસ્થાનો અભિન્ન ભાગ બનાવી દીધી છે. ભારતીય મગજોએ પ્રોડક્ટ્સ બનાવી. પણ તેની વૈશ્વિક અસર, બજાર પરનો પ્રભાવ અને આર્થિક શક્તિ મોટાભાગે તે ઇકોસિસ્ટમના ભાગે ગઈ જ્યાં આ પ્રોડક્ટ્સ વિકસ્યાં.

આ વ્યક્તિગત સફળતાની ટીકા નથી. આ વૈશ્વિક વેલ્યુ ચેનમાં ભારત ક્યાં ઊભું રહ્યું છે તેનું નિરીક્ષણ છે. ખરો સવાલ એ નથી કે ભારત પાસે પ્રતિભા કે વિચારોની ખોટ છે. સવાલ એ છે કે જે વ્યક્તિ અમેરિકાની સિલિકોન વેલીમાં જઈને ટેક્નોલૉજીની દુનિયામાં ક્રાંતિ સર્જી શકે છે, તે જ વ્યક્તિ ભારતમાં ઘણીવાર નિયમો, મંજૂરીઓ, પ્રક્રિયાઓ અને સરકારી તંત્ર વચ્ચે કેમ અટવાઈ જાય છે?

આ સવાલનો જવાબ સરકારી નીતિઓમાં નથી મળવાનો. તે આપણા આખા તંત્રમાં વણાયેલો છે. અમેરિકાની સિલિકોન વેલી માત્ર હોશિયાર એન્જિનિયરોના આધારે ઊભી થઈ નથી. એવા એન્જિનિયરો તો ભારતમાં પણ દર વર્ષે હજારોની સંખ્યામાં તૈયાર થાય છે. ફરક એટલો છે કે અમેરિકાએ એવી વ્યવસ્થા ઊભી કરી જ્યાં મોટું સપનું જોવું અને તેને સાકાર કરવામાં જોખમ લેવું દેશના વિકાસનો ભાગ ગણાય છે. મૂડી, સંશોધન, યુનિવર્સિટીઓ અને સમાજ; ચારેય મળીને નવી કંપનીઓને આગળ ધપાવે છે.

બીજી તરફ ચીને જુદો માર્ગ અપનાવ્યો. રાજ્યએ નક્કી કર્યું કે દેશે કયા ક્ષેત્રોમાં આગળ વધવું છે અને ખાનગી મૂડીને પણ એ જ દિશામાં વાળી. Huawei, Alibaba અને ByteDance જેવી કંપનીઓ પાછળ માત્ર માર્કેટ નહોતું, રાષ્ટ્રીય વ્યૂહરચના પણ હતી.

ભારત બંનેમાંથી એકેય રસ્તે નથી ચાલ્યો. આપણી પાસે મોટા પાયે વિકસતા ખાનગી ઉદ્યોગો પ્રત્યે એક પ્રકારની સ્વભાવગત અસ્પષ્ટતા છે. નેહરુની વિચારધારાનો વારસો ઊંડો હતો અને તેમાં ઇરાદા પણ નેક હતા. પરંતુ તેની અસર એ પણ થઈ કે મોટા ખાનગી નફા પ્રત્યે શંકાની દૃષ્ટિ કેળવાતી ગઈ. કોઈ કંપની અસાધારણ સફળ થાય તો તેને પોતાની યોગ્યતા સતત સાબિત કરવાની ફરજ પડે છે. આ વિચારધારા માત્ર એક રાજકીય પક્ષ પૂરતી મર્યાદિત નથી, તે આપણી રાજકીય સંસ્કૃતિમાં ઊંડે સુધી વ્યાપેલી છે.

આનો અર્થ એમ નથી કે નિરંકુશ મૂડીવાદ જ એકમાત્ર રસ્તો છે. મુદ્દો સમયનો છે.

કોઈ ટેક્નોલૉજી વિશ્વ માટે અનિવાર્ય બની જાય તેવી તક ઘણી વખત બહુ ટૂંકા સમય માટે જ મળતી હોય છે. આ સમયમાં સૌથી મહત્ત્વની બાબત ઝડપ છે.

આપણું વહીવટી માળખું ઝડપ કરતાં સાવચેતીને વધુ પ્રાધાન્ય આપે છે.

ભારતમાં કોઈ વિચાર જન્મે અને તે માર્કેટમાં પહોંચે તે પહેલાં મંજૂરીઓ, નિયમન, વિવિધ મંત્રાલયોની પ્રક્રિયાઓ અને વર્ષોથી ચાલતી આવતી લાલફિતાશાહી એટલે કે રેડટેપ વચ્ચે વર્ષો પસાર થઈ જાય છે.

ઘણી વખત મંજૂરી મળે ત્યાં સુધી તકનો દરવાજો જ બંધ થઈ ચૂક્યો હોય છે.

અને કદાચ આ આખી વાતની સૌથી મોટી પીડા પણ એ જ છે.

જે ભારતીય એન્જિનિયર સિલિકોન વેલીના રિસ્ક ઉઠાવતા અને મોટા પાયે વિચારતા ઇકોસિસ્ટમમાં સફળતા મેળવે છે, અબજો લોકો ઉપયોગ કરે એવી પ્રોડક્ટ્સ બનાવે છે, કરોડો-અબજો ડૉલરનું રોકાણ આકર્ષે છે અને સમગ્ર ઉદ્યોગોને બદલી નાખે છે, તે જ વ્યક્તિ જ્યારે ભારતમાં પરત ફરે છે ત્યારે ઘણી વખત એ જ મહત્ત્વાકાંક્ષા તેના માટે શંકાનું કારણ બની જાય છે.

ભારતીય પ્રતિભા બદલાતી નથી. બદલાય છે તેની આસપાસનું વાતાવરણ.

એક જ વ્યક્તિમાંથી અલગ-અલગ ઇકોસિસ્ટમ અલગ-અલગ પરિણામો બહાર લાવે છે. અમેરિકા પૂછે છે, ”તમે કેટલા મોટા બની શકો છો?”

ભારત ઘણી વખત પૂછે છે, “તમે સાવચેતી રાખીને કેટલા આગળ વધી શકશો?

બંને સવાલ સરખા નથી.” (રિસ્ક હૈ તો ઈશ્ક હૈ, હર્ષદ મહેતાની સિરીઝનો ડાયલૉગ છે એનો અર્થ એમ નહીં તે આપણી સર્વવ્યાપી માનસિકતા પણ છે.)

અને એટલે જ બંને દેશોમાં ઊભી થતી કંપનીઓ પણ એકસરખી નથી.

જો કે આ સિક્કાની બીજી બાજુ પણ એટલી જ અગત્યની છે. આપણે હોહા કર્યા વિના, જેટલી પ્રશંસા મળવી જોઈએ એટલી મળ્યા વિના, એવું કંઈક ઘડ્યું છે જે ન તો સિલિકોન વેલી કરી શકી કે ન શેનઝેન. કારણ કે આપણે તેમની કરતાં અલગ સમસ્યા ઉકેલવા નીકળ્યા હતા. સિલિકોન વેલીનો સવાલ હતો કે, “આખી દુનિયામાં વિસ્તરે એવી કંપની કેવી રીતે ઊભી કરવી?” બેઇજિંગનો સવાલ હતો, “ટેક્નોલૉજીના ક્ષેત્રે આત્મનિર્ભરતા કેવી રીતે મેળવવી?”

ભારતે ત્રીજો સવાલ પૂછ્યો, “એક અબજથી વધુ લોકોને એવી ડિજિટલ જાહેર વ્યવસ્થા કેવી રીતે આપવી જેમાં તેમની ઓળખ, તેમનો ડેટા અને તેમનું આર્થિક જીવન ગણતરીના ખાનગી પ્લેટફોર્મ્સના હાથમાં ન જાય?”

આધાર, UPI, India Stack અને ONDC માત્ર પ્રોડક્ટ્સ નથી. તે આ સવાલના જવાબો છે.

અને ભારતે જે જવાબ શોધ્યો, તે વિશ્વની અગ્રણી ટેક્નોલૉજી શક્તિઓએ અપનાવેલા મોડેલથી મૂળભૂત રીતે અલગ છે. UPIને તેના પોતાના સંદર્ભમાં સમજવાની જરૂર છે. તે વિઝા સામે સ્પર્ધા કરતી કંપની નથી. તે જાહેર ડિજિટલ માળખું છે, એવી વ્યવસ્થા જેના પર ખાનગી કંપનીઓ સ્પર્ધા કરી શકે છે, પરંતુ જેના મૂળભૂત માળખા પર કોઈ એક કંપનીની માલિકી નથી.

એટલા માટે જ હવે વિશ્વના અનેક દેશો ભારતના આ મોડેલમાં ગંભીર રસ દાખવી રહ્યા છે. સૌથી મહત્ત્વનો વિકાસ ત્યારે થયો જ્યારે યુરોપિયન સેન્ટ્રલ બેન્કે પોતાના રિયલ-ટાઇમ પેમેન્ટ પ્લેટફોર્મને UPI સાથે જોડવાની પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય લીધો. આ માત્ર પ્રવાસીઓની સગવડ માટેની વ્યવસ્થા નથી. યુરોપ પ્રથમ વખત ભારતીય પેમેન્ટ આર્કિટેક્ચરને વૈશ્વિક નાણાકીય માળખાના ભાગ તરીકે જોવાનું શરૂ કરી રહ્યું છે. આ માત્ર પ્રશંસા નથી. આ સ્વીકાર છે.

અને કદાચ અનિવાર્યતા તરફનું પહેલું પગલું પણ. પણ હજી આપણે ત્યાં પહોંચ્યા નથી.

અહીં ઇતિહાસ આપણને એક અગત્યનો પાઠ શીખવે છે. 2022માં જ્યારે રશિયાને SWIFTમાંથી બહાર કરવામાં આવ્યું, ત્યારે તે માત્ર બેન્કિંગનો નિર્ણય નહોતો. તે દુનિયાની નાણાકીય વ્યવસ્થાના માળખામાં રહેલી ભૂરાજકીય શક્તિનું પ્રદર્શન હતું. પાંચ દાયકાથી ઊભી થયેલી નિર્ભરતાએ એક જ નિર્ણયને વૈશ્વિક અસર આપવાની તાકાત આપી.

GPSની વાત પણ કંઈક એવી જ છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે વિકસાવેલી આ ટેક્નોલૉજી આજે એવા સ્તરે પહોંચી છે કે અમેરિકાની નીતિઓ સાથે અસહમત દેશો પણ પોતાના પ્રદેશમાં રસ્તો શોધવા અમેરિકાના સેટેલાઇટ્સ પર આધાર રાખે છે.

આ બંને ઉદાહરણો એક જ વાત કહે છે. કોઈ ટેક્નોલૉજી માત્ર સારી હોવાથી અનિવાર્ય બનતી નથી. તે અનિવાર્ય બને છે જ્યારે વર્ષો સુધી તેને આંતરરાષ્ટ્રીય ધોરણો, વેપાર કરારો, સરકારી વ્યવસ્થાઓ અને લોકોના રોજિંદા જીવન સાથે સાંકળી દેવામાં આવે. ટેક્નોલૉજી જેટલું જ આ કામ રાજદ્વારી અને વ્યૂહરચનાનું પણ છે.

ભારતે અત્યાર સુધી ઘણી ઉત્તમ વ્યવસ્થાઓ ઊભી કરી છે. દુનિયાએ તેની નોંધ લીધી છે. તેનો અભ્યાસ પણ કર્યો છે. પણ દુનિયા હજી તેના પર નિર્ભર થઈ નથી. UPIના વધતા વૈશ્વિક સ્વીકારથી પ્રથમ વખત એવું લાગે છે કે ભારત પોતાની ટેક્નોલૉજીને ભૂરાજકીય સાધન તરીકે પણ જોવાનું શરૂ કરી રહ્યું છે. જો આ દિશા સતત આગળ વધે, તો ભારત ડિજિટલ ગ્લોબલ સાઉથ માટે માત્ર બજાર નહીં, પરંતુ મૂળભૂત માળખું પણ બની શકે છે. 

પરંતુ આખરે સવાલ ફરી ત્યાં જ આવીને ઊભો રહે છે. શું આપણે આપણા જ સપનાઓ પર એટલો વિશ્વાસ રાખી શકીશું કે દુનિયા જેને માત્ર વખાણે નહીં, પરંતુ જેના વિના ચાલે પણ નહીં એવી ટેક્નોલૉજી અહીંથી ઊભી કરી શકીએ? કારણ કે ઇતિહાસ દેશોને તેમની શોધ માટે નહીં, પરંતુ દુનિયા જેને છોડવાની હિંમત ન કરી શકે એવી શોધ માટે યાદ રાખે છે. દુનિયા એવી ટેક્નોલૉજી પર નથી ચાલતી જેને તે માન આપે છે. દુનિયા એવી ટેક્નોલૉજી પર ચાલે છે, જેના વિના તે ચાલી ન શકે.

બાય ધ વેઃ

બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝ? એક સમય હતો જ્યારે આપણે ‘બ્રેઇન ડ્રેઇન’ની ચિંતા કરતા હતા. આજે કદાચ વાત ‘બ્રેઇન લીઝ’ની છે. ભારતીય પ્રતિભા દેશ છોડે કે ન છોડે, તેની સૌથી મોટી આર્થિક અને વ્યૂહાત્મક કિંમત ઘણીવાર બીજી કંપનીઓ અને બીજા દેશો વસૂલતા હોય છે. દર વર્ષે આપણે સ્ટાર્ટઅપ્સ, યુનિકોર્ન્સ અને ફંડિંગની ઉજવણી કરીએ છીએ. પરંતુ કદાચ હવે એક નવો સવાલ પૂછવાનો સમય આવી ગયો છે. આપણે યુનિકોર્ન બનાવી રહ્યા છીએ કે યુનિકોર્ન માટે માણસો? અને સૌથી અગત્યનો સવાલ … આવતીકાલે ભારતની કઈ ટેક્નોલૉજી બંધ થાય તો આખી દુનિયાનું કામ અટકી જશે? ટૂંકમાં આપણને આપણી આવડતોની કિંમત થશે તો આગળ વધવામાં પાછા નહી પડીએ. ઘર કી મુર્ગી દાલ બરાબરના માનસિકતા આપણને નડી ન જાય તે આપણી જવાબદારી છે. 

પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 જૂન 2026

Loading

28 June 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—347

Search by

Opinion

  • ચલ મન મુંબઈ નગરી—347
  • AIને માથે ચડાવવા જેવું નથી …
  • અપેક્ષા                                                 
  • જરૂરત અલબત્ત સુરક્ષા દિવસની પણ ઉજવણી જો કે હત્યા દિવસની
  • આઝાદીની પોણી સદી વીતી તો ય આઠ જ દલિત મુખ્યમંત્રી થયા!

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ
  • નોકરી એક ચુડેલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved