Opinion Magazine
Number of visits: 10,237,813
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઈકો ફ્રેન્ડલી તહેવારો ઊજવતાં શીખીએ 

સોનલ પરીખ|Opinion - Opinion|2 October 2026

૧૦ વર્ષના ધ્રુવ અને તેના મિત્રોએ માટીના ગણેશ જાતે બનાવ્યા, તેનું સ્થાપન કર્યું, પૂજા કરી અને પોટમાં મૂકી વિસર્જન કર્યું. પછી તેમાં બી વાવ્યાં અને જાતે પાણી પાઇ છોડ ઉછેર્યા. એમનાં માતાપિતા કહે છે, આ ઘટનાથી અમારાં બાળકો બદલાઈ ગયાં છે. હવે તેઓ જવાબદાર, શ્રદ્ધાળુ અને પ્રકૃતિપ્રેમી બની ગયાં છે, એટલું જ નહીં, તેમની સર્જનાત્મકતામાં પણ વધારો થયો છે. 

સોનલ પરીખ

જુલાઇ-ઑગસ્ટ આવે એટલે તહેવારોની મોસમ શરૂ થાય, તે છેક ઑક્ટોબર નવેમ્બર સુધી ચાલતી રહે. હવે તો ગુજરાતીઓ ક્રિસમસ પણ ઉજવે છે, એ ગણીએ તો ડિસેમ્બર સુધી. આનંદ અને ઉજવણી, હળવું-મળવું, ખાવુંપીવું ને ભેટો આપવી-લેવી. રોજરોજના સંઘર્ષો ભૂલી જવા અને આનંદ કરી લેવો. 

બીજા આનંદ અને તહેવારોના આનંદમાં એક ફરક એ છે કે તહેવારોમાં માણસો એકબીજાની નિકટ આવે છે અને સાથે મળીને આનંદ કરે છે. તહેવારો તો આખી દુનિયામાં ઉજવાતા હોય છે, પણ ભારત જેવાં વિરાટ અને બહુધર્મી, બહુભાષી અને બહુસાંસ્કૃતિક દેશમાં તહેવારોનું એક આગવું મહત્ત્વ હોય છે. નાના હતા ત્યારે કોઈ તહેવાર વિષે નિબંધ લખવાનો થાય ત્યારે એક વાક્ય અચૂક લખતા, ‘ભારત તહેવારો અને ઉત્સવોનો દેશ છે.’ વાત સાચી છે, આ મહિનાઓમાં વધારે, બાકી આપણે ત્યાં આખું વર્ષ કોઈ ને કોઈ તહેવાર ઉજવાતો હોય જ છે અને એ પણ નાના પાયે નહીં, મોટા પાયે. દિવસોથી તૈયારી ચાલે, દિવસો સુધી ઉજવણી ચાલતી રહે અને દિવસો સુધી ઉજવણીની નિશાનીઓ આસપાસ જોવા મળતી રહે.

બધું બહુ સરસ. પણ ક્યારે ય વિચાર્યું છે કે આનંદ કેટલો કર્યો અને પ્રદૂષણ કેટલું ફેલાવ્યું? મૂળ ભાવના ક્યારે ભુલાઈ ગઈ અને ઘોંઘાટ ક્યારે પ્રવેશી ગયો? આજે તો પરમ તત્ત્વ પ્રત્યે શાંત શ્રદ્ધાભાવ અને ભક્તિ-પ્રાર્થનાનું સ્થાન ભૌતિકવાદ, દંભ અને દેખાડાએ લઇ લીધું છે, ઉજવણીનું વ્યાવસાયીકરણ થઈ ગયું છે અને દરેક તહેવાર હવા, પાણી, ભૂમિ અને ધ્વનિ-પ્રદૂષણ ફેલાવે છે. કોઈ નક્કર પરિણામ લાવ્યા વિના લાખો રૂપિયાનો ધુમાડો થાય છે અને અત્યંત મોટા પ્રમાણમાં લોકોના સમય-શક્તિની બરબાદી થાય છે. શ્રદ્ધા પણ હોય છે, પણ શ્રદ્ધા જેટલું જ મહત્ત્વ દેખાડાને મળે અને પર્યાવરણને મોટા પાયે નુકસાન પહોંચે ત્યારે વિચારવું તો પડે. ઘણા લોકો જો કે એવા પણ છે જે પર્યાવરણ-હિતૈષી એટલે કે ઈકો-ફ્રેન્ડલી તહેવારો ઉજવવા પ્રયત્ન કરે છે અને એમને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો પણ થઈ રહ્યા છે, છતાં આ ક્ષેત્રે હજી ઘણી વધારે જાગૃતિ લાવવાની જરૂર છે.

ઈકો-ફ્રેન્ડલી ફેસ્ટિવલ્સ એટલે જેની ઉજવણીમાં પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે ઉજવાતા તહેવારો. તેને માટે વ્યક્તિગત અને સામુદાયિક બંને પ્રકારની પ્રતિબદ્ધતા હોવી જરૂરી છે. આવતીકાલથી ગણેશોત્સવ શરૂ થશે. બજારોમાં નાનીમોટી ગણેશમૂર્તિઓ સાથે ઈકો-ફ્રેન્ડલી ગણેશમૂર્તિઓનું બજાર પણ આ તેજ રહેતું હોય છે એ આનંદની વાત છે. ઘણી સોસાયટીઓમાં યુવાન સભ્યો ઈકો-ફ્રેન્ડલી ગણેશમૂર્તિઓનો આગ્રહ રાખે છે. કુદરતી માટીની બનેલી અને વૉટરકલરથી રંગેલી મૂર્તિઓની પધરામણી થાય, પૂજા અને મંડપમાં કુદરતી વસ્તુઓ, ફૂલો, કેળનાં પાન વગેરે જ વપરાય અને વિસર્જન વખતે એક ખાસ બનાવેલ ક્યારામાં મૂર્તિ પર પાણીનો અભિષેક થાય. સોસાયટીનાં બાળકો તેમાં પછી નાના છોડ વાવે, ગણપતિ બાપ્પા આપણે ત્યાં ફૂલ બનીને ખીલશે એવું ઉત્સાહથી મોટેરાઓને કહે અને શાબાશી અને પ્રોત્સાહન મેળવે. ક્યાંક કૃત્રિમ ટબ બનાવી એમાં માટીના ગણપતિ વિસર્જિત થાય અને એ પાણી બગીચામાં પાઇ દેવામાં આવે. 

એક ‘ઈ-કોએકઝિસ્ટ’ નામની એન.જી.ઓ.માં ગાયનું છાણ અને માટીના ગણપતિ બનાવાય છે. અલંકારો અને સુશોભનમાં બાયોડીગ્રેડેબલ પદાર્થો વપરાય છે. ‘હન્ડ્રેડ હેન્ડસ’ નામનું એક એન.જી.ઓ. પોતે મૂર્તિઓ બનાવતું નથી, પણ લોકોને માટીના ગણેશ ખરીદવા પ્રેરે છે. લોકોને યાદ અપાવે છે કે તહેવારોની વ્યાવસાયિક અને ઝાકઝમાળભરી ઉજવણીમાં ન ખેંચાઓ, કુદરતનું, શહેરની સ્વચ્છતાનું અને અન્યની શાંતિનું ધ્યાન રાખો. માટીના ગણેશ જ ખરીદો અથવા જાતે બનાવો. માટીના ગણેશ બનાવવાની ફ્રી વર્કશોપ પણ તેઓ કરે છે. ‘ટુ મેક અ ડિફરન્સ’ નામનું એન.જી.ઓ. પંદર વર્ષથી માટીના ગણેશ બનાવીને વેચે છે. તેના એક સ્વયંસેવક કહે છે, ‘અમે બે વાતનું ધ્યાન રાખી છીએ. પ્રાપ્યતા અને કિંમત – અવેલીબિલિટી એન્ડ કૉસ્ટ – અમે સ્થાનિક વિસ્તારોમાંથી માટી લાવી અને નવ ઈંચથી માંડી અઢી-ત્રણ ફૂટના ગણપતિ બનાવીએ. ૧૫૦ રૂપિયાથી માંડી ૨,૫૦૦ રૂપિયા સુધીની કિંમત હોય. દર વર્ષે હજારેક મૂર્તિઓ વેચાય છે. રંગ-વસ્ત્રો-શણગાર બધું પર્યાવરણ-હિતૈષી.’

‘પૂજા એન્ડ પૂજારી’ નામનું ગ્રુપ તો એક પૂજા-કિટ તૈયાર કરીને વેચે છે. તેમાં ગૌરી અને ગણપતિની મૂર્તિ, કુમકુમ-અક્ષત, હળદર, નાડાછડી, સુકોમેવો, બ્લાઉઝપીસ, ધોતી જેવી ૨૯ સામગ્રી હોય છે. આ કિટ દક્ષિણ ભારત અને ઉત્તર ભારત બંનેની પરંપરાને અનુકૂળ હોય છે.  

ગણપતિ-વિસર્જન ભક્તો માટે એક લાગણીસભર પ્રસંગ હોય છે. પાર્વતી પ્રિયદર્શિની નામની એક યુવતી કહે છે કે અમારે ત્યાં ગણપતિનું સ્થાપન એ બાળકના જન્મ જેવી ઉત્સાહભરી ઘટના હોય છે. પણ તેમને વિદાય આપતાં અમને બધાંને રડવું આવે છે. વિસર્જન કરતાં એટલું દુ:ખ થાય જેનું વર્ણન ન થઈ શકે. પણ હવે અમે માટીના ગણેશ જાતે જ બનાવીએ છીએ, તેનું ઘરના કુંડામાં વિસર્જન કરીએ છીએ અને એ માટીમાં છોડ વાવી દઈએ છીએ. હવે અમારાં ગણપતિ ક્યાં ય જતા નથી, અમારા ઘરમાં જ રહે છે. 

હૈદરાબાદની એક કંપની ‘પ્લાન અ પ્લાન્ટ’ આમ તો ઈનડોર ગાર્ડનિંગ ઇક્વિપમેન્ટ્સ – ઘરમાં રાખવાના છોડ માટેનાં સાધનો ઓનલાઈન વેચે છે. પણ દસેક વર્ષથી એ કંપની ઈકોફ્રેન્ડલી ગણેશ બનાવીને વેચે છે. એક સરખા કદની એક સરખી કિંમતની મૂર્તિઓ. પહેલે જ વર્ષે ૪૦૦ રૂપિયાની ૧૫,૦૦૦ મૂર્તિઓ વેચાઈ હતી. દરેક મૂર્તિમાં કોઈ છોડનાં બીજ મેળવેલાં હોય. ઘરના ક્યારા કે કુંડામાં એનું વિસર્જન કરવાનું અને થોડા દિવસમાં એક સરપ્રાઈઝ પ્લાન્ટ ઊગતો જોવાનો!

ભારતના શહેરોમાં હવે મેયર કે અન્ય અધિકારીઓ જાતે રસ લઈને ઈકોફ્રેન્ડલી ગણેશમૂર્તિઓ વહેંચે અને જાગૃતિ અભિયાન દ્વારા મૂર્તિ ખરીદનાર અને વેચનાર બંનેને જાગૃત કરે તેવું જોવા મળે છે. ઘણા શહેરોમાં ઈકોફ્રેન્ડલી ગણેશ બનાવતાં શીખવતી ફ્રી વર્કશોપ થાય છે. બાળકો આમાં હોંશથી ભાગ લે છે. ૧૦ વર્ષના ધ્રુવ અને તેના મિત્રોએ માટીના ગણેશ જાતે બનાવ્યા, તેનું સ્થાપન કર્યું, પૂજા કરી અને પોટમાં મૂકી વિસર્જન કર્યું. પછી તેમાં બી વાવ્યાં અને જાતે પાણી પાઇ છોડ ઉછેર્યા. એમનાં માતાપિતા કહે છે, આ ઘટનાથી અમારાં બાળકો બદલાઈ ગયાં છે. હવે તેઓ જવાબદાર, શ્રદ્ધાળુ અને પ્રકૃતિપ્રેમી બની ગયાં છે, એટલું જ નહીં, તેમની સર્જનાત્મકતામાં પણ વધારો થયો છે. 

ગણેશોત્સવ આવવાનો છે એટલે એની વાત કરી, પણ હોળીમાં રાસાયણિક રંગો, ફુગ્ગા, પાણીનો બગાડ અને દિવાળીમાં ધ્વનિ અને વાયુપ્રદૂષણ કરતાં ફટાકડાની આફતથી કોણ અજાણ છે? પ્રકાશનું પર્વ ધડાકાઓનું પર્વ કેમ બની ગયું છે? આપણને આપણા વડીલો, બીમાર સ્વજનો કે વિદ્યાર્થીઓની તકલીફ દેખાતી નથી તો પ્રાણીઓ-પક્ષીઓ અને પર્યાવરણની તકલીફ શી રીતે સમજવાના? ફટાકડા બનાવતાં બાળકોની અવદશા પર ક્યારે ય વિચાર કરીએ છીએ? રસાયણમુક્ત રંગો અને અબીલ-ગુલાલથી હોળી રમવી શું એટલી મુશ્કેલ છે? શાંત દીવડાં, ઘરની વાનગીઓ અને રંગોળીથી દિવાળીની ઉજવણી ન થઈ શકે? ક્યાં સુધી, આખરે કયાં સુધી વિચાર્યા વિના બધા કરે છે માટે આપણે પણ કરવું એવી અંધ મનોવૃત્તિથી દોરવાયા કરીશું?

આવો મિત્રો, તહેવારની મોસમને સુંદર, સ્વચ્છ, ઈકોફ્રેન્ડલી અને હૃદયના ઊમળકાથી ભરપૂર બનાવીએ.

 e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 13 સપ્ટેમ્બર 2026

Loading

2 October 2026 Vipool Kalyani
← બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક

Search by

Opinion

  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • વર્તુળ અને વમળ
  • 2,700ની દવાની MRP 27,000?
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા  
  • ચિમ્પાન્ઝીઓની મા જેવાં જેન ગુડૉલ

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • બધી શાળાઓએ અપનાવવા જેવું પુસ્તક
  • યાંત્રિક યુગમાં માનવ ક્યાં ખોવાયો?
  • ગાંધીજીને પૂજવા સહેલા, સમજવા મુશ્કેલ અને અનુસરવા અસંભવ – શા કારણે?
  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved