Opinion Magazine
Number of visits: 9968481
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માઉન્ટ એવરેસ્ટઃ અહીં પણ ‘ટ્રાફિક જામ’ મોતનું કારણ બની રહ્યો છે

ચિરંતના ભટ્ટ|Opinion - Opinion|2 June 2019

માઉન્ટ એવરેસ્ટ જોખમી બનવાનાં કારણો હિમશીલાની ટોચની ભ્રમણા જેવાં છે, ધાર્યા કરતાં કંઇક ગણાં મોટા અને કાતિલ

એક સમય હતો જ્યારે શહેરના ઘોંઘાટ અને ટ્રાફિકથી કંટાળીએ ત્યારે આપણને એમ થતું કે પહાડોમાં જતાં રહેવું જોઇએ. ત્યાં પરમ શાંતિનો અનુભવ પણ થાય અને કુદરતનો વૈભવ અને શક્તિ બંન્નેનો અનુભવ થાય. હવે એવા દિવસો આવ્યા છે કે માઉન્ટ એવરેસ્ટ પર ટ્રાફિક જામ થવા માંડ્યો છે અને અકસ્માતમાં જીવ ગુમવાનારાઓનું પ્રમાણ ત્યાં પણ વધી ગયું છે. આ વર્ષે પવર્તારોહણની મોસમમાં એવરેસ્ટ પર ગયેલા ૧૧ જણા, જેમાં ત્રણ ભારતીય છે તે મોતને ભેટ્યા છે. આમ તો એવરેસ્ટ હંમેશાં કપરાં ચઢાણોનો એસિડ ટેસ્ટ રહ્યો છે, પણ સમયાંતરે ત્યાં સંજોગો વધુને વધુ વસમાં બની રહ્યાં છે. છેલ્લા અઠવાડિયામાં એવરેસ્ટ સર કરવા હારબંધ ઊભેલા પર્વતારોહકોની તસવીર બહુ પ્રચલિત બની છે. એ તસવીર એ વાતનો પુરાવો છે કે એવરેસ્ટ પર ટ્રાફિક ‘જામ’ થવા માંડ્યો છે અને ત્યાં હજારો ફૂટની ઊંચાઇએ પણ માણસ જાતે પોતાનું પોત પ્રકાશવામાં કંઇ બાકી નથી રાખ્યું. માઉન્ટ એવરેસ્ટ વધારે જોખમી બની રહ્યો છે તેનાં કારણો ઉપરછલ્લાં નહીં પણ ઘણાં ઊંડા છે, બિલકુલ દરિયામાં દેખાતી હિમશીલા જેવાં અને માટે જ એ સમજવાં જરૂરી છે.

પહેલી વાત તો એ કે, ૨૯ હજાર ફૂટની ઊંચાઇએ પહોંચતો માઉન્ટ એવરેસ્ટ ચઢવો હોય તો તમારી ગમે એટલી તૈયારી હોય કે પછી ત્યાં મોસમ બહેતર હોય, એ કોઇ કાચા-પોચાનો ખેલ નથી. એવરેસ્ટ પર ચઢવું એક ગંભીર ફોકસ માંગી લે તેવી બાબત છે, હવે સમસ્યા એ છે કે જે લોકોને પર્વતારોહણનો પૂરતો અનુભવ નથી તેવાં પણ એવરેસ્ટ પર ચઢાણ માંડે છે. ગાડરિયો પ્રવાહ એ એવરેસ્ટ પર ભેગી થયેલી ભીડનું સૌથી મોટું કારણ છે. એવરેસ્ટને ‘સર’ કરવાની ભૂખ મોતનું આમંત્રણ બની રહી છે. એવરેસ્ટ પર જનારાનો મૃત્યુ આંક ૧૯૨૨થી માંડીને આજ સુધીમાં ૩૦૭ છે પણ આઘાતની વાત એ છે કે આ વર્ષે ૧૧ જણા ત્યાં મોતનાં મ્હોમાં ધકેલાઇ ગયા. એવરેસ્ટ પર પરિસ્થિતિ સરળ નથી હોવાની પરંતુ ત્યાં ભેગી થનારી ભીડ આ પરિસ્થિતિને વધારે આકરી બનાવે છે.  શેરપા તેન્ઝિંગ નોરગે એ ૧૯૫૩માં એડમન્ડ હિલેરી સાથે શેરપા તરીકે એવરેસ્ટની ટોચ સુધી સફર ખેડી હતી. તેન્ઝિંગના પુત્ર જેમલિંગે એક અંગ્રેજી ન્યુઝ પોર્ટલ પર એવરેસ્ટ, પર્વતારોહક, સરકારી વલણ તથા દિવસે દિવસે વધુ અઘરાં બની રહેલા એવરેસ્ટની ડરામણી હકીકત જણાવી છે.

તેમના મતે આજકાલ હવે પર્વતારોહકોને ટોચ પર પહોંચતા પહેલાં માટે બે-ત્રણ કલાક સુધી લાઇનમાં ઊભા રહીને પ્રતિક્ષા કરવી પડે છે. કપરાં વાતાવરણમાં આટલી વાર ઊભા રહેવાનું થાય એટલે શરીરની ઊર્જા ખર્ચાય તે સ્વાભાવિક છે વળી શરીરની ગરમી જાળવવા ઉપરાંત પર્વતારોહક  ઑક્સિજનનાં બાટલાનો બોજ પોતાની જિંદગી ધબકતી રાખવા ખભે લઇને ઊભો હોય. હોલ્ડિંગ રોપ્સ ઝાલીને આટલા બધાં લોકો ઊભા હોય અને તાકડે જ જો સેફટી રોપ જ તૂટી જાય તો એક સાથે બધાં જ પડી જાય, જેને કારણે ઇજા અને મૃત્યુ બંન્ને થવાની શક્યતા રહે છે. બહુ જ સાદી અને સૌને સમજાય એવી હકીકત એ છે કે આટલી ઊંચાઇ પર આ રીતે લાંબા કલાકો ઊભા રહેવું શરીરને હાનિ પહોંચાડે છે. એવરેસ્ટની ટોચ પર પહોંચનારા ત્યાં રાતવાસો નથી કરતાં. ઉપર પહોંચી ત્યાં થોડી ક્ષણો માણી અને પછી નીચે ઉતરવા માંડે છે કારણકે શરીર એટલી ઊંચાઇ લાંબા કલાકો આમ પણ ન ખેંચી શકે. 

એક સમય હતો કે નેપાળની સરકાર એવરેસ્ટની ટોચ પર પહોંચવા માટેનાં માત્ર વીસ પરવાના આપતી. એ સિત્તેરના દાયકાની વાત હતી અને આજે આ પરવાનાનો આંકડો ૩૮૦ કરતાં પણ વધારે છે. જે રીતે લોકોને આડેધડ પરવાના અપાય છે તે સરકારની ટુરિઝમને પગલે આવક પેદા કરવાની મહેચ્છા દર્શાવે છે. દરેક વ્યક્તિ દીઠ પરવાનો આપવા માટે ૧૧,૦૦૦ અમેરિકી ડૉલર્સ સરકારને ચુકવવાનાં રહે છે. આ તો એક ખર્ચો છે પણ આ ઉપરાંત શેરપા ભાડે કરવાથી માંડીને, ટુર ઑપરેટર્સનાં સમીકરણો વગેરેને પગલે પર્વતારોહકો એવરેસ્ટની ટોચ પર જવા માટે ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ ડૉલર્સ ખર્ચે છે. વળી દરેક પર્વતારોહક સાથે એક શેરપા હોવાનો એટલે કે જો ૩૮૦ જણાંને પરવાના મળે તો કૂલ ૭૬૦ જણા એવરેસ્ટ તરફ પ્રયાણ કરે.

વળી મોસમનાં હાલને ધ્યાનમાં લઇએ તો ય એક સમયે, એક સાથે લગભગ ૨૦૦ કે ૨૫૦ જણાં કાં તો ચઢાણ કરતાં હોય અથવા તો ઊતરતા હોય. ૧૯૯૯ની સાલથી દર વર્ષે એવરેસ્ટ સુધી જનારાની સંખ્યા ૩૫૦ની આસપાસ રહી છે. આ આંકડા પર કોઇપણ જાતનો પ્રતિબંધ કે નિયંત્રણ મુકવાનું સરકારે હજી સુધી વિચાર્યું નથી. વધતી જતી જનસંખ્યાનો પ્રભાવ જાણે એવરેસ્ટ પર પણ પડી રહ્યો છે. ૨૨મી મેનો દિવસ પર્વતારોહકો માટે શરૂ સારા મોસમનાં સમાચારથી થયો. જે રીતે પર્વતારોહકોનાં ટોળાં ટોચને ‘સર’ કરવા સાબદા થયાં અને ‘ટ્રાફિક’ જામ થઇ ગયો. એક પણ ગ્રૂપ લિડરને એવો વિચાર ન આવ્યો કે પોતાના સમિટને લઇને આગળ વધવા માટે એ કોઇ બીજો દિવસ પણ પસંદ કરી શકે.  કુંતલ જોઇશેર નામના એક પર્વતારોહકે આપેલી જાણકારી અનુસાર એવરેસ્ટ ‘સર’ કરવા નિકળી પડેલાઓમાંથી કેટલાક તો સાવ નવા નિશાળિયા હતા, તેઓ પોતાનાં બુટની દોરી સુદ્ધાં જાતે નહોતાં બાંધી શકતા.

વધુ ઊંચાઇ પર ધાર્યા કરતાં વધારે કલાકો જ્યારે ‘રાહ’ જોઇને રહેવું પડે ત્યારે માણસનું શરીર જવાબ આપી દે તેવું થવાની સંભાવનાઓ વધી જ જાય. એવરેસ્ટ પર ૨૬,૦૦૦ ફૂટ પછીનો જે પ્રદેશ છે તેને ‘ડેથ ઝોન’ તરીકે જ ઓળખવામાં આવે છે જ્યાં માણસનું અસ્તિત્વ હોવું જ ન જોઇએ. માત્ર ગણતરીના કલાકો જ ત્યાં ગાળી શકાય પછી ગમે તેટલી ઑક્સિજન બૉટલ્સ હોય તો પણ. એક હદ પછી માણસનું શરીર મંદ પડવા માંડે. એક્યુટ માઉન્ટેન સિકનેસને કારણે ઊબકા આવવા, ચક્કર આવવા, થાક લાગવો જેવી સ્થિતિ ખડી થાય છે. વળી જ્યારે એવરેસ્ટ પર ‘ટ્રાફિક’ જામ થયો હોય એટલે એ પરિસ્થિતિમાંથી પોતાની જાતને બહાર કાઢીને વધુ સુરક્ષિત સ્થળે ખસી જવાનું પણ મુશ્કેલ જ હોય. ઊંચાઇ પર હવા પાતળી હોવાને કારણે મગજની આસપાસ રહેલા મેમ્બ્રેન્સ તથા ફેફસાં ગળવા લાગે છે – લીક થવા માંડે છે જેને કારણે શરીરમાં રહેલું પ્રવાહી જ્યાં ન જવું જોઇએ ત્યાં પણ પહોંચી જાય છે.

ફેફસાંમાં પ્રવાહી ભરાવા માંડે પછી ઑક્સિજન મેળવવું બહુ અઘરું થઇ જાય અને એમાં પણ વ્યક્તિ એવાં સ્થળે હોય જ્યાં ઑક્સિજન ઓછો છે. ફેફસાંની આ સ્થિતિને હાઇ-અલ્ટિટ્યુડ-પલ્મનરી-એડેમા કહે છે. મગજમાં પ્રવાહી ભરાવાની સ્થિતિને હાઇ-અલ્ટિટ્યુડ-સેરેબ્રલ-એડેમા કહે છે જે પરિસ્થિતિને વધારે ગંભીર બનાવે છે. આવા સંજોગોમાં માણસ સંતુલનની શક્તિ ગુમાવી બેસે છે, તેને માટે કો-ઑર્ડિનેશન કરવાનું પણ મુશ્કેલ થઇ જાય છે. ચઢાણ વખતે શરદી, થાક, ડિહાઇડ્રેશનના સંજોગોમાં આ બન્ને શારીરિક જોખમો ખડાં થઇ શકે છે. વળી અનુભવને અભાવે પર્વતારોહક શરીરની આ પરિસ્થિતિ સમજ્યા વિના પોતાની સફર ચાલુ રાખે તો પછી તેના જાનને ચોક્કસ જોખમ ખડું થાય. એવરેસ્ટની ટોચ પર પહોંચવામાં ગતિ બહુ અગત્યનું કામ કરે છે. ઝડપથી ઊપર પહોંચી, સમિટને ટેગ કરીને તરત નીચેની સફર શરૂ કરવામાં જ સાર છે. પર્વતારોહણ એક સિરિયસ એક્ટીવિટી છે, ઊંચાઇ પર તમે માત્ર ટકી રહ્યા છો – જીવી નથી રહ્યાં તે હકીકત સમજવી જરૂરી છે. ટોચ પર વધારે સમય પસાર કરવામાં તમારી પાછળ રાહ જોઇ રહેલાં લોકો આ ઊંચાઇ પર બહુ લાંબો સમય ટકવા માટે સક્ષમ નથી એનો ખ્યાલ રાખવો જ રહ્યો.

વળી જ્યાં એક સમયે વર્ષે ૨૦ જણ જતાં હોય ત્યાં જનારાની સંખ્યા ૭૦૦થી વધુ થાય એટલે ત્યાં થતી ગંદકી અંગે તો માત્ર કલ્પના જ કરવી રહી.

એવરેસ્ટની ટોચે પહોંચવા ભેગી થયેલી ભીડ, પાંચ જ દિવસની ‘ઑલ ક્લિયર’ પ્રકારની મોસમ, અણઘડ-બિનઅનુભવી પર્વતારોહકો અને ટૂર ઑપરેટર્સ વચ્ચેની સ્પર્ધા માત્ર માણસોનાં નહીં પણ પ્રકૃતિનાં આ જોખમી પણ અભૂતપૂર્વ ચમત્કારનાં કહેવાય તેવા એવરેસ્ટનાં મોતનું કારણ બની રહ્યાં  છે.

બાય ધી વેઃ

‘વધુ’ની એષણા પર્યાવરણ અને માણસ બન્નેનાં જીવ લઇ રહી છે. ત્યાં પહોંચી જનારાઓ વાતાવરણ પ્રત્યે લગીરેક સંવેદના નથી ધરાવતા. આ વર્ષે નેપાળી સરકારે જ્યારે એવરેસ્ટનું સ્વચ્છતા અભિયાન પૂરું કર્યું ત્યારે તેમણે દાયકાઓથી એવરેસ્ટની ટોચ પર ભેગો થયેલો કચરો દૂર કર્યો અને આ કચરાનું વજન ૧૧ ટન થયું. એવરેસ્ટની ટોચ પર જવામાં રહેલો રોમાંચ હવે ડેસ્ટિનેશન પર પાડેલી સેલ્ફીઓ પૂરતો સિમિત થઇ રહ્યો હોય એવું લાગે છે. જેમલિંગે પોતાની વાતમાં ખેદ વ્યક્ત કર્યો છે કે સાચા પર્વતારોહકો ઘટી રહ્યાં છે કારણ કે એવાં લોકો સુદ્ધાં એવરેસ્ટ ‘સર’ કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે જે ઊંચાઇ પર હિટરની માંગણી સુદ્ધાં કરે છે. આ જ દર્શાવે છે કે એવરેસ્ટ ‘સર’ કરવો સાહસનો સંતોષ નહીં પણ દેખાડાની હોડ બની ચૂકેલી બાબત છે.

સૌજન્ય : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 જૂન 2019

Loading

શું પકડી રાખવું, શું છોડી દેવું ?

રમેશ ઓઝા|Opinion - Opinion|2 June 2019

મારા મિત્ર અને ભારતીય દર્શનોના ઊંડા અભ્યાસી ડૉ. ગિરીશ જાનીએ સલાહ આપી હતી કે આ શ્રેણીમાં ભગવદ્ ગીતાની માત્ર રૂપરેખા આપીને આગળ ન જવું જોઈએ, પરંતુ ગીતા વિષે હજુ વધારે વાત કરવી જોઈએ. બે કારણ છે. એક તો એ કે ગીતા તમામ દર્શનોનો સમન્વયકારી ગ્રંથ છે. એ સમયે ભારતમાં પ્રવર્તતી લગભગ દરેક વિચારધારાનું દોહન ગીતામાં મળશે અને બીજું કારણ એ છે કે ભગવાન વ્યાસે અર્જુન (અર્થાંતરે સકળ જગત) માટે કલ્યાણકારી વિચાર વિવેકની એરણે તપાસીને ઉપદેશરૂપે કહ્યા છે. મને તેમની દલીલ વાજબી લાગી એટલે ગીતાની પરબે થોભીને થોડું વધારે પાન કરીએ.

પહેલા અધ્યાના ૪૭ શ્લોક અને બીજા અધ્યાયના પ્રથમ ૧૦ શ્લોક ગીતા કહેવા માટેના પ્રસંગની માંડણીરૂપ છે. અર્જુનને રણભૂમિમાં વિશાદ થાય છે, લડવાની ના પાડી દે છે અને ભગવાન તેને સારાસાર વિવેક કરાવે છે. ભગવાનના ઉપદેશની શરૂઆત બીજા અધ્યાયના ૧૧માં શ્લોકથી થાય છે. આ અધ્યાયના ૧૧થી ૩૦ શ્લોકમાં સાંખ્ય તત્ત્વજ્ઞાન આપવામાં આવ્યું છે. ૩૧થી ૩૯ સુધીના નવ શ્લોકમાં ધર્મ(ફરજ-સ્વભાવ)ની વાત કહેવામાં આવી છે. ૪૦થી ૫૩ સુધીના ૧૪ શ્લોકમાં યોગદર્શનનું તત્ત્વજ્ઞાન કહેવામાં આવ્યું છે અને ૫૪થી ૭૨ સુધીના ૧૯ શ્લોકમાં સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો બતાવવામાં આવ્યાં છે. આમ એક રીતે આપણે કહી શકીએ કે જે કહેવું જોઈએ એ બધું જ આમાં આવી જાય છે. આનો અર્થ એવો નથી કે બાકીના અધ્યાય બીજા અધ્યાયના અર્થવાદ જેવા છે, પણ મારી દૃષ્ટિએ બીજો અધ્યાય કલગીરૂપ છે.

બીજા અધ્યાયનું નામ આપવામાં આવ્યું છે; સાંખ્યયોગ. સાંખ્ય એટલે સંખ્યા, પણ ગણિતશાસ્ત્રની સંખ્યા નહીં; સારાસાર વિવેકની સંખ્યા. જેમ ગૃહિણી સૂપડામાં ઘઉં સમા કરતી વખતે વીણી-વીણીને કાંકરા એક બાજુ કરતી જાય અને ઘઉં નોખા તારવતી જાય એ સાંખ્ય. સત્વ તારવી લેવાનું અને જેમાં સત્વ ન હોય તેને અલગ કરવાનું. જે નક્કર, સાત્વિક છે એનો સંગ્રહ કરવો ખરો, પણ એ આસક્તિથી નહીં, તટસ્થબુદ્ધિથી અને જે નશ્વર છે, નકામું છે તેના માટે મોહ નહીં પાળવાનો. ગૃહિણીનાં સૂપડામાં જે રીતે સાંખ્યદર્શન સંખ્યારૂપે આવે છે એ જ રીતે આપણાં જીવનરૂપી સૂપડામાં સાંખ્યદર્શન આવે છે. એટલે તો ગીતાના દસમાં અધ્યાયના ૨૬માં શ્લોકમાં સાંખ્યદર્શનના ઉદ્ગાતા કપિલ મુનિ વિષે કહેવામાં આવ્યું છે, सिद्धानां कपिलो मुनिः સિદ્ધોમાં શ્રેષ્ઠ કપિલ છે.

ગીતાના બીજા અધ્યાયમાં સાંખ્ય તત્ત્વજ્ઞાનનું નિરૂપણ કરનારા વીસ શ્લોકમાં આત્માની અમરતા અને દેહની નશ્વરતાની વાત કહેવાઈ છે. गतासूनगतासूंश्च नानुशोचन्ति पण्डिताः એટલે કે જ્ઞાની લોકો મરેલા અને જીવતાઓનો શોક કરતા નથી. ગતાસુનો અર્થ જેના પ્રાણ દેહમાંથી ચાલ્યા ગયા છે એવા મરેલા અને અગતાસુ એટલે જેના પ્રાણ દેહમાં છે એવા જીવતા. તું (અર્જુન) આ વિષે જે શોક કરે છે એનો અર્થ એ કે તું જ્ઞાની નથી, પણ જ્ઞાની હોવાનો ડોળ કરે છે. ઉપદેશ આપવાનો પ્રારંભ જ અર્જુનનો ઉપહાસ કરીને કરવામાં આવે છે. ભગવાનને એમ લાગ્યું હશે કે દશેરાના દિવસે ઘોડો બેસી જાય એ ન ચાલે. સોય ઝાટકીને કહેવું પડશે કે તું ખોટો નથી, સાવ ખોટો છે અને જ્ઞાની હોવાનો ડોળ કરે છે. આજના યુગમાં તો આની વિશેષ જરૂરત છે.

એ પછીના શ્લોકમાં ભગવાન સમજાવે છે કે આત્મા નિત્ય છે. આત્મા દેહ ધારણ કર્યો એ પહેલાં પણ હતો, એ દેહમાં પણ છે અને દેહ છોડ્યા પછી પણ હોવાનો. એ પછીના ૧૩મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે કે શરીરની બાળપણ, યુવાની અને ઘડપણ એવી ત્રણ અવસ્થા છે એમ નવા દેહની પ્રાપ્તિ એ ચોથી અવસ્થા છે. બૃહદકારણ્યક ઉપનિષદમાં એક સરસ રૂપક આપવામાં આવ્યું છે. જે પ્રકારે ઘાસ પર રહેનારો કીડો પહેલાં ઘાસના તણખલાંના આગળના ભાગમાં જાય છે, ત્યાં પોતાનો અડધો ભાગ પહેલા તણખલા ઉપર રાખીને પોતાના દેહનો આગળનો ભાગ બીજા તણખલા પર રાખે છે, અને ત્યાંનો આધાર સ્થિર થયા પછી પોતાના શરીરનો બાકીનો ભાગ પેલા તણખલા ઉપર લઈ આવે છે, એ જ પ્રકારે આત્મા દેહનો નાશ થવાના સમયે એક દેહમાંથી બીજા દેહમાં જતો રહે છે. (બ્રુ. ઉ. ૪/૪/૩-૪) આજ વાત આગળ ગીતાના પ્રસિદ્ધ બાવીસમાં શ્લોકમાં કહેવામાં આવી છે જે આ મુજબ છે:  वासांसि जीर्णानि यथा विहाय नवानि गृह्याति नरोऽपराणि I तथा शरीराणि विहाय जिर्णान्यन्यानि संयाति नवानि देही II અર્થાત્ જે પ્રકારે મનુષ્ય જીર્ણ વસ્ત્રોનો ત્યાગ કરી નવાં વસ્ત્રો ધારણ કરે છે એમ દેહધારી આત્મા જીર્ણ દેહનો ત્યાગ કરીને બીજો દેહ ધારણ કરે છે.

આ અધ્યાયનો ૧૬મો ૧૭મો શ્લોક અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ૧૬માં શ્લોકમાં કહ્યું છે કે જે અસત્ છે તેનો કદાપિ ભાવ ન હોય શકે અને જે સત્ છે તેનો કદાપિ અભાવ ન હોઈ શકે. આપણે કેટલીક વાર અજ્ઞાનનાં પડળોનાં કારણે ભ્રમિત થઈ જતા હોઈએ છીએ પણ અસત્‌માં ભાવ શક્ય જ નથી. એટલે આગળ કહ્યું છે કે તત્ત્વજ્ઞાનીઓ આ બન્નેનો અંતિમ વિવેક કરી ચૂક્યા છે. અને પછી ૧૭માં શ્લોકમાં હજુ વધુ ફોડ પાડતા કહ્યું છે : अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततम् I विनाशमव्ययस्यास्य न कश्चित्क्रर्तुंमर्हति II એટલે કે જેણે આ જગત ફેલાવ્યું છે તે અવિનાશી છે. અવ્યયનો વિનાશ કરવા કોઈ સમર્થ નથી. બીજા શબ્દોમાં સત્ય કદી અસત્ય નથી થતું અને જે અસત્ય છે તેનું કદી સત્ય નથી બની શકતું. તત્ત્વજ્ઞાનનો આ અટલ સિદ્ધાંત છે. सत्यमेव जयते नानृतम् તો જાણીતું વાક્ય છે. સત્યનો જ વિજય થાય છે કારણ કે એ ટકી શકે છે અને અસત્ય લાંબો સમય ટકી શકતું નથી. આ જ અર્થમાં ૨૧મો શ્લોક પણ જોવો જોઈએ જેમાં કહ્યું છે; અજન્મા આત્માનો જન્મ નથી થતો, અમરનું મૃત્યુ નથી થતું, અવ્યયનો કોઈ પણ પ્રકારે વ્યય નથી થતો અને નિત્ય વસ્તુનો ક્યારે ય અભાવ નથી થતો.

બીજા અધ્યાયના આ ૨૦ શ્લોકમાં ભગવાને ફેરવી ફેરવીને અથવા ઘૂંટી ઘૂંટીને અર્જુનને સમજાવ્યું છે આ જગતમાં અમર શું છે અને નાશવંત શું છે. જ્ઞાની મનુષ્યે કોને પકડવું જોઈએ અને કોને છોડવું જોઈએ. ધીર પુરુષે કોનો શોક કરવો જોઈએ અને કોનો નહીં.

પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકરે ભગવદ્ ગીતા પરની તેમની પુરુષાર્થ બોધિની ટીકામાં આત્માના અમરત્વને સમજવામાં અત્યંત ઉપયોગી થનારા ૧૦ શબ્દો કે વાક્યો એ જ ૨૦ શ્લોકમાંથી જુદા તારવીને આપ્યા છે, જે મનન કરવા યોગ્ય છે.

૧. सर्वगत: (શ્લોક-૨૪) એટલે કે જે દરેક જગ્યાએ અને દરેક પદાર્થમાં છે.

૨. अचल: (શ્લોક-૨૪)આત્મા સર્વવ્યાપક હોવાથી સ્વાભાવિકપણે અચલ છે.

૩. नित्य: (શ્લોક-૧૮,૨૦,૨૧,૨૪,૨૫,૩૦) જે ત્રણે કાળમાં સમાન રહેનારો.

૪. शाश्वत: (શ્લોક-૨૦) જેનો આદી નથી કે અંત નથી. અનાદી.

૫. अज: (શ્લોક-૨૦,૨૧) નથી જન્મતો નથી ઉત્પન્ન થતો.

૬. अनाशी (શ્લોક-૧૮) अविनाशी (શ્લોક-૨૧), अव्यय: (શ્લોક-૨૧), नित्यं अवध्य: (શ્લોક-૩૦), अच्छेद्य (શ્લોક-૨૪) જેનો નાશ થતો નથી, જેનો વ્યય થતો નથી,

૭. पुराण: (શ્લોક- ૨૦) જે પુરાણો હોવા છતાં પણ નવા જેવો છે તે પુરાણ

૮. अदाह्य: अक्लेद्य: अशोच्य: (શ્લોક- ૨૪) જેને બાળી, પલાળી કે સુકવી શકાતો નથી.

૯. स्थाणु: (શ્લોક-૨૪) સ્થિર. નથી હલતો, નથી બદલતો

૧૦. अव्यक्त: अचिन्त्यः (શ્લોક-૨૪), अप्रमेय: (શ્લોક-૧૮) વ્યક્ત નથી, એનું ચિંતન થઈ શકતું નથી, એનું પરિણામ થઈ શકતું નથી.

યુદ્ધને તે વળી સભ્યતા, સંસ્કાર અને મર્યાદા સાથે સંબંધ હોય? ન હોય. પણ અહીં તો યુદ્ધના મેદાનમાં પણ વિવેકનું વિજ્ઞાન શીખવવામાં આવે. કારણ કે આ ભારત છે. એકમેવ ભારત.

29 મે 2019

સૌજન્ય :  ‘દૂધનું દૂધ, પાણીનું પાણી’ નામક લેખકની સાપ્તાહિક કટાર, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”, 02 જૂન 2019

Loading

પર્યાવરણની જાળવણીના સંદેશા આપનાર બે અમેરિકનો : અધિનાયક ચીફ સીએટલ અને અલગારી જૉની ઍપલસીડ

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|1 June 2019

ચીફ સીએટલના 07 જૂનના દિવસે મૃત્યુદિને એમને યાદ કરીએ; તેમ જ વાગોળીએ તેમણે જળ-જંગલ-જમીનની જાળવણી માટે રાષ્ટ્રપ્રમુખને લખેલો પત્ર

ઓગણીસમી સદીના અમેરિકામાં એકબીજાથી હજારો કિલોમીટર દૂર વસેલા બે સમકાલીનો ચીફ સીએટલ (1786-1866) અને જૉની ઍપલસીડ (1774-1845) પર્યાવરણ જાળવણીના સંદેશા માટે વિખ્યાત છે. ફરંદા પાદરી જૉન ચૅપમન હજારોની સંખ્યામાં ઍપલનાં ઝાડ વાવવાંના મિશનને કારણે ઍપલસીડ તરીકે ઓળખાયા. ચીફ સીએટલ અમેરિકાના મૂળ નિવાસી રેડ ઇન્ડિયનોની એક કોમના આદરપાત્ર વડા હતા. અમેરિકાનું સીએટલ શહેર તેમના નામે વસેલું છે. ગોરાઓની બનેલી અમેરિકાની સરકારે જ્યારે રેડ ઇન્ડિયનોની જમીન ખરીદવાની દરખાસ્ત કરી, ત્યારે સીએટલે અમેરિકાના ચૌદમા રાષ્ટ્રપ્રમુખ ફ્રૅન્કકલીન પીઅર્સ(1804-69)ને એક પત્ર લખ્યો. તેની વિશ્વસનિયતા અને તેના મૂળ શબ્દો અંગે પુષ્કળ ચર્ચા થઈ છે. પણ તેનો જે એકંદરે સ્વીકાર્ય પાઠ છે તેનો શબ્દેશબ્દ માણસ અને પ્રકૃતિના સંબધોની રીતે મહત્ત્વનો છે.

ડ્વૉમિશ કોમના ચીફ સીએટલ લખે છે : ‘તમે આકાશને ખરીદી શકો ખરા ?તમે હવા અને પાણીના માલિક બની શકો ? મારી માએ મને કહ્યું હતું કે આ જમીનનો એકએક કણ આપણા માટે પવિત્ર છે. પાઈનનાં ઝાડનું સોય જેવું પાંદડું ને વિશાળ રેતાળ દરિયાકાંઠો, ઘાસનું દરેક મેદાન અને ગણગણાટ કરતું જીવડું, બધાંને આપણે આપણાં વડવાઓની યાદ તરીકે પવિત્ર માનીએ છીએ.’ પિતા પાસેથી મેળવેલા નાયકપદનું ગૌરવ જાળવી રાખનારા સીએટલ લખે  છે: ‘મારા બાપુએ મને કહ્યું હતું કે ઝાડની ડાળીએ ડાળીમાંથી વહેતા રસને હું મારા પોતાનાં લોહી  કરતાં જુદો નથી ગણતો. આપણે આ ધરતીનો અંશ છીએ અને આ ધરતીમાં આપણો અંશ છે. સુગંધી ફૂલો આપણી બહેનો સમાં છે. આ રીંછ, હરણાં, ભવ્ય ગરુડ એ બધાં અમારા ભાઈઓ છે. પર્વતનાં ખડકાળ શિખરો, ઘાસિયાં મેદાન અને ઘોડા એ અમારાં પરિવારજનો છે.’ ‘ધ બિગ ગાય’ તરીકે ઓળખાતા કદાવર અને બહાદુર ચીફ આગળ લખે છે : ‘ અમારા પૂર્વજોના અવાજો મને કહે છે ઝરણાં અને નદીઓમાં ચળકતું સ્વચ્છ પાણી એ માત્ર પાણી નથી, પણ અમારા વડવાઓનું લોહી છે. એ ચોખ્ખાં પાણીમાં પડતાં પ્રતિબિંબ અમારાં લોકોનાં સંભારણાં વર્ણવે છે. પાણીનાં ખળખળાટમાં અમને અમારી વડદાદીનો અવાજ સંભળાય છે. નદીઓ પણ અમારી બહેનો છે, તે અમારી તરસ છીપાવે છે. એ નદીઓનાં પાણીમાં અમારી નાવડીઓ તરે છે અને નદીઓ અમારાં બાળકોને ધાન પૂરું પાડે છે. નદીઓ માટે તમારે બહેનો જેવું હેત રાખવું જોઈએ.’

સીએટલ સંભારે છે : ‘મારા દાદીએ કહ્યું હતું કે હવા અમૂલ્ય છે. એ તેના આત્માનો અંશ જ જાણે આપણી સાથે વહેંચે છે. આ હવા જ મને પહેલવહેલો શ્વાસ આપે છે અને એમાં જ મારા આખરી શ્વાસ ભળે છે. તમારે તમારી જમીન અને હવાને પવિત્ર રાખવાં જોઈએ, જેથી ખુલ્લાં મેદાનમાંથી આવતા સુગંધી વાયરા તમને આનંદ આપી શકે. જ્યારે આખરી રેડ ઇન્ડિયન સ્ત્રી અને  પુરુષ તેમ જ  તેમનો વગડો ખતમ થઈ જશે, અને તેમની યાદો માત્ર આ પ્રેઇરિના ઘઉંનાં મેદાનો પરથી પસાર થતાં વાદળ જેવી હશે, ત્યારે પણ આ કાંઠા અને આ જંગલો હશે ખરાં ? મારા રેડ ઇન્ડિયન લોકોની ચેતના ક્યાંક ધબકતી હશે ખરી ?’ સીએટલ આગળ લખે છે : ‘મારા પૂર્વજોએ મને કહેલું કે ‘અમે તો એટલું જાણીએ કે આ ધરતી આપણી નથી, આપણે આ ધરતીનાં છીએ ..’ મારી દાદીમાએ મને કહેલું, ‘તને જે કંઈ શીખવવામાં આવ્યું છે એ જ તું તારાં બાળકોને પણ શીખવજે. ધરતી આપણી મા છે ધરતીમાતાનું જે થશે તે એનાં બધાં દીકરા-દીકરીઓનું થશે.’

ચીફ સીએટલ ચેતવે છે : ‘તમારી એટલે કે ગોરા લોકોની કિસ્મત શું છે એ અમારા માટે રહસ્ય છે. બધી ભેંસોને કતલખાને મારી નાખશો ત્યારે શું થશે ? બધા જંગલી ઘોડાને હેળાવી દેશો ત્યારે શું થશે ? જંગલના પેલા ભેદી ખૂણેખૂણાને માણસની વાસ ફેલાઈ જશે ત્યારે શું થશે ? પ્રાચીન  ટેકરીઓ પર તમારાં બોલતાં વાયરોનાં ધબ્બા હશે. ગીચ ઝાડીઓ ક્યાં જશે ? ખલાસ થઈ જવાની. ગરુડો ક્યાં જશે ? ખલાસ થઈ જવાના. જીવવાનું પૂરું જશે અને માત્ર ટકી રહેવાનું શરૂ થશે.’ સીએટલની લાગણી છે : ‘અમે એક વાત બરાબર જાણીએ છીએ કે જેમ એક જ સરખું લોહી આપણને સહુને જોડે છે તેમ કુદરતમાં પણ બધી વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. જિંદગીનું જાળું આપણે વણેલું નથી, આપણે માત્ર એમાંનાં તાર છીએ. એ જાળા સાથે આપણે જે કંઈ કરીશું તે આપણે આપણી જિંદગી સાથે કરતાં હોઈશું. નવું જન્મેલું શિશુ જેમ એની માતાના હૃદયના ધબકારાને ચાહે તે રીતે આપણે આ ધરતીને ચાહીએ છીએ.’ સરકારની તાકાત જાણનારા મુત્સદ્દી નાયક સીએટલ આખરે લખે છે : ‘અમે અમારી જમીન તમને વેચીએ તો તમે એની એવી રીતે સંભાળ રાખજો કે જેવી અમે એની રાખી હતી. તમને એ મળે ત્યારે એની સાથે જોડાયેલી સાંભરણો અમે સાચવી છે તેવી તમે પણ સાચવી રાખજો. આ ધરતી, આ હવા અને આ નદીઓ અમે જે રીતે સાચવી છે તે રીતે તમે પણ સાચવજો, તમારાં સંતાનોનાં સંતાનો માટે !’

અમેરિકન સંસ્કૃતિનાં સંતાનો વર્ષોથી સફરજનનો જે આસવ પીએ છે તે ફળનાં ઝાડના પર્યાય બની ગયેલા જૉન ચૅપમન ઉર્ફે જૉની ઍપલસીડને કારણે. પૂર્વનાં મૅસેચ્યુસેટસમાં જન્મેલા ચૅપમનને તેના માહોલના કેટલાંક લોકોની જેમ પશ્ચિમ અમેરિકામાં જઈને મૂળ નિવાસી રેડ ઇન્ડિયનોની વચ્ચે જુદી જિંદગી જીવવાની ઇચ્છા હતી. જૉન લાંબી જોખમકારક મુસાફરી હથિયાર વિના પગપાળા કરતા. માથે ટોપીને બદલે હાથાવાળી તપેલી રાખતા અને પીઠ પરના કોથળામાં સફરજનના બી ભરેલો થેલો. વટેમાર્ગુઓને બી આપી વાવવાનું સમજાવતા. તે ખુદ કેટલાંક ગામોમાં રોકાઈને લોકોને સમજાવીને, સાથે લઈને ખુલ્લા મેદાનોમાં વાવેતર કરતાં, બે-ત્રણ વર્ષે ફરી એ ગામની મુલાકાત લેતા. ખુલ્લામાં સૂતાં, ગામનાં બાળકોને ભેગાં કરીને બાઇબલની વારતાઓ કહેતા. જંગલનાં પ્રાણીઓ સાથે દોસ્તી કરતા. મુસાફરીમાં તેમને મળતાં અનેક રેડ ઇન્ડિયન્સ યુરોપિયનોને દુ:શ્મન ગણતા કારણ કે ગોરાઓ તેમની જમીન અને આઝાદી છિનવતા. એનાથી ઊલટું, ઍપલસીડ તેમની જમીનને વધુ ઉપયોગી બનાવતા અને ગોરાઓ તેમ જ રેડ ઇન્ડિયન્સ વચ્ચે સદ્દભાવ સ્થાપવાની કોશિશ કરતા. રેડ ઇન્ડિયન્સમાં આદરપાત્ર પરિવ્રાજક જૉનીએ પેન્સિલ્વેનિયા, ઓન્ટારિયો, ઓહાયો, ઇન્ડિયાના અને ઇલિનૉઇસમાં સફરજનનાં વાવેતર કર્યાં. ઍપલસીડની યાદમાં અમેરિકામાં ઉદ્યાનો, સ્મારકો, સંગ્રહાલયો, ટપાલ ટિકિટ અને બેઝબૉલ ટીમ્સ છે. તેમનો સ્મૃતિદિન અને તેમના નામના ઉત્સવ છે. ઍપલસીડ પર બાળસાહિત્ય, પુસ્તકો અને સંશોધનો છે. તે વૉલ્ટ ડિસ્નેની ફિલ્મ,  ફિલિપ રૉથની નવલકથા ઉપરાંત અમેરિકન નાટકો, ગીતો, બૅન્ડ, ટેલિવિઝન સિરિયલ્સમાં છે. જૉની ઍપસીડ એક પ્રાર્થનાગીતમાં કહે છે :

ઓહ, ધ અર્થ ઇઝ ગુડ ટુ મી
ઍન્ડ સો આઇ થૅન્ક ધ અર્થ
ફૉર ગિવિન્ગ મી ધ થિન્ગ્સ ધૅટ આઇ નીડ
ધ સન ઍન્ડ ધ રેઇન ઍન્ડ ધ ઍપલ સીડ.  

********

13 મે 2019

[પ્રગટ : ‘ક્ષિતિજ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 01 જૂન માટે  2019]

Loading

...102030...2,8912,8922,8932,894...2,9002,9102,920...

Search by

Opinion

  • ‘મૌનથી શબ્દમાં કાણું પડશે’: આધુનિક કવિતાનો એક સજાગ સ્વર
  • ધોળું એટલું દૂધ નહીં, દૂધ અને તેની મિલાવટોની ગાથા
  • રેવા / તત્ત્વમસિ  
  • लोकतंत्र का एंकाउंटर हो रहा है  
  • બ્રેઇન ડ્રેઇન નહીં, બ્રેઇન લીઝઃ ભારતીય પ્રતિભા સર્જે છે, મૂલ્ય બીજા વસૂલે છે

Diaspora

  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ
  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ

Gandhiana

  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 
  • માનવતાવાદી ત્રિપુટીને સ્મરણાંજલિ 
  • ગાંધી ‘મોહન’માંથી ‘મહાત્મા’ બન્યા, અને આપણે?
  • ગાંધીહત્યાના પડઘા: ગોડસેથી ગોળવલકર સુધી …

Poetry

  • લૂંટ શકે તો લૂંટ
  • દરિયો
  • ગઝલ
  • ગઝલ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved