ગયા અઠવાડિયે લેખ પૂરો કરતાં પહેલાં સવાલ ઉઠાવ્યો હતો કે બંધારણ ઘડવાવાળાઓએ ફેડરલ ઇન્ડિયાને કેમ આટલી બધી મોકળાશ આપી? શું તેઓ ઓછા દેશપ્રેમી હતા?
ના એવું નહોતું. તેઓ આજના નેતાઓ કરતાં સવાયા દેશપ્રેમી હતા અને તેમનો ટૂંકો એજન્ડા નહોતો. તેઓ સંપૂર્ણપણે દેશહિતને વરેલા હતા. તેમને જાણ હતી કે દેશનું વિભાજન ન થાય એ માટે પ્રાદેશિક, ભાષાકીય અને સામાજિક અસ્મિતાઓને અંકુશમાં રાખવી જોઈએ અને તેમને એનું પણ ભાન હતું કે એક હદથી વધારે જો અસ્મિતાઓને દબાવવામાં આવે તો વિસ્ફોટ થવાનો સંભવ રહે છે. સર્વસમાવેશક રાષ્ટ્રીય અસ્મિતા અને નાની અસ્મિતાઓ વચ્ચે સંતુલન જળવાવું જોઈએ.
એટલે ભારત સત્તાવાર રીતે યુનિયન છે, પણ અમેરિકાની માફક રાજ્યોનું યુનિયન (યુનાઈટેડ સ્ટેટ્સ) નથી, પણ યુનિયન ઓફ ઇન્ડિયા છે. આ શબ્દ પ્રયોગ સમજવા જેવો છે. આપણે ક્યાં અમેરિકાથી અલગ પડીએ છીએ તેની સમજ પડશે. ભારત એક કેન્દ્રીય નથી અને અનેક કેન્દ્રી પણ નથી. કેન્દ્રને વધુ સત્તાઓ છે અને રાજ્યોને પણ તેની અબાધિત સત્તાઓ છે. ભારત જેવા પચરંગી દેશમાં સર્વસમાવેશક રાષ્ટ્રીય અસ્મિતા વિકસાવવી હોય તો જબરદસ્તી ન કરી શકાય. માટે વિવિધતામાં એકતા એ ભારતનો રાષ્ટ્રીય મંત્ર છે.
જેઓ બહુમતી કોમના ધર્મ સાથે રાષ્ટ્રીય ઓળખને જોડવા માગે છે તેમને પ્રાદેશિક, ભાષિક અને અન્ય સામાજિક ઓળખો ખૂંચે છે. વચ્ચે આવે છે. માટે વન નેશન વન ઈલેકશનની વાત કરવામાં આવે છે કે જેથી બીજી ઓળખો હિંદુ ઓળખને પાતળી ન પાડે અને આખા દેશમાં હિંદુ રાષ્ટ્રવાદના નામે મત મેળવી શકાય. એક વાર બે-તૃતીયાંશ બહુમતી મળી જાય તો બંધારણ પણ બદલી શકાય.
વડા પ્રધાન અને સંઘપરિવાર કોથળામાં છૂપાવેલો એજન્ડા બતાવતા નથી, પણ મૂળ એજન્ડા ઉપર કહ્યો એ છે. તેઓ તો કહે છે કે તેમનો ઈરાદો સમય, શક્તિ અને ધન બચાવાનો છે. વડા પ્રધાન સહિત શાસકોનો સમય અને શક્તિ ચૂંટણીપ્રચાર કરવામાં વેડફાય છે. જે એટલાં સમય અને શક્તિ બચે તો દેશહિતમાં કેટલાં બધાં કામ થાય. આ ઉપરાંત વરસોવરસ અલગ અલગ ચૂંટણી યોજાતી હોવાથી પૈસા વેડફાય છે. જો સાથે ચૂંટણી યોજાય તો પૈસા પણ બચી શકે. ઘણાં લોકો વન નેશન વન ઈલેકશન માટેની દલીલોના વરખને સાચો માની લે છે.
આ વરખ છે, માત્ર વરખ. હવે ઘડીભર આપણે વરખને સાચો માની પણ લઈએ તો પણ તેની સામે જડબાતોડ દલીલો થઈ શકે એમ છે. વડા પ્રધાન અને અન્ય શાસકોને એટલી બધી દેશહિતની ચિંતા છે અને તેમનાં સમય અને શક્તિ મૂલ્યવાન છે તો તેમણે રાજ્યોમાં પ્રચાર કરવા ન જવું જોઈએ. કોઈએ સોગન તો નથી આપ્યા. જવાહરલાલ નેહરુ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓમાં ભાગ્યે જ પ્રચાર કરવા જતા. આ ફેડરલ ઇન્ડિયા છે. ફેડરલ ઇન્ડિયામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર વડા પ્રધાન અને બીજા રાષ્ટ્રીય નેતાઓ કરે અને રાજ્યોની વિધાનસભાઓમાં પ્રચાર પ્રાદેશિક નેતાઓ કરે. જગતના બીજા લોકશાહી દેશોમાં પણ આમ જ કરવામાં આવે છે.
વાત એમ છે કે પ્રાદેશિક નેતાઓ મોટા સાબિત ન થાય, માથું ન કાઢે, પક્ષના વરિષ્ઠ નેતાઓને પૂછ્યા વિના સ્વાયત્ત વર્તન ન કરે એવા ઈરાદાથી ઇન્દિરા ગાંધીએ કૉન્ગ્રેસના પ્રાદેશિક નેતાઓને કદ પ્રમાણે વેતરી નાખ્યા હતા. ઈરાદો પોતાની આણ સ્થાપિત કરવાનો હતો અને બીજાની આણને ઝાંખી પાડવાનો હતો. ઇન્દિરા ગાંધી વિના કોઈ કૉન્ગ્રેસને ચૂંટણી જિતાડી ન શકે કે પછી ઇન્દિરા ગાંધીના નામે પથ્થરા પણ ચૂંટાઈ શકે એમ ત્યારે કહેવાતું હતું જેમ અત્યારે નરેન્દ્ર મોદી વિષે કહેવામાં આવે છે. પોતાની આણ કાયમ રહે અને કોઈ પ્રતિસ્પર્ધી પેદા ન થાય એ માટે ઇન્દિરા ગાંધીએ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પ્રચારનો ભાર પોતાના શિરે લીધો હતો. સવાલ એ છે કે શા માટે નરેન્દ્ર મોદી ઇન્દિરા ગાંધીને અનુસરે છે? તેમણે જવાહરલાલ નેહરુને અનુસરવા જોઈએ અને ફેડરલ ઇન્ડિયામાં રાજ્યોના નેતાઓને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી જિતાડવાની જવાબદારી સોંપવી જોઈએ. તેમને એટલું તો સમજાતું જ હશે કે ઇન્દિરા ગાંધીએ પોતાને સ્થાપીને સરવાળે કૉન્ગ્રેસને વિસ્થાપિત કરી દીધી છે. બી.જે.પી. સાથે પણ એક દિવસ આવું જ બનવાનું છે.
તો કોણે સોગંદ આપ્યા છે કે વડા પ્રધાન દિવસોના દિવસો સુધી દિલ્હીથી દૂર રહીને રાજ્યોમાં ચૂંટણીપ્રચાર કરે? જવાહરલાલ નેહરુ નહોતા કરતા, જગતના અન્ય લોકશાહી દેશોના વડા પ્રધાનો, પ્રમુખો કે ચાન્સેલર નથી કરતા તો પછી નરેન્દ્ર મોદી શા માટે કરે છે? અમેરિકામાં આપણાં કરતાં પણ વધુ ૫૦ રાજ્યો છે. આ ઉપરાંત સીનેટ અને કૉન્ગ્રેસની ચૂંટણીઓ થતી રહે છે. બારે માસ અમેરિકામાં ચૂંટણીઓ થતી રહે છે, પણ અમેરિકન પ્રમુખ કામધંધો છોડીને પ્રચારમાં સમય નથી વેડફતો. ટૂંકમાં વડા પ્રધાને રાજ્યોમાં પ્રચાર કરવા જવું પડે એ પોતાને ‘સર્વોચ્ચ નેતા’ તરીકે સ્થાપિત કરવાની વાસનાનું પરિણામ છે, બંધારણીય જરૂરિયાત નથી.
બીજી દલીલ છે ખર્ચાની. ટકોરાબંધ લોકતંત્ર વધારે અગત્યનું છે કે પૈસા? બીજું, ચૂંટણીકીય ખર્ચાઓ ઘટાડવા માટે ચૂંટણીપંચે, કાયદાપંચે, નિવૃત્ત ચૂંટણી આયુક્તોએ, બંધારણવિદોએ, નાગરિક સમાજે સેંકડો ભલામણો કરી છે. સંખ્યાબંધ અહેવાલો અને ભલામણો પડી છે. તેના વિષે ખાસ્સી ચર્ચા પણ થઈ છે. શા માટે સરકાર એ ભલામણોના આધારે ચૂંટણી સુધારા નથી કરતી? નાણાની આટલી બધી ચિંતા હોય તો ચૂંટણીઓ સોંઘી કરતાં તેમને રોકે છે કોણ? નરેન્દ્ર મોદી પહેલાનાં વડા પ્રધાનોએ પણ આના પર ધ્યાન નહોતું આપ્યું, કારણ કે ચૂંટણી સોંઘી થાય તો ખરીદી ન શકાય અને ડરાવી ન શકાય એવા સારા માણસો રાજકારણમાં પ્રવેશે અને તેનો તેમને ડર લાગે છે. આ ડર સાર્વત્રિક છે અને ડાબેરીઓને છોડીને કોઈ પક્ષ તેમાં અપવાદ નથી. વડા પ્રધાનને જો આટલી બધી ખર્ચની ચિંતા હોય તો ચૂંટણીકીય સુધારાઓ કરે.
અને છેલ્લે વન નેશન વન ઈલેકશનમાં અનેક બંધારણીય મુશ્કેલીઓ છે. બંધારણમાં અનેક મહત્ત્વપૂર્ણ સુધારાઓ કરવા પડે. ભારતીય રાજ્યનો ઢાંચો અને તેની સાથે સંઘરાજ્યનો પ્રાણ તાસકે ચડે. સ્થાનિક સ્વરાજ સંસ્થાથી લઈને લોકસભા સુધીનાં પ્રતિનિધિ ગૃહોની મુદ્દત પાંચ વરસની અફર કરવી પડે. એ પહેલાં સરકાર તૂટી પડે તો પણ ચૂંટણી ન યોજાય. મુદ્દતે ચૂંટણી ન યોજાય ત્યાં સુધી હંગામી ધોરણે કોઈ બીજું શાસન કરે. કેન્દ્રમાં તો રાષ્ટ્રપતિ શાસનની જોગવાઈ જ નથી. લોકસભાની મુદ્દત પાંચ વરસની અફર કરવી પડે. એની વચ્ચે સરકાર તૂટી પડે તો શું? વચગાળાના સમયમાં કોણ રાજ કરે? રાષ્ટ્રપતિ, નાયબ વડા પ્રધાન કે વચગાળાની ખાસ રચવામાં આવનારી રખેવાળ સરકાર?
આ બધા અટપટા બંધારણીય સવાલો છે. વડા પ્રધાન અને સંઘપરિવાર આ જાણે છે, પરંતુ તેમનો ટાર્ગેટ ફેડરલ અને સેક્યુલર ઇન્ડિયા છે. અત્યારે વરખથી કામ લેવામાં આવે છે અને એ વરખ ઉતારવાનું કામ આપણું છે.
27 જૂન 2019
સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 30 જૂન 2019