Opinion Magazine
Number of visits: 10,229,398
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક પત્રકાર અને એક એમ.એલ.એ.ની વાત

રાજ ગોસ્વામી|Opinion - Opinion|15 August 2019

TMCની તેજતર્રાર MP મહુઆ મોઇત્રા સાથે અલપ-ઝલપ …

સવાલ : એમએલએ અને હવે લોકસભા. કેવી તૈયારી છે?

મહુઆ : આવી તૈયારી તો જીવનમાં ક્યારે ય ન હતી. ૧૦ વર્ષ સંગઠનમાં જનરલ સેક્રેટરી તરીકે કામ કર્યું છે. પક્ષની રાષ્ટ્રીય પ્રવક્તા છું. ૪૦ વર્ષમાં એમ.એલ.એ. બનેલી પહેલી બિન-ડાબેરી ઉમેદવાર છું.

સવાલ : સોશ્યલ મીડિયા પર જાસૂસીના મુદ્દે તમે એકલા હાથે સરકાર સામે સુપ્રીમ કોર્ટમાં ત્રણ પિટિશન કરી છે.

મહુઆ : મારા આત્માને અનુસરીને, એક નાગરિક તરીકે આ પિટિશન કરી છે. સરકાર વ્યક્તિગત સ્વતંત્રતાને કિનારે કરીને ભારતને ઓરવેલિયન રાજ્યમાં ફેરવવા માંગે છે. તેની પાછળ મોટો દુષ્ટ માસ્ટરપ્લાન છે.

સવાલ : તમને વખતોવખત અંગત રીતે નિશાન બનાવવામાં આવે છે. કેવી રીતે સામનો કરો?

મહુઆ : હું નથી કરતી. મને એની પડી જ નથી. બાઇબલને ટાંકું તો, “ઈશ્વર તેમને માફ કરે, કારણ કે તેમને ખબર નથી કે તે શું કરી રહ્યા છે.”

સવાલ : આવા અંગત હુમલા પછી, એક સ્ત્રી તરીકે લડવું વધુ અઘરું લાગે?

મહુઆ : હું મારી જાતને રાજકારણી તરીકે જોઉં છું. મારી લડાઈની ક્ષમતા મારા જિગર પર નિર્ભર છે, મારા સ્ત્રી હોવા પર નહીં. (‘ધ ઇન્ડિયન એક્પ્રેસ’)

૪૪ વર્ષનાં મહુઆ મોઇત્રા, રાજકારણમાં જોડાતાં પહેલાં, અમેરિકન મલ્ટિનૅશનલ ઇન્વેસ્ટમૅન્ટ બૅંક, જે.પી. મૉર્ગનમાં, વાઇસ-પ્રેસિડેન્ટ હતાં. ૧૫ વર્ષની વયે પરિવાર સાથે અમેરિકા ગયાં હતાં અને ત્યાં માસાચ્યુસેટ્ટસમાં માઉન્ટ હોલિઓક કૉલેજમાં અર્થશાસ્ત્ર અને ગણિત ભણ્યાં હતાં. તે પછી તે ન્યુયૉર્ક અને લંડનમાં જે.પી. મૉર્ગનમાં જોડાયાં હતાં. ૨૦૦૯માં કૉંગ્રેસમાં જોડાવા માટે કૉર્પોરેટ કારકિર્દી છોડી હતી. થોડો વખત તેમણે યુથ કૉંગ્રેસમાં કામ કર્યું હતું. પણ લોકો વચ્ચે સંગઠનની હાજરી ન હોવાથી, મમતા બેનરજીની કૉંગ્રેસમાં જોડાયાં હતાં.

*  *  *

જેમને અંગ્રેજી પત્રકારત્વમાં રસ હોય, તેમને આ ગમશે.

લંડનમાં ‘ધ ઑબ્ઝર્વર’ નામનું રવિવારીય પેપર ૧૭૯૧થી પ્રગટ થાય છે. દુનિયાનું એ સૌથી જૂનું રવિવારીય પેપર છે. બીજું, ‘ધ સન્ડે ટાઇમ્સ’, બ્રિટનનું સૌથી વધુ વેચાતું રાષ્ટ્રીય પેપર છે, જે ૧૮૮૧માં શરૂ થયું હતું. એક સમયે, આ બંને પેપરની ઍડિટર-ઈન-ચીફ તરીકે મુંબઈ(ત્યારે બૉમ્બે)ની એક યહૂદી મહિલા હતાં. રેયલ બિયર નામની મહિલા, ૧૮૯૧માં ‘ધ ઑબ્ઝર્વર’ની (પહેલી મહિલા) એડિટર બની હતી. બે વર્ષ પછી તેણે ‘ટાઈમ્સ’ ખરીદ્યું હતું. આ એ વિક્ટોરિયન સમયની વાત છે, જેમાં મહિલાઓને મતદાન કરવાના, કોર્ટમાં જવાના અને સંપત્તિ રાખવાના અધિકાર ન હતા.

મુંબઈને તમે જાણતા હો, તો દક્ષિણ મુંબઈના કાલાઘોડા વિસ્તારમાં, જહાંગીર આર્ટ ગૅલેરીની સામે, ખૂબસૂરત જાજરમાન ડેવિડ સસ્સુન લાઇબ્રેરી છે. વેનિસની ગોથિક શૈલીથી બનેલી આ ઇમારત હેરિટેજ કાનૂનથી રક્ષિત છે. ડેવિડ સસ્સુન ઍન્ડ સન્સ નામની જહાજી કંપનીના માલિક, આલ્બર્ટ સસ્સુને, આ લાઇબ્રેરી બનાવી હતી. આલ્બર્ટ સસ્સુન એટલે બગદાદના યહૂદી વેપારી ડેવિડ સસ્સુનનો દીકરો, ઇરાકનો આ સસ્સુન પરિવાર ૧૯મી સદીમાં એશિયાનો સૌથી સમૃદ્ધ પરિવાર હતો. ડેવિડ સસ્સુને લાઇબ્રેરી માટે ૬૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા.

આ ડેવિડ સસ્સુનની એક દીકરી પણ હતી – રેચલ સસ્સુન. ૧૮૫૮માં તેનો જન્મ, ૧૮૮૭માં. લંડનના જર્મન વેપારી અને ‘ધ ઑબ્ઝર્વર’ના માલિક જુલિયસ બિયરના દીકરા ફ્રેડરિક બિયર સાથે રેચલનાં લગ્ન થયાં. લગ્ન પછી તે પેપરમાં લખતી હતી. તેનો પતિ રોગમાં પટકાયો, પછી તે પેપરની એડિટર બની. બે વર્ષ પછી ‘ધ ટાઇમ્સ’ ખરીદ્યું અને એની એડિટર બની. ૧૯૨૭માં (પતિ તરફથી મળેલા) સિપિલિસના રોગમાં તેનું અવસાન થયું.

(લેખકની ફેસબુક વૉલ પરથી સંપાદિત)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 ઑગસ્ટ 2019, પૃ. 11

Loading

પંદરમી ઓગસ્ટ, આઝાદી અને આપણે

ચંદુ મહેરિયા|Opinion - Opinion|14 August 2019

આવતીકાલની પંદરમી ઓગસ્ટ, દેશના એક ઓર આઝાદી દિન તરીકે ઉજવાશે. એ નિમિત્તે દેશભરમાં ઠેરઠેર ત્રિરંગો લહેરાવાશે, રાષ્ટ્રગીતની સૂરાવલીઓ વહેડાવાશે, દેશપ્રેમનાં ગીતો ગવાશે અને રાષ્ટ્રભક્તિના જ નહીં રાષ્ટ્રવાદના કોલ અપાશે.

૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ની મધરાતે ભારતે બ્રિટિશરોની ગુલામી ફગાવી હતી. દિલ્હીના લાલ કિલ્લે ત્રિરંગો રાષ્ટ્રધ્વજ લહેરાયો હતો અને ‘ઝંડા અજર અમર રહેજે, વધવધ આકાશે જાજે’ જેવાં ગીતડાં ગવાયાં હતાં. આપણાં દેશમાં આપણું રાજ આવ્યું એટલે સૌનાં દળદળ ફીટશે, સૌ સારાં વાનાં થશે એવી આશા-આકાંક્ષાઓ ન માત્ર સેવાઈ હતી, મુખર રીતે વ્યક્ત પણ થઈ હતી, પરંતુ આજે આઝાદીના સવા દાયકે પાછળ વળીને જોઈએ છીએ તો ઘણીબધી નિરાશા પણ દેખાય છે. ભારતની આઝાદી માટે અંગ્રેજોએ ‘ટ્રાન્સફ્ર ઓફ પાવર’ એટલે કે ‘સત્તાનો બદલો’ એ શબ્દ વાપર્યો હતો.આજે લાગે છે કે તે જ સાચું છે. દેશમાં પ્રવર્તતી અસમાનતા, ભેદભાવ, આભડછેટ, શોષણ, ઉત્પીડન અને એવું ઘણું ઘણું વેઠતાં વર્ગ માટે માત્ર ગોરાને બદલે કાળા શાસકો કે યુનિયન જેકને બદલે ત્રિરંગો જ આવ્યાં છે. એમના જીવનમાં ઝાઝો ફેર પડયો નથી એમ લાગે છે.

ગાંધી-નહેરુ-પટેલની સ્વરાજ ત્રિપુટીના વડેરા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ૧૫મી ઓગસ્ટના આઝાદી દિને તેનો જશન મનાવવા દિલ્હીના લાલ કિલ્લે નહોતા. સુદૂર કલકત્તે કોમી આગ ઠારતા હતા. ૧૪મી ઓગસ્ટ, ૧૯૪૭ની સાંજે તેમણે કલકત્તાની મારવાડી ક્લબની મુલાકાત લઈ કહ્યું હતું, “આપણે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થઈએ છીએ પણ હિંદુસ્તાનના ટુકડા થાય છે. એટલે (આઝાદી દિન) ખુશીનો તેમ જ ગમગીનીનો દિવસ છે”. તેના અઠવાડિયા પહેલાં પટણામાં એ વદેલા, “પંદરમી ઓગસ્ટ તો આપણી પરીક્ષાનો દિવસ છે. આ જે સ્વરાજ આવ્યું છે તે કાંઈ દીવાબત્તી કે રોશની કરી ઊજવવા જેવું નથી આવ્યું. આજની, અનાજ, કપડાં, ઘી, તેલ વગેરેની તંગીમાં ઉત્સવ શો ઊજવવો.” ગાંધીજી માત્ર આવું કહીને ન અટક્યા અમલ પણ કર્યો. સ્વરાજ મળ્યું પણ દેશના ભારત-પાકિસ્તાન એમ બે ભાગલા પડયા. ભાગલા અને ભાગલા પછીના રક્તપાતના દુઃખે દુઃખી ગાંધીજીએ ૧૫મી ઓગસ્ટે ઉપવાસ કર્યો હતો! દેશ આખો આઝાદીનો ઉત્સવ મનાવતો હતો ત્યારે ‘બિના ખડગ બિના ઢાલ’ આઝાદી અપાવનાર ગાંધીજી ઉપવાસ કરતા હતા.

૧૯૪૭ અને ૨૦૧૯ની ઓગસ્ટની પંદરમી વચ્ચે દેશ ઘણો બદલાયો છે. ઘણાં પરિવર્તનો આવ્યાં છે. શિક્ષણ વધ્યું છે, ગરીબીના આંકડા ઘટયા છે. અનાજમાં સ્વાવલંબન આવ્યું છે. દીકરીઓ ભણતી જ નથી, નોકરીઓ પણ કરે છે. દર ચૂંટણીએ લોકશાહી વધુ પુખ્ત થઈ છે. આ વરસે જ સત્તરમી લોકસભાની ચૂંટણી થઈ. ભારતીય જનતા પક્ષની સત્તાવાપસી વધુ બેઠકો સાથે થઈ છે. ૧૭મી લોકસભાના પ્રથમ સત્રમાં જે સંસદીય કાર્ય થયું છે તે વીત્યા ઘણાં દાયકા પછીનું મોટું કાર્ય છે, પરંતુ નવી લોકસભાના સભ્યોએ સોગંદ લેતી વખતે જે નારાબાજી કરી તે સંસદને ધર્મસંસદ કહેવી પડે તેવી હતી. સંસદનું બાકીનું સત્ર ભલે શાંતિ અને સરળતાથી ચાલ્યું પણ સોગંદવિધિ ટાણાના જય શ્રી રામ, વંદેમાતરમ્ કે અલ્લાહ હો અકબરના નારા એ કંઈ વિવિધતામાં એકતા નહોતા દર્શાવતા કે તેમાં કોઈ કોમી એખલાસ પણ નહોતો, તેમાં સબળાઈ કે ચડિયાતાપણું બતાવવાના પ્રયાસો હતા. દબાવીશું અને નહીં દબાઈએ, ડરાવીશું અને નહીં ડરીએનો એ સંદેશ હતો.

જે સંસદમાં જોવા મળ્યું તે સડક પર સમાજમાં પણ જોવા મળે છે. ટોળાં દ્વારા હિંસા અને અસહિષ્ણુતાની ઘટનાઓ, સ્ત્રીઓ, ખાસ કરીને બાળકીઓ અને કિશોરીઓના યૌનશોષણમાં વધારો, અર્થતંત્રમાં મંદીની વાતો અને બેરોજગારી, દલિતો-આદિવાસીઓ પરના જઘન્ય અત્યાચારો, ગુણવત્તાહીન સરકારી શિક્ષણ અને ધંધાદારી ખાનગી શિક્ષણની હાટડીઓ, આરોગ્યના નામે પ્રવર્તતું અનારોગ્ય, ર્ધાિમક ઉન્માદ અને સૌ કોઈની અનામત વર્ગમાં સામેલ થઈ જવાની દોડ – આ સઘળું દર્શાવે છે કે દેશ માટે આ લક્ષણો સારાં નથી. ઉન્નાવ અને સોનભદ્રની તાજેતરની ઘટનાઓ અને ઉન્નાવ મુદ્દે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછીની સ્થિતિ પણ આઝાદી કોના માટે છે તેવો સવાલ કરે છે. બળુકા અત્યાચારીઓને કથિત સત્તાની ઓથ અને માલ્યા જેવાની વિદેશમાં મોજ પણ લોકશાહી માટે ચિંતાનો વિષય છે.

ભારતીય જનતા પક્ષે લોકસભાની ૩૦૩ બેઠકો મેળવીને કેન્દ્રમાં સત્તા જાળવી રાખી છે. વડાપ્રધાને સંસદના આરંભે વિપક્ષે તેની સંખ્યાની ચિંતા કરવા જેવું નથી તેનાં સૂચનો લોકશાહીમાં જરૂરી છે તેમ કહીને સત્તાપક્ષ માટે જ નહીં લોકતંત્ર માટે વિપક્ષનું શું મહત્ત્વ છે તે ચીંધ્યું હતું, પરંતુ સત્તાભૂખ્યા ચૂંટાયેલા વિપક્ષી સભ્યો અને તેને આવકારવા સદા તત્પર સત્તાપક્ષોને જોતાં ગોવા, કર્ણાટક, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, બંગાળ જ નહીં રાજ્યસભાના પક્ષપલટા – તંદુરસ્ત લોકશાહીની નિશાની નથી. નરી સત્તાલાલસા અને સત્તાપરસ્તીમાં મસ્ત જનપ્રતિનિધિઓના આ હાલ વચ્ચે વિધાનગૃહોમાં ચર્ચાનું નિમ્ન સ્તર અને બંધારણીય સંસ્થાઓનું પતન આઝાદી દિને નહીં તો ક્યારે વિચારવા મજબૂર કરશે?

લાલ કિલ્લાની રાંગેથી આઝાદી દિને અપાનારા વડાપ્રધાનના રાષ્ટ્રજોગ સંદેશમાં ન માત્ર એમના, પ્રત્યેક દેશવાસીના મનની વાત હશે. સૌના સાથ અને સૌના વિકાસમાં હવે વડાપ્રધાને સૌનો વિશ્વાસ શબ્દ ઉમેર્યો છે. તેમની સરકાર ગરીબ વંચિત તરફી હોવાની વાત તેમણે વારંવાર સ્પષ્ટ કરી જ છે. ‘મારા સ્વપ્નનું સ્વરાજ તો ગરીબનું સ્વરાજ છે. સ્વરાજમાં જ્યાં સુધી ગરીબ વર્ગને તેની સુવિધાઓની ખાતરી ન મળે ત્યાં સુધી તે પૂર્ણ સ્વરાજ નહીં હોય.’ તેવું ગાંધીજીએ કહ્યું હતું. ગાંધીજીના સ્વપ્નના સ્વરાજને ઢુંકડું લાવવાના પ્રયાસ જ ગરીબોને સ્વરાજનો શાતાદાયી સ્પર્શ કરાવી શકશે. ગરીબો માટે આઝાદી અને ત્રિરંગો એટલે સ્વમાનભેર, સ્વતંત્રતા સાથે મળતાં રોટી, કપડાં અને મકાન. આવી આઝાદી જે દિવસે જનજન સુધી પહોંચશે તે દિવસે ઓગસ્ટની પંદરમી રોજરોજ અને ઘેરઘેર હશે.

e.mail : maheriyachandu@gmail.com

પ્રગટ : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 14 ઑગસ્ટ 2019

Loading

સંસદે 44 મજૂર કાયદાઓનો ડૂચ્ચો કરી નવી શ્રમ સંહિતા મંજૂર કરી !

મનીષી જાની|Opinion - Opinion|14 August 2019

માનવજાતે હજારો વર્ષથી કેટકેટલા સંઘર્ષો કરીને, વેઠીને સભ્યસમાજનું સર્જન કર્યું છે. એક જમાનામાં માણસ વસ્તુઓની જેમ માણસ દ્વારા જ વેચાતો, પ્રાણીની જેમ સાંકળે બાંધી પીંજરામાં એને માણસ ઉર્ફે માલિક પૂરતો !

આજે આ બધું અસભ્ય ગણાય, જંગલી પ્રથા રૂપ ગણાય.

માણસના બહેતર જીવન જીવવા માટે લાખો લોકોએ સપનાં સેવ્યાં અને સપનાં સાકાર કરવા બલિદાનો પણ આપ્યાં.

આજથી બરાબર બસ્સો વર્ષ પૂર્વે ઠેઠ 1817માં મજૂર અધિકારો માટે ઝઝૂમનારા રોબર્ટ ઑવન નામના યુરોપિયન કર્મશીલે સૂત્ર કંડાર્યુ હતું ને લોકોમાં ગૂંજતું કર્યું હતું કે 'આઠ કલાક મજૂરી, આઠ કલાક મનગમતાં કામ ને આઠ કલાક આરામ ..'

દિવસના ચોવીસ કલાકને ત્રણ સરખા ભાગે વહેંચવાનું આ સપનું યુરોપમાં નહીં પરંતુ દાયકાઓ પછી અમેરિકામાં ફરીથી શ્રમજીવીઓમાં ગુંજતું થયું અને છેવટે 1937માં અમેરિકામાં મજૂરો માટે અઠવાડિયાના 40 કલાક શ્રમકાર્યનો કાયદો બન્યો. અને ધીરે ધીરે આખી દુનિયાના મોટા ભાગના દેશોમાં આ આઠ કલાક શ્રમકાર્યનો કાયદો વીસમી સદીમાં સ્વીકારાયો.

પણ ઘડિયાળના કાંટા ઊંધા ફરે એમ જ્યાં બજારની બોલબાલા વધી છે, સંપત્તિ – નાણાંનું સામ્રાજ્ય નવી ટેકનોલોજીના ટેકે વધ્યું છે ત્યાં હવે રોજના આઠ કલાક મજૂરી-કામને બદલે દસથી બાર કલાકની મજૂરી હવે સામાન્ય બનતી ચાલી છે અને ખાસ કરીને કમ્પ્યુટર-ઈન્ટરનેટ -સેલફોન આધારિત કામગીરીમાં હવે તો કંપનીઓ; વ્યવસ્થાતંત્રો ને ઓફિસોની જગાઓ બચાવવાનાં ભાગ રૂપે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચાઓ મર્યાદિત કરીને ટેકનોલોજી આધારિત કામ કરતાં તેમનાં કર્મચારીઓ પોતાના ઘરે બેસીને જ કામ કરે તેવું રાખે છે. યાને કિ પાલતુ કૂતરાના ગળે પટ્ટો બંધાય એમ કંપની માલિકો તેમની કંપનીના કર્મચારીઓ – કારીગરોને ચોવીસે કલાક કમ્પ્યુટર કે મોબાઇલ એટલે કે ઈન્ટરનેટના પટ્ટે બાંધી રાખે છે.

પણ આપણા જેવા ગરીબ દેશોમાં જ્યાં ટેકનોલોજી એટલાં મોટાં પ્રમાણમાં વીકસી નથી ત્યાં ય હવે શ્રમનું જે મહત્ત્વ હતું, સન્માન હતું તે જમીન, સંપત્તિ અને નાણાંના મુકાબલે દિવસે ને દિવસે ઘટતું રહ્યું છે તે ચિંતાનો વિષય છે.

આપણે ત્યાં આઝાદી આંદોલન દરમિયાન પણ વણાટ – કાંતણકામ જેવા શ્રમકાર્યને પ્રતીકરૂપે બનાવી ગાંધીજીએ વેઠપ્રથામાં સબડતા આદિવાસીઓ હોય કે દલિતો કે ખેતમજૂરો કે કિસાનો, તેમનાં દુઃખદર્દને વાચા આપી તેમની કષ્ટમુક્તિ માટેના આંદોલનોને પ્રેરણા આપનાર તો રહ્યા જ.

અને બીજી બાજુ રશિયન ક્રાંતિ ગઈ સદીમાં દુનિયાભરમાં શ્રમશક્તિ અને ખાસ કરીને સંગઠિત શક્તિનો મિજાજ ઊભો કરવામાં પ્રેરણારૂપ બની. સાથે સાથે ટ્રેડ યુનિયન પ્રવૃત્તિઓ પણ અન્ય દેશોની જેમ વિકસતી રહી.

આ બધી જ પ્રવૃત્તિઓ પર છેલ્લાં પચીસ વર્ષમાં ધીરે ધીરે બજાર કંટ્રોલ કરતું થઈ ગયું છે અને મજૂરોએ પોતાના અધિકારો માટે સંઘર્ષોથી ઊભા કરેલા કાયદાઓ પર જાણે કે સત્તાઓ દ્વારા પાણી ફેરવાઈ રહ્યું હોય એવો માહોલ ઊભો થઈ રહ્યો છે.

ગઈ સદીમાં શ્રમજીવીઓની તાકાતનો જે મિજાજ ઊભો થતો રહ્યો દેખાતો હતો તેની તો હવે કલ્પના પણ આ નવી સદીના બીજા દાયકામાં કરવી મુશ્કેલ બની ચૂકી છે.

મુંબઈની મજૂર પ્રવૃત્તિને યાદ કરીએ તો 1938ની 7મી નવેમ્બરે બાબાસાહેબ આંબેડકર જેમણે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી ઊભી કરી હતી અને ડાંગે જેવા ડાબેરી નેતાઓએ સહિયારી લડાઈ 'હડતાળ એ મજૂરોનો હક્ક છે' એ મુદ્દે કારખાને-કારખાને સભાઓ અને વિશાળ રેલી કાઢી હતી ને સત્તાને પડકારી હતી. તે દિવસે પોલીસ સાથેના સંઘર્ષમાં મૃત્યુ પામ્યા હતા.

એ વખતે મુંબઈ પ્રાંતીય સરકારમાં કૉન્ગ્રેસનો દબદબો હતો અને કૉન્ગ્રેસ દ્વારા જ ઔદ્યોગિક વિવાદ બીલ વિધાનસભામાં મૂકાયું હતું જેમાં હડતાળ પર પ્રતિબંધ મૂકતો કાયદો બનવા જઈ રહ્યો હતો.

બાબાસાહેબ આંબેડકરે તેનો વિરોધ કરતા, રેલી કાઢતા જણાવ્યું હતું કે 'હડતાળ એ તો મજૂરોનો મૂળભૂત હક્ક છે, જો હડતાળનો હક્ક જતો રહે તો મજૂર વેઠિયો – બંધવા મજદૂર – બોન્ડેડ લેબર માત્ર બની રહે ..'

અને એ પછી તો આઝાદ દેશમાં જે મજૂર કાયદાઓ બન્યા તેમાં બોન્ડેડ લેબર, કોન્ટ્રાક્ટ પ્રથા, બાળમજૂરી, મજૂરીના કલાક, બોનસ, લઘુત્તમ વેતન અને સલામતી અંગેના અનેકાનેક કાયદાઓ ઘડાયા.

પણ સૌથી દુઃખદ વાત એ છે કે 2002માં, વાજપેયીજીના શાસન સમયમાં જે રાષ્ટ્રીય શ્રમ આયોગની ભલામણો પર આધારિત બીલ સંસદમાં રજૂ થવાનું હતું તેનો ભારે વિરોધ થતાં તે પડતું મૂકાયું હતું પરંતુ એ જ મુદ્દાઓને સાંકળી લઈ સંસદના તાજેતરના સત્રમાં તે બીલ સરકારે પાસ કરાવી લીધું.

સંસદના આ ઐતિહાસિક ગણાતા સત્રમાં 30 જેટલા બીલ સરકારે ફટાફટ મંજૂર કરાવ્યા તેમાં આ 44 જૂના મજૂર કાયદાઓ નાબૂદ કરી, નવા ચાર લેબર કૉડ એટલે કે શ્રમ સંહિતાઓ ઘડવામાં આવી. અને તેમાંથી બે, વેજ કૉડ બીલ અને કોમર્શિયલ સેફ્ટી બીલ આ મહિનાની શરૂઆતમાં જ રાજ્યસભામાં 55 વિરુદ્ધ 8 મતે પસાર કરાવી લેવાયું. દેશના 50 કરોડ લોકોને સ્પર્શતા આ બીલોની ચર્ચા કરવામાં સંસદસભ્યોને ખાસ રસ પડ્યો નહીં તે તેમની આ અંગેની ચર્ચામાં હાજરી જ દર્શાવે છે.

આ બે શ્રમ સંહિતાઓને સંસદમાં રજૂ કરતાં સરકાર દ્વારા કહેવાયું કે જૂના સમયના અટપટા મજૂર કાયદાઓનું સરલીકરણ કરીને હવે 4 લેબર કૉડ – શ્રમ સંહિતાઓ બનાવી દેવાઈ છે જે દેશના પચાસ કરોડ શ્રમજીવીઓના જીવનને ઉપકારક બની રહેશે.

પણ ટ્રેડ યુનિયન નેતાઓ, શ્રમજીવીઓના અધિકાર માટે લડતા કર્મશીલોના મત પ્રમાણે તો આ નવી શ્રમ સંહિતાઓ મજૂરોના હિતમાં નહીં, પરંતુ માલિકોના હિતમાં બનાવવામાં આવી હોય એવું લાગે છે.

વેજ કૉડ પ્રમાણે હવે કેન્દ્રીય કક્ષાએ લઘુત્તમ વેતન નક્કી થશે, પરંતુ આ લઘુતમ વેતન નક્કી કરવાના માપદંડ વિશે કોઈ સ્પષ્ટતા નથી. દુનિયાભરના દેશોમાં લઘુતમ વેતન રોજ નિશ્ચિત કરવા માટે જુદા જુદા માપદંડો પ્રવર્તે છે જેમાં ખોરાક, પોષણ, સ્વાસ્થ્ય, શિક્ષણ, ઘર ભાડાં, વાહન ભાડાં જેવાં પરિવારના ખર્ચાઓને ગણતરીમાં લેવાય છે.

સ્ત્રી-પુરુષ કામદારોને સમાન વેતનની જોગવાઈ આ બીલમાં કરવામાં આવી છે તે આવકારદાયક છે.

આ નવી મજૂર સંહિતામાં વિવાદાસ્પદ વાત એ છે કે જ્યાં દસથી ઓછા કામદારો હશે ત્યાં કોઈ મજૂર કાયદા લાગશે નહીં. એટલે કે અસંગઠિત ક્ષેત્રમાં, આઉટ સોર્સ-કોન્ટ્રાક્ટ કામોમાં, ઘરમાં બેસીને થતાં કામોમાં અર્થાત્‌ દેશના 90% જેટલા કામદારોને આ કાયદા લાગુ પડશે નહીં.

વિશેષમાં આ નવી સંહિતા મુજબ, લેબર ઇન્સ્પેક્ટર માલિકોના સહયોગમાં કામ કરશે. એટલે કે કોઈની ફરિયાદ લઇને ફેક્ટરીની તપાસ નહીં થાય પણ કમ્પ્યુટર પર જોઈ પસંદ થયેલા કારખાનાઓની તપાસ થશે. પોલીસની જેમ છાપો પાડી યા માલિક પર કેસ નહીં કરાય પરંતુ સમજાવટથી અને માલિકની મંજૂરીથી કાર્યવાહી થશે. અને માલિકોને જેલમાં મોકલવાના તમામ પ્રાવધાનો બાજુએ મૂકી મજૂર ખાતાની સમજુતીની પ્રક્રિયા અને ન્યાયાલયની વચ્ચે એક બોર્ડ પણ ઊભું કરાશે.

બીજો ગંભીર મુદ્દો છે મજૂર સલામતીની બાબતે કોન્ટ્રાક્ટરની જવાબદારી છેવટની ગણાશે. અત્યારના કાયદાઓ પ્રમાણે છેવટની મુખ્ય જવાબદારી મૂળ ફેક્ટરી માલિકની ગણાય. આ ફેરફારને લઈ ફેક્ટરી માલિકો અને કોન્ટ્રાક્ટથી કામ આપનારા સરકારી તંત્રો પણ પોતાની જવાબદારીઓમાંથી છટકી જશે. મજૂરના મૃત્યુ કે ગંભીર અકસ્માતમાં ફેક્ટરી માલિકો જવાબદાર નહીં ગણાય જેને લઈ મજૂરને તેના હક્ક મળવામાં ઘણા ગૂંચવાડા ઊભા થશે. કોન્ટ્રાક્ટ કામો માટે લાઇસન્સ પદ્ધતિ લાવવાની વાત છે પણ તે અંગે સ્પષ્ટતા નથી.

વળી કોન્ટ્રાક્ટ પ્રથાને કારણે ફેક્ટરીના મજૂરીના નિશ્ચિત કલાકોની વાત જતી જ રહેશે ને ? કેટલા કલાક મજૂરી કરાવવી તે કોણ નક્કી કરશે ? કોન્ટ્રાક્ટર કે માલિક? અને ખાસ તો 'ઓવર ટાઈમ'નો નિયમ બનાવી તેને સ્વીકૃતિ અપાતાં આઠ કલાક કામનો સભ્ય સમાજનો આદર્શ રહેશે જ નહીં. આ ઉપરાંત એડવાન્સ નાણાં આપી મજૂરી કરાવવી એ ગુનારૂપ કાયદાની નાબૂદીથી વેઠપ્રથા – બોન્ડેડ લેબરની જેમ કામ કરાવવાની મજબૂરી મજૂરની બની રહેશે.

અને સૌથી જોખમરૂપ વાત એ એપ્રેન્ટીસશીપનો મજૂરની વ્યાખ્યામાં સમાવેશ નહીં થાય. વાસ્તવિકતા એવી છે કે અત્યારે ઓછા પગારથી રખાતાં એપ્રેન્ટીસ પાસેથી પૂરા ટાઈમના મજૂર જેટલું જ કામ લેવાતું હોય છે. હવે એપ્રેન્ટીસને જ મજૂરની વ્યાખ્યામાંથી બાદબાકી કરાતા તેને મજૂર તરીકેનો કોઈ હક્ક, લાભ, કલ્યાણકારી યોજનાનો લાભ નહીં મળી શકે.

કોન્ટ્રાક્ટ પ્રથાને પ્રોત્સાહન આપતા આ નવા મજૂર કાયદાઓને લઈ સુપ્રીમ કોર્ટે જે 'સમાન કામ માટે સમાન વેતન'નો ચુકાદો આપેલો છે તે અર્થહીન બની જશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા ટ્રેડ યુનિયને પણ તે મુદ્દે સરકાર સામે વિરોધ દર્શાવેલો છે.

અને જ્યારે આ શ્રમ સંહિતાઓ વિશે રાજ્યસભામાં ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે એ જ સંસદમાર્ગ પર દેશભરના ટ્રેડ યુનિયનોના આગેવાનોને હજારોની સંખ્યામાં ઊમટી પડેલા મજૂરો આ નવા કાયદાઓનો વિરોધ કરી રહ્યા હતા.

જો કે સંસદમાં તો વિરોધપક્ષો પણ જાણે કે આ નવા મજૂર કાયદાઓનું સમર્થન કરતા હોય એવું જણાયું. મજૂરોનો અવાજ સંસદમાં બેઠેલા, તેમના જ મતથી ચૂંટાઈને ગયેલા જનપ્રતિનિધિઓ ના સાંભળતા હોય એ પણ આજના સમયની નોંધપાત્ર વાત છે.

સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 14 ઓગસ્ટ 2019

Loading

...102030...2,8882,8892,8902,891...2,9002,9102,920...

Search by

Opinion

  • બજેટ પૂરતું હોવા છતાં, શિક્ષકોની ભરતી થતી નથી …
  • ખટારાવાળો 
  • ભારતીય ચૂંટણી પંચને અત્યારે ટી.એન. શેષનની તાતી જરૂર છે 
  • મતદાર શાસકને ચૂંટે કે શાસક મતદારને ?
  • કરસનદાસ માણેક : કવિતાની ભક્તિ, ભક્તિની કવિતા  

Diaspora

  • 55 Million Speakers, 84 Editors: The Challenge Facing Gujarati in the Age of AI  
  • ગુજરાતી સાહિત્ય અને અનુવાદ – દશા અને દિશા
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા

Gandhiana

  • ગાંધીજીનો ઘરડો દોસ્ત
  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved