એ તો નક્કી જ હતું કે કોઈ અવળમતિ ને અદકપાંસળા યુવક કૉંગ્રેસીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘ચા-વાળા’ પૂર્વરંગને ટિ્વટમુદ્દો બનાવ્યો તે સાથે ભાજપને સોનેરી સ્પિન અવસર મળી રહેશે : ૨૬ નવેમ્બરનો બંધારણ દિવસ કે રાષ્ટ્રીય કાયદા દિવસ ગુજરાતના ચૂંટણી માહોલમાં ‘ચાય પે ચર્ચા’માં કોલાહલભેર ડૂબી ગયો. અહીં આ મુદ્દે નમો પર કોઈ ટિપ્પણી કરવાનો આશય અલબત્ત નથી, કેમ કે નમોનો ઉદય જેમ એમના પેચપવિત્રા કૌશલની દ્યોતક બીના છે તેમ એમના ઉદયમાં દેશની લોકશાહી ગુંજાશ પણ જોઈ શકાય છે. સ્વરાજની સિત્તરીએ (જેમાં, ઇતિહાસવસ્તુ તરીકે કૉંગ્રેસના શાસને સિંહભાગ રોક્યો છે) એક એવી ભોંય જરૂર કેળવી છે જેમાં આ પ્રકારનો વિકાસઆલેખ શક્ય બની શકે છે.
સ્વરાજ આગમચ ખાસાં બારતેર વરસ પૂર્વે કૉંગ્રેસના સભ્ય મટી ગયેલા ગાંધીએ એટલું નૈતિક અને રાજનૈતિક દબાણ સતત બનાવી રાખ્યું હતું કે આમ આદમી આપણા વિમર્શમાં રહે. આ જ સ્વરાજપરંપરામાં નેહરુપટેલ હસ્તક જેમ દેશના ઔદ્યોગિકીકરણ પાયો નખાયો તેમ સામાન્ય જનલક્ષી ઉપક્રમો પણ હાથ ધરાતા રહ્યા. નેહરુના ઉત્તરકાળમાં અને તે પછીનાં પાંચસાત વરસમાં, આ ઉપક્રમો અને ઔદ્યોગિકીકરણની મર્યાદા રામ મનોહર લોહિયાએ દેશજનતાની ગરીબીના વાસ્તવદર્શનથી તો ઇંદિરા ગાંધીએ ‘ગરીબી હટાવો’ના રાજકારણથી પોતપોતાની રીતેભાતે ઉજાગર કરી આપી હતી.
આગળ ચાલતાં દેશના સામાજિક વાસ્તવનું લોહિયાનું આકલન દેશમાં મંડલ બળોના ઉદય ભણી લઈ ગયું તો ઇંદિરાઈ રાજકારણની મર્યાદા કટોકટીરાજ સાથે બહાર આવી : લોહિયાની સમાજવાસ્તવની સમજ અને ઇંદિરાની રાજકીય શૈલી, બેઉના લાભાર્થીઓમાં હાલ તો મોદી મોખરે છે. ગુજરાતમાં ગાદીએ આવતા વેંત એમણે જાતદેખરેખ નીચે પ્રસારિત બાયોડેટામાં પોતાની મંડલ ઓળખ અધોરેખિતપણે ઉપસાવી હતી – અને એમાં, પછીથી, ‘ચા-વાળા’ની વાર્તાત્મક મેળવણી ખાસી ઉપયોગી બની રહી એ હવે જુદેસર કહેવાનું રહેતું નથી. આજે ગુજરાતમાં ભાજપ જે પડકારમાંથી પસાર થઈ રહ્યો છે એ મોદીના મંડલમંદિર જોડાણમાં જુવારાની સંભાવનાને કારણે છે તે કહેવા માટે કોઈએ પંડિત હોવું જરૂરી નથી.
સમગ્ર ચિત્ર આપણા ખયાલમાં રહે તે માટે આ વિગતો આપ્યા પછી અને છતાં જે દોહરાવવાનું રહે છે તે એ છે કે કોઈને એની જાત બતાવવાનું અને એ પ્રક્રિયામાં ખુદ જાત પર જવાનું રાજકારણ ઇષ્ટ નથી. ગાંધીની હિંદ-સ્વરાજ પૃષ્ઠભૂ કે લોહિયાની સપ્તક્રાન્તિ પૃષ્ઠભૂ અગર જયપ્રકાશની સંપૂર્ણ ક્રાન્તિ પૃષ્ઠભૂ અને સર્વોદયી પિછવાઈ આપણી સામાજિક ઊંચનીચની વાસ્તવિકતા વચ્ચે નવાં પ્રવેશતાં બળોને સારુ સોઈ કરી આપવા સાથે આ બળોના ઓળખના રાજકારણને એક વ્યાપક ચિત્રના ભાગરૂપે મૂકી આપવાની ગુંજાશ ધરાવતી હતી. એટલે ઓળખનો અતિ-ડંખ નાગરિક પોતને છેક જ પિંખાવા દે એવું બનતું નહીં તેમ જ એક સર્જનાત્મક તનાવવશ નવાં બળોનો સમાસ શક્ય બનતો રહેતો. જો વ્યાપક ચિત્રની રગ ન રહે તો શું થાય એ નવનિર્માણ-ખ્યાત ગુજરાતમાં અનામત વિરોધના ઉત્પાતરૂપે આપણે જોયું હતું. આજે હાર્દિક પટેલ સાથે સમાધાનની ફોર્મ્યુલા સુધી પહોંચવામાં જે શક્યતા ઊભી થઈ છે તે ૧૯૮૧-૮૫ના ગાળામાં ઉત્પાત અને ઉદ્રેક પછી પથસંસ્કરણની દિશામાં એક વર્તુળ પૂરું કરવાની રીતે જોવા જેવી છે. એક રીતે હિંદુત્વ પ્રોજેક્ટની અવધ પૂરી થઈ શકે અને એણે આલાપવા માંડેલ ‘વિકાસ’ને નવેસર પરિભાષિત કરવો પડે એવો આ સંજોગ છે.
ભાજપ શ્રેષ્ઠીઓને આ કેટલું સમજાય છે તે આપણે અલબત્ત જોવું રહે છે. હિંદુત્વ રાજકારણની ગળથૂથીગત મર્યાદાઓને તે કેટલે અંશે લાંઘી શકે છે તે હજુ લગી તો એક ભરીબંદૂક સવાલ છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક ટોણો બિલકુલ સચોટ છે કે કૉંગ્રેસની હાલની તાકાત ઘણે અંશે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, જિજ્ઞેશ મેવાણી પ્રકારના ઉઠાવો થકી સંભવિત આઉટ સોર્સિંગને આભારી છે. દેશમાં જ્યારે વિશ્વનાથ પ્રતાપસિંહે જનતા રાજ્યારોહણના એક અંતરાલ પછી મિશ્ર સરકારનો મહિમા કીધો ત્યારે એમણે રાજકીય સત્તા-ભાગીદારીની જેમ જ સામાજિક સંકલના (સોશ્યલ કોએલિશન)ના અભિગમ પર ભાર મૂકવાપણું જોયું હતું તે અહીં સાંભરે છે. જે વાનું ભાજપ શ્રેષ્ઠીઓની સમજમાં ઝમવું જરૂરી છે તે એ છે કે હિંદુત્વ થકી ગોળબંદ થતાં જણાતાં બળો બધો વખત આ સંમિશ્ર સમાજસંકલના જાળવી શકતાં નથી; કેમ કે ઊંચનીચ આપણે કેડો મેલે એ એટલું સહેલ નથી. પરિણામે આ સંકલનાએ ગોળબંદ ટકવા માટે કોઈ એક શત્રુનિશાન પર મદાર રાખવો રહે છે. છેલ્લાં વર્ષોમાં દલિત અને આદિવાસી પરિબળો ભાજપની જોડે આવ્યાં એ જો સાચું છે તો કથિત હિંદુત્વ ગોળબંદ પ્રક્રિયા એમને કેટલાક કિસ્સામાં કોમવાદી રાજકારણમાં ભાલાનું ફળું બનવા લગી લઈ ગઈ એ પણ એટલું જ સાચું છે.
આ આખી ચર્ચા કોઈને અકારી ને અણગમતી લાગે અને દૂરાકૃષ્ટ પણ લાગે, પણ ૨૦૦૨ વખતે આશિષ નંદીએ જેમ પોતાનું ચારપાંચ વરસ ઉપરનું આકલન મોદી વિશે બહાર પાડ્યું હતું (એક કૉપીબુક ફાસિસ્ટ બની શકે) તેમ કોઈક મોદીના અંતરમનમાં ઝાંખીને ‘ચાવાળો’ હોવું ક્યારેક પક્ષપરિવારમાં પણ કેવી કનડગત કે અવમૂલ્યન અગર ઉપહાસની બાબત હશે અને આગળ ચાલતાં એમને એ ‘પટેલવિરોધી કૉંગ્રેસ’ની જેમ જ ગુજરાતમાં કેશુભાઈ પટેલને અપદસ્થ કરવા સુધી લઈ ગઈ હશે એનો અભ્યાસ જરૂર હાથ ધરી શકે. કેશુભાઈ વિરોધી ફાઈલબદ્ધ રજૂઆત માટે દિલ્હીનાં નિર્વાસન (પણ રાજકીય મૂડીરોકાણ) વર્ષોમાં એ કેવી કોશિશ કરતા હશે એનો કંઈક ખ્યાલ આઉટલુક-ખ્યાત વિનોદ મહેતાની આત્મકથામાંથી પસાર થનારાઓને મળ્યો પણ હશે.
અહીં ‘પટેલવિરોધી’ કે ‘દલિતદ્વેષી’ અગર ‘મુસ્લિમદ્વેષી’ રાજકારણના સ્વીકારપુરસ્કારની કોઈ વાત નથી. માત્ર, સમજવાનું એટલું છે કે તમારું ટૂંકનજરી સત્તાકારણ ઇતિહાસમાં પ્રગતિશીલ માનવતાનાં બળોને નહીં સમજીને, નહીં સ્વીકારીને લોકશાહી રાજકારણને કેવુંક દૂષિત કરી શકે છે. બીજું, વિરોધ મૂલ્યગત છે કે જાતિગત તે બાબતે પણ સભાન રહેવાપણું છે. જગજીવનરામ વડાપ્રધાન ન બની શક્યા અને મોરારજીભાઈની પસંદગી થઈ ત્યારે જો જગજીવનરામ એનું કારણ પોતે એક ચમાર હોવામાં શોધે તો એમને ખ્યાલ હોવો જોઈએ કે કૃપાલાની-જયપ્રકાશ સમક્ષ પ્રધાન કસોટી ઇંદિરાઈ રાજકારણ કટોકટીરાજ સુધી પહોંચ્યું એ પ્રક્રિયામાં તમે ક્યાં હતા એ હતી. આ જો જગજીવનરામે સમજવું પડે તો મારે અને તમારે એ પણ સમજવું પડે કે ખાસા નેવું લોકસભા સાંસદોના ધણી ચરણસિંહ ‘ચમાર’ના સ્વીકાર વાસ્તે રાજી નહોતા એ પણ હકીકત છે. માધવસિંહ સોલંકી, ઝીણાભાઈ દરજી, સનત મહેતાના ખામ અભિગમમાં જો કોઈક છેડે વિદ્વેષ વરતાયો હશે તો સર્વસમાવેશી રાજકારણ માટેનો એક ઇતિહાસધક્કો પણ એમાં પડેલો હતો.
વાતની શરૂઆત આપણે ‘બંધારણ દિવસ’થી કરી હતી. ૨૬ નવેમ્બર ૧૯૫૦ના રોજ જો આપણું બંધારણ પસાર થયું હતું તો ૬ ડિસેમ્બર ૧૯૫૬ના રોજ એના ઘડવૈયાની ખ્યાતિ પામેલા આંબેડકરનું નિધન થયું હતું. બંધારણ અમલી બનવાનું હતું ત્યારની આંબેડકરની એ એક માર્મિક ટિપ્પણી હવે તો વખતોવખત ટંકાઈને આપણા જાહેર જીવનના ચેતાકોશમાં લગભગ અંકિત થઈ ગયા જેવી છે કે આપણે એક વિલક્ષણ તબક્કામાં પ્રવેશી રહ્યા છીએ જ્યારે રાજકીય સમાનતા કે અધિકારો સામે આર્થિક-સામાજિક વાસ્તવ કેવળ વિષમતામૂલક છે. પ્રશ્ન, આ વિષમતાના નિર્મૂલનનો છે એ વાત ત્યારે જો સાચી હતી તો આજે પણ એટલી જ સાચી છે. વિકાસ ગાંડો છે તે એ વાસ્તે કે એણે ગતિ પકડી હોય ત્યારે પણ વિષમતાનું વિવર્ધન, ફૅક્ટરી ઍક્ટની કોઈ પણ મર્યાદા વગર ત્રણે પાળીમાં અહોરાત્ર જારી રહે છે.
કૉંગ્રેસે જે આઉટસોર્સિંગ કર્યાનું કહેવાય છે એમાંથી પ્રાપ્ત ઉર્જા તે આ વિષમતા નિર્મૂલનના રાજકારણ તરફ કેટલી વાળી શકશે, એ લાખ રૂપિયાનો સવાલ છે. એણે જિજ્ઞેશ મેવાણીને કૉંગ્રેસની સ્થાપિત બહુમતીવાળી બેઠક અપક્ષ તરીકે જોગવી આપી એવો વિવેક એને ૨૦૦૨માં સૂઝ્યો હોત – પ્રજાના માણસોને બિનશરતી સમર્થનનો – તો બનત કે ગુજરાતમાં છેલ્લાં પંદર વરસનો દોર જુદો હોત. હાર્દિક, જિજ્ઞેશ, અલ્પેશ સૌ મન મૂકીને ભાજપનો વિરોધ કરવામાં સહભાગી જણાય તો લાંબા શાસન પછીના ઉત્તરદાયિત્વની રીતે જે ઠીક જ છે. કનુભાઈ કલસરિયા જેવા અપક્ષ ઉમેદવાર, એસ.યુ.સી.આઈ. જેવી લોકઆંદોલનને પ્રમુખતા આપતી ડાબેરી ચળવળ, નાગરિક સ્વરાજ મંચ (સુખદેવ પટેલ), સ્થાપિત ડાબેરી પક્ષો સાથે સિનર્જીની શક્યતા સારુ એની તૈયારી કેમ નહીં હોય ? ગમે તેમ પણ, જે ભાજપવિરોધી મોરચો ઉભરી રહ્યો છે તે ઇતિહાસનાં બળોની, જાહેર જીવનમાં નાગરિક ઊંજણ વાટે સ્વતંત્રતા ને સમાનતાના પ્રવાહોની શુદ્ધિ કે પુષ્ટિની વ્યાપક સમજથી ચાલે તો એથી રૂડું શું : વાજિકૃત કૉંગ્રેસને એથી વાસ્તવિક કાયાકલ્પની સુવિધા મળી શકશે. ૨૦૧૯ના સંભવિત પ્રજાસૂય વિકલ્પ વાસ્તે ભોંય પણ કેળવાશે.
લખ્યા તા. ૨૮-૧૧-૧૭
સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2017; પૃ. 01-02 અને 10