ગયું અઠવાડિયું જાણે કે બજેટની મોસમ હતી. પહેલાં ગુજરાત રાજ્યનું બજેટ વિધાનસભામાં રજૂ કરાયું અને પછી કેન્દ્રીય બજેટ સંસદમાં મૂકાયું.
એક ટી.વી. ચેનલે બજેટ અંગેના મહત્ત્વના સમાચારમાં દેશના વડા પ્રધાને બજેટ વંચાણ સમયે કેટકેટલી વાર પાટલી થપથપાવી તેની ગણતરી કરી હતી અને ‘વડા પ્રધાને 86 વાર પાટલી થપાવી' એવા ન્યૂઝ ચમકાવ્યા !
જ્યારે સોશ્યલ મીડિયામાં એવા પણ સમાચાર બજેટ અંગે મૂકાયા કે બજેટ રજૂઆત દરમિયાન નાણા પ્રધાને કેટકેટલી વાર ક્યા શબ્દોનો ઉપયોગ કર્યો અને તેનાં તારણ પરથી બજેટની દિશા કઈ તરફ છે તે અંગે અંગૂલિનિર્દેશ કરવાનો પ્રયત્ન કર્યો.
નાણા પ્રધાને અંગ્રેજીમાં બજેટ રજૂ કર્યું હતું એટલે જે શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેને તપાસીએ તો : ગવર્નમેન્ટ શબ્દનો ઉપયોગ 105 વાર, ઇન્ડિયા 99 વાર, પ્રોવાઈડ 60, ઈન્કમ 55, ઇન્વેસ્ટમેન્ટ 35, ડીડક્શન 31, ઈન્ફ્રાસ્ટ્રક્ચર 29, ઇલેક્ટ્રોનિક 22, હાઉસિંગ 21 વાર, વ્હીકલ 20, ઈન્સ્યોરન્સ 17, પીએમ 13, બેન્ક 12, એજ્યુકેશન 11 વાર અને હેલ્થ શબ્દનો ઉલ્લેખ માત્ર એક વાર કર્યો !
દેશના સત્તાધીશો કોને કેટલું મહત્ત્વ આપે છે, ક્યા મુદ્દાને વિશેષ અને ક્યા મુદ્દાને ઓછું મહત્ત્વ આપે છે એ જોવાનો અહીં પ્રયત્ન કરવો અસ્થાને તો નથી જ લાગતો.
અને એ જ રીતે જોઈએ તો આપણા ગુજરાત રાજ્યનું બજેટ રજૂ કરતી વખતે નાણા મંત્રી, જે વળી બીજા અગત્યના આરોગ્ય ખાતાનો હવાલો પણ સંભાળે છે તેમણે વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે અને પ્રશ્નોત્તરી કાળમાં ધારાસભ્યો એ પૂછેલા સવાલોના જવાબો આપ્યા તે સમજવા અને સરકાર કેવાં કેવાં કારણો, દલીલો અને બહાનાબાજી કરી પોતાનો ઉલ્લુ સીધો કરવા માંગે છે તે જાણવું જરૂરી બની જાય છે.
આપણે સૌ જાણીએ છીએ કે બાળમૃત્યુ દર, માતા મૃત્યુ દર, બાળ કુપોષણ બાબતે ઘણાં વર્ષોથી આપણે ખાસ કંઈ નોંધપાત્ર સ્થિતિ હાંસલ નથી કરી. ગમે તેટલી વિકાસની ગુલબાંગો મારીએ છતાં ય આરોગ્યની સેવાઓ ગુજરાતમાં તમામ લોકો સુધી પૂરતી પહોંચાડવામાં આપણે હજી ઘણા કાચા છીએ.
આપણાં પ્રાથમિક ને સાર્વજનિક આરોગ્ય કેન્દ્રોમાં પૂરતો સ્ટાફ નથી અને લોહી તપાસનાં અને એક્સરેનાં પૂરતાં સાધનો પહોંચાડ્યા નથી કે ચાલુ હાલતમાં નથી.
ખાસ તો મેડિકલ સ્ટાફમાં 40 % જેટલી કમી છે અને ખાસ તો નિષ્ણાત ડોક્ટરોના જેવા કે સ્ત્રી રોગ નિષ્ણાત, વાઢકાપના સર્જન, બાળ રોગ નિષ્ણાત ને રેડિયોલોજીસ્ટના આંકડા જોઈએ તો તે ચોંકાવનારા છે. ગુજરાતના સાર્વજનિક આરોગ્ય કેન્દ્રોને કુલ 1,492 નિષ્ણાત ડોક્ટરોની જરૂર છે. જેની સામે 1,177 જગાઓ સરકારે મંજૂર કરેલી છે અને અત્યારે ગયા વર્ષના આંકડા પ્રમાણે માત્ર ને માત્ર 118ની ભરતી થયેલી છે, જે કાર્યરત છે એટલે કે 1,059 નિષ્ણાત ડોક્ટરો વિના સરકારી દવાખાના ચાલી રહ્યાં છે.
ભારત સરકારના જ અહેવાલ પ્રમાણે દેશ આખામાં સરેરાશ 82 % નિષ્ણાત ડોક્ટરોની કમી આરોગ્ય કેન્દ્રો પર છે અને તે સંદર્ભમાં જોઈએ તો આપણા ગુજરાતમાં 90 %થી વધુ અછત આ આંકડાઓમાં દેખાય છે તે ઘણી ચિંતાજનક અને દુ:ખદ વાત ગણવી રહી.
અહીં મુખ્ય મુદ્દો એ છે કે ગુજરાતના આ વખતના બજેટમાં આ સાર્વજનિક આરોગ્ય કેન્દ્રોમાં 8,600 જેટલા સ્ટાફની ભરતી થશે એમ જણાવ્યું છે પણ આ આંકડો છેતરામણો એટલા માટે છે કે તેમાં નિષ્ણાત ડોક્ટરો, નર્સ, ટેકનિશિયનો, કારકૂનો આશા વર્કર બહેનો કેટલા તેનો ફોડ પાડવામાં નથી આવ્યો.
અને વિશેષમાં આરોગ્ય ને નાણા મંત્રીએ જણાવ્યું કે 'સરકારની ગરીબ જરૂરિયાત વાળા દરદીઓ માટે જે મુખ્ય મંત્રી અમૃતમ્ અને મા વાત્સલ્ય યોજના છે તેનાં અમલ માટે ખાનગી હોસ્પિટલોનો લાભ લેવાશે, ખાનગી હોસ્પિટલોને સરકાર નાણાં ચૂકવશે કારણ કે આપણી સરકારી હોસ્પિટલોમાં પૂરતો સ્ટાફ અને સાધનોનો અભાવ છે.'
આ વાત વિધાન સભામાં કરતા ખાસ કારણ આ અંગે આપતા વધુમાં મંત્રીએ જણાવ્યું કે 'આપણા ગુજરાતમાં સરકારીને બદલે ખાનગી હોસ્પિટલો પસંદ કરવાનું શહેરોને ગામડાઓમાં પણ વધુ વલણ છે. અને ખાનગી હોસ્પિટલોમાં નાણાં ચૂકવવાની ક્ષમતા ગુજરાતના લોકોમાં વધારે છે.'
આવાં નિરાધાર કારણોની સાથે સાથે આ આરોગ્ય પ્રધાને ધારાસભામાં એમ કહ્યું કે 'બધા જ ડોક્ટરોને શહેરમાં રહેવું છે કોઈને ગામડાઓમાં નોકરી નથી કરવી અને હવે તો દસ ડોક્ટરો ભેગા થઈ જાતે જ એક પ્રાઈવેટ હોસ્પિટલ ઊભી કરી નાંખે છે .'
વળી એક આદિવાસી ધારાસભ્યના સવાલના જવાબમાં સીધું જ કહી નાખ્યું, કોઈ આંકડાના પુરાવા વિના કે આદિવાસી ડોક્ટરોને ખુદને પણ હવે ગામડાઓમાં નથી જવું, તેમને પણ શહેરોમાં જ નોકરી કરવી છે ..!'
બીજાં કારણો આપતા, સરકારી નીતિની પુષ્ટિ કરતા આરોગ્ય પ્રધાને કહ્યું કે 'હવે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ ભણીને પરદેશ જવાનું પસંદ કરે છે, ગામડાંઓમાં જવાનું નહીં.' આ ઉપરાંત પૂછાયેલા સવાલના જવાબમાં જણાવ્યું કે ‘એમ.બી.બી.એસ.ના વિદ્યાર્થીએ ત્રણ વર્ષ ગામડાંઓમાં કામ કરવા માટેના જે પાંચ લાખ રૂપિયાના બોન્ડ લખાવાય છે તે પ્રમાણે પણ વિદ્યાર્થીઓ ગામડાંઓમાં જવાને બદલે પાંચ લાખ રૂપિયા જમા કરાવીને ગામડે સેવા કરવાનું ટાળે છે.'
આ અંગે આંકડા આપતાં જણાવ્યું કે છેલ્લાં બે વર્ષ દરમિયાન 1,490 મેડિકલ વિદ્યાર્થીઓએ ગામડાંઓમાં કામ કરવાનો ઈન્કાર કર્યો અને સરકારે તે માટેના બોન્ડની રકમના 21.85 કરોડ રૂપિયા વિદ્યાર્થીઓ પાસેથી વસૂલ કર્યા.
સાથે સાથે આ અંગે ધારાસભ્યે સવાલ પૂછ્યો કે 'છેલ્લા છ મહિના દરમિયાન આ મેડિકલ વિદ્યાર્થીઓ ફરજિયાતપણે ગામડાંઓમાં સેવા આપે એવું કંઈ સરકારે નીતિગત વિચારણા કરી છે ?' તો તેના જવાબમાં પણ આરોગ્ય પ્રધાને નન્નો ભણ્યો.
આ બધાં જ કારણો, દલીલો ઊંડાણથી તપાસીએ તો એમ જ લાગે કે સરકાર પાયાગત સમસ્યાઓના ઉકેલ લાવવામાંથી ભાગતા ફરવાની અને ખાનગી હોસ્પિટલોને ઘી કેળાં કરાવવાની વૃત્તિ ધરાવે છે.
આરોગ્ય પ્રધાન દલીલ કરે છે કે ડોક્ટરોને ગામડાંઓમાં નથી જવું પણ શહેરોમાં જ નોકરી કરવી છે. પણ હકીકત જોવા જઈએ અને આ જ વિધાન સભામાં જે આંકડા અપાયા તે તપાસીએ તો અમદાવાદ શહેરમાં જ આવેલી અને એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં જ 15 % જગાઓ ખાલી છે. સિવિલ હોસ્પિટલ માટે મંજૂર થયેલી 4,645માંથી કુલ 703 જગાઓ ભરી નથી જેમાં મોટા ભાગની જગાઓ ડોક્ટરોની છે.
સવાલ તો એ જ ઊભો થાય છે કે શું અમદાવાદ શહેરમાં જ આવેલી હોસ્પિટલમાં ય ડોક્ટરો નોકરી કરવા તૈયાર નથી ? કે પછી ખાલી જગાઓ ભરવામાં જ નથી આવતી ?
જ્યાં સરકારી હોસ્પિટલો નથી એવા અંતરિયાળ વિસ્તારોમાં, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં તાલુકા મથકોએ જોઈએ તો ખાનગી ડોક્ટરોનું બજાર લાગેલું જોવા મળે છે. જાણે કે સ્પેશિયાલિસ્ટ – નિષ્ણાત ડોક્ટરોની લાઈનબંધ દુકાનો જ દુકાનો !
ગ્રામીણ વિસ્તારોમાં ખાનગી હોસ્પિટલો-દવાખાના ઊભા કરનાર ડોક્ટરો છે અને સરકારી નોકરી કરવા ડોક્ટરો મળતા નથી એ મગજમાં ઊતરે એવી વાત લાગતી નથી. અલબત્ત, ગ્રામીણ વિસ્તારોમાં ડોક્ટરો માટે પુરતી આવાસ અને અન્ય સુવિધાઓ આપતી નથી એ મુદ્દો ધ્યાનમાં લેવા જેવો ખરો.
અને સૌથી મોટી વાત એ છે કે સરકાર આરોગ્યને લઈ લાંબા ગાળાનું આયોજનને રૂપિયા કેન્દ્રી નહીં, બજાર કેન્દ્રી નહીં પરંતુ લોક કેન્દ્રી ડોક્ટરો તૈયાર કરવાની મેડિકલ કોલેજો ઊભી કરવા માંગતી જ નથી એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
આપણા ગુજરાતમાં 24 જેટલી મેડિકલ કોલેજો છે. તેમાં સરકારી મેડિકલ કોલેજો તો માત્ર 8 જ છે. નવી કોઈ સરકારી મેડિકલ કોલેજ ઊભી કરવામાં નાણાં ખર્ચવામાં કોઈ સરકાર તૈયાર નથી. અને આજે આ સરકારી કે ખાનગી મેડિકલ કોલેજમાં એક વર્ષની ફી જ અઢી-ત્રણ લાખથી માંડી પંદર લાખ કે તેથી વિશેષ દેશની વિવિધ મેડિકલ કોલેજોમાં જોવા મળે છે.
એક અંદાજ પ્રમાણે આજે એક ડોક્ટર થવા વિદ્યાર્થીને, પાંચથી સાત વર્ષ મેડિકલ કોલેજમાં ભણવા માટે એક કરોડ રૂપિયા જોઈએ !
આટલો મોટો ખર્ચ કરવા કેટલાં મા-બાપ તૈયાર ? અને તેને લઈ સમૃદ્ધ ઘરનાં સંતાનો જ ડોક્ટર બની રહ્યાં છે. અને જે પણ ડોક્ટરની ડિગ્રી લે છે એ તરત જ આ ખર્ચેલાં નાણાં પાછા ક્યાંથી ઝડપભેર કમાવા તેની જ વેતરણમાં પડી જાય છે.
અને આ મોટે ભાગના સમૃદ્ધ પરિવારના સંતાનો હોવાથી ત્રણ વર્ષ ગામડાંઓમાં 'સેવા' કરવાને બદલે બોન્ડના પાંચ લાખ રૂપિયા તરત ભરી દેવાની ક્ષમતા ધરાવે છે.
અને સૌથી ચિંતા ની વાત એ છે કે બે મહિના પૂર્વે બ્રિટિશ મેડિકલ જર્નલ( BMJ)માં છપાયેલા એક લેખ મુજબ આપણા દેશમાં 54 % જેટલા તબીબી વ્યવસાય સાથે સંકળાયેલી વ્યક્તિઓ, દવાખાના ખોલીને બેસી ગયેલા જરૂરી મેડિકલ લાયકાત ધરાવતા નથી. જેમાં 24 % જેટલા ફિઝિશિયન-ડોક્ટરોનો સમાવેશ થાય છે. અને આ અહેવાલમાં એ પણ જણાવાયું છે કે આપણા દેશમાં 20 % જેટલા ડિગ્રીધારી રજિસ્ટર્ડ ડોક્ટરો મેડિકલ વ્યવસાયમાં ક્યાં ય કાર્યરત નથી !
આ વરવી વાસ્તવિકતાથી આંખ મિચામણા કરી સરકાર ખુદ ખોટાં કારણો અને બહાનાં બતાવી લોકોને છેતરતી હોય ત્યારે ક્યાં જવું ?
આ વખતના બજેટમાં 260 કરોડ રૂપિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુ ફૂલો અને આનંદ પ્રમોદનાં સાધનો વિકસાવવા રખાયા હોય અને મેલેરિયા, ચિકનગુનિયા, ડેન્ગ્યુ અને ચેપી તાવ વગેરે માટે 331 કરોડ રૂપિયાની જોગવાઈ હોય, અમદાવાદની મેટ્રો માટે આ વર્ષે 510 કરોડની જોગવાઈ રખાઈ હોય, 18 કરોડ રૂપિયા 100 નવી 108 એમ્બ્યુલન્સ માટે રખાયા હોય અને 350 કરોડ રૂપિયા ખર્ચીને આ વર્ષે 112 ફ્લાય ઓવર ગુજરાતનાં શહેરોમાં ઊભા કરવાનાં હોય ત્યારે સરકારનો નાણાં 'ખર્ચવામાં' અગ્રતાક્રમ શું છે તે સુસ્પષ્ટ બની રહે છે.
આ બધું જોતાં સૌને સવાલ તો થાય જ કે ગુજરાત કેમનું તે અને ક્યારે તંદુરસ્ત બની રહેશે ?
સૌજન્ય : ‘ચિંતા’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “ગુજરાત ગાર્ડિયન”, 10 જુલાઈ 2019