પતિ-પત્ની, બેઉ અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં તાજાં જ પીએચ.ડી.ની નવાજેશ પામેલાં. 1956ની સાલ હતી. સ્વતંત્ર ભારત વિકાસપંથે પગલીઓ પાડી રહ્યું હતું. છવ્વીસ-અઠ્યાવીસ વરસનાં એ જુવાનિયાંઓને નવલ પ્રદેશો ખેડવાનો ઉમંગ હતો. લોય્ડ અને સુઝન રુડોલ્ફ સ્ટીમરમાં લંડન આવે છે અને ત્યાંથી એક લૅન્ડરોવર સ્ટેશનવેગનમાં અસબાબ બિછાવીને ભારતની વાટ પકડે છે. ‘ડેસ્ટીનેશન ઇંડિયા’ (દિલ્હી: ઑક્સફર્ડ, 2015, રૂ. 450) નામના બસો પાનાંના પુસ્તકમાં એમના આ ભારત-પ્રયાણની રોમાંચક કથની આલેખાઇ છે. ઑસ્ટ્રીઆના હરિયાળા સાલ્ઝબર્ગ નગરથી નીકળીને બીજા વિશ્વયુદ્ધે વેરેલી તારાજી વેઠતા યુરોપના દેશો અને પછી એશિયાના વેરાન અને દુર્ગમ મુલકોની આરપાર 8000 કીલોમિટરનો પંથ પૂરો કરીને આ અભ્યાસી યુગલ પાકિસ્તાનમાં પેશાવરની સીમે લગભગ એક મહિને પહોંચે છે. ત્યારે ભારત પછાત દેશ હતો, પણ ઇરાનથી માંડીને અફઘાનિસ્તાન સુધીના દેશો તો એથી પણ જીર્ણશીર્ણ હતા – એવો એ કાળ હતો. છ દાયકા પછી એ દંપતી પોતાના વિદ્યાર્થીકાળનું સાહસ વાગોળે છે, રસ્તે આવતા દેશોમાંથી પસાર થતા ગાંઠે બાંધેલા અનુભવો સંભારે છે. જમીનરસ્તે કરેલા આ પ્રવાસની કથનીનું નાનું પેટા-મથાળું છે : ‘અને અમે શું શીખ્યાં’ : હરેક ઊગતા અભ્યાસીને માટે જાણે તાવીજ જેવું આ નમ્ર સૂત્ર : ‘અમે શીખ્યાં’. સ્ટેશનવેગન જ એમનું ઘર : સૂવાની, રસોઇ કરવાની, કપડાં ધોવાની : બધી સગવડો હતી, પણ દુર્ગમ પ્રદેશોની કુદરત-દીધી તકલીફો પણ હતી. ભાષાની મુશ્કેલી, રસમોથી અજાણ, પરદેશી તરીકે બધે શંકિત આંખો એમના ભણી, છતાં, મીઠા માનવીય અનુભવો – બધું એમની ગઠરીમાં ભેગું થયું.
આ એમનું પ્રયાણ તો ભારત નામે ભૂમિખંડ ભણીનું હતું. પણ એ સાથે એમનું ભારત-પરિશીલનનું જે પ્રયાણ આરંભાયું એ છ દાયકા ચાલવાનું હતું અને જગતભરના આવા બીજા અધ્યયન-પ્રવાસો એમના ચીલે ચાલવાના હતા. આ અધ્યયન-પ્રયાણની રૂપરેખા પણ પુસ્તકના ઉત્તરાર્ધમાં આલેખાઇ છે. લોય્ડ અને સુઝન રુડોલ્ફ ભારત-અભ્યાસની દુનિયામાં અત્યંત સન્માનપૂર્વક લેવાતાં નામ છે. સાઠના દાયકામાં વિકસતા જતા ભારતના રાજકારણમાં એમનો ઊંડો રસ સંગીન સુફળો આપે છે. એમનું ખ્યાતિવંત પુસ્તક ‘ધ મોડર્નીટી ઑફ ટ્રેડીશન’ દરેક ભારત-અભ્યાસી માટે પ્રારંભિક વાચન ગણાય એવું ‘ક્લાસિક’ ગણાયું. આ અભ્યાસીઓનો પ્રારંભકાળ વિદ્યાજગતમાં પણ એક નવલ અભિગમનો ઉગમકાળ પણ હતો. માનવવિદ્યાઓમાં ‘એરીઆ સ્ટડી’ નામે એક અભિનવ અભ્યાસરીતિ પ્રચલિત બનતી જતી હતી : કોઇ ભૌગોલિક પ્રદેશનો અભ્યાસ સર્વાંગી રીતે કરવો – નહીં કે સમાજ, અર્થકારણ, મનોવિજ્ઞાન એવા અલગઅલગ બંધિયાર વિષય-ચોકઠામાં સમાય. મૂળે તો રાજકારણનાં આ બે અભ્યાસીઓ, પણ ‘એરીઆ સ્ટડી’ની પોતાની પ્રતીતિને અજમાવવા માટે એમણે ભારત-પ્રયાણ આદર્યું. અભ્યાસની આ નવી વિભાવનાને અનુસરનાર અભ્યાસીઓની જે નવી વણજાર પછી ચાલવાની હતી તેનું આ રુડોલ્ફ-દંપતી આરંભિક પુરસ્કર્તા હતું. એમણે ભારતને બીજું ઘર બનાવ્યું કહેવાય એવો સ્નેહ-તંતુ આ દેશની સંસ્કૃતિ સાથે વણાયો. એમની અધ્યાપન-કારકિર્દી તો અમેરિકાની શિકાગો યુનિવર્સિટીને ખીલે બંધાયેલી, પણ પાંચ દાયકાના એમના ભારત-પરિશીલન દરમિયાન અગિયાર વરસ પોતાના પ્રીતિદેશમાં સંશોધન અર્થે ગાળેલાં. એમનું ભારત-વિશ્લેષણ વૈજ્ઞાનિક હતું, તો સમભાવરસ્યું પણ હતું. એમના ભારત-અભ્યાસોમાં રાજકારણ પણ હતું, આ દેશના શિક્ષણ વિશે પણ એમણે પુસ્તક લખ્યું, ગાંધી પણ એમના વિશેષ રસના વિષય રહ્યા. એમનું જીવન દામ્પત્યનો એક ઉત્તમ નમૂનો નીવડ્યું. બેઉ અભ્યાસમાં એકસૂર એટલી હદે કે અનેક લખાણો અને વ્યાખ્યાનો પણ એમનાં સહિયારાં થતાં. 2014માં પદ્મભૂષણ સન્માન પામ્યાં એ પણ સહિયારું!
વતન અમેરિકામાં એ ભારત-અભ્યાસીઓમાં માર્ગ-ચીંધક ને દિશાસૂચક તરીકેનો આદર પામ્યાં. શિકાગોમાં હોય કે નિવૃત્તિ પછી સાવ એકલવાયા ગામડે જઇ વસ્યાં ત્યાં, એમનું ઘર અભ્યાસીઓનું ઉષ્માસભર મિલનસ્થાન બની રહ્યું. એ વિમર્શ-મેળાવડાઓમાં વિદ્યાર્થી કોણ ને અધ્યાપક કોણ, અમલદાર કોણ ને ધુરંધર વિદ્વાન કોણ – એના ભેદ પરખાઇ ન શકે એવો સમરસ માહોલ રચાતો, અને હા, તેમાં સુઝનબહેને હોંશે બનાવેલી ભારતીય વાનગીઓરૂપ વિરામ આવતા!
ભારત-પ્રયાણની આ કથાનાં પાનાંઓ પરનો મારો પ્રવાસ હજુ પૂરો જ થયો હતો ત્યાં સમાચાર આવ્યા કે સુઝન રુડોલ્ફે ચિર-વિદાય લીધી. અને પછી એકાદ મહિને લોય્ડ રુડોલ્ફનું પાકેલું પાન પણ ખરી ગયું. ભારત-વિદ્યા-ઉપાસનાનું એક ઉજ્જ્વળ પ્રકરણ સમાપ્ત થયું.
[‘પ્રત્યક્ષ’, માર્ચ 2016]
https://www.facebook.com/jayant.meghani.3/posts/10218427664300067