આખરે એવો વખત આવ્યો તો ખરો, કે જ્યારે ગુજરાતી પ્રજા છાતી ફુલાવી ગૌરવ સાથે કહી શકે કે એક ગુજરાતીએ ભારતના વડા પ્રધાન તરીકે સત્તા ગુમાવ્યા વગર પૂરા પાંચ વર્ષ રાજ કર્યું – એ તો હકીકત છે કે મોરારજી દેસાઈ સૌથી પહેલા ગુજરાતી વડા પ્રધાન હતા, પણ એમની ઇનિંગ્સ અડધેથી જ અટકી ગઈ પાટલીબદલુઓને કારણે, અને 28 મહિનામાં એમની બહુમતી જતી રહી.
પરંતુ ગણતરી અને સમીકરણો પર જ જો નિર્ભર રહીએ, તો સમસ્યા ઊભી થાય, કારણ કે આંકડાઓ કોઈ પણ વખત અતથી ઇતિ કથા કહી નથી શકતા. ગુજરાત સાથે ગાઢ સંબંધ ધરાવતા અન્ય બે રાજકારણીઓ પણ વડા પ્રધાન બની ચૂક્યા છે – તેમાંથી એકે તો બે વખત – અલબત્ત, થોડા સમય માટે – પ્રધાનમંત્રીપદ ગ્રહણ કર્યું હતું, અને બીજાએ તો પાંચ વર્ષની મુદ્દત પૂરી કરી હતી.
હું ગુલઝારીલાલ નંદા અને રાજીવ ગાંધીની વાત કરી રહ્યો છું. 1964માં જવાહરલાલ નેહરુ અને 1966માં લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ પછી નંદાએ વચગાળાના નેતા તરીકે પદ ગ્રહણ કર્યું હતું. પણ નંદા એક નાઇટવોચમેન નહોતા; એ એક અનુભવી રાજકારણી હતા, જેમણે કામદાર અધિકાર માટે આજીવન મહેનત કરી હતી અને ગુજરાતની શ્રમિક ચળવળમાં તેમનું યોગદાન નોંધપાત્ર હતું. નંદા માટે ગુજરાત તેમની કર્મભૂમિ હતી – ગુજરાતીની વિશિષ્ટ ગાંધીવાદી, બિન-સંઘર્ષકારી શ્રમિક સંઘની ચળવળ મજૂર મહાજનની સ્થાપનામાં એમનું કાર્ય મહત્ત્વનું હતું.
રાજીવ ગાંધીતો નેહરુના પૌત્ર હતા જ, પરંતુ તેઓ પારસી સંસદીય ફિરોઝ ગાંધીના પુત્ર પણ હતા, જેમણે નેહરુની પુત્રી ઇન્દિરા સાથે લગ્ન કર્યા હતા. કહી તો શકાય કે ઇન્દિરા ગાંધી ગુજરાતના પુત્રવધૂ હતાં : આપણો ઇતિહાસ જોઈએ તો ગુજરાત અતિથિ સત્કારમાં માને છે જ, પણ અતિથિને ઘરનાં ગણીને કુટુંબી તરીકે સ્વીકાર પણ ખુશાલીપૂર્વક કરે છે. કોઈ પણ ગુજરાતીને પૂછી જુઓ તો એમને સંજાણમાં આવેલા પહેલા પારસી નિરાશ્રિતોનાં સ્વાગતની વાર્તા તો યાદ હશે જ – દૂધમાં સાકર ભળે એમ પારસીઓ ગુજરાતમાં ભળી જશે – અને એ વિષે ગુજરાતી પ્રજાને ગૌરવ પણ હશે. આજે કોઈ એવું છે કે જે દલીલ કરી શકે, કે પારસી પ્રજા ગુજરાતીની નથી?
ભારતના રાજકારણમાં નેહરુ-ગાંધી પરિવારનું પ્રભુત્વ વધારે છે એ તો વાત સાચી જ, અને રાજીવને આપણે જો એમના મોસાળથી ઓળખીએ એમાં કોઈ આશ્ચર્ય પામવાની જરૂર નથી – પણ એક પારસી પિતાના પુત્ર તરીકે એ સ્વાભાવિક છે કે નાનપણમાં રાજીવે કુટુંબીજનો પાસે ગુજરાતી સાંભળ્યું હોય – રાજીવની એક ભત્રીજી મારી સાથે કોલેજમાં ભણતી હતી, એ મારી સાથે સ્પષ્ટ ગુજરાતીમાં બોલતી હતી.
ઉપરાંત એવા પણ બે ગુજરાતીઓ છે, જે ભારતના વડા પ્રધાન બન્યા નહોતા (અને બંને સ્વતંત્રતા પછી ટૂંક સમયમાંજ મૃત્યુ પામ્યા હતા), પણ હજી સુધી ભારત પર એમની અસર કાયમી રહી છે. મોહનદાસ ગાંધીએ ક્યારે ય જાહેર ઓફિસ કે પદની લાલસા નહોતી દેખાડી, પણ તેમના વગરનું ભારત કેવું હોત? અને બીજા વલ્લભભાઈ પટેલ, લોહપુરુષ – નેહરુના ગૃહમંત્રી, જેમણે રજવાડાઓની ભ્રમણા અને ‘સ્વાતંત્ર્ય’નાં સ્વપ્નોનો કુશળતાથી નાશ કરી દીધો હતો. અને એ તે ભુલાય કે પાકિસ્તાનના સ્થાપક – મોહમ્મદ અલી જિન્નાહ – પણ ગુજરાતી હતા? ભારત અને પાકિસ્તાન એમ બંને દેશની ચલણી નોટ પર ગુજરાતી વ્યક્તિની છબી છે – ભારતના ગાંધી, પાકિસ્તાનમાં જિન્નાહ.
ગુલઝારીલાલ નંદા અને રાજીવ ગાંધીને આ સૂચિમાં ઉમેરી હું આજે ગુજરાતનાં ગુણગાન ગાવા નથી માંગતો; માત્ર એ બતાવવા માંગુ છું કે ગુજરાત સમન્વયમાં અને સંયુક્તતામાં માને છે – જેમના પૂર્વજો શરણાર્થી તરીકે આવે અને હળીભળીને સુખેથી રહે; જે લોકો ગુજરાત આવીને ગુજરાતી અપનાવી લે, અને જે લોકો તક અને પડકારનાં બીડાં ઝડપી રાજ્યમાં પોતાનું ઘર બનાવી સમૃદ્ધ થાય અને બીજાને સમૃદ્ધ કરે. એ ખરા ગુજરાતની તાસીર.
ધંધામાં અને રાજ્કારણમાં જ નહિ, પણ કળામાં પણ ગુજરાતીઓએ વર્ચસ્વ દાખવ્યું છે – ગુજરાતની વિવિધતા મનોહારી અને ગજબની છે – તૈયબ મહેતા, જેરામ પટેલ, હકુ શાહ, અકબર પદમસી, અતુલ દોડિયા, ગુલામમહમ્મદ શેખ, માધવી પારેખ, અને અમિત અંબાલાલ જેવા કલાકારો બતાવે છે કે ગુજરાતી ફાળો અપ્રતિમ છે.
મેં છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રશ્નો પર ઘણો વિચાર કર્યો છે – મેં ગુજરાતમાં પ્રવાસ કર્યો છે, અને દેશવિદેશમાં ગુજરાતીઓ જોડે ચર્ચા કરી છે, કારણ કે મારે સમજવી છે મારી પ્રજા – હું એક પુસ્તક લખી રહ્યો છું – ગુજરાતી એટલે કોણ? આપણે કેવા? આપણી વિશિષ્ટ લાક્ષણિકતાઓ કઈ છે? અને આ ગુજરાતી રાજકારણીઓ – ખાસ કરીને નંદા, દેસાઇ, રાજીવ ગાંધી અને હવે મોદી – એમનાં કાર્ય વિષે વિચાર કરીએ તો કઈ લાક્ષણિકતાઓ દેખાય છે? એમાં ગુજરાતીપણું શું અને ક્યાં?
એનો કોઈ ટૂંકો જવાબ નથી, અને પ્રામાણિક જવાબ તો છે કે ગુજરાતી ઓળખ ઘણી જુદી જુદી રીતે જોવા મળે છે – એમાં આવે છે સમૃદ્ધિ અને પૈસા; ધંધો; અતિથિસત્કાર; મહિલા પ્રત્યે આદર; શાકાહારીપણું; ગાંધીવાદી અહિંસા – આવી ઘણી લાક્ષણિકતાઓ તો મંત્રની જેમ લોકો રટ્યા કરે છે.
પણ દરેક સામાન્યકરણમાં નોંધપાત્ર અપવાદો છે જ! પૈસાદાર સંસ્કૃતિમાં નિઃસ્વાર્થ પરોપકાર પણ જોવા મળે છે. વ્યવસાયિક સમાજ ખરો, પણ તો પછી આટલાં બધાં કોમવાદી રમખાણો ક્યાંથી, જેનાથી વેપાર અને આર્થિક પ્રવૃત્તિમાં ખલેલ પહોંચે? જો ગુજરાતીઓ દૂરથી આવતી પ્રજાને મોકળા મને આવકારતી હોય, તો આટલી બધી હિંસા કેમ સહાય, જેને કારણે સ્થળાંતરિત મજૂરો ગભરાઈને પોતાને દેશ જતા રહે? (અને ધંધો બંધ પડી જાય?) મહિલાઓનો આદર કરનાર સમાજમાં આટલી બધી ઘરેલુ હિંસા અને સ્ત્રી કુપોષણ ક્યાંથી? દહેજને કારણે શંકાસ્પદ મૃત્યુ ક્યાંથી? આટલા વિસ્તૃત સાગરકાંઠાને કારણે જ્યાં લાખો માછીમારો હોય, તે પ્રજા કઈ રીતે ‘શાકાહારી’ રહેવાની? અને જે લોકોને માંસ ખાવું હોય, તો તેમણે આટલું બધું ગભરાવું પડે, કયા કારણસર? અને જો આ સમાજ ગાંધીવાદી અને અહિંસક હોય, તો 1969ના રમખાણો, કે પછી 1980ના દાયકામાં થયેલી ખૂનામરકી, અને 2002માં થયેલ ગણહત્યાકાંડનું કારણ શું? ગુજરાતમાં એ જ બધા વિરોધાભાસી પાસા છે, જે ભારતમાં દેખાય છે.
રાજકારણની દ્રષ્ટિએ જોઈએ તો આ બધા નેતાઓ એકમેકથી ઘણા જુદા છે – એક જ તાકામાંથી એમનું કાપડ નથી કપાયું – ગાંધી ક્રાંતિકારી હતા, ધાર્મિક હતા, પણ બિનસાંપ્રદાયિક પણ હતા. પટેલ રૂઢિચુસ્ત તો ખરા, પણ ધર્મનિરપેક્ષ પણ ખરા. જીન્નાહ રાષ્ટ્રીયવાદી હતા પણ સાંપ્રદાયિક થઇ ગયા. કામદાર વર્ગ માટે નંદાની પ્રતિબદ્ધતા ડાબેરી ગણાય, પણ તે નાસ્તિક નહોતા; મોરારજીભાઈ લોકશાહીના સેવક તો ખરા જ, પણ હઠીલા ય ખૂબ! રાજીવ ગાંધી આધુનિકતાના પ્રેમી, પણ કટ્ટરવાદીઓ જેમ કહે તેમ કરવા તૈયાર! અને મોદી તો માર્કેટિંગના ઉસ્તાદ – ભૂતકાળના નેતાઓની સિદ્ધિઓને પોતાની કઈ રીતે બનાવવી, એ બાબતમાં એ તો એક્કા!
મુખ્ય મંત્રી, અને હવે વડા પ્રધાન તરીકે મોદીનો પ્રભાવ ગુજરાત અને ભારત પર નોંધપાત્ર રહેવાનો. મોદીનું મહત્ત્વ તો એ કે આઝાદી વખતે જે “ભારતની અસ્મિતા” હતી, એના પર એમણે એક પડકાર ફેંક્યો છે. નેહરુ યુગની ખાસિયતો – સમાજવાદ, ધર્મનિરપેક્ષતા, અલિપ્તતા – એ સર્વનો વિરોધ કર્યો છે. નહેરુની વિચારસરણીના વિવેચકો એમના જમાનામાં પણ હતા જ, અને તેમાંથી કેટલીક ટીકાઓ વ્યાજબી પણ હતી. પરંતુ ભારતે એ વિચારસરણી સર્વસંમતિ સાથે સ્વીકારી હતી.
મોદી તેને તોડી નાખવા માંગે છે – પણ એ સજાગ છે; એ જાણે છે કે ભૂતકાળને ભૂંસી તો ના નખાય, કારણ કે ગાંધીની વિચારસરણી ભારતના લોહીમાં ધબકી રહી છે – માટે આ ગાંધીનો ચરખો ચલાવશે, દક્ષિણ આફ્રિકામાં ટ્રેનમાં બેસી આવશે; આઝાદ હિન્દ ફોજની ટોપી પહેરી ત્રિરંગાને સલામ મારશે – અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પર પ્રતિબંધ મૂકનારા લોહપુરુષની યાદમાં એક પ્રચંડ પૂતળું બનાવશે. આ સિવાય એમને ગાંધી જોડે કે સ્વતંત્ર સંગ્રામ જોડે, કે એના મૂલ્યો જોડે કશો જ સંબંધ નથી.
1960માં ગુજરાતના સંસ્થાપન વખતે કવિ ઉમાશંકર જોશીએ પૂછ્યું હતું: ગાંધીને પગલે પગલે તું ચાલીશને, ગુજરાત?
એ પ્રશ્ન ગુજરાત માટે ત્યારે અગત્યનો હતો; આજે એ ભારતના અસ્તિત્વ માટે ગહન અને મહત્ત્વનો બની ગયો છે.
e.mail : salil.tripathi@gmail.com