“દાદાજી, તમે ક્યાં જાવ છો?”
બીટુએ ફરી પૂછ્યું, “દાદાજી, તમે ક્યાં જાવ છો?”
મનુભાઈએ એક ચંપલ પગમાં પહેર્યું હતું ત્યાં બીટુ, મનુભાઈનાં 4 વર્ષનાં પૌત્રનો અવાજ સાંભળી બીજું ચંપલ પહેરતા અટકી ગયા. એમ જ ઊભા રહ્યા. ફરી અવાજ સાંભળી એમણે બીટુ સામે જોયું, બીટુની આંખમાં પ્રશ્ન હતો કે દાદાજી આપણે તો સાંજે બગીચામાં ફરવા જઈએ છીએ અને મને લીધા વગર તમે ક્યારે ય બહાર જતા નથી, તો અત્યારે સવારમાં ક્યાં જાવ છો? પ્રશ્ન વાંચી મનુભાઈ વિસામણમાં પડી ગયા. એક બે ક્ષણ રોકાઈ મહામહેનતે બીટુ સામે જોયા વગર કહ્યું “બેટા, મારે થોડું કામ છે એટલે બહાર જાવ છું”, પછી ગળામાંથી માંડ માંડ આટલા શબ્દો નીકળ્યા, “હમણાં પાછો આવું છું.”
“તો મને પણ સાથે લેતા જાવને?”
“બેટા, ત્યાં તારે સાથે ન અવાય?”
“શું કામ ન અવાય? હું તમને હેરાન નહીં કરું.” મનુભાઈની આંખમાં ઝળઝળિયાં આવ્યા. મહા પ્રયત્ને આંસુને રોકવામાં થોડું કષ્ટ પણ થયું.
“દાદાજી, તમે મને લીધા વિના ક્યારે ય બહાર જતા નથી તો આજે કેમ જીદ્દ કરો છો.” અને ‘જીદ કરો છો’ શબ્દ સાંભળી મનુભાઈની આંખમાં ઝળઝળિયાં બનીને રોકાયેલા આસું આંખમાંથી દડ દડ વહેવા લાગ્યા. બીટુ વિચારમાં પડી ગયો તેણે કદી મનુભાઈને રડતા જોયા નહોતા.
“દાદાજી, તમે રડોમાં, હું સાથે આવવાની જીદ નહીં કરું.” મનુભાઈએ મનમાં કરેલો નિર્ણય, બીટુનાં શબ્દો અને આંખમાંથી વહેતાં આસુંમાં ઓગળી વહી ગયો. તેણે બીટુને તેડી લીધો અને સોફામાં બેઠા, “હા બેટા, આપણે સાંજે બગીચામાં ફરવા જઈશું, તે મને મહાસંકટમાંથી ઉગારી લીધો.”
મનુભાઈના બાપા નાના ગામડામાં રહેતા હતા. ગામ લગભગ 4,000ની વસ્તીવાળુ હતું અને બે ત્રણ કરિયાણાંની દુકાન હતી. મનુભાઈના બાપાને કરિયાણાંની દુકાન હતી. નાનું ગામ હતું અને ફક્ત બે ત્રણ દુકાન હોવાથી તેમનું ગુજરાન સરળતાથી ચાલતું હતું. મનુભાઈ અભ્યાસ પૂરો કરીને પોતાના બાપાની દુકાને કામકાજમાં લાગી ગયા પણ ગામમાં બીજી પણ ત્રણ ચાર નવી કરિયાણાંની દુકાન થઈ હતી. ગામની વસ્તીમાં કંઈ ઝાઝો વધારો થયો નહોતો.
એક દિવસ મનુભાઈએ એના બાપા ને કહ્યું, “બાપા, નાના ગામમાં વસ્તીનાં પ્રમાણમાં દુકાન વધારે છે. હું શહેરમાં જઈ આગળ વધવા માગું છું. ત્યાં હું વ્યવસ્થિત થઈ જાવ પછી તમને અને મારી બાને તેડી જઈશ.”
મનુભાઈએ શહેરમાં નાની દુકાનથી શરૂઆત કરી. ખંત, મહેનત, ઇમાનદારીનાં પુરસ્કાર રૂપે થોડા સમયમાં નાની કરિયાણાંની દુકાનમાંથી નાનો પ્રોવિઝન સ્ટોર થઈ ગયો. બા, બાપાને પણ ગામડેથી બોલાવી લીધાં. મનુભાઈનો નાનો પ્રોવિઝન સ્ટોર અને મનુભાઈનું ગૃહસ્થ જીવન પૂરપાટ દોડવા લાગ્યું. મનુભાઈનો દીકરો અજય પણ અભ્યાસ પૂરો કરી મનુભાઈની જેમ પ્રોવિઝન સ્ટોરમાંથી બનેલ પોતાના મોટા ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં મનુભાઈ સાથે કામે લાગી ગયો. અવસ્થાએ પહોંચેલ મનુભાઈનાં બા, બાપા પ્રભુના ધામમાં પહોંચી ગયાં. મનુભાઈનાં પત્ની પણ કોઈક અસાધ્ય રોગમાં સપડાતાં તે ઈચ્છે તે પ્રમાણે અજયના લગ્ન પણ જ્ઞાતિની સારી કન્યા અને સારા કુટુંબમાં સંપન્ન કરી નાખ્યા. એ પછી થોડા સમયમાં તેણે પણ મનુભાઈનો સાથ છોડી દીધો.
એક દિવસ અજયે કહ્યું, “બાપા તમે સખ્ખત પરિશ્રમ કર્યો, એનું આ પરિણામ છે. એક નાની દુકાનમાંથી આજે આપણી પાસે મલ્ટી સ્ટોરીડ ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. હું પૂરેપૂરો ધંધામાં પારંગત થઈ ગયો છું અને હવે આરામ ઉપર તમારો અધિકાર છે. તમે પૂજા પાઠ અને બીટુ સાથે સમય પસાર કરો તેવી મારી પ્રાર્થના છે. મનુભાઈ શરૂઆતમાં ક્યારેક ક્યારેક સ્ટોર ઉપર જતા પણ પછી તે પણ બંધ કરી દીધું હતું. પણ, આ વાત અજયની પત્ની વિભાને નહોતી ગમી. વિભાએ અજયની સાથે વાત પણ કરી હતી અને અજયે કહ્યું હતું, “બાપાએ ખૂબ પરિશ્રમ કર્યો છે, હવે તેમનો આરામનો સમય છે. બાપાને કોઈ તકલીફ ન પડે તેની જવાબદારી તારી છે.” વિભા થોડીક સ્વતંત્ર રીતે જીવન જીવવાની શૈલીવાળી હતી. મનુભાઈ કંઈ દખલગીરી નહોતા કરતા, પણ વિભાને મનુભાઈની ઘરમાં સતત હાજરી ગમતી નહોતી, એને સ્વતંત્ર વાતાવરણ જોઈતું હતું.
વિભા, મનુભાઈને અવગણતી, ધ્યાન ન આપતી, બીટુને બોલાવી લેતી, સવારે જમવામાં પણ ધ્યાન ન આપતી. અજયે નક્કી કર્યું હતું કે રાત્રે તે બાપા સાથે જ જમશે અને તે મોડામાં મોડો આઠ વાગે ઘરે આવી જતો. મનુભાઈ બધું સમજતા હતા. પણ તેને અજયને વાત કરવાની ઇચ્છા નહોતી, કારણ કે તે સમજતા હતા કે અજય, વિભાનું આ પ્રકારનું વલણ નિભાવી નહીં લે અને તેના દામ્પત્ય જીવનમાં ખટરાગ ઊભો થશે અને ઘરમાં કંકાસ ઊભો થશે. આવું બને એવું એ જરા પણ નહોતા ઇચ્છતા. આમાં અજયનો શું દોષ છે એમ વિચારી મનને સમજાવી લેતા. પણ થોડા સમય પછી એવી સ્થિતિ ઊભી થઈ કે મનુભાઈને અણગમતો નિર્ણય લેવાની ફરજ પડી અને એ નિર્ણયને અમલમાં મૂકવા જ મનુભાઈ સવારે બહાર જવા નીકળતા હતા. મનુભાઈ જ્યારે પ્રોવિઝન સ્ટોર સાંભળતા હતા ત્યારે તેમની મુલાકાત રસિકભાઈ સાથે થઈ હતી. રસિકભાઈ માતૃ વૃદ્ધાશ્રમનાં સંચાલક હતા અને તે વૃદ્ધાશ્રમ માટેની વસ્તુઓ મનુભાઈ પાસેથી ખરીદતા હતા. મનુભાઈ પણ વૃદ્ધાશ્રમ માટેની ચીજ વસ્તુમાં ઓછામાં ઓછો નફો લઈને આપતા હતા. આથી બંને વચ્ચે પાકી ભાઈબંધી થઈ ગઈ હતી. અને રસિકભાઈએ કોઈ પણ કામ હોય તો તેને અચૂક યાદ કરે એવી તાકીદ કરી હતી. આજે મનુભાઈ, રસિકભાઈ પાસે વૃદ્ધાશ્રમમાં જ રહેવા જવા નીકળતા હતા. ત્યાં જ બીટુની કાલીઘેલી ભાષાએ વૃધ્ધાશ્રમાં રહેવા જવાના નિર્ણયને પરિવર્તિત કરી દેવાની ફરજ પાડી અને મનથી નક્કી કરી નાખ્યું કે બસ મારે હવે બીટુ સાથે, બીટુ માટે અહીજ રહેવું છે, ક્યાં ય જવું નથી. થયું હતું એમ કે વિભા તેની સહેલી સાથે વાત કરતી હતી. આમ તો મનુભાઈને કોઇની વાત સાંભળવાની આદત નહોતી પણ તેના કાને વાત દરમ્યાન તેનું નામ બે ત્રણ વખત વિભાએ લીધું એટલે તે સાંભળવા ઊભા રહ્યા.
વિભા તેની સહેલીને કહેતી હતી કે “હું ક્યાં તારી જેમ સ્વતંત્ર છું. મારે તો આ માથે પડેલી જવાબદારી છે. બીટ્ટુ દાદાજી, દાદાજી કરતો મટતો નથી. મારા અજયને તો બાપાનું ભૂત માથે સવાર થઈ બેઠું છે. મારી વાત કે પરિસ્થિતિ કોઈને સમજવી કે સાંભળવી નથી. મને ખબર નથી કે આમાંથી ક્યારે છુટકારો મળશે.” આ વાત મનુભાઈના દિલને ઠેશ પહોંચાડી ગઈ. પોતાનું જીવન ભારે લાગવા માંડ્યું પણ આ વાત અજયને નહોતી કરવી. વાત કરવાથી ઘરના સુખદ વાતાવરણ માટેનો અજયનો ભ્રમ ભાંગી જાય અને ઘરમાં ક્લેશ ઊભો થાય. તેમ જ વૃદ્ધાશ્રમમાં રહેવા જવા માટે ક્યારે ય તૈયાર ન થાય. વૃદ્ધાશ્રમમાં રહેવા ગયા પછી આ વાત રસિકભાઈની મદદથી સંભાળી લઈશ એટલે કોઈ મુશ્કેલી ઊભી નહીં થાય એમ વિચારીને નિર્ણય કરેલો. મનથી વિચારી રાખેલું કે સવારનાં અજય ગયા પછી નીકળી જઈશ.
બીટ્ટુ દાદાજી માટે પાણી લઈ આવ્યો. દાદાજીને પાણી પાયું પણ એને એ ના સમજાયું કે મેં દાદાજીને કેમ બહાર જાવ છો એ પૂછ્યું એટલે દાદાજી રડવા લાગ્યા ને પછી મારી વાત માની સાંજે બગીચામાં ફરવા જવાનું કહ્યું. મનુભાઈ પણ મનોમન ખુશ થયા કે સારું થયું બીટ્ટુએ પ્રશ્ન કરી મારા નિર્ણયને પરિવર્તિત કરી નાખ્યો. મારી પાસે મુદ્દલ – અજય અને મુદલનું રોકડું વ્યાજ બીટ્ટુ છે પછી મારે શું ચિંતા છે? હવે ક્યાં કાઢ્યા એટલા વરસ કાઢવાના છે. માણસે દરેક પરિસ્થિતિનું સમાધાન શોધી લેવું જોઈએ, હું પણ એમ જ કરીશ. બધી બાબત ભૂલી જઈને મનુભાઈએ બીટ્ટુને ઝૂલા ઉપર ઝૂલતા ઝૂલતા વાર્તા કહેવાની શરૂઆત કરી, એક હતો રાજા ..
ભાવનગર, ગુજરાત
e.mail : Nkt7848@gmail.com