તારા અને બીરુ બેઉ નાનપણનાં ભેરુ. સાથે રમતાં, સાથે નિશાળે જતાં અને સાથે ભાથાંની પોટલી છોડીને ખાતાં. એકબીજાને ન જુએ તો બાવરાં થઈ જતાં. ગામ આખાને ખબર હતી કે, આ બંને વહેલાં-મોડાં એક થવાનાં જ છે. અંતે આ પ્રેમી હૈયાં એક થયાં પણ ખરાં !
નવા પરણેલાં પ્રેમીજનો અને બેઉના પરિવાર – સૌ ખુશ હતાં. રાવલપિંડી નજીકના ગામમાં રહેતાં તારા અને બીરુને સ્વર્ગ જાણે હાથવેંતમાં લાગતું હતું. લગ્નને હજી તો માંડ છ મહિના થયા ત્યાં દુનિયાથી બેખબર આ યુવાન દિલો પર વજ્રાઘાત થયો. ખબર આવ્યા કે, હિંદુસ્તાન-પાકિસ્તાન અલગ થયાં છે. ગામનાં ગામ ખાલી થવા લાગ્યાં. લોકો ઉચાળા ભરીને ભાગવા લાગ્યાં. બીરુનાં મા-બાપ ઘર છોડીને ક્યાં ય જવા તૈયાર નહોતાં. એમણે બીરુને કહ્યું, ‘અમારી જિંદગીનાં કેટલાંક વરસ બચ્યાં છે, હવે અમારે આ ભૂમિ છોડીને નથી જવું.’
તારા અને બીરુએ કેટલું સમજાવ્યાં, હાથ જોડ્યાં પણ એ બંને ન જ માન્યાં. હા, એમણે પોતાનાં દીકરા-વહુને પ્રેમથી આઝાદ કરી દીધાં.
‘તમારી સામે આખી જિંદગી પડી છે. અમારી ઘરડાં-બુઢાંની ચિંતા કર્યા વગર તમે સહી-સલામત હિંદુસ્તાન પહોંચી જાવ. સદા સુખી રહો.’
હૈયે હૈયું દળાય એવી ભીડમાં તારા અને બીરુને ટ્રેનના ડબ્બાના ખૂણામાં માંડ પગ ટેકવવા જેટલી જગ્યા મળી. ઘરેથી લીધેલી બાચકી છાતીએ વળગાડીને બંને નિ:સહાયપણે ચારે તરફ ચાલી રહેલું હિંસાનું તાંડવ જોઈ રહ્યાં હતાં. ભૂખ તો ક્યાં ય ભુલાઈ ગઈ હતી પણ તારા તરસથી આકુળ-વ્યાકુળ થતી હતી. ભયંકર બફારો, ગરમી અને દસ-બાર કલાકથી પાણીનું ટીપું ય નહોતું મળ્યું. બીરુ આશ્વાસન આપતો હતો, ‘હવે કોઈ ઈસ્ટેસન આવશે ને ગાડી ઊભી રેશેને, તો દોડીને તારે વાસ્તે પાણી લઈ આવીશ. જરા ધીરજ રાખ, ને લાવ, મને પવાલું આપી રાખ.’
ધક્કા-મુક્કીમાં પ્યાલામાંથી અડધું પાણી તો છલકાઈને ઢોળાઈ ગયું હતું પણ બીરુને થયું કે, વાંધો નહીં, આટલાં પાણીથી તારાનું ગળું તો જરાક ભીનું થશે ને? પણ ક્યાં હતી તારા? અહીં જ તો બેસાડીને ગયો હતો! આ જ ડબ્બો હતો. આજુબાજુ માણસો પણ એ જ હતા.
‘ભાઈસા’બ અહીંયા મારી ઘરવાળી બેઠી’તી એને જોઈ? માંજરી આંખો છે, ગોરો વાન છે…’
‘એને કોઈ ઉપાડી તો નથી ગયું ને? તમને ખબર છે?’
પણ સૌને પોતપોતાનો જીવ બચાવવાની ફિકર હતી ત્યાં તારાની ખબર વળી કોણ રાખે? તારા, તારા બૂમો પાડતાં બીરુનું ગળું સુકાઈ ગયું. હિંદુસ્તાનના કોઈ સ્ટેશને ઊતર્યો ત્યારે એ અર્ધપાગલ જેવો થઈ ગયો હતો. હવે તો જો કે, એ વાતને ય વર્ષો થઈ ગયાં હતાં.
એ જ્યાં પહોંચ્યો હતો એ ગામ ભલે નાનકડું હતું પણ ગામલોકો પ્રેમાળ હતા. બીરુને સૌએ અપનાવી લીધો હતો. એ લોકોનું નાનું-મોટું કામ કરી આપતો એના બદલામાં એને બે ટંક ખાવાનું મળી રહેતું. જે કોઈ મળે એની પાસે હજી ય બીરુ એકનું એક રટણ કરતો, ‘મારી તારાને ક્યાં ય જોઈ? એ આવેને, તો એને જવા નહીં દેતા. એને બહુ તરસ લાગી હશે. હું એને માટે પાણી લઈ આવું.’
ભગત, ભુવા કે જ્યોતિષ પાસે જઈને એ એક જ સવાલ પૂછતો, ‘મારી તારા ક્યાં મળશે? ક્યારે મળશે?’
કોઈ કહેતું, તું પાણી લેવા ગયો હતો ને, ત્યારે ટ્રેનમાંથી કોઈ એને ઉપાડી ગયું, કોઈ વળી કહે,એ ફાંસો ખાઈને મરી ગઈ. અંતે એક પંડિતે કહ્યું, ‘જ્યાં સુધી તું વિધિપૂર્વક એનું શ્રાદ્ધ નહીં કરે ત્યાં સુધી એનો આત્મા ભટકતો રહેશે. એની અવગતિ ન થાય એ માટે તારે હરિદ્વાર જઈને એના અંતિમ સંસ્કાર કરવા જોઈએ.’
હરિદ્વાર જઈને પંડા પાસે કર્મકાંડ કરાવતો હતો ત્યાં એનું ખીસું કપાઈ ગયું. ગામલોકોએ દયા ખાઈને એને ફાળો એકઠો કરી આપેલો એ બધા પૈસા ચોરાઈ ગયા. હવે શું કરવું ને ક્યાં જવું એ ન સમજાતાં એ ગંગાકાંઠે બેસીને જોરજોરથી રડવા લાગ્યો. ત્યાંથી પસાર થઈ રહેલા એક સજ્જનને દયા આવી. એની આપવીતી જાણીને એમણે કહ્યું, ‘ભાઈ, હું તો ગંગા સ્નાન કરવા આવ્યો હતો. હમણાં મારી પાસે કશું નથી પણ મારે ઘરે ચાલો. હું શક્ય એટલી મદદ કરીશ.’
ઘરે પહોંચીને રસોડામાં જઈ એમણે પત્નીને સૂચના આપી, ‘આ માણસ બિચારો મુસીબતમાં આવી પડ્યો છે. એને પાણી-બાણી આપ ત્યાં હું રબડી અને સમોસા લઈ આવું.’
પાણી લઈને આવેલી તારાના હાથમાંથી બીરુને જોઈને ગ્લાસ પડી ગયો. હિબકાં ભરીને રડતાં એ કહેવા લાગી, ‘છેક હવે આવ્યો? તે દિવસે તું મારે માટે પાણી લેવા ગયો ત્યારે બે-ત્રણ ગુંડાઓ મને ખેંચીને બીજા ડબ્બામાં લઈ ગયેલા. ત્યારે આ દેવતા જેવા માણસે મને બચાવી એટલું જ નહીં, મને પોતાની પત્ની કરીને રાખી.’
વર્ષોથી જેને ઝંખતો હતો એને નજર સામે જોઈને બીરુથી રહેવાયું નહીં. એણે ઊભા થઈને તારાનો હાથ પકડી લીધો, ‘તારા, મારી તારા, આજે મારી પરીક્ષા પૂરી થઈ. ઉપરવાળાએ આપણને ફરીથી ભેગાં કર્યાં છે તો ચાલ અહીંથી ભાગી જઈને આપણે નવો સંસાર વસાવીએ.’
તારાએ ઝટકો મારીને હાથ છોડાવ્યો. ‘શું વાત કરે છે? શરમ નથી આવતી? આ દેવ પુરુષને છોડવાનો વિચાર પણ કરું તો ય ભગવાન મને માફ ન કરે. ભૂલી જજે કે, આપણે ફરી મળ્યાં’તાં. હવે તો તું તારે રસ્તે ને હું મારે રસ્તે. બીરુ, આજે જીવ્યા મુઆના જુહાર કરી લઈએ. પાછાં ફરવા માટે બહુ મોડું થઈ ગયું છે, બહુ મોડું …’ એ રડતી રડતી અંદર ચાલી ગઈ. થોડી વાર પછી એણે બહાર આવીને જોયું તો કોઈ નહોતું.
ગમેતેમ કરીને પોતાને ગામ પહોંચેલો બીરુ એક જ વાક્ય બોલ્યા કરતો હતો, ‘બહુ મોડું થઈ ગયું.’
ગામલોકોને લાગ્યું કે એની ડાગળી પૂરેપૂરી ચસકી ગઈ છે.
(નસીબસિંહ મનહાસની ડોગરી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 01 ડિસેમ્બર 2023; પૃ. 24