૧.
ગઝલ
જે ક્ષણે મેં શબ્દનું પૂજન કર્યું
લાગે છે ઈશ્વરનું આરાધન કર્યું
જીવવા જ્યારે મળી સુખની ઘડી
હાથ જોડી આભને વંદન કર્યું
હર ગઝલ સર્જન પછી લાગે મને
મેં અખિલ બ્રહ્માંડને ચુંબન કર્યુ
સાતે સાગર સુખથી છલકાતાં મળ્યાં
જો મિલનની પળનું અવલોકન કર્યું
આંગણે ઈશ્વરના લઈ આવ્યાં સગડ
પ્રીતનુ સાહિલ જો સંશોધન કર્યું
——————-
૨.
છું હવાનો અંશ મારું કોઈ ઠેકાણું નથી
કઇ દિશામાં તો ય મારું હોવું વરતાણું નથી
જો છલોછલ થાય તો એ દેવતાઈ જાણવું
જે ભરાઈ જાય એ માણસનું તરભાણું નથી
જોતજોતાંમાં છલોછલ જામ ખાલી થઈ ગયો
ટીપું યે પીધું નથી ટીપું યે ઢોળાણું નથી
આપેલું પાછું લઈ લેતાં ન શરમાયા પ્રભુ
જિંદગી પણ શું તમે આપેલ નજરાણું નથી
છે જગતના સર્વ જીવો એક મત આ વાત પર
શ્વાસ કરતાં કર્ણ પ્રિય બીજું કોઈ ગાણું નથી
ખુદ પ્રભુ જેવો પ્રભુ પણ ક્યાં હજી સર્જી શક્યો
એક એવી રાત કે જે રાતનું વ્હાણું નથી
એ તો સાહિલ ઠારે છે જઠરાગ્નિને બે ઘડી
જે જમાડે છે જગત એ ભાવતું ભાણું નથી
————-
૩.
જે ગુન્હો કર્યો નથી એ ગુન્હાની પણ મને કારમી સજા મળી
છે અલગ એ વાત કે એ સજામાં પણ મને મનભરી મજા મળી
અવદશાનાં કારણો શોધવાના યત્ન સહુ એમ ધૂળમાં મળ્યા
જેમજિન્દગી મળી કિન્તુ જીવવાની ના એક પણ વજા મળી
વેદના નદી મહીં મોકળાશથી કદી મન તરી શક્યું નથી
આમ ભીના શ્વાસને ઉમ્રભર વ્યથાના ઘર બાજુ આવ જા મળી
આભ આંબતા અહીં સેંકડો મકાન છે તોય શું નવાઈ છે
આભ ચુમતી મને એક પણ મકાન પર ના કોઈ ધજા મળી
કઇ દ્વિધામાં આયખું રામ જાણે રાત દિ ડૂમતું જ જાય છે
એ ત્રિભેટે ઊભો છું જ્યાં ન તો જીવન મળ્યું ના મને કજા મળી
લુપ્ત થઇ જવાનું જાણે છતાં સમુદ્રને ભેટવાને દોડતી
ટીપું જળને ઝંખતા રણ પ્રદેશને કહો ક્યારે શૈલજા મળી
કેટલા જનભથી સાહિલ તમારા દ્વાર પર મૌન ઓઢીઊભો છે
પણ તમારી મ્હેફિલે આવકાર ના મળ્યો એમ ના રજા મળી
નીસા ૩/૧૫, દયાનંદ નગર, રાજકોટ – ૩૬૦ ૦૦૨
e.mail : sahilrjt1946@gmail.com