
રવીન્દ્ર પારેખ
સરકાર માને છે કે પ્રજા મૂર્ખ છે ને વધારે મૂર્ખ બનવા સદા તત્પર રહે છે. પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો, પ્રજા જે રીતે સહી લે છે તે પરથી પણ લાગે છે કે તે મૂર્ખ બનવા ઉતાવળી છે. લોકોની યાદશક્તિ બહુ ટૂંકી હોય છે, એટલે તે બહુ ઝડપથી આગલી પાછલી વાતો ભૂલી જાય છે. લોકોને સતત યાદ અપાવવું પડે છે કે લોકડાઉન વખતે આખી દુનિયાને તાળું લાગેલું, ત્યારે પરિવહન જ બંધ જેવું હતું, પરિણામે દુનિયામાં ક્રૂડના ભાવ ખૂબ ઘટ્યા હતા ને એ વખતે પણ સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવો વધારવાનો આનંદ લઈ રહી હતી. ડ્યૂટી ને ટેક્સ ને બીજું ઘણું એટલું વધ્યું છે કે પેટ્રોલના ભાવ ડબલ થઈને સામે આવે છે. એ ખરું કે દેશની 80 કરોડ જનતાને સરકાર મફત અનાજ આજે પણ પૂરું પાડે છે ને હજી પૂરું પાડવાની ‘ગેરંટી’ આપે છે, તેથી આ ભાવ વધારો કેટલાકને ક્ષમ્ય પણ લાગતો હશે, પણ એમાં સચ્ચાઈ ઓછી છે. ઓછી એટલા માટે કે જે હેતુસર ભાવ વધતાં હોય તે નીતિ અને જે મદદ થતી હોય તે નીતિ સ્પષ્ટ હોવી જોઈએ. એમાં એકને ગોળ ને એકને ખોળ – જેવું થવાની શક્યતાઓ છે. એવું ન થાય તેટલું જોવાય તો ય ઘણું છે.
સરકાર ગોળ-ખોળ જેવું પેટ્રોલ-ડીઝલમાં કરી રહી છે. પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ પોતે કબૂલ કર્યું છે કે સરકારી ઓઇલ કંપનીઓએ છેલ્લા કેટલાક ક્વાર્ટર્સમાં નફો ચોક્કસ કર્યો છે, પણ તે અગાઉ કિંમત વધવાથી ખોટ પણ કરી છે. એ ખોટ ક્યારે અને કેવી રીતે કરી છે તેનો ખુલાસો નથી થયો. એ ખોટ કંપનીઓએ ખરેખર જ કરી હોય તો એ સરભર થયા પછી પણ, છેલ્લા છ મહિનામાં 47,000 કરોડનો નફો કંપનીઓ કેવી રીતે કરતી થઈ તેનો ખુલાસો થવો જોઈએ. સાદી નીતિ તો એ જ હોય કે વૈશ્વિક સ્તરે ભાવ વધે તો દેશમાં ભાવ વધે ને ભાવ ઘટે તો દેશમાં પણ ઘટે, પણ અહીં એવું થતું નથી. વૈશ્વિક બજારોમાં ભાવ વધે ત્યારે તો ભાવ વધે જ છે, પણ ઘટે તો ઘટતા નથી કે સ્થિર પણ રહેતા નથી, બલકે, વધે છે ને એ કોરોના વખતે ભારતીય પ્રજાએ તીવ્રપણે અનુભવ્યું છે.
બીજું એક બહાનું યુદ્ધનું આગળ કરાય છે. રશિયા-યુક્રેન, ઈઝરાયેલ-હમાસનાં યુદ્ધની અસર વૈશ્વિક રીતે પડતી હોય એ સમજી શકાય એવું છે. યુદ્ધને લીધે કાર્ગો શિપ પર આક્રમણો થઈ રહ્યાં હોય કે વૈશ્વિક બજાર અકળ જણાતું હોય ને એને લીધે ભવિષ્યમાં સપ્લાયના પ્રશ્નો ઊભા થઈ શકે એમ હોય ને તે સાચું હોય તો પણ, ભવિષ્યની ચિંતામાં વર્તમાનનો દાટ વળે એ તો બરાબર નથીને ! વર્ષો પછી ફાંસી થવાની હોય એની ચિંતામાં આજથી તો દોરડું ગળામાં ઘાલીને ન ફર્યા કરાયને ! પેટ્રોલ-ડીઝલના ભાવ આંતર રાષ્ટ્રીય સ્તરે ભાવ વધે તો અહીં વધે, એ જ રીતે ઘટે તો અહીં પણ ઘટે એ સીધો હિસાબ છે.
કમાલ તો એ છે કે 28 ડિસેમ્બર, 2023ના અખબારોમાં પ્રગટ થયેલા સમાચારોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ લિટરે 6થી 10 રૂપિયા ઘટાડવા સરકાર જઈ રહી છે એવી વાત હતી. આ ઘટાડાની કોઈએ માંગ કરી નથી કે નથી કોઈએ એ અંગે કોઈ વાત પણ કાઢી. આ વાત સરકાર તરફથી જ મીડિયામાં આવી છે ને હવે સરકાર કહે છે કે ભાવ ઘટાડવાની વાત સરકારે કરી નથી. એ અફવા છે. તો સવાલ એ થાય કે એ અફવા કોણે ફેલાવી? સરકારે કે અખબારે? હવે મીડિયા અફવાઓ ફેલાવવા માટે જ છે એમ માનવાનું છે? કે સરકાર બોલીને ફરી જાય છે? સાચું તો એ છે કે વિશ્વસનીયતા બંનેએ ગુમાવી છે.
છેલ્લા 19 મહિનામાં ક્રૂડ 31 ટકા સસ્તું થયું છે, પણ કેન્દ્ર કહે છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટશે નહીં. અગાઉ મે, 2022માં પેટ્રોલ-ડીઝલની કિંમત 8 ટકા ઘટી હતી, તે પછીથી ભાવો સ્થિર રહ્યા છે. એની સામે ક્રૂડ 116.01 ડોલર પરથી જાન્યુઆરી 2024માં 75 ડોલર સુધી નીચે ઊતરી આવ્યું છે, જ્યારે દિલ્હીમાં 22 જૂન, 2022થી 3 જાન્યુઆરી. 2024 સુધીમાં પેટ્રોલ 96.72 પ્રતિ લિટરના ભાવે સ્થિર જ છે. ઓઇલ કંપનીઓ સરકારની માલિકીની છે, પણ તેના પર તેનો કાબૂ જણાતો નથી. ભાવની વધઘટ માટે સરકારે કંપનીઓની મંજૂરી લેવી પડતી હોય તેમ સરકાર કહે છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડા અંગે કંપનીઓ સાથે વાત થઈ નથી.
28 ડિસેમ્બર, 2023ના અખબારો કહે છે કે ઓઇલના ભાવો ઘટાડવા અંગે સરકાર – નાણાં મંત્રાલય અને તેલ કંપનીઓ વચ્ચે વાટાઘાટ ચાલે છે ને 4 જાન્યુઆરી, 2024ને રોજ સમાચાર આવે છે કે ભાવ ઘટાડાની વાત અફવા છે. કાલે કોઈ આ અફવાને પણ અફવા કહે એટલી જ વિશ્વસનીયતા હવે બચી છે. ગમ્મત તો એ છે કે પેટ્રોલ કંપનીઓએ 6 મહિનામાં 47,000 કરોડનો નફો કર્યો છે, પણ ભાવ ઘટાડવાની વાત આવે છે તો બહાના બનાવાય છે. કમાલ એ છે કે યુદ્ધને બહાને ભાવ ઘટાડો થઈ શકતો નથી, ભલે પછી ક્રૂડના ભાવો યુદ્ધમાં પણ ઘટતા જતા હોય ! એ યુદ્ધ અલબત્ત ! ભાવ વધારવામાં તો કામ લાગે જ છે. 28 ડિસેમ્બરના સમાચારને સરકાર અફવા ગણાવે છે, પણ 4 જાન્યુઆરી, 2024ના સમાચાર મુજબ ગુજરાતમાં પેટ્રોલ લિટરે 84 પૈસા વધવાની વાત અફવા નથી, કારણ એની અસર સીધી ગજવાને થવા લાગી છે. પંજાબમાં તો ડીઝલ પણ 48 પૈસા મોંઘું થયું છે. એ જ સ્થિતિ ઝારખંડ, મધ્ય પ્રદેશ, ગોવાની છે. જો કે, મહારાષ્ટ્ર, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં પેટ્રોલના ભાવો 11-12 પૈસા ઘટ્યા પણ છે.
આ અકળ છે. અકળ એટલા માટે કે એક જ પેટ્રોલ એક જગ્યાએ મોંઘું છે, તો બીજે સસ્તું છે. અહીં એવી દલીલ થઈ શકે કે કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, કોઈનું ભૌગોલિક અંતર વધુ હોય તો ભાવમાં ઓછુંવત્તું થાય, પણ ગોવામાં ભાવ વધે છે તો જમ્મુ-કાશ્મીરમાં ઘટે છે, મધ્ય પ્રદેશમાં વધે છે તો મહારાષ્ટ્રમાં ઘટે છે. આની પાછળનું લૉજિક નથી સમજાતું. એક વસ્તુ સમજાય છે તે એ કે કોઈ પણ બજેટમાં દેખાડાનું ફંડ અલગ ફાળવાતું નથી અને જાહેરાતો પાછળ, રેલી-રેલા પાછળ, ઉજવણાંઓ પાછળ જે અઢળક ખર્ચાઓ થાય છે તે ક્યાંથી આવે છે? કોઈ કહી શકે કે એ, લોકોએ આપેલાં ફંડમાંથી, પાર્ટી ફન્ડમાંથી કે ઉદ્યોગપતિઓની મદદથી થાય છે, તો ભલે તેમ, પણ એ પછી થતો ખર્ચ યોગ્ય દિશાનો જ છે એવું ખાતરીપૂર્વક કહી શકાય એમ છે? ક્યાંક, કૈંક તો ખોટું છે. બીજું કૈં નહીં તો પારદર્શિતા તો ક્યાંક ખૂટે જ છે.
કારણો ગમે તે હોય, બચાવ પણ વાજબી હોય, તો પણ, એમ લાગે છે કે આંતરરાષ્ટ્રીય કિંમતો ઑર ઘટે તો આપણે ત્યાં પેટ્રોલ-ડીઝલ ઑર મોંઘા થાય એમ બને. સરકાર એ જાણે છે કે સ્કૂટર, કાર કે ટ્રક હાંકનારાઓ વાહન માથે ઊંચકીને દોડવાનાં નથી. એ મશીનોને ઓઇલ કે બીજું કૈં પણ જોઈવાનું જ છે ને એ મફત કે સસ્તું લાંબે ગાળે પણ મળવાનું નથી, તો બીજાઓની જેમ સરકાર પણ એનો લાભ લેવાનું કેમ ચૂકે? ટૂંકમાં, આ રોજની રામાયણ છે ને રોજ મરે તેનું કોણ રડે? જો લકઝરી પ્રજા ભોગવતી હોય તો સરકારે શો ગુનો કર્યો છે? કોઈ સરકારે અગાઉ ન ભોગવી હોય એવી લકઝરી આજની સરકાર ભોગવે તો એનો વાંક પણ શો કાઢવો? એનેય જગતમાં નામ કરવું હોય ને જગતને બતાવી આપવું હોય તો તે કોના જીવ પર કરશે?
– ને એ હકીકત છે કે આજે તો આ દેશ સૂત્રો, દેખાડા અને ધાર્મિક સંસ્કારો પર નિર્ભર છે. તે રામ નામથી લઈને રામનામ સત્ય હૈ – સુધી વિકસ્યો છે, ત્યારે કિશોરકુમારનું એક ગીત, ‘હરે રામ, હરે કૃષ્ણ’ ફિલ્મનું ‘દેખો ઓ દીવાનો તુમ યે કામ ના કરો …’ યાદ આવે છે. લોકોને એ યાદ આવે તો આનંદ થાય …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 જાન્યુઆરી 2024