2023ની 2024ને ખો, લોકસભા અને રાજ્ય સભા વાસ્તવિકતા સહભાગી પ્રતિનિધિત્વથી વંચિત
સંસદનું અંદાજપત્ર સત્ર પહેલી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે ત્યારે આ સત્રમાં અંદાજપત્ર સહિત અગત્યની બાબતો ચર્ચવા સારુ કેવો ને કેટલો સમય વાસ્તવમાં ફાળવાશે તે અધ્ધરજીવે જોવું રહે છે. આ જ સત્રમાં વિવાદાસ્પદ નાગરિકતા ધારો (સી.એ.એ.) પણ અપેક્ષિત છે. એમાં ચર્ચા-ભાગીદારી કેવી ને કેટલી હશે તે પણ જોવું રહે છે.
કંઈક અંદેશા અને ઉચાટ સાથે વાત શરૂ કરવા પાછળનો ધક્કો હમણેના ગાળામાં આપણાં બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભા, જે હદે વાસ્તવિક સહભાગી પ્રતિનિધિત્વથી વંચિત અનુભવાય છે એનો છે. કોઈ વિગતવાર સર્વેક્ષણમાં ગયા વગર અગાઉનાં ગૃહો સાથે જાડા હિસાબને ધોરણે પણ સરખામણી કરીએ તો છેલ્લે જોવા મળ્યું તેમ 146 જેટલા સન્માન્ય સાંસદો એક સાથે સસ્પેન્ડેડ હોય એટલે કે આમે અલ્પસંખ્યક જેવા વિપક્ષની હાજરી નકરી નામકે વાસ્તે હોય એવું કદાપિ બન્યું નથી. પાછળ નજર કરીએ તો એક જ ઉદાહરણ સામે આવે છે, અને તે ગુણાત્મકપણે જુદું પડે છે. રાજીવ ગાંધી અને બોફોર્સ પ્રકરણ બહુ ગાજ્યાં ત્યારે વિશ્વનાથ પ્રતાપસિંહ સહિત વિપક્ષી સાંસદોએ સ્વૈચ્છિક ધોરણે સભ્યપદ છોડવાપણું જોયું હતું, કેમ કે સમગ્ર પ્રશ્નમાં ગૃહને બાદ ને બાકાત રાખવાની કોશિશ સત્તાપક્ષની હતી. સત્તાપક્ષની ઉત્તરદાયિતા અને નૈતિકતાને મુદ્દે વિપક્ષે ગૃહનાં સભ્યપદાં છોડી સવિનય સત્યાગ્રહ સરખી એક ચેષ્ટા કરી હતી. અત્યારે સત્તાવાર વલણ ગૃહને વિપક્ષમુક્ત રાખવાનું જણાય છે.
146 સાંસદોનું સસ્પેન્ડેડ હોવું એ તરત સામે આવે છે અને એ સંદર્ભમાં સત્તાપક્ષ સામે વાજબીપણે જ ટીકાસ્ત્ર છોડાય છે. વિપક્ષની કથિત અશિસ્તની ટીકા અસ્થાને નથી. પણ એની સરખામણીમાં સત્તાપક્ષનો વ્યવહાર તપાસનાં તે ટીકા ફીકી પડી જાય છે. ગૃહમાં સુરક્ષા ભંગને મુદ્દે ચર્ચા માટે ગૃહ પ્રધાન ચાલુ ગૃહે પણ તૈયાર ન હોય એવું નેહરુના કાળમાં તો શું વાજપેયી-અડવાણીના કાળમાં પણ બન્યું નહોતું.
પ્રશ્ન કલાક, કવેશ્ચન અવર, એનો મહિમા ક્યારેક કેટલો હશે તે તો કામકાજનાં પહેલા કલાક તરીકે એને જે સ્થાનમાન અપાયેલ છે એથી સમજાઇ રહે છે. પણ 2023ના વરસમાં અંદાજપત્ર સત્રમાં પ્રશ્ન કલાકને માટે ફાળવાતા સમયનો આખો 19 ટકા હિસ્સો લોકસભામાં વાપરી શકાયો હતો, જ્યારે રાજ્યસભામાં તો 9 ટકાની નીચી સપાટીએ તે પહોંચી ગયો હતો.
2023ની એકત્રીસમી જાન્યુઆરીથી એપ્રિલની છઠ્ઠી સુધીના આ હાલ હતા તો તે પછીના ચોમાસું સત્રનું ચિત્ર શું હતું ? વીસમી જુલાઈથી અગિયારમી ઓગસ્ટના આ ગાળામાં લોકસભાએ વીસ જેટલા ખરડા, તે દરેક પાછળ એક કલાકથીયે ઓછા સમયમાં પસાર કર્યા હતા. બીજા નવ ખરડા વળી દરેક દીઠ વીસ મિનિટની સરેરાશે પસાર થયા હતા.
તે પછી સપ્ટેમ્બરની 18મીથી 22મી સુધીના પાંચ દિવસ માટે સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ અમૃતકાળમાં અર્થપૂર્ણ ચર્ચાવિચારણા માટે ખાસ બેઠકની જાહેરાત કરી હતી. પણ આ પાંચ દિવસ (અમૃતકાળના માનમાં?) ન તો પ્રશ્ન કલાક હતો, ન તો કોઈ બિનસરકારી ખરડા પર ચર્ચાને અવકાશ હતો.
પાર્લમેન્ટ એ પ્રયોગ ‘ટુ પાર્લે’ એટલે કે વાતચીત ને ચર્ચાવિચારણા કરવી તે ખયાલમાંથી આવેલો છે. અહીં જો પ્રશ્ન કલાક, ખરડાવાર વિગતવાર ચર્ચા, બિનસરકારી ખરડા કશાંને સારુ અવકાશ ન હોય, નકરો અલ્લાયો જ અલ્લાયો હોય તો આપણે છાપરે ચડીને આપણને માતૃ લોકતંત્ર – મધર ઓફ ડેમોક્રસી – તરીકે ઓળખાવીએ તે બેમતલબ છે એ ભાગ્યે જ ઉમેરવું રહે છે.
વિપક્ષને બાકાત રાખીએ અને ગૃહને ચર્ચામુક્ત રાખીને કામ ચલાવી તો શકાય પણ તે માટે અહીં લોકશાહીને બદલે ચુંટાયેલ આપમુખત્યારશાહી (ઇલેક્ટેડ ઓટોક્રસી) જાહેર કરવાની તૈયારી હોવી જોઈએ.
e.mail : prakash.nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 03 જાન્યુઆરી 2024