પન્નાબહેન મહિનાઓથી દીકરીને જોઈતો સામાન લાવવામાં અને એને ભાવતી વાનગીઓ બનાવવામાં વ્યસ્ત થઈ ગયાં હતાં. આમ તો ભૂમિને પરણાવીને અમેરિકા મોકલી એ વાતને પાંચ વર્ષ થઈ ગયાં અને એ દરમ્યાન એ બે વાર દીકરી પાસે જઈ આવેલાં. તો ય થોડો વખત થાય ન થાય ત્યાં એનું રટણ ચાલુ થઈ જાય,
“મમ્મી, તને જોવાનું બહુ મન થયું છે. તારા હાથની વેડમી, ભરેલા ભીંડાનું શાક અને ઊંધિયું તો મને સપનામાં આવે છે. ક્યારે આવે છે તું? તું કહે ત્યારની ટિકિટ મોકલું.”
“બેટા, તારી બધી વાત સાચી, ને મને પણ તું યાદ નહીં આવતી હોય? પણ હવે આટલી લાંબી મુસાફરીનો થાક લાગે છે. એના કરતાં તો તું …”
“મને ખબર છે કે, તું આગળ શું કહેવાની છે, પણ મેં તને કેટલી વાર કહ્યું છે કે મારે ત્યાં નથી આવવું. ત્યાં આવીને વળી પાછું …” બોલતાં બોલતાં એનો અવાજ ભરાઈ આવતો.
“હા ભઈ હા. દિવસ નક્કી કરીને તને જણાવું. બસ, હવે રાજી?”
આવતી કાલે રાતની ફ્લાઈટ હતી. પન્નાબહેન સામાન પર છેલ્લી નજર નાખી રહ્યાં હતાં કે, કંઈ રહી તો નથી જતું ને? બધું જોતાં જોતાં એ પલંગ પર બેસી પડ્યાં અને વિચારવા લાગ્યાં કે, દીકરીની આજની પરિસ્થિતિ માટે પોતાનો દુરાગ્રહ જ જવાબદાર છે. સોફ્ટવેર એંજિનિયર થયેલો વિશાલ ખાસ લગ્ન માટે ભારત આવ્યો છે એ ખબર મળ્યા ત્યારથી એ ભૂમિની પાછળ પડી ગયેલાં, “આટલો સ્માર્ટ, ભણેલો-ગણેલો અને કમાતો ધમાતો છોકરો બીજે ક્યાં મળવાનો? અમેરિકામાં બંગલો, ગાડી અને તગડા પગારની નોકરી. આ બધું જવા દઈશું તો તું ને હું હાથ ઘસતાં રહી જશું. તારા પપ્પાની ગેરહાજરીમાં હું એકલી ક્યાં ક્યાં મુરતિયો શોધતી ફરીશ?”
“પણ મમ્મી, મને થોડો સમય તો આપ! બે મુલાકાતમાં હું એને કેવી રીતે ઓળખી શકું? આમ ‘ચટ મંગની ને પટ શાદી’ કરીને પસ્તાવું પડશે ત્યારે?”
અંતે એમના દબાણને વશ થઈને ભૂમિએ હા પાડવી પડી અને માએ જે દરવાજો ચીંધ્યો એમાં એણે મૂંગે મોઢે પ્રવેશ કર્યો હતો.
ન્યુજર્સી પહોંચતાંની સાથે જ એને સમજાઈ ગયું કે, વિશાલે જે ચાંદ-તારા બતાવ્યા હતા એનું કોઈ અસ્તિત્વ જ નહોતું. નહોતો બંગલો કે નહોતી ગાડી. એ બધું તો ઠીક, પણ ભૂમિને પોતાના કરતાં વધુ પગારની નોકરી મળી ગઈ એ એનાથી જરા ય સહન નહોતું થયું. લગ્નને માંડ બે મહિના થયા હશે ત્યાં વિશાલનો કકળાટ ચાલુ થયેલો,
“કંઈ જરૂર નથી નોકરી કરવાની. પહેલાં અમેરિકાની રીત-ભાત શીખ, ઘર કેવી રીતે સાચવવું એ શીખ, પછી બીજી વાત.”
ગમે તે થાય પણ નોકરી નહીં છોડવાની વાત પર ભૂમિ મક્કમ રહી ત્યારે એના કોઈ સહકર્મચારી સાથે નામ જોડીને વિશાલે એના ચારિત્ર્ય પર છાંટા ઉડાડવાનો પ્રયત્ન કર્યો. લગ્ન ટકાવી રાખવાની મથામણ કરતાં કરતાં ભૂમિ માનસિક રીતે તૂટી ચૂકી હતી. કંપનીએ એને ટોરોંટોમાં ટ્રાંસફર આપી ત્યારે તરત એ સ્વીકારી લઈને ત્યાં પહોંચ્યા પછી એણે કાયદેસર રીતે છૂટાછેડા લઈ લીધેલા. આ અપરાધભાવ પન્નાબહેનને કોરી ખાતો પણ ભૂમિએ કદી પણ એમની પર દોષારોપણ નહોતું કર્યું. જ્યારે પણ ફોન પર વાત થાય ત્યારે એ કહેતી, “મારી જરા ય ચિંતા નહીં કરતી મમ્મી, હું ખુશ છું. એક બંધનમાંથી મુક્ત થઈ એવું અનુભવું છું. એ ય મમ્મી, ચાલ, આંખો લૂછી કાઢ તો! અને સાંભળ, આવે ત્યારે ચીકી અને શીંગ-ચણા લાવવાનું ભૂલતી નહીં.”
“દીકરી મારી, હજી તું એ બધા સ્વાદ ભૂલી નથી, કેમ?”
“જે દિવસે એ સ્વાદ ભૂલીશને મમ્મી, તે દિવસે તને અને મારા દેશને પણ ભૂલી જઈશ. એ સ્વાદની યાદ તો મારી જિંદગી છે.”
સમીરે તો કહ્યું હતું, “મમ્મી, સામાનનું વજન વધારે થશે તો આપણે પૈસા ભરી દઈશું,” પણ તોયે એરપોર્ટ જતાં પન્નાબહેન આખો રસ્તો પ્રાર્થના કરતાં રહ્યાં, “હે ભગવાન, વધારે ચેકીંગ ન થાય એવું કરજો. પણ ચેકીંગ તો થયું જ.”
બાજરાનો લોટ, નાળિયેરનું ખમણ, શીંગ-ચણા, રેવડી, ગજક – બધી ચીજો બહાર કાઢી કાઢીને ચેકીંગ ઑફિસરે પૂછ્યું, “આ બધું શું લઈ જાવ છો? આવા લોટ-બોટ નહીં લઈ જઈ શકાય.”
ખલાસ! જે બીક હતી એ જ થયું. હવે? ભૂમિની મનગમતી ચીજો કેવી રીતે લઈ જઈશ? એમની આંખો ભીની થઈ ગઈ. અચાનક એમને શું સૂઝ્યું તે સામાન સમેટવાનો બાજુએ રાખી, શીંગ-ચણાનું પેકેટ હાથમાં લઈને ઑફિસર પાસે પહોંચ્યાં અને ગળગળા સાદે કહેવા લાગ્યાં, “આ બધું તમે જુઓ છો ને સાહેબ, એ માત્ર ખાવાની ચીજો નથી. આ પેકેટોમાં તો આ દેશની ખુશ્બૂ છે, દેશનો પ્રેમ છે, અહીંનો સ્વાદ છે. આ એવો સ્વાદ છે જે મારી દીકરી પાંચ વર્ષ અમેરિકામાં રહ્યા પછી પણ નથી ભૂલી.” પછી સાડીના પાલવથી આંખો લૂછતાં બોલ્યાં,
“સાહેબ, તમારે દીકરી છે? દીકરી હોય તો તમે ચોક્કસ સમજી શકશો કે, દીકરીએ ખાસ યાદ કરીને મંગાવી હોય એ એને ભાવતી ચીજ આપણે ન લઈ જઈ શકીએ તો આપણા હૈયા પર શું વીતે? પરદેશમાં બેઠેલી મારી દીકરી માની રાહ તો જોતી જ હશે પણ સાથે દેશના સ્વાદની પણ રાહ જોતી હશે.”
ઑફિસરે ઈશારાથી એમને બધું લઈ જવાની છૂટ આપી. બધો સામાન ફરીથી બેગમાં મૂકતાં એકાએક એમને વિચાર આવ્યો ને એક રેવડીનું પેકેટ લઈને ઑફિસર પાસે ગયાં.
“સાહેબ, તમે મને પરવાનગી આપી એ પરથી હું સમજી ગઈ કે, તમારે ઘરે પણ દીકરી છે. આ રેવડી એક મા તરફથી એક દીકરીને પ્રેમ સાથે ભેટ તરીકે આપું છું. પ્લીઝ, ના ન કહેશો.”
અધિકારીએ પેકેટ આંખે અડાડીને ચૂમી લીધું. પન્નાબહેન એ જોઈને હસુ હસુ થઈ રહ્યાં.
(સુધા ગોયલની હિંદી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ફેબ્રુઆરી 2024; પૃ. 24