વૈશાખ મહિનાનો ધોમ ધખતો તાપ ! રાજા અને રાણીના મહેલમાં પણ જાણે લૂના વાયરા વાવા લાગ્યા. એ બળબળતી બપોરે રાજાને કેમે કરી ચેન નહોતું પડતું. એ તો રાજા ! તાપે ધખ ધખતી બપોર એમણે ઘોડે સવારોને હુકમ કર્યો, ચાલો, વનમાં જઈએ કોઈ ઝરણાં કે તળાવે ! પવનની લહેરખીમાં આનંદ પ્રમોદ કરીએ, રાજા તો ઉપડ્યા. રાણીવાસમાં ગરમીમાં અકળાતાં રાજાની વ્હાલી રાણી કરુણાવતીએ જ્યારે જાણ્યું કે રાજા રસાલા સાથે આ ધોમ ધખતાં તાપમાં વનમાં તળાવે જાય છે. તેણે સંદેશો મોકલ્યો, ‘મહારાજને હું વિનંતી કરું છું કે આ ઉનાળાની બપોરે તમો મહેલમાંથી બહાર ના જાવ, ને જો જવું જ હોય તો મારો ઘોડો પણ તૈયાર રાખો ને હું પણ તમારી સાથે આવીશ.’
રાજા અને સેનાપતિની વિનંતીને ગણકાર્યા વિના રાણીએ પણ જીદ કરી. રાણીની જીદ આગળ રાજાએ નમતું મૂકયું. રાજા-રાણીની સવારીની આગળ જાણીતા સેનાપતિ અને એમનો કાફલો ચાલે.
જોત જોતામાં તો રાજાના કાફલાએ વન છોડ્યું. વનમાંના બે ઝરણાં અને સરસ મજાનું તળાવ પણ પસાર કર્યું. સુકાઈ ગયેલાં ઝરણાં ને તળાવનાં ઊંડાં ઉતરેલાં પાણી જોઇ, સેનાપતિ રાજાને રોકવા લાગ્યા, ‘મહારાજ વન પસાર થઇ ગયું છે. જુઓ તળાવનાં ને ઝરણાંનાં પાણી શોષાઈ ગયાં છે. આ મૂંગાં પશુ પંખીઓએ પાણી વગર ટળવળીને પ્રાણ ત્યજ્યા છે.
ટેકરીને પેલે પાર તો બોડિયો ડુંગર ને પછી આવશે સૂકું ભઠ રણ ! ચાલો મહારાજ હુકમ કરો પાછાં વળીએ, રાજા હસીને બોલ્યા, ‘સેનાપતિ, તમે થાક્યા હો તો પાછા વળો, અમે હવે શિકારની શોધમાં છીએ,’ ‘પણ મહારાજ, હવે તો આ રણ દેખાય’, થોડી થોડી વારે રાજાને સેનાપતિ વિનવે. ‘મહારાજ, આ ઊંટની પણ ચામડી બળે એટલી ગરમી છે. મેં મારા સૈનિકોને આગળ મોકલ્યા છે. એમાંથી લૂ લાગવાથી બે જણ પાછા વળ્યાં છે.’
રાજા હસ્યા, ‘ને કહ્યું તમે પાછા વળો, સાથે રાણીબાને લેતા જાવ.’
‘મારા સ્વામી, તમે પાછા વળો તો હું પાછી વળું !’ રાણીબાનો ઘોડો રાજાના ઘોડાના લગોલગ ચાલવા લાગ્યો. રાજાની સાથે રાણી પણ જાય છે, રાજા રાણીને કહે છે, ‘આટલે સુધી આવ્યો છું શિકાર તો કરવાનો જ !’
રાજાએ એમની તેજ ઘોડીને લાત મારી, તે પવન વેગે જાણે ઉડી. રાણીએ પણ એના તેજી ઘોડાને ઈશારો કર્યો. લાંબી મજલ પછી બંને જણ એક સૂકા ઝાંખરા આગળ આવી ઊભા રહ્યાં. રાણીની નજીક જઈ રાજાએ કહ્યું, ‘જુઓ પેલા હરણાંની જોડી ! એક તીરે બે શિકાર થાય એમ બંને જણ લગોલગ ઊભા છે.’
રાજાએ બાણ કાઢ્યું ને રાણીએ મંદ હાસ્ય કરી રાજાને આડા હાથ કરી રોક્યા. ને તે બોલ્યાં, ‘મહારાજ આ તો ભર રણમાં રમણેચઢેલી તમારા ને મારા જેવી જુગલ જોડી. એમને છૂટાં ના પડાય!’
‘તો ભલે, તમે કહો છો તો તમ કાજે ચાલો જીવતાં પકડી લાવું ?’
રાજાએ બાણ ભાથામાં મૂક્યું ને રાણીનો હાથ પકડી હરણાંની જોડી આગળ આવ્યાં; પણ એ શું થયું ? એ નજીક પહોંચે તે પહેલા તો બંનેના પ્રાણ પંખીડા ઉડી ગયા. રાણી હબકાઈને રાજાને વળગી અને એણે રાજાને કહ્યું,
‘ખડો ન દીસે પારધી, લાગ્યો ન દીસે બાણ,
તુજને પૂછ્યું કંથ, કેવી રીતે છાંડ્યાં પ્રાણ ?’
રાજાએ બાજુમાં નાનકડું ખાબોચિયું જોઈ, ને વિચારીને કહ્યું, ‘રાણી જુવો ખોબા જેટલું પાણી, ફક્ત એકની તરસ છીપાય.’ ને પછી તો, રણને આંસુ આવી જાય એવા સાદે રાણા બોલ્યા,
‘જળ થોડો ઓર નેહ ઘણો,
યહી ઈશ્ક કા પ્રમાણ !
તું પી, તું પી, એહ કરત,
દોનોને, ઇસ બિધ છાંડયો પ્રાણ’
(શાહબુદ્દીન રાઠોડ કહે છે, ‘એવો હોય તો પ્રેમ બાકી બધો વ્હેમ !’)
આ લોક દોહો સાંભળીને આજ કાલ ભારતમાં આગ ઓકતી ગરમી વિશે જાણીને મેં રચેલી એક કાલ્પનિક રાજસ્થાનની ભૂમિ પરની નાનકડી પ્રેમ કથા !!
૨૧-૫-૨૦૨૪; બોસ્ટન, અમેરિકા
e.mail : mdinamdar@hotmail.com