ભલે પંચોતેરનાં થયાં હોય પણ નીતાબહેન અત્યાર સુધી એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત હતાં. ઘરનાં નાનાંમોટાં કામ કે શાકભાજી અથવા ફળફળાદિની ખરીદી એમણે પોતાને હસ્તક રાખેલી એટલે નોકરી કરતી વહુ રંજનાને નિરાંત હતી. કદાચ, મદદરૂપ થતાં તેથી જ એમનું માન હતું.
અત્યારે પથારીમાં પડ્યાં પડ્યાં નીતાબહેન એ કમનસીબ દિવસને યાદ કરી રહ્યાં જ્યારે અચાનક જ કમરમાં એવો સણકો ઊપડ્યો કે એમનાથી ચીસ પડાઈ ગયેલી. ન હાલી-ચાલી શકાય કે ન સૂઈ-બેસી શકાય. પડખું ફરવા જાય ત્યારે તો થાય કે, હમણાં જીવ નીકળી જશે. કરોડરજ્જુના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરે નિદાન કરતાં ફેંસલો સંભળાવેલો, માજીની ઉંમર વધારે છે પણ સ્પાઈન સર્જરી કરાવ્યા વિના ચાલે એમ નથી. હૉસ્પિટલમાંથી રજા આપતાં પહેલાં ફિઝિયોથેરપિસ્ટે પ્રેમથી સમજાવેલું, આંટી, બહુ નાજુક ઑપરેશન થયું છે તેથી તકલીફ તો થવાની જ, દુ:ખાવો પણ રહેશે પણ ચાલવાની કોશિશ તો કરવી જ પડશે. શરૂઆતમાં જ પ્રયત્ન નહીં કરો તો હંમેશ માટે પથારીવશ રહેવું પડશે.
આ પથારીવશ શબ્દએ એમને ગભરાવી મૂક્યાં હતાં. વળી એ જોઈ શકતાં હતાં કે ઘરનાં બધાં કામનો અને પોતાની માંદગીનો બોજો માથે આવી પડવાથી રંજનાનો સ્વભાવ અને વર્તન પણ બદલાયાં હતાં. બે-ચાર બૂમ પાડે ત્યારે માંડ આવીને એ ઘૂરકિયું કરતી, ‘મમ્મી, કેટલી બૂમો પાડો છો! સવાર સવારમાં મારે કેટલાં કામ હોય! જરા શાંતિ રાખતાં હો તો!’
આમ તો એમને માટે રાત-દિવસની નર્સ રાખી હતી પણ ક્યારેક થતું કે, કોઈ પ્રેમથી માથે હાથ ફેરવે, પૂછે કે, આજે કેમ ઓછું ખાધું? જો કે, હવે ધીમે ધીમે એમને સમજાતું જતું હતું કે, આવી અપેક્ષા રાખવાથી પોતાના મનને જ ક્લેશ થવાનો છે.
પાસે પડેલા રેડિયાની સ્વીચ દબાવી તો એમાંથી દર્દીલું ગીત વહી આવ્યું, ‘પિંજરે કે પંછી રે, તેરા દરદ ન જાને કોઈ …’ એમની આંખોમાં આંસુ છલકાયાં. થયું, ‘સાચે જ, મારી આ પરવશતાનું દુ:ખ કોઈને નહીં સમજાય.’
અમિતના મિત્ર અને એની પત્ની એમની ખબર પૂછવા આવેલાં. ઘડીક એમની પાસે બેસીને ચારે જણ દીવનખાનામાં વાતો કરતાં બેઠાં હતાં. એકદમ શાંતિ હોવાથી એમની વાતો નીતાબહેન સાંભળી શકતાં હતાં.
અમિત, આ ઉંમરે મેજર ઑપરેશન થયું છે. હવે આંટી પોતાના પગ પર ઊભાં રહી શકે એ વાત ભૂલી જવાની.
રંજનાનો ફરિયાદ કરતો સૂર સંભળાયો, ‘હા, જુઓને, કેવી ઉપાધિ આવી પડી! હું એકલા હાથે ઘર સંભાળું, ઑફિસે જાઉં કે આમનું ધ્યાન રાખું? મારી નણંદ તો બે દિવસ આવીને રહી ગઈ. કાયમ તો મારે જ જોવાનું ને?’
‘તું ચિંતા ન કરીશ. આજથી એને ચાલતી કરવાની જવાબદારી મારી. હું મમ્મીને ચાલતાં શીખવીશ. નાનપણમાં એણે આંગળી ઝાલીને મને ચાલતાં શીખવ્યું હતું. હવે મારો વારો.’
દીકરાના મક્કમ અવાજે નીતાબહેનને ઘણું બળ આપ્યું. એમણે પોતાની જાતને તૈયાર કરવા માંડી. ‘ન કેમ થાય? થશે. કાલે વોકરથી બે જ ડગલાં ચાલી શકી હતી, આજે છ ડગલાં ચલાયું ને?’
અમિત પૂછતો, ‘મમ્મી, થાકી ગઈ છે કે, થોડું વધારે ચાલીશ?’
નર્સ પાસે મોં પર આવેલો પરસેવો લૂછાવતાં નીતાબહેન હસીને કહેતાં, ‘બેટા, તને ચાલણગાડી લઈને ચાલતાં શીખવતી ત્યારે તો હું તને કહેતી, વાંધો નહીં, પડીએ તો જ શીખાય, પણ આજે તું મને એવું કહી શકીશ?’
થોડીવાર ખુરશી પર બેસીને આરામ કર્યા પછી કહેતાં, ‘કેટલા ય દિવસોથી મારાં ફૂલોને જોયાં નથી. એમને મળવાનું બહુ મન થયું છે. ધીમે ધીમે મને બાલ્કની સુધી લઈ જા. હું ચાલી શકીશ.’
નવરાશના સમયમાં હવે નીતાબહેન પ્રેરણાત્મક પુસ્તકો વાંચતાં. કેવી રીતે અરુણિમા સિંહાએ લોહી નીતરતા પગે એવરેસ્ટ સર કર્યો, કેવી રીતે અપંગ દીકરી તરણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી – એ બધી વાતો વાંચતાં એમનું મન હકારાત્મક ઊર્જાથી ભરાઈ જતું. એમનો જુસ્સો જોઈને રંજનામાં પણ પરિવર્તન આવવા લાગ્યું. સાંજને છેડે પરવારીને એ સાસુ પાસે આવીને બેસતી, ‘મમ્મી,તમે કેટલાં સરસ સ્વેટર ગૂંથતાં હતાં! હું તમને ઊન અને સોયા લાવી આપીશ. મને પણ ગૂંથતાં શીખવજો.’
ધીમે ધીમે આડોશ-પાડોશમાં રહેતી વહુ-દીકરીઓ પણ એમની પાસે ભરત-ગૂંથણ શીખવા આવવા લાગી. પોતે પણ કોઈને ઉપયોગી થઈ શકે છે અને કોઈકને પોતાની જરૂર છે એ લાગણીથી એમની ઑપરેશન પછીની હતાશા-નિરાશા તળિયે બેસવા લાગી અને આછર્યાં પાણીની જેમ ઉત્સાહ અને ઉમંગ મનની સપાટી પર લહેરાવા લાગ્યા. પહેલાં થોડી વાર બેસીને થાકી જતાં નીતાબહેન કોઈને શીખવવામાં એવાં મશગૂલ થઈ જતાં કે, અંતે નર્સે કહેવું પડતું, ‘કબ સે બૈઠે હો માજી, અબ થોડા આરામ કરો.’
એક દિવસ સાંજે અમિત અને રંજનાએ પૂછ્યું, ‘મમ્મી, નીચે ગાર્ડનમાં જવું છે?’
નીતાબહેનને પોતાના કાન પર ભરોસો ન બેઠો. ‘મારાથી જવાશે?’
‘કેમ નહીં જવાય? અમે બંને છીએ ને, તમારે ડાબે ને જમણે. ને પાછળ નર્સબહેન છે. તમને જરા ય વાંધો નહીં આવે.’
ડગુમગુ ચાલતું સરઘસ બગીચામાં પહોંચ્યું ત્યારે નીતાબહેનને લાગ્યું કે, જાણે બીજી જ દુનિયામાં આવી ગયાં છે! આસપાસનાં ફૂલ, ઝાડ, અરે! ઘાસને પણ એ અચરજથી જોઈ રહ્યાં. ‘બધું કેટલું બદલાઈ ગયું છે નહીં?’
એમનો હાથ પોતાના હાથમાં લઈને સ્નેહથી દબાવતાં અમિતે કહ્યું, ‘બધું નહીં મમ્મી, તારું મન બદલાયું છે.’
‘હા … એ વાત તો સાચી.’ એમણે ખુશ થતાં કહ્યું. સૂર્ય આથમવા આવ્યો ત્યારે બધાં ઘર તરફ વળ્યાં. બગીચામાં બેઠેલી કોઈ સ્ત્રી મીઠા સ્વરે ગાઈ રહી હતી એ ગીતના શબ્દો નીતાબહેનને કાને પડ્યા,
‘ઊંચે ગગન મેં ઊડને કા સપનાં, હથેલી સે બાદલ કો છૂને કે અરમાં,
મૂઝ કો મિટાના હૈ ઈન ફાસલોં કો, મૂઝે પંખ દે દો, મૂઝે પંખ દે દો’
એમને થયું, હવે મને પાંખો મળી ગઈ છે. હવે હું આભને આંબી શકીશ.
(પ્રતિમા શ્રીવાસ્તવની હિંદી વાર્તાને આધારે)
સૌજન્ય : “ભૂમિપુત્ર”; 16 ડિસેમ્બર 2023; પૃ. 24