
રવીન્દ્ર પારેખ
સૂરતમાં નર્મદ યુનિવર્સિટી છે. એ નામ હવે આટલે વર્ષે સાર્થક થઈ રહ્યું છે. નર્મદ આમ તો સુધારાનો કડખેદ હતો. તેણે ઘણા સામાજિક સુધારાઓ કરાવ્યા હતા. મહારાજોના પાખંડ સામે પણ તેણે માથું ઊંચકેલું, પણ પછી મિત્રોનો સાથ ન મળ્યો ને એ એકલો પડ્યો. થાક્યો ને ‘યાહોમ’ કરતો નર્મદ ‘હોમ’ કરતો થયો. નર્મદનો આ U-ટર્ન યુનિવર્સિટીમાં હવે અનુભવાય છે. યુનિવર્સિટી પણ હવે હોમહવનમાં પડે તો આશ્ચર્ય ન થાય. આનંદ એ વાતનો છે કે એ ‘કેસરિયાં’ કરતી થઈ છે. આમ તો અહીં પ્રકાર પ્રકારના અધ્યાપકો-વિદ્યાર્થીઓ-હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ છે, પણ તે બધાં ભગવા રંગે રંગાઈ ચૂક્યા છે, જો કે, એમાંનું કોઈ ‘કેસરિયાં’ કરે એવું વિત્તવાન નથી, પણ સાધુત્વ તો બધાંમાં જ છે, એટલે ભગવા રંગે રંગાવાનું હવે સગવડિયું થઈ ગયું છે. વિદ્યાર્થીઓ મગજ ગુમાવીને પણ ભગવા રંગે રંગાઈ રહ્યાં છે એ પણ સૂચક છે. યુનિવર્સિટીમાં ભણવાનું ચાલે કે ન ચાલે, પણ અત્યારે તેનો પચાસમો યુવક મહોત્સવ ચાલી રહ્યો છે, એમાં આખી યુનિવર્સિટી ભગવા રંગે રંગાઈ ગઈ છે. તેની નોંધ વિશ્વ કક્ષાએ લેવાય તો નવાઈ નહીં. ગુજરાતની કોઈ યુનિવર્સિટીને ન સૂઝ્યું, તે નર્મદ યુનિવર્સિટીને સૂઝ્યું. હવે તે ભગવી યુનિવર્સિટી થવામાં મોખરાનું સ્થાન મેળવે તો નવાઈ નહીં.
આમ તો આ તક અયોધ્યાએ આપી છે. આવતી 22 મી જાન્યુઆરીએ ત્યાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે. અયોધ્યામાં રામનો રાજ્યાભિષેક થવાનો હતો, પણ નસીબે વનવાસ આવ્યો. એ પછી છેક 14 વર્ષે રામ રાજ્યની શરૂઆત થઈ. એ પછી પણ સીતાનો વનવાસ તો લંબાયો જ ! એક ધોબીના કહેવાથી રામે સીતાને વનવાસ આપ્યો. એટલે સીતા તો અર્ધાંગિની હતી, છતાં તે રામરાજ્ય બહુ જોવા પામી નહીં ને ધરતીની પુત્રી ધરતીમાં સમાઈને રહી. ઘણા લોકો રામની એ વાતે ટીકા કરે છે કે એક ધોબીની વાતમાં આવી જવાની જરૂર ન હતી. રામ તો જાણતા હતા કે સીતા અગ્નિપરીક્ષા પસાર કરી ચૂકી હતી, પણ રામરાજ્યમાં ધોબી જેવાના અવાજને ય સ્થાન હતું તે રામે સિદ્ધ કર્યું. લઘુમતીને પણ અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય હોવું જોઈએ એ વાતનો મહિમા રામે કર્યો. આમ તો ત્યારે તો રાજાશાહી હતી, લોકશાહીનું તો સ્વપ્નું ય પડ્યું ન હતું ને છતાં ધોબીનો અવાજ ભગવાન રામ સુધી પહોંચ્યો હતો ને એમનો નિર્ણય સીતા ત્યાગમાં આવ્યો. પ્રાણથી પણ અધિક એવી સીતાનો એમણે ત્યાગ કર્યો. ઈચ્છીએ કે સામાન્ય માણસનો અવાજ આજે ય દબાય નહીં.
તે વખતે ન મળ્યો હોય એવો ભવ્ય આવાસ આજે ભગવાન રામને અયોધ્યામાં મળી રહ્યો હોય એવું લાગે છે ને એનો સમગ્ર રાષ્ટ્રને આનંદ છે. અયોધ્યાનું રામ મંદિર વૈશ્વિક સ્થાપત્ય તરીકે પણ નોંધપાત્ર હશે એનું આશ્ચર્ય નથી. એ પ્રાણ પ્રતિષ્ઠાના પ્રભાવમાં, આખો દેશ ને દેશની યુનિવર્સિટીઓ ધડો લઈ શકે એવો પ્રયોગ નર્મદ યુનિવર્સિટીએ કર્યો છે. યુનિવર્સિટીએ પહેલ એ કરી છે કે તેણે યુનિવર્સિટીનું ‘વિશ્વ વિદ્યાલય’ કર્યું. ખરેખર તો ‘મંદિર’ કરવા જેવું હતું, કારણ 50માં સ્વર્ણિમ યુવા મહોત્સવને યુનિવર્સિટીએ ‘રામોત્સવ’ તરીકે ઓળખાવ્યો છે. રામ ભગવાન છે, પણ યુનિવર્સિટીમાં તે ‘થીમ’ થયા ને એ થીમ પર કળશ યાત્રા યોજાઈ. રામ નામ… ના નારા લાગ્યા ને પરિસરમાં ભગવી ધજાઓ લહેરાઈ. ‘રામ નામ જપના… ’જેવું બોલાયું કે નહીં તે તો ખબર નથી, પણ ‘રામોત્સવ’ના મુખ્ય અતિથિ સતીશકુમારે કહ્યું પણ ખરું કે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં જે ધાર્મિક વાતાવરણ જોવા મળ્યું તે બીજા કોઈ સ્થળે જોવા મળ્યું નથી. યુનિવર્સિટીમાં ધાર્મિક વાતાવરણ હોય એ જ ચમત્કાર નથી? મુખ્ય અતિથિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા અખિલ ભારતીય સ્વદેશ જાગરણ મંચના મંત્રી છે એટલે યુનિવર્સિટીને તો ‘મોસાળમાં જમવા’ જેવું જ થયું છે. યુનિવર્સિટી અને મંદિર એકાકાર થઈ ગયાં હોય તેવું વાતાવરણ હતું. રામ, લક્ષ્મણ, સીતા ને હનુમાનજીની ને રામ મંદિરની ઝાંખી કરાવવામાં આવી હતી ને વિદ્યાર્થીઓ ભગવા વસ્ત્રોમાં ભાવિક ભક્તો હોય તેમ રામ મંદિરમાં લાગતા હતા. સ્પર્ધાના વિષયોમાં પણ રામનો થીમ છવાઈ રહે એવું આયોજન હતું. ચિત્ર પ્રદર્શની પણ રામ અને રામ મંદિરને અનુરૂપ કરવાની વાત હતી. સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ રામ જ કેન્દ્રમાં રહ્યા. આમ તો આ યુવા મહોત્સવ માટે 55 લાખ તો ફાળવાયા જ હતા, પણ આ રામોત્સવ પણ હતો, એટલે પાંચ લાખ વધુ ફાળવાયા હતા. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 16થી 22 જાન્યુઆરીએ યોજાવાનો છે, એ ઉપલક્ષમાં નર્મદ યુનિવર્સિટી પણ અહીં આયોજન કરવાની છે ને તેને માટે બીજા 5 લાખ પણ ફાળવવામાં આવ્યા છે.
50મો સ્વર્ણિમ યુવા મહોત્સવ તો 6 તારીખે સંપન્ન થશે, પણ રામોત્સવ તો 22મી જાન્યુઆરી સુધી ચાલવાનો છે ને એ અંતર્ગત યુનિવર્સિટીના જુદા જુદા વિભાગો દ્વારા રોજ રાત્રે આરતી પણ કરવામાં આવશે. આરતી છે, તો પ્રસાદ પણ હશે. ભજનકીર્તન પણ હોય તો નવાઈ નહીં. આ બધો પ્રતાપ અયોધ્યાનાં રામ મંદિરમાં થનાર પ્રાણ પ્રતિષ્ઠાનો છે, બાકી, નર્મદ યુનિવર્સિટી વળી આટલી ધાર્મિક ક્યારે હતી ! એના વિદ્યાર્થીઓ તો ભણવામાં કે કોપી કરવામાં કે ઉત્તરવહીમાં ચલણી નોટો મૂકીને પાસ થવામાં વ્યસ્ત હતા, તેમનું આવું હૃદય પરિવર્તન થયું તે જાણીને હરખ થાય છે. હવે તો ભગવાન રામ જ પરીક્ષાઓમાં તેમની સીધી સહાય કરે એમ બને. પરીક્ષાનો વિષય કોઈ પણ હોય, વિદ્યાર્થીઓ રામની ચોપાઈઓ લખી આવે તો પણ કામ થઈ જશે.
ખરેખર તો બધી યુનિવર્સિટીઓમાં રામાયણ, મહાભારત, ગીતા જેવા ધર્મગ્રંથો શીખવવા સાધુ, સંતોને આમંત્રણ આપીને વિદ્યાર્થીઓમાં ધર્મભાવના ઉજાગર કરવી જોઈએ, જેથી સમાજમાં છેડતી, દુષ્કર્મ, હત્યા, આત્મહત્યા જેવા અપરાધોમાં ઘટાડો થાય. ધર્મના આટલા ઉછાળ છતાં અપરાધો વકરતા જ જાય છે તે દુ:ખદ છે. કમ સે કમ 22મી સુધી તો રામ નામનો ઉછાળ ચરમસીમાએ હશે, ત્યારે રામાયણ, શ્રીમદ રામાયણ જેવી સિરિયલો કે સંપૂર્ણ રામાયણ, રામ ભક્ત હનુમાન કે ભરત મિલાપ જેવી ફિલ્મો યુનિવર્સિટીઓમાં, ઘરોમાં, મંદિરોમાં સતત બતાવવી જોઈએ. રામ સિવાય બીજું કૈં સૂઝે જ નહીં એવું વાતાવરણ ઊભું થાય તો આખો દેશ ભવ્ય ઉત્સવમાં જોડાય ને તેની વૈશ્વિક સ્તરે પણ નોંધ લેવાય તો શું ખોટું છે? એ પછી ચૂંટણી યોજાય તો ભાવિક ભક્તો મતદાન કરવાનું ન ચૂકે ને એનો સીધો લાભ લોકશાહીને થાય એ કેવી મોટી ફળશ્રુતિ હશે, નહીં?
અહીં એક નાજુક સવાલ એ ઊઠે છે કે ચૂંટણી છે તેથી પ્રાણ પ્રતિષ્ઠા છે કે પ્રાણ પ્રતિષ્ઠા છે તેથી ચૂંટણી છે તે સમજાતું નથી, પણ જે થાય તે સારા માટે. પ્રાર્થના તો એ જ કરવાની રહે કે લોકશાહી ટકી રહે ને 2024ની જેમ જ 2029ની ચૂંટણી પણ આવે. હા, એક સવાલ જરૂર થાય છે ને તે એ કે નર્મદ યુનિવર્સિટી જેવી યુનિવર્સિટી ગિનેસ બુકમાં નામ નોંધાવવા જેવું રેકોર્ડ બ્રેક ધાર્મિક કર્તવ્ય 50માં સ્વર્ણિમ યુવા મહોત્સવ નિમિત્તે કરતી હોય, તો અયોધ્યામાં ‘ભગવાન રામ વિશ્વ વિદ્યાલય’ની સ્થાપના થવી જોઈએ કે કેમ? વડા પ્રધાનશ્રી જેવા માટે તો એ ડાબા હાથનો ખેલ છે. જોવાનું એ રહે કે દેશ ક્યાંક ડાબા હાથે ન મુકાઇ જાય …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 જાન્યુઆરી 2024