વળી ટેક્નોલૉજીએ આણેલા ફેરફારમાં ટ્વિટરની ઊડી ગયેલી ચકલી હવે એક્સ થઇને બેઠી છે. તો ગેમિંગની દુનિયામાં મિક્સ્ડ રિયાલિટીની બોલબાલા છે. સ્કૂલમાં કોડિંગ શીખવાડવામાં હવે કંઇ નવું નથી રહ્યું. ઓટોમેશન, રોબોટિક્સ, ડ્રાઇવર લેસ કાર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ વગેરે બધું જ બદલાતી ટેક્નોલૉજીની ભેટ છે.
2023નો આજે છેલ્લો દિવસ. આ વર્ષ હાંફતું, હંફાવતું એના અંત સુધી પહોંચી ગયું. આ વર્ષમાં વિવિધ સ્તરે જાત-ભાતની ઘટનાઓ થઇ, પણ ટૅક્નોલૉજીના ફલક પર જેટલાં પરિવર્તનો, સંશોધનો અને પરિણામ જોયાં એ કદાચ આ પહેલાં એક સાથે એક જ વર્ષમાં થયાં હોય એવું ક્યારે ય નથી થયું. ડિજીટલ વિશ્વમાં સામાન્યમાં સામાન્ય માણસે પણ પ્રવેશ કરી લીધો છે અને તેના ઉપયોગની સરળતાએ ધૂતારાઓને પણ મોકળું મેદાન આપ્યું છે. 2023માં સૌથી પહેલાં તો AI – આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સે આપણા બધાની રોજિંદી જિંદગીમાં પગ પેસારો કર્યો અને પછી તેનાં કારમાં પરિણામો પણ દેખા દેવા માંડ્યાં. ડીપ ફેક વીડિયોએ ગામ ગજવ્યું. આ ડિપ ફેકની ચુંગાંલમાં રશ્મિકા મંદાના, આલિયા ભટ્ટથી માંડીને ભલભલાનું નામ ભેરવાયું. ડીપ ફેકને કારણે એટલી હો-હા થઇ કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, કેન્દ્રીય સ્તરે AIના ‘ડાર્ક આસ્પેક્ટ્સ’ સામે પગલાં લેવાય એ દિશામાં અને તેનાથી સાવચેત રહેવાની વાત પર ભાર મૂક્યો. આજે એવા ટેક ટ્રેન્ડ્ઝની ચર્ચા કરીએ જે આ વિતેલા વર્ષમાં ગાજ્યા અને એવી બાબતો પર પણ નજર કરીએ જે ટેક્નોલૉજીની દુનિયામાં પોતાની પકડ મજબૂત કરે તેવી શક્યતા છે.
AI – એ.આઇ. સાંભળીને હવે અજુગતું નથી લાગતું અને એક સમયે માત્ર કલ્પના લાગતી બાબતો આજે વાસ્તવિકતા બની ચૂકી છે. A.I. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ – નામે સ્ટીવન સ્પિલબર્ગે 2001માં એક ફિલ્મ બનાવી હતી જે ખાસ્સી ચર્ચાઇ હતી. આજે એ ફિલ્મમાં જે હતું તેના કરતાં કંઇકગણું વધારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રે થઇ ચૂક્યું છે. આજે ઓપનAI, ચેટ-જી.પી.ટી. કદાચ કામ કરનાર દરેક વ્યક્તિ કે પ્રોજેક્ટ લખવા બેઠેલા દરેક વિદ્યાર્થીના લેપટોપ પર ચાલુ રહેતી વિન્ડો હશે. અંગ્રેજી લખાણનું વ્યાકરણ તપાસવાનું હોય કે કોઇ બીજી માહિતીને જરા અલગ રીતે લખવાની હોય ચેટ-જી.પી.ટી. હાથ વગું હોય એટલે લોકો નાની મોટી ચિવટ અને તસ્દી લેવાનું જાણે ટાળવા લાગ્યા છે. જો કે એમ કરવામાં જોખમ તો ખરું કારણ કે તમે ચોકસાઇથી કામ નથી કર્યું એ પારખુ નજરને તો ખબર પડી જ જવાની છે. આમ તો ચેટ-જી.પી.ટી.એ પ્રવેશ કરીને પોતાનું સ્થાન બનાવ્યું તેને લગભગ બે વર્ષ થઇ ગયાં, પણ આ વર્ષે તેનો ઉપયોગ થાય છે એ સ્વીકારવામાં લોકોને કંઇ વાંધાજનક નથી લાગતું. વળી કેબ સર્વિસ કંપની ઓલાએ એક નવું AI આધારિત ટૂલ જનરેટ કર્યું કૃત્રિમ જે દસ ભારતીય ભાષામાં પરિણામ આપે છે. હૉસ્પિટલ્સમાં પણ AI આધારિત સેવાઓ પર કામ ચાલુ થઇ ગયું છે જેથી દર્દીની મેડિકલ હિસ્ટ્રી જોઇને તેને કયા મેડિકલ પ્રશ્નો ખડા થઇ શકે છે તેની સ્પષ્ટતા પહેલેથી જ થઇ જાય. વળી AI જનરેટેડે આસિસ્ટન્ટ તમારું કન્સલ્ટેશન કરીને નિદાન આપે એવા દિવસો જરા ય દૂર નથી. જરૂર વગર ડૉક્ટરનું મ્હોં નહીં જોવું પડે એવું પણ આપણે ત્યાં થાય એમ બને.
ડીપ ફેકની વાત તો આપણે પહેલાં પણ કરી અને કઇ રીતે જાણીતા ચહેરાઓનો ઉપયોગ કરીને બેહુદા વીડિયોઝ વાઇરલ કરાયા તેના સમાચારથી આપણે વાકેફ છીએ. વળી AIની મદદ લઇને લોકો અવાજની પણ આબેહૂબ નકલ કરી શકે છે. શાહરૂખ ખાનનો કોઇ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમની વાત કરતો વીડિયો હતો જેમાં તેના અવાજને AIથી બનાવી તેને મોંઢે એવી વાત કહેવડાવાઇ હતી જે તેણે ક્યારે ય કહી જ નહોતી. અળવીતરાઓ AIની મદદ લઇને ફાટીને ધૂમાડે ગયા છે અને વધુ આવા કૌભાંડો થશે જ એમ કહેવામાં કોઇ અતિશયોક્તિ નથી. વળી AIની મદદ સારાં કામ માટે તો લેવાતી જ હોય છે. તાજેતરમાં જ વિદેશમાં એક વ્યક્તિને AIની મદદથી તેના મૃત પિતાના અવાજમાં સંદેશો મેળવવાનું નસીબમાં થયું – તેને માટે આ કેટલી લાગણીશીલ ક્ષણ હશે, તેની તો કલ્પના માત્ર જ કરવી રહી. AIએ આ વર્ષે સેન્ટર સ્ટેજ લીધું છે અને આગલાં વર્ષોમાં તેનો રોલ મોટો ને મોટો થતો જવાનો છે એ ચોક્કસ.
ટેક્નોલૉજીના વધતા ઉપયોગને મામલે છેતરપીંડી કરનારાઓ પણ એટલા જ આગળ પડતા છે. વૉટ્સએપ – જે હવે તો આપણી રોજિંદી વાતચીતનો એક અવિભાજ્ચ હિસ્સો છે – તેનાથી થતી ચોરીના કિસ્સા પણ 2023માં ખૂબ વધ્યા. વૉટ્સએપ પર એવો મેસેજ આવે કે – તમે લાઇટનું બિલ નથી ભર્યું અને જો આજે સાંજ સુધીમાં નહીં ભરો તો તમારા ઘરની બત્તી ગૂલ થઇ જશે, અથવા તો શું તમે ઇન્ટરનેશનલ કંપની માટે કામ કરવા માગો છો? તમે અમારે માટે રિવ્યૂઝ લખીને દિવસના 3,000 કમાઇ શકશો, એ પણ ઘેર બેઠાં, વગેરે વગેરે. ફેસબૂકે વૉટ્સએપ ખરીદી લઇને તેના કમર્શ્યલાઇઝેશનની શરૂઆત કરી ત્યારે એ નક્કી હતું કે સ્કેમ્સર્સ પાસે લોકોનો અંગત ડેટા જશે જ અને તેનો ખોટો ઉપયોગ થવાનો જ છે. બેરોજગારી હોય ત્યારે ‘ઇઝી મની’ કોને ન જોઇતા હોય અને એમાં ધુતારાઓને મજા પડી ગઇ અને પછી શરૂ થયા વૉટ્સએપ કૌભાંડ. આંતરરાષ્ટ્રીય કે લોકલ નંબરથી આવતા મેસેજિઝ પર કોઇ એક કામ સોંપવામાં આવે અને પછી પૈસાની લેવડ-દેવડે વાત પહોંચે ત્યારે નાના ટ્રાન્ઝેક્શન પછી અચાનક જ ખાતામાંથી લાખો રૂપિયા ચાંઉ થઇ ગયા હોવા ઘણા કિસ્સા આપણે ત્યાં બન્યા છે.
ક્યૂ.આર. કોડનો ઉપયોગ એવો વધ્યો છે કે આપણે પાકિટ લીધા વગર બહાર જતા રહીએ છીએ કારણ કે સ્કેન કરીને પૈસા તો ચૂકવી દેવાશે તેવી આપણને ખાતરી હોય છે. પણ તાજેતરમાં જ બેંગાલૂરુમાં એક 30 વર્ષના પ્રાધ્યાપકે જ્યારે પોતાનું વૉશિંગ મશિન વેચવા કાઢ્યું ત્યારે ખરીદી કરનારે તેમની પાસે ક્યૂ.આર .કોડ માગ્યો જેથી સ્કેન કરીને પૈસા ટ્રાન્સફર થઇ શકે. પણ જેવો ક્યૂ. આર. કોડ આપ્યો ત્યાં તો ગણતરીની મિનિટોમાં પ્રોફેસરના ખાતામાંથી 63,000 રૂપિયા ગાયબ થઇ ગયા. છેલ્લા કેટલાક મહિનામાં ક્યૂ.આર. કોડથી થતી છેતરપીંડીના ઘણા બનાવો બન્યા. પહેલાં ઓ.ટી.પી. આપવાની વાતે આ થતું હતું અને હવે ક્યૂ.આર. કોડ સ્કેન કરાવીને પૈસા ચોરી કરાય છે. ડિજીટલ ભારત માટે પડકારો પણ એટલા જ મોટાં છે.
વળી ડિજીટલ ઇન્ડિયામાં ડેટિંગ પણ ડિજીટલી થવા માંડ્યું. પ્રેમમાં છેતરાવ નહીં એમ તો બને નહીં પણ ડેટિંગ એપના જમાનામાં એપ્સ દ્વારા છેતરાયા હોય એવા બે તૃતિયાંશ ભારતીયો છે. નેટફ્લિક્સ પર એક ડૉક્યુમેન્ટરી છે ‘ટિંડર સ્વિન્ડલર’ – ટિંડર એપ પર છોકરીઓને મળી એમના પૈસે તાગડધિન્ના કરનારા એક બહુ દેખાવડા પણ મહા ઠગ કહી શકાય એવા છોકરા વિષે તેમાં વાત કરાઇ છે. ભારતમાં તો ગુરુગ્રામમાં અનેક છોકરીઓએ ડેટિંગ એપનો ઉપોયગ કરીને ડઝનેક છોકરાઓને લૂંટી લીધાના સમાચાર ગાજ્યા હતા.
વળી ટેક્નોલૉજીએ આણેલા ફેરફારમાં ટ્વિટરની ઊડી ગયેલી ચકલી હવે એક્સ થઇને બેઠી છે. તો ગેમિંગની દુનિયામાં મિક્સ્ડ રિયાલિટીની બોલબાલા છે. સ્કૂલમાં કોડિંગ શીખવાડવામાં હવે કંઇ નવું નથી રહ્યું. ઓટોમેશન, રોબોટિક્સ, ડ્રાઇવર લેસ કાર્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ વગેરે બધું જ બદલાતી ટેક્નોલૉજીની ભેટ છે. 2024માં ડેટા માઇનિંગનું મહત્ત્વ હજુ વધશે, વર્કસ્પેસ વધારેને વધારે ડિજીટલ બનશે.
સરળતાને હળવાશથી લેવાની ભૂલ કરી તો આપણી જિંદગી ચલાવનારી ટેક્નોલૉજી આપણી પર જ રાજ કરવા માંડે એવું થઇ જ શકે છે. સાઇબર અટેક્સ, સાઇબર વૉરફેર વધુને વધુ સલુકાઇ ભર્યા બનતા જશે અને પ્રગતિ તરફ દોડતી દુનિયામાં યુદ્ધ દ્વારા પોતાની સત્તા સિદ્ધ કરનારાઓ ઓછા નથી અને આમ કરવા માટે પણ ટેક્નોલૉજીનો ઉપયોગ વધુને વધુ વિસ્તરતો જશે.
બાય ધી વેઃ
એક સમયે અંગ્રેજી ફિલ્મોમાં જોવા મળતી બાબતો આજે વાસ્તવિક્તા બની છે. સરળતા અને સવલત સાથેનાં જોખમ નાનાં નથી. આપણે આધુનિકીકરણ તરફ હરણફાળ ભરતા હોઇએ ત્યારે સાવચેતીનું પ્રમાણ પણ વધારતા જઇએ એ જરૂરી છે. હૉલીવૂડમાં એવી ફિલ્મો બની છે જ્યાં ટેક્નોલૉજી જ્યારે હાવી થાય ત્યારે શું થઇ શકે તેની વાસ્તવિકતા દર્શાવી છે. ‘હર’, ‘મ્યૂટ’, ‘તાઉ’, ‘મૂન’, ‘નર્વ’, ‘કૅમ’, ‘રેડી પ્લેયર ઓન’, ‘ઇન્સેપ્શન’, ‘એક્ઝિટન્સ’, ‘આફ્ટર યાંગ’ વગેરે એવી ફિલ્મો છે જેમાં વિજ્ઞાન અને ટેક્નોલૉજી કઇ હદે જઇ શકે છે તેની વાર્તાઓ કહેવાઇ છે. નેટફ્લિક્સ પર બ્લેક મિરર નામની સિરીઝ ડિજીટલ એજના એટલા બધા પાસાંઓ પર પ્રકાશ પાડે છે કે તેના એપિસોડ્સ જોયા પછી થોડો સમય માટે મગજને શાંત કરવું પડે. જે સ્ક્રીન પર છે તે રિયલ લાઇફમાં પણ આવી શકે છે અને તે ક્યાંક કોઇને વિચાર આવ્યો હશે ત્યારે સ્ક્રીન પર આવ્યું હશે એ સમજ મગજમાં રાખીને ટેક્નોલૉજીનો ઉપયોગ કરવો રહ્યો. ટેક્નોલૉજીના ઉપયોગથી કશું પણ શક્ય છે એ સ્વીકારવું રહ્યું. માણસના જન્મથી માંડીને મૃત્યુ પછી તેને જીવતો રાખવામાં ટેક્નોલૉજી પોતાનો રોલ ભજવશે, ખાધા વિના ભરાયેલાં પેટ અને સંગાથ વિના કરાયેલી વાતો પણ ટેક્નોલૉજીનું સત્ય છે. આવા સંજોગોમાં માણસાઇ અને માણસ સાથેની કડી જળવાશે તો AI જનરેટેડ થેરાપિસ્ટની જરૂર ઓછી પડશે એ ચોક્કસ.
પ્રગટ : ‘બહુશ્રૃત’ નામક લેખિકાની સાપ્તાહિક કટાર, ’રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 31 ડિસેમ્બર 2023