દિવાળીના તહેવારો પૂર્વેની ઘરની સાફ-સફાઈ કામવાળા બહેન કે ભાઈ વિના શક્ય છે ? જે રોજેરોજ આપણાં ઘરોને ઉજળા રાખે છે અને વારે-તહેવારે ચમકાવે છે એવા ઘરના અનિવાર્ય સભ્ય જેવા આ વર્ગને સન્માનજનક નામથી આપણે સંબોધીએ છીએ ખરા ? પહેલા (અને કદાચ આજે પણ) એ ઘરઘાટી, રામલો કે રામલી તરીકે ઓળખાતાં. પછી રામો કે રામુ થયું, નોકર-નોકરાણી બન્યાં, કામવાળાં બહેન અને ભાઈ કહેવાયાં, ક્યાંક દીદી તરીકે બોલાવાયાં, સાધન-સંપન્ન અને અંગ્રેજી જાણતો વર્ગ તેમને ડોમેસ્ટિક વર્કર, હોમ મેનેજર અને હવે હાઉસ હેલ્પર ગણાવે છે. વીસેક વરસથી ગુજરાત સરકારે સરકારી કર્મચારીનું નામકરણ કર્મયોગી અને તમામ પ્રકારના મજૂર કે કામદારનું શ્રમયોગી કર્યું છે. એ જ તર્જ પર ઘરઘાટી કે કામવાળા માટે ગૃહયોગી કર્યાનું જાણ્યું નથી. ગરિમાપૂર્ણ નામ જરૂર હોવું જોઈએ પણ સાથે તેમના પ્રત્યેનું વર્તન અને મળતર પણ વાજબી હોવું જોઈએ. પરંતુ હજુ જેને સન્માનસૂચક નામ જ નસીબ નથી થયું તેના માટે આ બહુ દૂરની વાત આજે તો લાગે છે.
શ્રમયોગી કે શ્રમયોગિની દેશનો બહુ મોટો અસંગઠિત શ્રમિક વર્ગ છે. ભારતના કામદાર વર્ગનો તે સૌથી વધુ ઉપેક્ષિત અને શોષિત હિસ્સો છે. તેના કામનું સ્થળ (વર્કપ્લેસ) કોઈક્નું ઘર (પ્રાઈવેટ સ્પેસ) છે. એ કહેવાય તો છે ઘરકામમાં સહાયક પણ તેનો જોબચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે ઘરના લગભગ સઘળાં કામો તેણે કરવાનાં હોય છે. કચરા-પોતાં, ઠામ વાસણ, લુગડાં ધોવાં, જમવાનું બનાવવું, બાળકો, વૃદ્ધો, અસહાય અને બીમારની દેખભાળ, મેડમ અને સરના ઓફિસના અને ઘરના ટાઈમ સાચવવા, બાળકોને સ્કૂલે કે વાનમાં લેવા-મૂકવા જવાં, ઘરમાં નિયમિત ઝાપટ-ઝૂપટ કરવી, સંડાસ-બાથરૂમ ધોવા, બાબાભાઈ કે બેબીબહેનને ઊંઘાડવા-જગાડવા, તેમને દૂધ પાવું, ઘરની બીમાર વ્યક્તિને દવાખાને લઈ જવાય ત્યારે સંભાળ માટે સાથે જવું, કપડાંને ઈસ્ત્રી કરવી, ઘરની ચોકીદારી અને બાગકામ …. જેવાં કંઈક કામો તેણે કરવાના હોય છે. આ કામો જોતાં ભારતના ધનાઢ્યથી માંડીને મધ્યમવર્ગીય જીવનમાં ઘરનોકરની પાયાની ભૂમિકા છે. શહેરીકરણમાં વૃદ્ધિ, સંયુક્ત પરિવારોનું તૂટવું અને પતિ-પત્ની બંનેનું કમાવું – જેવાં કારણોથી પણ કામવાળાની અનિવાર્યતા વધી છે.
પહેલાના સમયમાં ઘરના કામો શ્રમદોહનના સામંતી ઢાંચામાં જુદા ગણાતા નહોતા. સામંતી શોષણ સામે સંઘર્ષ પછી તે જુદા પડ્યા. શાયદ એટલે જ ૧૯૩૧માં ૨૭ લાખ કામવાળા (મુખ્યત્વે પુરુષો), ૧૯૭૧માં ઘટીને ૬૭ હજાર થઈ ગયા હતા. જો કે ભારતે નવી અર્થનીતિ અપનાવી એટલે વૈશ્વિકીકરણના વાયરે ૧૯૯૧માં એ ૧૦ લાખ (૭૫ ટકા મહિલાઓ) થયાં હતા. આજે તેનો કોઈ ચોક્કસ આંકડો નથી પણ લાખો અને કરોડોનો હોવાનું કહેવાય છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંસ્થાના એક અનુમાન મુજબ ભારતમાં ૪૭ લાખ ઘરનોકરો છે. જેમાં ૩૦ લાખ મહિલા છે. ભારત સરકારના ઈ-શ્રમ પોર્ટલ પર ૮.૫૬ કરોડ નોંધાયેલા અસંગઠિત શ્રમિકો છે, જેના આઠથી દસ ટકા ઘરનોકરો છે. બેંગલૂરુમાં ૭૫ ટકા કામવાળા દલિત અને માત્ર ૨ ટકા જ કથિત ઉચ્ચ વર્ણના છે. આખા દેશમાં પણ દલિત, આદિવાસી પછાત અને ગરીબ મહિલાઓ જ આ કામ કરે છે.
ભલે સામંતી શોષણ ઘટ્યાનું કહેવાતું હોય દલિતોના લલાટે તો હજુ ય તે લખાયેલું છે. ભારતનાં ગામડાંઓમાં દલિત મહિલાઓને ગામના કથિત ઉચ્ચ વર્ણના લોકોના છાણાંવાસીદાથી માંડીને ઘરનું આંગણું, ઢોરની ગમાણ ચોખ્ખા રાખવાના અને માલ-ઢોરને ચારો-પાણી આપવાનાં કામો છાશ-રોટલાના બદલામાં કરવા પડે છે.
ઘરનાં કામો કરનારાઓમાં મહિલાઓ, સગીરવયની બાળકીઓ તથા પરપ્રાંતિય સ્થળાંતરિત કામદારો હોય છે. ગૃહયોગીઓની દિનચર્યા થકવી નાંખનારી અને ઘણી લાં…બી હોય છે. તેમનાં કામના કલાકો નિશ્ચિત હોતા નથી. ઘરમાલિકોનો તેમના પ્રત્યેનો વર્તાવ નકારાત્મક, શંકાળુ અને અપમાનજનક હોય છે. કામાવાળાઓ પરના અત્યાચારોના સમાચારો ઘણીવાર છાપાંના પાને ચઢે છે. તેમાં શારીરિક હિંસા, માનસિક ત્રાસ અને ભેદભાવ પણ છે. જે સંડાસ-બાથરૂમ તે સાફ કરે છે તેનો ઉપયોગ તે કરી શકતાં નથી. લિફ્ટનો ઉપયોગ પણ પ્રતિબંધિત હોય છે. ખાવાનું વાસી અને વધેલું – ઘટેલું આપવામાં આવે છે. સાજે-માંદે કે તહેવારોમાં જ રજા મળતી નથી એટલે અઠવાડિક રજાનો તો સવાલ જ નથી. લગભગ બધાં જ કામો વાંકા વળીને કે લાંબો સમય ઊભાઊભા કરવાના હોય છે. ઘરમાં તેને ટી.વી. જોવાની કે સોફા-ખુરશી-પલંગ પર બેસવાની મંજૂરી નથી. તેણે હંમેશાં ભોંય પર જ બેસવું પડે છે. તેના ખાવા-પીવાનાં વાસણો જુદાં રાખવામાં આવે છે.
ઘરકામ કરનારાઓમાં કેટલાક લિવ ઈન (પૂર્ણકાલીન) અને કેટલાકા લિવ આઉટ (અંશકાલીન) છે. ફુલટાઈમ કામાવાળાને દિવસરાત ઘરમાલિક્ના ત્યાં જ રોકાઈને બધાં કામો કરવાના હોય છે. તેને ઘરના ગેરેજ, સ્ટોર રૂમ કે બીજે રહેવાનું મળે છે. જ્યારે પાર્ટટાઈમ કામ કરનારને કામના ચોક્કસ સમયે આવીને કામ નિપટાવવાનું હોય છે. આ પ્રકારનાં કામો તેઓ એક કરતાં વધુ ઘરે કરતાં હોય છે.
કહેવાતી હાઉસ હેલ્પના બદલામાં આ શ્રમિકોને મળતું મહેનતાણું તેમનાં કામના બદલામાં ઘણું ઓછું હોય છે. પાટનગર ગાંધીનગરમાં શ્રમિકોના યુનિયને કોઈ એક કામ(દા.ત. કચરા-પોતું , વાસણ, કપડા)ના માસિક રૂ. ૯૦૦ ઠરાવ્યા છે. એટલે દિવસના રૂ.૩૦ થયા. સવાર-સાંજ વાસણ માંજવાના હોય તો એક ટાઈમના ૧૫ રૂ. જ કહેવાય. દિલ્હી અને જયપુરના કામવાળા બહેનો પરનું એક અધ્યયન જણાવે છે કે ૬૮ ટકા મહિલાઓ મહિને રૂ. ૧૦ હજાર કરતાં ઓછું કમાય છે. ઘરકામ કરીને રૂ. ૨૦,૦૦૦થી વધુ કમાતી મહિલાઓ માત્ર ૧.૯ ટકા જ છે. ૨૦ ટકાને મહિને રૂ. ૫,૦૦૦થી ઓછા, ૪૬ ટકાને ૫ થી ૧૦,૦૦૦ અને ૬.૯ ટકાને ૧૫ થી ૨૦,૦૦૦ મળે છે.
દેશના કાયદામાં ઘરકામને વ્યવસાય ગણવામાં આવ્યું નથી. એટલે કામવાળાને દેશમાં શ્રમિકનો દરજ્જો મળ્યો નથી. તેના અધિકારો, સલામતી અને કલ્યાણ માટે કોઈ કાયદો કે યોજના નથી. તેની ચોક્કસ સંખ્યા નક્કી થઈ નથી. હાલની સરકારે ૨૦૨૧માં દેશના ૭૪૨ જિલ્લામાં સર્વે હાથ ધર્યો હતો. પણ સર્વેના તારણો હજુ જાહેર થયા નથી. મહિલા, દલિત-આદિવાસી-પછાત અને ગરીબ હોવાનું ત્રણ પ્રકારનું શોષણ શ્રમયોગિની સહે છે. સરકાર અને સમાજની સંવેદનશીલતા કે પછી તેમના મજબૂત સંગઠનો અને આંદોલનો જ કદાચ તેમના દુ:ખો નિવારી શકે.
e.mail : maheriyachandu@gmail.com