તમે અસલી હો તો નકલીની વાતો કરવી છે. આ વાતો કોઈને લાગુ પડતી હોય તો પણ, કોઈએ પાઘડીનાં માપનું માથું કરવાની જરૂર નથી. હસવું આવે તો હસી લેવું અથવા હસી કાઢવું. ચઢેલું મોઢું વધારે ન ચઢાવવું. એમ કરવા જતાં મોઢામાં રહેલું ચોકઠું બહાર નીકળી આવશે ને ખાવાની આપદા પડશે તે નફામાં. સાચું કહું તો આ બધી મોકાણ જ ‘ખાવા’ની છે. સાધારણ રીતે ભૂખ હોય એથી ઓછું ખાવું એવું હિતેચ્છુઓ મોંમાં ઠૂંસતાં ઠૂંસતાં કહેતાં હોય છે. કોઈ વસ્તુ વધારે ભાવે તો થોડી વધારે ખવાય, છતાં ઘણાની હોજરી નથી જ ભરાતી. એમણે તો આખી પૃથ્વી જ મોંમાં ઓરવી હોય છે. એમનું ચાલે તો આકાશના તારા પણ ચોખાની જેમ ચાવી જાય. ઘણીવાર તો લાગે છે કે બધાં ખિસ્સાકાતરું થઈ ગયાં છે ! બ્લેડ માર્યા વગર જ આજુબાજુવાળાને કાતરતા રહે છે. શું છે કે હવે ચૂનો ભીંત પર ઓછો ને માણસ પર વધારે લાગે છે. બધાં જ ચૂનો લગાવવામાં વ્યસ્ત છે. આમ તરવું નથી ફાવતું, પણ છેતરવું તો ઘણાંને ફાવે છે. એવું નથી કે સારા માણસો નથી, પણ સારા ય જાણે નઠારા થવાની સ્પર્ધામાં છે.
એક લગ્નમાં જવાનું થયું. આમ તો કવર કરતાં જ હોઈએ છે, પણ પાર્ટીપ્લોટ પર એક ભાઈ હાથમાં બેગ લઈને નીકળ્યા. કહે કે જેમણે ચાંદલો લખાવવો હોય તે લખાવી દો, જેથી દાળમાં પાણી નાખવાની સમજ પડે. મને એ વાતે આશ્ચર્ય થયું કે ચાંદલાની ય ઉઘરાણી ! બધાં જમવાનાં બાકી જ હતાં, એટલે કવર પકડાવીને જમવા નીકળી ગયાં ને પેલા ભાઈ પણ જમીને ફટાફટ નીકળી ગયા. આમાં બે પાંચ એવાં ય નીકળ્યાં જે કવર અપાઈ ન જાય એની કાળજી રાખીને જમી ગયા. એ રાત્રે લગનવાળાને ઘેર બધું ઉધારીમાં જ લખાયું. પેલા ભાઈ કવર લઈને ગયા, પછી કવર, અનકવર કે ડિસ્કવર થયા નથી. માનો કે ન માનો, પણ કોઈ, કોઈ હવે ઇન્ટેલિજન્ટ પણ છે, જે ઝડપથી એકને બદલે બીજું રિપ્લેસ કરી શકે છે. ઇન્ટેલિજન્સ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી રિપ્લેસ થઈ રહી છે. જો કે, પતિ કે પત્ની રિપ્લેસ થાય તો ગમે, પણ એ પીસ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી પણ બદલાય એમ નથી, એટલે જૂનું એટલું સોનું – એમ માનીને મન મનાવી લેવું પડે છે.
કાલ ઊઠીને કોઈ કહે કે હું પ્રધાન મંત્રી કાર્યાલયમાંથી આવું છું, તો તમે અભિભૂત થાવ કે ભૂત થઈને વળગો? એ તો ઠીક, પણ પેલો વળગે તો તમારું બેલન્સ ને બેન્ક બેલન્સ દાવ પર લાગે એમાં શંકા નહીં ! ગયા માર્ચમાં અમદાવાદના કોઈ કિરણકુમાર કાશ્મીર પહોંચી ગયા ને અધિકારીઓ સામે પી.એમ.ઓ.માંથી આવું છું કહીને રૂઆબથી ઊભા રહી ગયા. એ તો સારું છે કે પી.એમ. છું એમ ન કહ્યું, નહીં તો સરકારી સાહેબો વધુ અંજાયા હોત ! પણ, ભાઈના ખાતામાં બેલન્સ ઓછું ને ભેજામાં રાઈ ઘણી. એ રાઈ કાશ્મીરમાં કાઢી અને Z પ્લસ સિક્યુરિટી સાથે એલ.ઓ.સી., લાલચોક જેવા વિસ્તારમાં બાઅદબ કે બાપઅદબ કરીને ઠાઠથી ફર્યા. ફાઇવ સ્ટાર હોટેલનાં એમનાં બારણે બંદૂકધારી પહેરા પણ ભરાયા. જો કે, સાહેબો સરકારી એટલે આપણા કિરણભાઈએ આતંકવાદી છું – એવું કહ્યું હોત તો પણ આવી જ ટ્રીટમેન્ટ મળી હોત ! સારું છે કે આવનારો અસલી અધિકારી ન હતો. હોત તો એટલી ઇન્ક્વાયરી થઈ હોત કે સાહેબ લાલચોકથી તો ઠીક, પણ માણેકચોકથી જ પાછા ફરી ગયા હોત. એ તો સી.આઇ.ડી.નું ધ્યાન ગયું ને કિરણકુમારને લાવ લશ્કર સાથે ગુજરાત ભેગા કર્યા. આગળ પાછળ પોલીસને જોઈને કિરણકુમારે ગાયું ય હશે કે આગે પીછે હમારી સરકાર, યહાં કે હમ હૈ રાજકુમાર …
વાતાવરણ જ એવું છે કે એકાદ અધિકારી નકલી હોય એટલાથી ચાલે એમ નથી, એટલે છોટાઉદેપુરનાં બોડેલીમાં સરકારી કચેરી સિંચાઈ વિભાગ બનાવી દેવાયાના સમાચાર ઓક્ટોબરના અંતમાં પ્રગટ થયા. આખી ઓફિસ જ નકલી. પણ, હુંશિયાર એટલી કે પ્રાયોજના વહીવટદારની અસલી કચેરીમાં દરખાસ્તો મોકલીને 4.15 કરોડની ગ્રાન્ટ માંગી ને કચેરીએ આપી પણ ખરી. બોલો રે બધાં, મેરા ભારત મહાન. મહાણ નહીં, મહાન ! તમને તો બધું જ સરખું ! એની વે, છોટાઉદેપુર પોલીસે ગુનો દાખલ કરી કોઈ સૈયદ અને રાજપૂતની ધરપકડ કરી. સીટની રચના થઈ. બંને આરોપીઓના ખાતાં ચેક થયાં. રકમ જમા તો થઈ, પણ ઊપડીયે ગઈ …
શું છે કે હવે બધું નકલીથી જ ચાલવા લાગ્યું છે, એટલે અસલી કોઈ ચેક કરતું નથી. ઇન્ટેલિજન્સ જ જ્યાં આર્ટિફિશિયલ થઈ ગઈ હોય ત્યાં નકલી, અસલી લાગે કે ખોટું, ખરું લાગે કે ભ્રષ્ટાચાર, શિષ્ટાચાર લાગે એમ બનવાનું. આધારકાર્ડ, પાનકાર્ડ, રેશનકાર્ડ એટલા નકલી છે કે અસલી જડી આવે તો આઘાત લાગે. ગુજરાતી પ્રજા વેપારી તરીકે જાણીતી છે, પણ નકલીની બોલબાલા વધી છે, ત્યારથી વેપાર પણ અસલી રહ્યો નથી. દૂધ નકલી, ઘી નકલી, પનીર નકલી … ગાયભેંશ જ નકલી હશે, બાકી, દૂધ તો અસલી આવેને ! આબાદી નકલી, બરબાદી અસલી. બ્રિજ તકલાદી … જો કે, સાવ એવું નથી. કોઈ, કોઈ બ્રિજ તો ઊભા પણ રહે છે. ગમ્મત તો એ કે હળદર નકલી હોય તો દળદર અસલી છે. કફ અસલી, કફસિરપ નકલી. આરોપી નકલી, પોલીસ અસલી, ફિલ્લમમાં આવે તેમ મોડી આવે, પણ આવે ખરી. દૂધનું દૂધ ને પાણીનું પાણી ન કરે, કારણ બધું જ પાણી હોય ત્યાં દૂધ કાઢવું ક્યાંથી? આ નકલી સંસ્કૃતિને કારણે શું છે કે લોકો વીમો ઉતરાવતા થયા છે. એ આશાએ કે આપણા પછી છોકરાઓ કારજ તો કરે ! એ જોઈ લેવાનું કે પ્રીમિયમ અસલી હોય તે સાથે વીમો પણ અસલી હોય. આમ તો માથે હાથ દેવા જેવું જ એટલું છે કે માથેથી હાથ હટે નહીં. સારું છે કે ઉપર આભ ને નીચે ધરતી અસલી છે. એ નકલી હોત તો તારાઓ તો કનકતારાની જેમ રોજ જ ખર્યા હોત ને ધરતી કોઠીની જેમ ઉપર જ ગઈ હોત ! એટલું છે કે લોકો બે પગ છે એટલે અત્યાર સુધી તો બે ચંપલ પહેરે છે. કાલ ઊઠીને કોઈ એક ચંપલ બે પગમાં પહેરે તો એ ફેશનમાં ખપે એમ બને. આજ સુધી તો જ્યોતિષને હાથ બતાવાય છે. કાલે કોઈ પગ બતાવે, તો તેની સામે માથું જ ધરવાનું રહે.
જ્યારથી બધું ઓનલાઈન થયું છે, આપણે ફેસબુક, વૉટ્સએપ, ટ્વિટર, ટેલિગ્રામ ને એવામાં અટવાઇ ગયા છીએ. ધાર્મિક ફિલ્મમાં જેમ ભગવાન ઠેર ઠેર દેખાય એમ જ આપણે પણ અહીં તહીં દેખાઈએ છીએ. આર્ટિફિશિયલ ગોડ જ જાણે ! ઘડીકમાં મેસેજ કરીએ, ઘડીકમાં ટ્રોલ થઈએ. ટ્રોલનું તો સમજ્યા, પણ આજકાલ એક ટોલને પણ ટ્રોલ કરાઈ રહ્યો છે. થયું એવું કે મોરબીના વાંકાનેરમાં નકલી ટોલનાકું પકડાયું. દોઢેક વર્ષથી ચાલતું હતું, એટલે એ જ અસલી લાગતું. લાગે જ ને, કારણ વસૂલાત સુરક્ષાકર્મીઓની હાજરીમાં થતી હતી. નોટો સિવાય બધું નકલી હતું. શો એવો કે અસલી હોવાનો વહેમ પડે. લોકો સાથે ઝઘડો ન થયો હોત તો હજી ચાલતું હોત, પણ ફરિયાદ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાને થઈ ને ભોપાળું બહાર આવ્યું, ત્યાં સુધીમાં તો ટોલનાકાએ સરકારને ટાલ પાડી દીધી હતી. આરોપીઓ વાહનોને ડાઇવર્ઝન આપીને ફેક ટોલનાકા પરથી કરોડો વસૂલતા હતા ને સરકારને અંગૂઠો બતાવતા હતા.
આમ ફરિયાદો તો થતી રહી, પણ ફરી, યાદ કોણ કરે? કોઈ માટીદાર, પાટીદારની હોજરી ભરાય તો ફરિયાદ સંભળાયને ! જો કે, નાકું અસલી હોય કે નકલી વાહને તો ટેક્સ ભરવાનો જ હતો. હવે એ સરકારને બદલે કોઈ અ-સરકાર વસૂલે તો એમાં આપણે કેટલા ટકા? સરકારે એની પાસેથી વસૂલ કરવા હશે તો કરશે ને ન કરે તો ય આપણે શું? એક જૂઠાણું સો વખત બોલાય તો તે જ સત્ય લાગવા માંડે, જ્યારે આ તો દોઢેક વર્ષથી ચાલતું હતું ને 82 કરોડ ઉઘરાવીને એણે તો સરકારનું જ કામ કર્યું હતું. બને કે આવી સરસ વસૂલાત કરવા બદલ સરકાર એ નકલીને અસલીમાં ફેરવી દે. શું છે કે હવે એકાદ નકલી અધિકારીથી કે એકાદ નકલી ઓફિસ કે નકલી ટોલનાકાથી પણ ગુજરાતે આગળ જવાનું છે. નકલી કે તકલાદી વસ્તુઓની બાબતમાં ચીન નામચીન હતું, પણ હવે નકલી બધું ગુજરાતમાં જ થવા લાગ્યું છે એટલે ચીનને બદલે હવે ગુજરાતનું નામ ગાજતું થાય એમ બને. આટલું નકલી એકલા ગુજરાતમાં જ હોય તો શંકા પડે કે સરકાર તો અસલી છે કે પછી એ પણ …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 08 ડિસેમ્બર 2023